નશીલી દવાઓનું ગેરકાયદે વેચાણનો ગુજરાત જનતા જાગ્રૃતિ મંચ દ્વારા પર્દાફાસ – ૪૬ લાખનો જથ્થો પકડાવ્યો.

Wjatsapp
Telegram

રજનીકાંત સોલંકી
પ્રમુખ
કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિ
ગુજરાત જનતા જાગ્રૃતિ મંચ
9725542874

અખબારોમાં તમે વાંચ્યું જ હશે કે નશા માટે વપરાતી કોડીન કફ સીરપની ૪૬ લાખ રૂપિયાની, કિમતની બેતાળીસ હજાર બોટલો, એનસીબીએ પકડી. પરંતુ, એ રેકેટનો પર્દાફાશની સ્ટોરી એ કોઈ એક્શન-થ્રીલર ફિલ્મથી કમ નથી. જે લોકો અલગ અલગ ક્ષેત્રોમા ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા છે, એમને અધિકારીઓના કડવા અનુભવ થતા હશે, ત્યારે દિશાની વિરુદ્ધ એમની પાસે કઈ રીતે કામ કરાવવું, એ જાણી શકે એ માટે આખી ઘટનાનો ચિતાર રજુ કરું છું

આમ તો ફાર્માસિસ્ટ માટે લડવાની શરૂઆત ચાર વર્ષ પહેલા કરી હતી. એ આંદોલને મને એક આંદોલનકારી તરીકે પ્રસ્થાપિત કર્યો હતો. એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં વડાપ્રધાન બનતા, આનંદીબેન પટેલે ગુજરાતનો કાર્યભાર સંભાળ્યો. એના થોડા માસ બાદ જુલાઈ ૨૦૧૪માં ફાર્માંસીસ્ટનાં આંદોલનની શરૂઆત કરી. ડ્રગ એન્ડ કોસ્મેટિક એકટ ૧૯૪૦ અને ફાર્મસી એક્ટ ૧૯૪૮ મુજબ મેડીકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટ જ દવાનું વેચાણ કરી શકે એ નિયમ હોવા છતાય FDCA ( ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન)માં વ્યાપક ભ્રષ્ટ્રાચારનાં કારણે, સમગ્ર ગુજરાતમાં ૮૦%થી વધુ મેડીકલ સ્ટોર્સ ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં ચાલતા હતા. દવાનું પુરતું જ્ઞાન ના ધરાવતા લોકો ફાર્માસિસ્ટનું લાયસન્સ ભાડે લાવી મેડીકલ ની હાટડીઓ ખોલી અબુધ પ્રજાને લુટી રહ્યા હતા. ફાર્માસિસ્ટની બેરોજગારીનું પ્રમાણ વધી ગયું હતું અને મેડીકલમાં નોકરી કરતા ફાર્માસીસ્ટને બાર કલાકની થકવી દેનારી કામગીરીના બદલામાં ખુબ નજીવો પગાર મળતો હતો. કપનીઓમાં નોકરીમાં શોષણ અને માનસિક ટોર્ચર વધી ગયું હતું ત્યારે ફાર્માંસીસ્ટનાં આત્મસમ્માન માટે ૩ જુલાઈ ૨૦૧૪ ના રોજ આરોગ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત મેડીકલ સ્ટોર્સમાં ફરજીયાત ફાર્માસિસ્ટ માટે લડતનો આરંભ કરવામાં આવ્યો અને એક વર્ષ સુધી અધિકારીઓને ફરિયાદો આપી મેડીકલ સ્ટોર્સમાં રેડ કરાવવામાં આવી કેટલીક જગ્યાએ જાતે મીડિયા સાથે રેડ કરી, બોગસ મેડીકલ સ્ટોર્સની પોલ ખોલવામાં આવી. અન્ય કોઈ આંદોલનો નાં હોવાથી સતત એક વર્ષ સુધી મીડિયા અને સોસીયલ મીડિયામાં ફાર્માસિસ્ટનું આંદોલન છવાયેલું રહ્યું.

માત્ર એક જ વર્ષમાં આ આંદોલનને કારણે સમગ્ર ગુજરાતના ૧૩૪૫ મેડીકલ સ્ટોર્સને તાળા વાગી ગયા અને ૨૮૫૫ મેડીકલને સસ્પેન્શન આપવામાં આવ્યા. આ આંદોલનને પરિણામે ૬૫૦૦ જેટલા બેરોજગાર ફાર્માસિસ્ટને રોજગારી મળી પગારમાં પણ નોંધપાત્ર સુધારો થયો..

પણ થોડા મહિના પહેલાં નોકરીની પૃચ્છા માટે એક ફાર્માસિસ્ટ છોકરીનો ફોન આવ્યો. જેનો પોતાનો મેડીકલ સ્ટોર હતો, પરંતુ ફાર્માસિસ્ટનું લાયસન્સ ભાડે લાવી, આજુબાજુ ઢગલાબંધ મેડીકલ ખુલી જવાના કારણે પોતાની દુકાનનું ભાડું પણ માંડ નીકળતું હોવાથી એને મેડીકલ બંધ કરવો પડ્યો. એની વાત જાણી ખુબ જ આઘાત લાગ્યો. પાછી પહેલા જેવી સ્થિતિ થઇ ગઈ હતી ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં મેડીકલ ધમધોકાર ચાલી રહ્યા હતા. મનોમંથન કરતા અમે કરેલી બધી ભૂલો સામે આવી
(૧) અમે FDCA માંથી ભ્રષ્ટાચાર ખતમ નહોતો કર્યો.
(૨) અમે લાયસન્સ ભાડે આપતા ફાર્માસિસ્ટ વિરુદ્ધ કડક પગલા લેવડાવ્યા નહોતા.
(૩) અમે મેડીકલ સંચાલકોમાં કાયદાનો ડર બેસાડ્યો નહોતો.
(૪) અમે શોભાના ગાંઠીયા જેવી ફાર્મસી કાઉન્સીલને કામ કરતી કરવા દબાણ ઉભું કર્યું નહોતું.
(૫) અમે ફાર્માસિસ્ટને પોતાના મેડીકલ કરવા પ્રોત્સાહિત કરવાની જગ્યાએ સારો પગાર મળે એના ઉપર ફોકસ કરેલ.

આ તમામ ભૂલો સુધારવા દયા અને લાગણીઓ બાજુમાં મૂકી, નોનફાર્મસી લોકોના મેડીકલ કાયમ બંધ કરાવી, ફક્ત ફાર્માસિસ્ટ જ મેડીકલ ખોલે અથવા ભાગીદાર હોય એ લક્ષ્યને ધ્યાનમાં રાખી, માર્ચ મહિનાથી ફરી ફાર્મા પ્રોફેશનને સમ્માન અપાવવા અને જનતા ડિસ્કાઉન્ટની લાલચ છોડી, પોતાના આરોગ્ય પ્રત્યે સભાન બને અને યોગ્યતા ધરાવતા ફાર્માસિસ્ટ પાસેથી દવા ખરીદે, એ માટે જાગૃતિ લાવવાનાં ઉદેશ્યથી ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ લડતનો આરભ કરવામાં આવ્યો અને સૌ પ્રથમ ચેઈન સ્ટોર્સમાં થઇ રહેલ ફાર્માસિસ્ટનાં શોષણને રોકવા ચેકીગ કરાતા એપોલો ફાર્મસીના વિવિધ સ્ટોર્સની ગેરરીતિઓ સામે આવતા એ ઉજાગર કરી, એમને સજા કરાવડાવી. ત્યારબાદ બોગસ મેડીકલ સંચાલકો દ્વારા નસીલી દવાનું વેચાણ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું. ગુજરાતમાં દારૂબંધી હોવાથી યુવા પેઢી નશા માટે આસાન રસ્તા અપનાવી રહી છે અને આ બોગસ મેડીકલ સંચાલકો અલ્પ્રાઝોલમ, પેન્ટાઝોસીન, નાઈટ્રાઝેપામ અને કોડીન જેવા નશીલા તત્વો ધરાવતી દવાઓ મનફાવે એ ભાવે વેચી યુવા ધનને બરબાદ કરી રહ્યા છે. મુસ્લિમ યુવાનોમાં દારૂ પર પ્રતિબંધ હોવાથી એ લોકોમાં કોડીન કફ સિરપનું સેવન કરવાનું પ્રમાણ વધુ છે. આ દવાઓ ઉપર પ્રતિબંધ નથી પણ એ નાર્કોટિક કેટેગરીમાં મુકવામાં આવી છે અને ડોકટરના પ્રીશ્ક્રીપ્શન સિવાય આ દવાઓ વેચી શકાય નહિ. આ બાબતોની ગંભીરતાને લક્ષમાં રાખી અને યુવા પેઢીને બરબાદ થતી અટકાવવા FDCAમાં ફરિયાદ કરી, અમદાવાદ પૂર્વના આસીસ્ટન્ટ કમિશનર જે. એ. પટેલ દ્વારા પરંપરાગત રીતે મેડીકલ સ્ટોર્સમાં જઈ તપાસ કરવાની જગ્યાએ હોલસેલ વેપારીઓના ત્યાં રેડ કરી, ક્યાં મેડીકલને કેટલી કોડીન કન્ટેઇન ધરાવતી કફ સિરપ વેચી છે, એના ડેટા કઢાવી, એના આધારે જે તે મેડીકલ ઉપર દરોડા પાડતા ખરીદ અને વેચાણનો મેળ રજુ નાં કરી શકેલ મેડીકલના લાયસન્સ કેન્સલ કરી દેવાનું શરૂ કરતા, મેડીકલ સંચાલકોમાં ફાફડાટ વ્યાપી ગયેલ. ઉપરના લેવલેથી તેમજ રાજકીય દબાણ લાવવા છતાય શ્રી જે. પી. પટેલે કોઈ મચક આપી નહિ. અમદાવાદના હોલસેલ વેપારીઓએ આ દવાનું વેચાણ માર્યાદિત કરી દેતા, અમદાવાદમાં કોડીન કફ સીરપનાં વેચાણમાં ધૂમ નફો ભાળી ગયેલ લોકોને પર્યાય શોધવાની ફરજ પડી અને બીજા જિલ્લાઓમાંથી બીલ વિના આ સીરપ મંગાવવાનું શરૂ કર્યું. જેથી, ઓન રેકર્ડ કોઈ પુરાવા નાં મળે. યુવાધનને બચાવવા આ રસ્તા ઉપર પણ રોક લગાવવા ગુજરાત જનતા જાગૃતિ મંચની ટીમને સક્રિય કરી દેવામાં આવી અને જેના કારણે ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા કોડીન કફ શિરપ કૌભાંડનો પર્દાફાશ થયો

જુન મહિનાની ૨૬ તારીખે સાંજે ૭ વાગે ફોન ઉપર ઇન્ફોર્મેશન મળી કે પાટણથી રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પચાસ પેટી (છ હજાર બોટલ) કોડીન કફ સિરપ આવવાની છે અને રાતે ૧૦ વાગે સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસે આ માલ ઉતરશે. ત્યાંથી બહેરામપુરા પહોચાડવામાં આવશે. તબક્કાવાર ટોટલ પાંચસો પેટી આ રીતે આવવાની છે. આ સમાચાર સાંભળી થોડી વાર માટે મગજ શૂન્ય થઇ ગયું… આટલી બધી નશીલી શિરપ જો મેડીકલ સ્ટોર્સમાં પહોચી ગઈ, તો કેટલા યુવાનો બરબાદ થઇ જશે!? એ વિચારીને પરસેવો છૂટી ગયો દીવાલ ઘડિયાળમાં નજર કરી તો એ સવા સાતનો સમય બતાવતી હતી. આ નશાને શહેરમા આવતો રોકવા ત્રણ કલાક કરતા પણ ઓછો સમય હતો. એક જાગૃત નાગરિક તરીકે પ્રાથમિક ફરજ હતી કે સંદર્ભિત વિભાગોને જાણ કરવી. સહેજ પણ સમય ગુમાવ્યા વિના એનસીબી (નાર્કોટિક કન્ટ્રોલ બ્યુરો )માં ફોન લગાવ્યો પરંતુ ફક્ત રીંગ જ વાગતી રહી. આ તરફ ઘડિયાળ ઝડપથી ફરી રહી હતી. સમય બગાડવો પોસાય એમ નહોતો.
૧. તરત બાઈકને કિક મારી ડ્રાઈવ-ઇન પાસે આવેલ એનસીબીની ઓફિસે પહોચ્યો. ત્યાં જઈ ને જોયું તો ઓફિસે તાળું મારેલું હતું. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ઓફીસ છ વાગ્યે બંધ થઇ જાય છે. એનસીબીનો સંપર્ક કરવાના બધા દરવાજા બંધ હતા.
૨. FDCA આસીસ્ટન્ટ કમિશ્નરને ફોન કરતા એમણે પોતાની સત્તા લાયસન્સ ધરાવતા મેડીકલ પુરતી સિમિત હોવાનુ જણાવતા થોડી નિરાશા સાંપડી.
૩. એ પછી રામોલ પોલિસ સ્ટેશનનો નંબર લગાવી માહિતી આપી તો એમણે જણાવ્યું કે માલ ઉતરે એટલે 100 ડાયલ કરી દેજો, એમ કહી જવાબદારીમાથી હાથ ખંખેરી લીધા.
૪. લાસ્ટ ઓપ્શન તરીકે મિડિયાને જાણ કરી તો એમના માટે એક ન્યુઝ હોય એમ માલ પકડાય એટલે જાણ કરજો. ટીમ મોકલી દઈશું.
૫. ત્યારબાદ એક જાણીતા પીએસઆઇને ફોન કરી જાણ કરી તો એમણે સાહેબને પુછી જણાવું પરંતુ થોડીવાર પછી જવાબ આપ્યો કે રથયાત્રાનો બંદોબસ્ત છે એટલે સ્ટાફ નથી.
આમ તમામ જગ્યાએ થી નિરાશ કરે એવા જવાબો મળતા સમજી ગયો કે હવે આ નશાના કારોબાર ને રોકવાનુ કાર્ય મારે જ કરવાનુ છે. ઘડિયાળમા નજર કરી, નવ વાગી ગયા હતા. મારી પાસે સાઈઠ મિનિટ હતી. ડ્રાઈવઈનથી સીટીએમ પિસ્તાલીસ મિનિટનું અંતર હતુ. જે કરવાનુ હતુ એ પંદર મિનિટમાં કરવાનુ હતુ. મગજે વિચારવાનું શરૂ કરી દીધુ હતુ. બહેરામપુરા માલ લઈ જવો હોય તો અડાલજ ચોકડી, એરપોર્ટ, ઠક્કરબાપા નગર અને સીટીએમથી લઈ જઈ શકાય. ગુજરાત જનતા જાગ્રૃતિ મંચના ત્રણ સભ્યોને ફોન કરી દરેકને બીજા બે લોકોને ફોન કરવાનુ કહી, ટુંકમાં વિગત સમજાવી, રાજધાની ટ્રાવેલ્સની લકઝરી ઉપર ધ્યાન રાખવાનું કહી, અડાલજ ચોકડી, એરપોર્ટ, ઠક્કરબાપા નગર ટીમને હાજર રહેવાનુ કહી, એક્સપ્રેસ હાઈવે તરફ જવા નિકળ્યો. રસ્તામાં જ અડાલજ અને એરપોર્ટ માલ ના ઉતર્યો હોવાના ફોન આવી જતા બંને ટીમને સીટીએમ આવવાનું કહી દીધેલ. સીટીએમ પહોચ્યા બાદ ઠક્કરબાપા નગર રાજધાની ટ્રાવેલ્સમાથી માલ ના ઉતરવાના સમાચાર આવી જતા, એ એક્સપ્રેસ હાઈવે જ ઉતરશે એ વાતની ખાતરી થઈ જતા, તમામ લોકો સાવચેત થઈ ગયા. હાથાપાઈની શક્યતા હોવાથી ટીમના સભ્યોને થોડા દુર રહેવા ચેતવી દીધેલ. લગભગ સવા દશ આસપાસ બસ આવી એની બરાબર બાજુમાં લોડીંગ રિક્ષા ગોઠવાઈ ગઈ અને બસની પાછળની ડેકીમાથી કોડીન કફ શિરપની પેટીઓ ઉતારવાનુ શરૂ થઈ, રિક્ષામાં ભરવાનું શરૂ કરી દીધેલ. આ તમામ ઘટના મોબાઈલમા રેકોર્ડ કરવાની સાથે સાથે પુછપરછ કરતા માલ બહેરામપુરામા રહેતા ભરત ચૌધરીનો હોવાનુ રીક્ષા ચાલકે કબુલ કર્યુ. બિલ માગતા “દિયા હેલ્થ કેર”નો ડિલિવરી મેમો બતાવ્યો. જેમા રિહાન કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટનુ નામ અને SAFEDOX COUGH SYRUP ની 110 રૂપિયાની કિંમતની 55 પેટી (છ હજાર છસો બોટલ) દર્શાવેલ હતી. અમારી પાસે આ તમામ માલ જપ્ત કરવાની કોઈ સત્તા ન હતી. પરંતુ મને વિશ્ર્વાસ હતો કે રિક્ષા નંબરના આધારે માલ પાતાળમા પણ સંતાડશે, તો પણ શોધી કાઢીશુ. મારી ટીમના સભ્યોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રીક્ષા નો પીછો કરવાનો વિચાર મોકુફ રાખ્યો.

બીજે દિવસે ભરત ચૌધરી વિષે પુછપરછ કરતા જાણવા મળ્યું કે એ ભુતકાળમાં મુબઈમા પણ કોડીન કફ શિરપની સાતસો પેટીઓ સાથે પકડાયો હતો અને ત્યાથી તડીપાર છે અને ગુજરાતમા અડીંગો જમાવ્યો છે. બહેરામપુરામા એનો મેડીકલ સ્ટોર હતો જેનુ લાયસન્સ કોડીન શિરપ વેચવા બદલ રદ કરવામા આવ્યુ હતુ મને ખ્યાલ આવી ગયો કે મોટી માછલી હાથ લાગી છે અને એ પકડાશે તો ગુજરાતના નશા ના વેપાર પર કંઈક અંશે રોક લાગશે ત્યારબાદ અમે ઉતારેલ વિડિયો ની સીડી ડિલિવરી ચલણ સહિતના તમામ પુરાવા એનસીબીના ડાયરેકટર હરિઓમ ગાંધી અને FDCA ના કમિશનર એચ. જી. કોશિયાને ફરિયાદ કરી. તાત્કાલિક કાર્યવાહી કરવા રજુઆત કરવામા આવી. બીજી બાજુ અમારી ટીમ પણ આગલી રાતે માલ ક્યા ઉતર્યો છે, એની શોધ કરી રહી હતી રીક્ષાના નંબરના આધારે એ રાતે નિલેશ ચાવડા નામનો વ્યક્તિ આમા સંડોવાયેલ હોવાનુ જાણવા મળ્યું. આ દરમિયાન FDCA અને NCB એ દિયા હેલ્થ કેર સાણંદમા દરોડા કરી એના માલિક લલિત પટેલની ધરપકડ કરી. પાટણમા ગોડાઉન માથી 37000 જેટલી બોટલ જપ્ત કરી 29 જુલાઈના રોજ NCB મા હરિઓમ ગાંધી સાથે મુલાકાત કરી રિક્ષા ડ્રાઇવર નિલેશ ચાવડાની પુછપરછ કરવાથી એક્સપ્રેસ હાઈવે ઉતારેલ 55 પેટી પકડી શકાશે, એ બાબતે ચર્ચા ચાલતી હતી એ દરમિયાન નિલેશ નો સામેથી જ ફોન આવ્યો એણે જણાવ્યું કે ઈકો ગાડીમાં 20 પેટી લઈને જતો હતો એને હાથીજણ ચોકડી પોલિસે રોકી છે તો એ છોડાવો ગાંધી સાહેબને આ માહિતી આપી દેતા તાત્કાલિક એમના અધિકારીને મોકલી તમામ બોટલ જપ્ત કરી નિલેશ ચાવડાના ઘરની તલાશી લેતા એના ઘરમાંથી બાકીની પેટીઓ મળી આવી હતી. પુછપરછમા આ તમામ માલ ભરત ચૌધરીનો હોવાનુ કબુલ કરતા, એની ધરપકડ કરવામા આવી. આમ, FDCA અને NCB એ ઝડપથી તપાસ કરતા માત્ર ત્રણ જ દિવસમાં 46 લાખની કિંમતની 42000 કોડીન કફ શિરપનો ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો જથ્થો પકડયો હતો. તેમજ આ સમગ્ર કૌભાંડમા સંડોવાયેલ ભરત ચૌધરી, લલિત પટેલ, નિલેશ ચાવડા અને પાટણના ઘનશ્યામ પટેલની NDPS ACT હેઠળ (નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ) ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ એક્ટ હેઠળ ધરપકડ થયેલાને જામીન મળે નહી. આમ ગુજરાત જનતા જાગ્રૃતિ મંચ ની પુરી ટીમની સતર્કતાથી એક મોટુ કૌભાંડ પકડી લેવાયું.
પણ શુ એનાથી યુવાનો કોડીન શિરપનુ સેવન બંધ કરી દેશે? તો એનો જવાબ છે. ના જ્યા સુધી લાલચુ મેડીકલ ધારકો પોતાના સ્વાર્થ માટે એ વેચવાનું ચાલુ રાખશે, ત્યા સુધી આ કાર્ય મુશ્કેલ છે અને એ બંધ થાય એ માટે દરેક નાગરીકે જાગ્રૃત થવુ જરૂરી છે. કોઈ કેમિસ્ટ નસીલી દવા વેચે છે, એવુ તમારા ધ્યાનમાં આવે તો ગુજરાત જનતા જાગ્રૃતિ મંચના કોઈ પણ સભ્યનો, નજીકની ખોરાક અને ઔષધ નિયમનની કચેરી (FDCA) કે NCB નો સંપર્ક કરી એવા લોકોને જેલના સળિયા પાછળ ધકેલવા જરૂરી પુરાવા આપી જાણ કરો

આ વર્ષે કર્મચારીઓ અને પબ્લિક ના નીચેના મુદ્દાઓ પર લડત આપવામાં આવશે
(1)ફિક્સ પગાર ની નિતી નાબુદ કરાવવી તેમજ 1998 પછી ફિક્સ પગાર માં નોકરી લાગેલા તમામ કર્મચારી ને એરિયર્સ અને ઉચ્ચતર સહિત ના તમામ લાભો અપાવવા
(2) કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ માનદવેતન રોજમદાર જેવી નિતીઓ નાબુદ કરાવવી અને આ કર્મચારીઓ ને કાયમી કરાવવા લડત આપવી
(3) આશાવર્કર ફેસિલિએટર અને આંગણવાડી કર્મચારીઓ ને લઘુત્તમ વેતન અપાવવા
(4) આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર અને ફાર્માસિસ્ટ ને 4200 ગ્રેડ પે પ્રમાણે પે મેટ્રીક્ષ મા વધારો કરાવવો
(5)ફાર્મસી કાઉન્સિલ મા ફાર્મસી ઈન્સ્પેકટર ની નિમણૂંક કરાવવી
(6)ફાર્માસિસ્ટ માટે ઉપયોગ મા લેવાતા કમ્પાઉન્ડર જેવા અપમાનજનક શબ્દ દુર કરાવવો
(7) આરોગ્ય વિભાગ માથી ભ્રષ્ટાચાર દુર કરાવવો
(8) લાયસન્સ ભાડે આપતા લાલચુ ફાર્માસિસ્ટ ના લાયસન્સ રદ કરાવવા
(9) ગેરકાયદસરs ચાલતા મેડીકલ કાયમ માટે બંધ કરાવવા અને ફાર્માસિસ્ટ જ પ્રોપાયટર કે પાર્ટનર હોય એ માટે પયત્ન કરવા

આભાર

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.