નવા જમાનાની એક પ્રેમ કથા….
છોડી નાસી ગઇ.. આવી વાતો કાનખજુરા કરતાં પણ વધારે પગ ધરાવે છે..બધે વાત ફેલાઈ ગઈ.
કાંઈ જાણ્યુ? એવા પ્રશ્નાર્થવાકયથી શરુ થયેલા સંવાદથી વાત આર્ંભાતી. અને છોકરીના લખ્ખણ પહેલેથી ઠીક નહોતા.. મને તો ખબર હતી કે આ શનાલાલનું નાક કાપશે.. ત્યાંથી આ વાત પુરી થતી. પ્રેમકથામા બધાએ મજાથી રસ લીધો.. શનાલાલની છોડીને કારણે પાડોશીઓ હમણા થયેલી ચૂંટણીની ચર્ચા પણ ભુલી હતા.
થોડા દિવસ તો શનાલાલ અને એમની પત્ની બહાર પણ નહોતા નીકળ્યા.. આમતો શનાલાલ અમારી જોડેની સોસાયટીમાં રહેતા. અલપઝલપ મળવાનુ થતુ. મારી અને મારા ધર્મપત્ની જિજ્ઞાસા મને છેક શનાલાલના ઘરે મુકવા આવી…
” અરે શનાલાલ આ હું સાંભળુ છુ..? ” મે ઘરમા પ્રવેશતા જ પુછી લીધું. હમણાંથી રોજ રડવાના આદિ શનાલાલે ઠુંઠવો મુક્યો.. કોરસમા એમના પત્ની પણ જોડાયા.. પછીતો ભાગી જનારની ભાભી પણ રડવામા મન મુકીને જોડાઈ.. હુ કોને છાના રાખવા એની વિમાસણમાં પડ્યો.. જૈના ખભે હાથ મૂકીને સાંત્વના આપી શકાય એવા એકમાત્ર શનાલાલ જ હતા.
થોડીવાર પછી વાતાવરણ કાબુમા આવ્યુ.
થયુ શુ..? ફરીથી શનાલાલ પોક ન મુકે એ બીકથી મે પ્રશ્ન થોડો હળવો કર્યો..
“આ આપણી ધારા… પેટ્રોલપંપવાળા જોડે પ્રેમલગ્ન કરી નાંખ્યા બોલો..”
“ચાલો છોકરી સુખમા ગઈ… છોકરો પેટ્રોલપંપનો માલિક છે ને?” મે એમનું દુખ હળવુ કરવા કહયુ.
“ધુળને ઢેફાં.. પેટ્રોલપંપ ઉપર નોકરી કરે છે.” શનાલાલે ગુસ્સામાં કહયુ.. મને વાતમા માનવસહજ રસ પડ્યો. મે શનાલાલના સામે પ્રશ્નાર્થ નજરે જોયું. ચારપાંચ દિવસમાં શનાલાલ આવી પ્રશ્નાર્થ નજરના આદિ બની ગયા હતા..
” પેલા મુઆનો પ્રેટ્રોલપંપ આપણી સોસાયટીથી સાવ નજીક , પહેલા તો ધારા એની સ્કુટીમા ચારપાંચ દહાડે પેટ્રોલ પુરાવતી પણ છેલ્લા એકાદ મહિનાથી એ રોજ પ્રેટ્રોલપંપ ઉપર પ્રેટ્રોલ પુરાવવા જવા લાગી.. એમા જ આ મ્હોકાણ થઈ..” એમ કહી શનાલાલે નવેસરથી ઠુંઠવો મુક્યો.. ઘરના એક પછી એક બધા કોરસમા જોડાવા લાગ્યા..
ફરી મે વાતાવરણ શાંત પડવા દીધુ.. પછી મારા સ્વાર્થનો સવાલ પુછી લીધો..
“શનાલાલ આ ધારાવાળી સ્કુટી વેચવી છે?”
“અરે એ વેચીને તો બંનેએ લગ્ન કર્યા.. બાકી પેલા ભુખડીબારસ જોડે હતુ શુ?”
હુ પણ શનાલાલ જેટલો નિરાશ થઈ ગયો..
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા