ગુજરાત કોંગ્રેસને અભિનંદન

(કોંગ્રેસમાં સંગઠનનું જબરજસ્ત મોટું માળખું જાહેર થયું છે. ફેસબુક પર અભિનંદનની ભરમાર જોઈને મારાથી ના રહેવાયું અને થયું કે હું પણ અભિનંદન આપતો આવું. અને નેતાઓ જોડે ફોટા પડાવતો આવું. એક ટ્રક ભરીને ગુલદસ્તો તૈયાર કરાવ્યા અને હું પહોંચી ગયો કોંગ્રેસ કાર્યાલય.)
હુ : બધા કોંગ્રેસીઓને ખૂબ ખૂબ અભિનંદન. 💐
કાર્યકર્તા : મને તો કોઈ હોદ્દો નથી મળ્યો તો શેના અભિનંદન?
હું : (એક ગુલદસ્તો આપતા) તમે 15 વર્ષથી કાર્યકર્તા છો અને હજુય હોદ્દો નથી મળ્યો તેના અભિનંદન.
કાર્યકર્તા : તમે અમારી મજાક ઉડાઓ છો?
હું : મજાક તો તમે જાતે તમારી બનાવી છે. અમે તો ફક્ત તમારી મજા લઈએ છીએ.
કાર્યકર્તા : (આશાવાદ સાથે) ના ના. એવું નથી. બીજી વાર સંગઠનનું માળખું બનશે ત્યારે મને જરૂર હોદ્દો મળશે.
હું : (બીજો એક ગુલદસ્તો પકડાવતા) તો તો તમને ડબલ અભિનંદન.
કાર્યકર્તા : ડબલ અભિનંદન કેમ?
હું : 15 વર્ષ બાદ પણ તમારામાં જે ધીરજ અને આશાવાદ છે તેના ડબલ અભિનંદન.
આઇટી સેલ વાળા : (ગુસ્સેથી) અભિનંદન આપવાનું કામ તો અમારું છે તમે કેમ આપો છો?
હું : કેમ? બીજી કોઈ વ્યક્તિ નવા હોદ્દેદારોને અભિનંદન ના આપી શકે?
આઇટી સેલ વાળા : તમે બહારના લોકો અભિનંદન આપશો તો આઇટી સેલ વાળા શુ કરીશું? આમેય અભિનંદનના ફોટા બનાવવા સિવાય અમારી જોડે કામ ક્યાં છે? તમે અમારું એ કામ પણ છીનવી લેવા માંગો છો?
હું : શું વાત કરો છો! કેમ? સોશિઅલ મીડિયામાં સરકારનો વિરોધ નથી કરતા?
આઈટી સેલ વાળા : ના. પછી હોદ્દેદારોને એવું લાગે કે અમે આઇટી સેલ વાળા જ વિરોધપક્ષનો હોદ્દો લેવા માંગીએ છીએ. એટલે સેફ સાઈડ અભિઅંદન જ આપીએ છીએ.
હું : (ગુલદસ્તો આપતા) આવી નિષ્ઠાપૂર્વક ચૂપચાપ, દિવસ-રાત અભિનંદન આપતા આઇટી સેલ વાળા તમે બધા અભિઅંદનને પાત્ર છો.
આઇટી સેલ વાળો – 2 : આતો ફેસબુકવાળાને અભિનંદન આપ્યા અમારા ટ્વિટર વાળાને કાઈ નહિ?
હું : (ગુલદસ્તો આપતા) લો ભાઈ. તમને પણ અભિનંદન. (પાછળ એક નાનું છોકરું ઉભું હતું. હું સમજી ગયો કે નક્કી આ પાર્ટીનું વ્હોટ્સએપ સાંભળતું હશે. એટલે એક ગુલદસ્તો એને પણ આપી દીધો. અને આગળ વધ્યો.)
સામેથી નેતાજી આવતા હતા.
હું : (ગુલદસ્તો આપતા) નેતાજી નવો હોદ્દો મળવા બદલ ખુબ ખુબ અભિનંદન. હવે તો સરકારનો વિરોધ કરશોને?
નેતાજી : કેમ આવું બોલો છો? અમે વિરોધ કરીએ તો છીએ દિવસ-રાત!
આઇટી સેલ વાળો : (ધીમેથી) હા. પણ પાર્ટીની અંદર. હોદ્દા લેવા માટે.
નેતાજી : (આઇટી સેલ સામે આંખો કાઢતા) શુ કહ્યું?
હું : (વાતને ફેરવતા) તમે લોકો સરકારનો વિરોધ બરાબર નથી કરતા. છેલ્લી ઘડીએ ફસકી જાવ છો અને સરકાર જોડે સેટિંગ કરી લો છો તેવી તમારી છાપ છે.
નેતાજી : હોતું હોય. આ પેલા ગ્રુપના માણસને શહેર પ્રમુખ બનાવ્યો તો મેં 100 જણના રાજીનામાં મુકાવ્યા’તા. અંતે મને ઉપપ્રમુખ બનાવવો જ પડ્યો. અમે અંત સુધી લડનારા માણસો છીએ.
હું : (લમણે હાથ દઈ) હું તો પ્રજાના પ્રશ્ને લડવાની વાત કરું છું.
નેતાજી : હાથમાં હોદ્દો હશે તો પ્રજાના પ્રશ્ને લડીશુંને?
હું : સારું ભઈસાબ! હવે હોદ્દો મળી ગયો તો તમારો પ્રથમ મુદ્દો કયો હશે?
નેતાજી : પાર્ટી ઓફિસમાં શહેર પ્રમુખને મોટી કેબીન મળી છે અને મને નાની. સૌથી પહેલા તો મોટી કેબીન માટે માંગ કરીશ.
હું : પણ પ્રજાના ક્યાં પ્રશ્ને લડશો? એમ પૂછું છું.
નેતાજી : મોટી કેબીન હશે તો વધારે લોકોને બેસાડીને તેમની સમસ્યા સાંભળી શકીશ ને?
હું : સાચી વાત તમારી. ચાલો આ મોટી કેબીન માટેની લડાઈ માટે પણ અભિનંદન. (બીજો એક ગુલદસ્તો પણ આપી દીધો.)
(માઈનોરિટી, sc, st સેલ વાળા)
હું : (4-5 ગુલદસ્તા આગળ કરતા) તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન.
સેલ વાળા : શુ કંકોડા અભિનંદન.
હું : કેમ ભાઈ! શુ થયું? હોદ્દો મળ્યો એ ના ગમ્યો?
સેલ વાળા : પાર્ટીમાં અમારા સમાજની વસ્તી સૌથી વધારે, અમારા સમાજના કાર્યકર્તાઓ સૌથી વધારે, દોડાદોડ પણ અમે જ સૌથી વધારે કરીએ અને મળ્યું શુ? તો કહે સેલ પ્રમુખ, સેલ ઉપપ્રમુખ
હું : હા તો શું થયું? મન નાનું ના કરો. હવે તમે તમારા સમાજના કામ તો કરી શકશો ને?
સેલ વાળા : શુ કામ કરીએ? બધી સત્તા તો મુખ્ય હોદ્દાઓવાળા પાસે છે. અમારે તો બધું તેમને પૂછી પૂછીને કરવાનું અને જો ભૂલે ચુકે ભીડ ભેગી કરી લઈએ અને કદ વધતું દેખાય તો કોઈકને કોઈક ભાષણ આપવા આવી જાય.
હું : આ સમાજની ભીડ ભેગી કરવામાં પણ કંઈક મળતું હશે ને?
સેલ વાળા : (ધીમે અવાજે) આવી વાતો જાહેરમાં ના કરો. ભલા માણસ, અમારે પણ બૈરી છોકરા છે. ઘર ચલાવવાનું કે નહીં?
હું : બિલકુલ ચલાવવાનું. તમારા જેવાનું ઘર ચાલશે તો sc, st, minority જેવાને “અમારું કોઈક છે” તેવું લાગ્યા કરશે. (અને ગુલદસ્તા હાથમાં પકડાવી દીધા.)
એટલામાં,
મોટા નેતાજી પસાર થયા.
હું : (ગુલદસ્તો આગળ કરતા) મોટા નેતાજી, અભિનંદન.
મોટા નેતાજી : અલ્યા મને શેના અભિનંદન. મારો ક્યાં કોઈ હોદ્દો બદલાયો છે?
હું : એટલે જ અભિનંદન આપું છું. સાલું! તમે નથી પાર્ટી માટે કામ કરતા કે નથી પ્રજા માટે પ્રશ્નો ઉપાડતા. ગુજરાતમાં વિરોધ પક્ષ જેવું કાંઈ લાગતું નથી ને તોય ઠાઠથી હોદ્દા પર બેઠા છો. અભિનંદનને અસલ લાયક તો તમે જ છો. (પકડાઈ દીધું હાથમાં)
મોટા નેતાજી : તમને શું ખબર કે અમે કામ નથી કરતા? આ નવા સંગઠનમાં મારા કેટલા લોકોને ગોઠવ્યા ખબર છે? પાર્ટીમાં ટકવા માટે કેટલી મહેનત કરવી પડે છે, એ ખબર છે? હોદ્દો હશે તો 4-5 વર્ષ પછી સત્તા પક્ષને જોઈ લઈશું.
હું : આહા! તમારા ઉચ્ચ વિચારો માટે પણ અભિનંદન.
મોટા નેતાજી : વિચારોથી માણસને ઊંચો હોદ્દો મળે છે બાકી કાર્યકર્તા બનીને મજૂરી તો કોઈપણ કરી શકે. (Sc, st, માઈનોરિટી સેલ વાળા આ સાંભળી રહ્યા હતા.)
હું : તમારા ઉચ્ચ વિચારો માટે પણ અભિનંદન. પણ આ ગુજરાતની પ્રજાના પ્રશ્ને કામ ક્યારે શરૂ કરશો?
મોટા નેતાજી : કામ ચાલુ જ છે. હમણાં જ ખેડૂતો માટે અમે સાયકલ રેલી કાઢી હતી.
હું : અને રેલી પોતાનો પગાર વધારો લઈને ઘર ભેગી થઈ.
મોટા નેતાજી : (વાત ફેરવતા) મારે હજુ ઘણું કામ છે. ફરી ક્યારેક ચર્ચા કરીશું. (અને નીકળી ગયા.)
પછી તો મહિલા સેલ, યુથ સેલ, અને નાના મોટા બધાને અભિનંદન કર્યા. પાર્ટી ઓફિસે ઉભા વોચમેનને પણ અભિનંદન કરી આવ્યો.
એક ગુલદસ્તો મેં ગુજરાતની પ્રજાને પણ આપ્યો કે “ધન્ય છે તમને. આટલા વર્ષોથી સત્તા પક્ષ અને વિપક્ષની મીલીભાગત જોતા આવો છો, તોય ત્રીજા વિકલ્પ માટે તૈયાર નથી થતા!”
ખાલી ટ્રક સાથે પાછો ફરતો હતો ત્યારે મારો ટ્રક ડ્રાઈવર હસતો હતો. મેં પૂછ્યું “કેમ હશે છે?”
ટ્રક ડ્રાઈવર : “આજે તો આ લોકોએ અભિનંદન અભિનંદ કરી લીધું. કાલે સવારે ઉઠીને શુ કરશે? એ વિચારીને હશું છું?”
ટ્રક ડ્રાઈવરને ખબર નથી કે કોંગ્રેસ આજે અભિનંદન પાર્ટી બની ગઈ છે. ગોતી કાઢશે કોકને ને કોકને અભિનંદન કરવા….