દીકરી એટલે સમાજની આંખ અને રાષ્ટ્રની પાંખ

આવા સરસ સ્લોગન સાથે ચાલુ થયેલ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૮ ના ઉત્સવમાં કેન્દ્ર સ્થાને રહેલ એક દીકરીની વાત અહીં મૂકીને બીજી અનેક દીકરીઓ અને દીકરીઓના માબાપના ઉચ્ચ ઈરાદાઓને પાંખો જરૂર મળશે.
એક ૨૦ વર્ષની દીકરીને સંમ્માનપૂર્વક બોલાવડાવી અને સરસપુર શાળા નંબર ૧૩ ના પરિવાર, પ્રિન્સિપાલ શ્રી સંદીપ સર અને બી.જે.પી કાર્યકર્તા મુકેશભાઈએ દીકરીઓ માટે ખુબ સન્માનનીય કામ કરીને પ્રેણાદાઇ બનવાનો અવસર ઝડપી લીધો છે. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીને ધ્વજવંદન કાર્યક્રમમાં સાથે રાખી દેશનું સૌથી સન્માનીય કાર્ય તિરંગાની દોરીને સન્માન સાથે ખેંચી હવામાં લહેરાવવા આમંત્રણ આપી, બીજી અનેક દીકરીઓને પ્રેરણા પુરી પાડવા માટે, સમગ્ર શાળા પરિવાર ને અભિનંદન અને આભાર.
ઊર્મિ કિરીટભાઈ પરમારની ત્રણ દીકરીઓમાંની સૌથી મોટી દીકરી હિનલનો ઉછેર ભાઈમણીની ચાલી, ઈંટવાળા સરસપુરમાં થયો અને પ્રાથમિક અભ્યાસ સરકારી શાળા સરસપુર નંબર ૧૩ માં જ કર્યો. હિનલ શાળાના બધાજ કાર્યક્રમોમાં આગવી ટેલેન્ટ બનીને શાળાની શાનમાં વધારો કરતી રહી.
વક્તૃત્વ સ્પર્ધા વિજેતા
જૂડો કરાટે વિજેતા
ડાન્સ કોમ્પિટિશન વિજેતા
સ્ટેજ એક્ટિંગ વિજેતા ( ટી.વી. સીરીઅલ માટે ઓફર,
અભ્યાસ માટે ઠુકરાવેલ)
સંગીત સ્પર્ધા વિજેતા
રાઇફલ શુટિંગ વિજેતા
હોર્સ રાઇડિંગ વિજેતા
ગોળાફેંક વિજેતા
આ સાથે અભ્યાસમાં તો અવ્વલ. એક વ્યક્તિમાં અનેક પ્રતિભાશાલી ટેલેન્ટ પ્રસંશાને પાત્ર છે. હાલ બી.એસ.સી. કોમ્પ્યુટર સાયન્સ.
શાળાના દરેક કાર્યક્રમમાં આ દીકરીના નામનું એનાઉન્સ ના હોય તો જ નવાઈ લાગે, એવી તેજતર્રાર દીકરીએ ચાલીમાં ઉછરી સરકારી શાળામાં અભ્યાસ કરીને એક મજબૂત ઉદાહરણ પૂરું પડેલ છે. કહે છે કે “નો બહાના બાજી સિર્ફ પરિસ્થિતિ સામે મુક્કાબાજી”. મજબૂત મનોબળને ઊંચી ઉડાન માટેની તૈયારી હશે તો તમે ક્યાં રહો છો? આર્થિક પરિસ્થિતિ કેવી છે? અને મોંઘી મોંઘી શાળા અને મોંઘા કેમ્પસના મળ્યાના કોઈ બહાનાની જરૂર પડશે નહિ. માબાપને દીકરો જ કુળદિપક હોવાના ભ્રમ પણ તોડી નાખતી દીકરીઓ મેદાન મારી રહી છે.
જો દીકરો હોતો તો આમ કરતો ને તેમ કરતો એ બહાના, મનને બહેલાવવા પૂરતા બરાબર છે. અનેક ઉદાહરણો છે દીકરીઓ કુળદીપક બનીને સમાજમાં ઈજ્જત અપાવી શકે છે. છોકરાઓ અને છોકરીઓમાં સમાનતાના શિખર, સમાજ સર કરી રહ્યો છે એ વાતનું આ ઉત્તમ ઉદાહરણ છે. તો દીકરીઓને અવસર આપો, ઘરમાંથી જ મજબૂત મનોબળ માટે પ્રોત્સાહિત કરો, છોકરીને અબળા કહીને તેને લઘુતાગ્રંથિ નો શિકાર બનવાના રસ્તા ખોલી ના આપો. દીકરા કે દીકરીઓની અંદર રહેલ શક્તિઓને ઉજાગર કરવાના અવસર આપો.
આ દીકરીના માબાપ અને એના શિક્ષકગણની જેમ દીકરીઓને બિરદાવતા રહીયે અને અભ્યાસ સાથે સાથે એમનામાં રહેલ આંતરિક શક્તિઓને ખીલવવાના અવસર ને ઉજાગર કરવા નિમિત્ત બનીયે.