પંકજભાઈ ધામેલીયા (સંન્યાસી)

પંકજભાઈ ધામેલીયા (સંન્યાસી)નો જન્મ સગાપરા ગામ, તાલુકો પાલીતાણા, જીલ્લો ભાવનગરમાં થયો હતો. માતા-પિતા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. પરિવારમાં કુલ ૨ છોકરા, ૨ છોકરીઓ, એમ કુલ ચાર ભાઈ-બહેનો છે. પ્રાથમિક શિક્ષણ સગાપરા સરકારી શાળામાંથી લીધેલું. માધ્યમિક શિક્ષણ પાલીતાણા સરકારી હાઈસ્કુલમાં લીધું. ભાવનગરમાં ગોડિયા કોલેજમાંથી F.Y.B.Com.નો અભ્યાસ કર્યો. ગામ ખુબ નાનું અને ભણતરની જાગૃતિ ઓછી હોવાથી કોલેજ ડ્રોપ કરી અને બીજા પાટીદાર યુવાનોની જેમ કમાવવા માટે ૨૦૦૭માં સુરત આવ્યા. શરૂઆતમાં મેક્ષ ઇન્સ્યોરન્સ કંપની જોઈન કરી, પછી LIC, પછી ૨૦૦૯માં એમ્બ્રોઇડરીનું મશીન ચલાવતા અને ધીરે ધીરે પ્રગતી કરતાં ગયા. આજે પોતાનું એમ્બ્રોઇડરીનું મશીન અને દુકાન પણ છે. તો ચાલો જાણીએ કે ધંધો-રોજગાર સાથે સામાજિક અને રાજકીય જીવનમાં પંકજભાઈને રસ કેમ જાગ્યો અને અત્યારે શું કરવાં ધારે છે?
કૌશિક : પંકજભાઈ તમારું આટલું સરસ કમાવાનું અને ધંધો ચાલુ છે, તો પછી આ સામાજિક અને રાજકીય કીડો તમને કેવી રીતે લાગ્યો?
પંકજભાઈ : મને નાનપણથી જ વાંચવાનો ખુબ શોખ હતો. ભણવાના પુસ્તકો નહી પણ ન્યુજપેપર, વિગેરે. ન્યુજ પેપર તો મને જાણે વ્યસન છે. સવારમાં નાસ્તો ના હોય તો ચાલે પણ ન્યુજપેપર તો ડેઈલી જોઈએ. અને મને પહેલેથી પોલીટીક્સ એટલું ગમતું કે મોદીજીની સભા હોય તો ક્યારેય હું મિસ ના કરતો. ટીવી પર લાઈવ આવતી એટલે હું જોતો. પછી ૨૦૧૧માં અન્ના આંદોલન થયું. અમારી એક ટીમ હતી. એમણે નક્કી કર્યું કે આપણે સુરતમાં અન્નાના આંદોલનના સમર્થનમાં રેલી કરવાની છે. એ રેલીનું સફળ આયોજન કર્યું. લગભગ ૧૫૦૦-૨૦૦૦ લોકો આ રેલીમાં જોડાયા. એ રેલી ટર્નીંગ પોઈન્ટ હતો. પછી આમાં મજા આવી. મજા મજામાં આમાં વધારે એક્ટીવ થઇ ગયા.
કૌશિક : તમે મોદીજીના આટલાં સપોર્ટર હતાં, ફેન હતાં. તો બીજેપીમાં કેમ નાં જોડાયા?
પંકજભાઈ : હા. હું મોદીનો બહુ મોટો ફેન હતો. એ વાત સાચી. હું ક્યારેય વિચારી નો’તો શકતો કે મોદી કરતાં પણ બેટર વ્યક્તિ હોય. હું પણ મોદીજીનો થોડો ઘણો પ્રચાર સોસીઅલ મીડિયામાં કરતો. અને બીજી બાજુ જોવાની ક્યારેય કોશિશ જ નો’તી કરી. પણ, ૨૦૧૪માં મેં મોદીજીના ટોટલ ભાષણો મેં સંભાળેલા. ૨૦૧૪માં એમના કેમ્પેન, એમના મુદ્દા અને પછી એમણે મુદ્દા પર કામ જ ના કર્યું અને નકરા યુ-ટર્ન લીધાં એટલે મનમાંથી એમની છબી નીકળી ગઈ.
કૌશિક : તો અત્યારે કઈ પાર્ટી સાથે સંકળાયેલા છો?
પંકજભાઈ : હું બીજેપીમાં ક્યારેય જોડાયો નો’હતો. બસ! સોસીઅલ મીડિયાથી મોદીજીને સપોર્ટ કરતો. પણ, પહેલી પાર્ટી મેં જે જોઈન કરી એ આમ આદમી પાર્ટી હતી. મને દિલ્હીના કામ જોઇને આમ આદમી પાર્ટી પ્રત્યે સોફ્ટ કોર્નર છે. ત્યાં શિક્ષણ અને સ્વાસ્થ્યને લઈને સારા કામ થયાં છે.
કૌશિક : તો તમે અત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છો. એમ ને?
પંકજભાઈ : ના. હું આપમાં એક કાર્યકર્તા તરીકે હતો. ક્યારેય કોઈ હોદ્દા પર ન’હોતો. અમે સક્રિય કાર્યકર્તા તો હતાં જ. એથી નવાં માણસને ચાન્સ મળે, જોડાય તેવી ભાવનાથી અમે લોકો ક્યારેય કોઈ હોદ્દો નથી લીધો. વળી, ધંધો હોવાથી ફૂલ ટાઈમ આપી પણ ના શકીએ. પણ ૬ મહિના પહેલાં જ મેં પાર્ટી છોડી દીધી છે. આ ઇલેકશનમાં મેં આપ’નો કોઈ પ્રચાર પણ નોહતો કર્યો. હા, રામભાઈ ધડુક મારા મિત્ર છે. તેમનાં સમર્થનમાં આપડે હતાં. કે રામભાઈ જેવો સારો, ભણેલો-ગણેલો ઉમેદવાર કામરેજ વિધાનસભાને મળ્યો હતો. બસ એટલે.
કૌશિક : દિલ્હીમાં જો આટલા સારા કામ થયાં છે, તો પાર્ટી કેમ છોડી દીધી?
પંકજભાઈ : આમ આદમી પાર્ટીની સરકાર સારી છે પણ પાર્ટીનું સંગઠન ઠીક નથી. તેમાં ખુબ ઇન્ટરનલ પોલીટીક્સ ચાલે છે.
કૌશિક : પહેલા બીજેપી પછી આમ આદમી પાર્ટી. તો કોઈ પાર્ટીમાં રહેવાને બદલે આમ “નાગરિક સંગઠન” બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો?
પંકજભાઈ : મને વિચાર આવ્યો કે લોકોમાં જાગૃતતા આવે અને પોતે નક્કી કરે, તો પરિવર્તન આવે. મને અન્યાય થાય છે અને હું લડું, લોકો પોતે લડે અને પોતાને ફાયદો થાય, તો પરિવર્તન આવે, બદલાવ આપોઆપ આવે. એટલે વિચાર આવ્યો કે એવું મંચ બનાવીએ અને લોકો પોતપોતાના વિસ્તારમાં જાતે લડે અને થોડું-ઘણું પ્રશિક્ષણ આપીએ, તેવું કંઇક આયોજન કરીએ, એટલે બનાવ્યું જાગૃત નાગરિક મંચ બનાવ્યું છે.
કૌશિક : એટલે શું આ જાગૃત નાગરિક મંચ ફક્ત પોલીટીકલ અવેરનેસ માટે બનાવ્યું છે?
પંકજભાઈ : ના. રાજકીય અવેરનેસ તો ખરી પણ સાથે સાથે સામાજિક જાગૃતિ પણ ખરી. અસ્પૃશ્યતા નાબુદી, ટ્રાફિક અવેરનેસ, સરકારીખાતાની કામગીરીની અવેરનેસ, વિગેરે બાબતે પણ અમે કામ કરવાના છીએ. પણ, લોકોને ખબર હોય છે કે ૧૫ વર્ષથી ઉમેદવારે કોઈ કામ કર્યું નથી તોય વોટ આપીને આવે છે અને એ ચૂંટાય છે. એ પોલીટીકલ અવેરનેસનો અભાવ બતાવે છે.
કૌશિક : આ પોલીટીકલ અવેરનેસ લાવીને લોકોને તમે કઈ પાર્ટીમાં જોડાવા કહેશો?
પંકજભાઈ : ના. જયારે લોકો જાગૃત થશે, પોતાના હક માટે લડતાં થશે એટલે લોકો જાતે નક્કી કરશે કે સાચું શું છે અને ખોટું શું છે. કોને જીતાડવા, કોને હરાવવા એ લોકોને પોતે ખબર પડી જશે. અમે કોઈને એમ નહી કહીએ કે તમે આ ઉમેદવારને વોટ આપજો. એ લોકો પોતે નક્કી કરશે.
કૌશિક : તમારા સંગઠનની પાર્ટી બનાવીને ચૂંટણી લડશો?
પંકજભાઈ : ના. આ સંગઠન નોન-પોલીટીકલ જ રહેશે. અમે બધી પાર્ટીઓના લોકોને આવકારીએ છીએ. ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા હોય કે આપવાળા હોય. પોતાના વિસ્તારમાં જે પ્રોબ્લેમ છે તેનાં માટે જેને લડવું છે તેને આ પ્લેટફોર્મ અમે આપીએ છીએ.
કૌશિક : જાગ્રત નાગરિક મંચ કેવી રીતે કામ કરશે?
પંકજભાઈ : ઘણીબધી નાગરિક સુવિધાઓ છે, જેનો બરાબર અમલ ના થતો હોય. અધિકારીઓ બરાબર કામ ના કરી આપતાં હોય, તો આપણે થોડી-ઘણી લડાઈ લડીએ તો તેમાં ફાયદો ચોક્કસ થાય.
કૌશિક : તો શું હું અમદાવાદમાં રહું છું અને મને પાણીનો પ્રશ્ન કે સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન છે, તો શું જાગૃત નાગરિક મંચ લડવા માટે અહી આવશે?
પંકજભાઈ : ના. પ્રશ્ન ત્યાના લોકોએ જ ઉઠાવવાનો છે. જો હું ત્યાં આવીશ, મારી ટીમ આવશે તો એક પ્રકારની નેતાગીરી ઉભી થશે. એ નથી કરવું. ભલે મોડી સફળતા મળે પણ પોતાના વિસ્તારના પ્રશ્નો નાગરિકો ઉઠાવે તેમ કરવું છે. અમે તેમને યોગ્ય માર્ગદર્શન આપીશું. ક્યાં રજૂઆત કરવી? કેવી રીતે કરવી? વિગેરે સમજાવીશું. જો ટીમની જરૂર હશે તો ત્યાની સ્થાનિક ટીમને કામે લગાડીશું.
કૌશિક : તમારા સંગઠનમાં જોડવા માટે શું ધારાધોરણો જોઈએ?
પંકજભાઈ : કોઈ ધારાધોરણો નથી. “જાગ્રત નાગરિક મંચ”માં જોડાવા તમારા વિસ્તારનો પ્રશ્ન હલ કરો. જો ત્યાં આંગણવાડી છે, તો બરાબર ચાલે છે કે નહિ તે જુઓ. સરકારી શાળા છે, તો શિક્ષકો બરાબર ભણાવે છે કે નહિ, બધી સગવડો ત્યાં ઉપલબ્ધ છે કે નહી, તે ધ્યાન રાખો. આવા કોઇપણ લોકો સંગઠનમાં જોડાઈ શકે છે, બીજાને જોડી શકે છે.
કૌશિક : આ તો અમે જાતે પણ કરી શકીએ, એમાં “જાગૃત નાગરિક મંચ”ની શી જરૂર?
પંકજભાઈ : ઘણીવાર લોકોને ખબર નથી હોતી કે કેવી રીતે લડવું? એટલે અમે એક મંચ (પ્લેટફોર્મ)પૂરું પડીએ છીએ. તમે તમારા પ્રશ્નો પર જાતે લડો છો તો વેલ એન્ડ ગુડ પણ, જયારે તમને ખબર નથી પડતી કે બીજાની મદદની જરૂર પડે છે ત્યારે તમને સંગઠન કામ આવશે. બાકી તો વ્યક્તિએ પોતાએ જ લડવાનું છે.
કૌશિક : સંગઠનમાં કોઈ જાણીતા ચહેરા જોડાયેલા છે?
પંકજભાઈ : હા. ઘણા બધા લોકો જોડાયેલા છે. પણ, એ આવનારા સમયમાં જાહેર કરીશું.
કૌશિક : તમારી કોઈ વેબસાઈટ કે એપ્લીકેશન?
પંકજભાઈ : અમે ટુંક સમયમાં અમે વેબસાઇટ અને એપ્લીકેશન લઈને આવી રહ્યા છીએ. તેમાં તમને બધી માહિતી મળી જશે. સાથે સાથે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરીશું. એક સોસીઅલ મીડિયા ટીમ પણ બનાવીશું.
કૌશિક : ગુજરાતમાં અસંખ્ય સંગઠનો બન્યા અને બંધ પણ થઇ ગયા. તમને શું લાગે છે, “જાગૃત નાગરિક મંચ” સફળ થશે?
પંકજભાઈ : હા ૧૦૦%. લોકોમાં જાગૃતતા આવશે તો જ કંઇક પરિવર્તન આવશે.
કૌશિક : ગુજરાતના યુવાનોનું ભવિષ્ય તમને શું લાગે છે?
પંકજભાઈ : યુવાનોનું આજે કોઈ ભવિષ્ય છે જ નહી. યુવાનોને આજે નોકરી-ધંધા સિવાય કોઈ રસ જ નથી. સરકારીતંત્ર કેવી રીતે કામ કરે છે? ક્યાં ક્યાં લાભો મળે છે? કેવી રીતે પ્રાથમિક સુવિધાઓ મેળવવી? તેમાં યુવાનોને ઝાઝો રસ છે નહી. યુવાનોમાં જાગૃતિ નહિ આવે તો પરિવર્તન નહિ થાય.
કૌશિક : “ભારતીય સંસ્કૃતિ ખતરામાં છે”, એવું આજકાલ સાસ્કૃતિના રક્ષકો ઘણીવાર બોલતાં હોય છે. એ બાબતે તમારું શું કહેવું છે?
પંકજભાઈ : એ સંસ્કૃતિના રક્ષકો પોતે જ સંસ્કૃતિના રાક્ષસો છે. આપણે ડેવલોપમેન્ટ જોઈએ છે. આપણે આગળ વધવું જોઈએ. આપણે યુરોપના દેશો સાથે સરખામણી કરીએ છીએ. એના માટે આપણને ૧૮મી સદીમાં જવું ખુદને પસંદ નથી. સમય સાથે જીવો ને. આ જ બેસ્ટ છે.
કૌશિક : પંકજભાઈ તમારો ખુબ ખુબ આભાર. એક ખુબ સરસ મુહિમ ઉપાડી છે. એક સરસ સંગઠન બનાવો અને ગુજરાતના તમામ યુવાનોને જાગૃત કરો તેવી “શરૂઆત” મેગેઝીન તરફથી ખુબ ખુબ શુભેચ્છા.
પંકજભાઈ : આભાર. જય ભારત.
(પંકજભાઈ ધામેલીયા (સંન્યાસી)નો સંપર્ક: ૯૯૦૯૫૭૮૭૯૫)