અસ્પૃશ્યતા આ દેશની ગંભીર સમસ્યા છે, જેના વિરૂદ્ધમાં તમામે અવાજ ઉઠાવવો પડશે. પરંતુ કોણ શરૂઆત કરે?

ગોપાલ જી. ઈટાલીયા (સાહેબ)
૯૦૩૩૧૪૫૨૧૫
“અમારે ભંગ્યા હારે તમારે મોટા માણસોએ નોઁ હોય”
અમારાં ગામનાં વાલ્મિકી સમાજના મગનભાઈને મે કીધું કે આવો બેસો આપણે સાથે આઈસક્રીમ ખાઈએ ત્યારે એમણે મને ઉપર મુજબ શબ્દો કહ્યા…ખૂબ આગ્રહ કર્યો ત્યારે માંડ માંડ આઈસક્રીમ માટે હા પાડી એટ્લે મે મંગાવ્યો.
મને અતિશય દુઃખ લાગ્યું કે એ મારી બાજુમાં બેસવાને બદલે પોતાની જાતને મારાથી દુર રાખી….પણ એક ફોટો પાડી શકુ એટલી ઘડી માંડ માંડ મારી નજીક આવ્યા અને જેવો આઈસક્રીમ આવ્યો કે તરત મારાથી નીચેના સ્થાન ઉપર અને થોડે દુર જઈને બેઠા અને ફરીથી કહ્યુ “તમારે ભંગ્યા હાર્યે નો ખવાય”
મે નાનપણમાં આભડછેટ રાખ્યો છે, ઊંચેથી પાણી પાયું છે, બધુ જ કર્યું છે પણ મને ખબર ન હતી કે હુ આવુ બધુ શા માટે કરુ છું? બસ મારી આસપાસની રહેણીકરણીમાં જે જોવામાં આવ્યુ એ હુ શીખી ગયો અને મારા વર્તનમાં લાગુ કરતો ગયો કે આપણે આ લોકોથી દૂર રહેવાનું….
પછી થોડોક પુખ્ત થયો અને સમજણ આવવા લાગી એમ ધીરેધીરે આપમેળે મનમાંથી આભડછેટ દુર થવાં લાગ્યો અને બધા સાથે હળીમળીને રહેવા તરફ આગળ વધતો રહ્યો ત્યાં અનામતનો મુદ્દો આસપાસની રહેણીકરણીમાંથી મળવા લાગ્યો અને “આ લોકો ઓછાં માર્ક્સ હોવાં છતા આવી જાય છે, દેશને નુકશાન થાય છે” વાળી દલીલોએ મારા મનમાં સ્થાન લેવાનું ચાલુ કર્યું એટ્લે એક આભડછેટ મુકીને બીજા આભડછેટ બાજુ વળવાનું થયુ..
અને હવે હુ સાવ પુખ્ત થયો, સામાજિક રાજકીય બાબતોનો અભ્યાસ કરતો થયો, જાતે વિચારતો અને ચિંતન કરતો થયો, સમાજજીવનના વિવિધ તબક્કાના લોકોને મળીને એમનાં પ્રશ્નો અને તકલીફો જાણી અને એ રીતે મારા વિચારોને તર્ક અને દલીલના રસ્તે લોકો સુધી પહોંચાડતો થયો ત્યારે મને બધુ જ સમજાય છે.
સમાજજીવનના બધા જ સમાજો પોતાની જ્ઞાતિની ખુબ જ કાળજી લે છે કે બનેં ત્યાં સુધી બધે જ આપણી જ્ઞાતિનો માણસ હોવો જોઈયે, ફલાણા મંદીરમાં ટ્રસ્ટી તો ફલાણી અમારો જ હોવો જોઈયે, ફલાણા ખાતાનો મંત્રી અમારો જ હોવો જોઈયે, મુખ્યમંત્રીથી લઈને સરપંચ-તલાટી સુધી બધી જ જગ્યાએ પોતાની જ્ઞાતિનોઁ વ્યક્તિ હોય એવી દરેક જ્ઞાતિની અંદરની અને અંતરની અપેક્ષા હોય છે પણ ક્યારેય સફાઈ કામદાર અમારી જ જ્ઞાતિનો હોવો જોઈયે એવી કોઈએ કેમ માંગ કરી નથી?….બધી જ જગ્યાએ આપણી જ્ઞાતિનો માણસ હોય એવી ઈચ્છા રાખતાં આપણે તમામે સફાઈ કામદાર આપણી જ્ઞાતિનો હોય એવી માંગ ક્યારે કરીશુ?
જ્યારે વિચારો સંકુચિત હતાં ત્યારે એમ થતુ કે આ લોકોને કોણ કહે છે કે તમે સાફ-સફાઈનું કામ કરો? ન ફાવતું હોય તો આ કામ છોડી કેમ નથી દેતા? કોઈ ગળે ચાકુ મુકીને તો કામ કરાવવા મજબુર તો નથી કરતું ને??
પણ હવે પોતાની બુદ્ધિથી વિચારું છું તો ખ્યાલ આવે છે કે એ વાલ્મિકી પરિવારનો સભ્ય સફાઈકામ ન કરે તો શુ કરે?? ઍની પાસે આપણે શુ વિકલ્પ વધવા દીધો છે?? એ માણસ ક્યાં જાય? શુ ધંધો કરે? એને લૉન કોણ આપે? ઍની દુકાન પર પાન-મસાલો કે ચા-બીડી માટે કોણ આવે? આખરે તો મજબૂર થઈને એ માણસ શુ કરે? બસ સફાઈકામ જ ને….
એમને અનામત મળે તો દેશને ખુબ મોટુ નુકશાન થાય છે અને કાર્યક્ષમતા નબળી પડે છે એવી દલીલોથી માથું પાકી ગયુ હવે મારી બુદ્ધિથી વિચારું છું તો ખ્યાલ આવે છે કે આ દેશના લાખો કરોડો લોકો અછૂતપણાના લેબલના કારણે ભણી નથી શકતા, લાખો આદિવાસી આજેય જંગલમાં જ છે, હજારો વંચિતો અને વિચરતી-વિમુકત જ્ઞાતિના કરોડો બાળકો શાળાના દરવાજા સુધી નથી પહોંચ્યા ત્યારે એમનામાં રહેલી કુદરતી ટેલેન્ટ અને ક્ષમતાઓને શિક્ષણના માધ્યમથી આગળ લાવી એન્જિનિયર બનાવવાના બદલે મજૂર બનાવીને આપણાં દેશે નથી કર્યું??
આપણે અનામતના કારણે ઓછાં માર્ક્સવાળા એન્જિનિયર, ડૉક્ટર, કે અધિકારી ઘુસી જાય છે એવો કકળાટ કરીયે છીયે પણ જાતિવાદ, અસ્પૃશ્યતા અને ભેદભાવના કારણે કરોડો બાળકો ભણી શકતા નથી ત્યારે આ બાળકોમાં રહેલ ભવિષ્યનો રમતવીર, ગાયક, ડાન્સર, વૈજ્ઞાનિક, એન્જિનિયર, કે સારો નેતા ગુમાવવા બદલ ભારતદેશને થતુ નુકશાન કેમ આપણને દેખાતું નથી?? દેશના કરોડો બાળકો અસલી હરીફાઈમાં જ ઉતરી શકતા નથી ત્યારે વગર હરીફાઈએ આપણે દેશ માટે ઉપયોગી છીયે એવું કેમ માની લેવું??
એ લોકો વ્યસની હોય છે, દારુ પીવે છે, દોરા-ધાગ઼ામાં માને એટ્લે એ લોકોનું ક્યારેય સારુ ન થાય એવી સમજણ મને આસપાસમાંથી મળી હતી પણ આજે મારી બુદ્ધિથી વિચારું છું તો ખબર પડે છે કે જેમ કપડા ખરીદવા માટે ગુજરી બજાર અને રેમન્ડનો શો-રુમ હોય એમ અંધશ્રધ્ધાને પોષવા માટે ગરીબ માણસ મેલડીમાં ના મંદીરમાં જાય અને અમીર માણસ સત્યસાંઈના જાદુઈ દરબારમાં જઈને બેસે, ગરીબ માણસ કોથળી પીવે જ્યારે અમીર માણસ દીવના દરિયાકાંઠે પીવે….એમ જોવા જઇએ તો આ દુનિયામાં સારુ કોણ છે?? બધા પીવે જ છે ને? તો’ય લારીવાળો, સફાઈકામદાર અને રીક્ષાવાળો દારૂડિયૉ ગણાય પણ VAT69 પીતો માણસ સજ્જન….વાહ ભાઈ વાહ… અસ્પૃશ્યતા આ દેશની ગંભીર સમસ્યા છે જેના વિરૂદ્ધમાં તમામે અવાજ ઉઠાવવો પડશે પરંતુ કોણ શરૂઆત કરે??
હુ જ્યારે આ મુદ્દે બોલું છું ત્યારે “પટેલો પોતાની સોસાયટીમાં બીજાને મકાન નથી આપતાં એનું કર પહેલા” એવી દલીલ દ્રારા મને ચુપ કરવાનો અને હતાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો શુ જયાં સુધી બધાં જ પટેલો પોતાની સોસાયટીમાં બીજાને મકાન આપવાનું ચાલુ ન કરે ત્યાં સુધી મારે આભડછેટ વિશે કાંઈ બોલવું જ ન જોઈયે એવું?? શુ હુ પોતે મારા વ્યક્તિગત જીવનમાં અને પરિવારમાં અસ્પૃશ્યતા નાબૂદ કરું એ પુરતું નથી??
અને બીજુ તો હુ શુ કરી શકુ?? બધા જ પટેલો પોતાની સોસાયટીમાં મકાન આપે એવું ઘરે ઘરે સમજાવવા જાઉં એનાં કરતા હુ મારા દિલમાં અને દિમાગમાં જગ્યા આપુ, મારા ઘરે આવકારુ, સાથે હાળીમળીને રહુ અને એ રીતે બીજાને પ્રેરણા પણ પુરી ન પાડી શકુ??
આપણે સૌએ સાથે મળીને અસ્પૃશ્યતા નાબૂદ કરવાની દિશામાં આગળ વધવાનું છે. અસ્પૃશ્યતા નાબુદી એ સામુહિક કાર્યક્રમ નથી પરંતુ વ્યક્તિગત સુધારો લાવવાની પ્રક્રિયા છે તો દોસ્તો આપને વિનંતી કે આપણે સૌ સાથે મળીને આ દિશામાં આગળ વધીએ અને દેશમાં ભેદભાવમુકત સમાજની રચના કરીયે…