પકોડા રોજગાર

સૌનો સાથ સૌનો વિકાસ, કાળુ નાણુ પાછુ લાવી દરેકના ખાતામાં ૧૫ લાખ, ૨ કરોડ લોકોને રોજગારીના ખોખલા દાવા કરી વડાપ્રધાન બનેલા નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં એક ટીવી ઇન્ટરવ્યુમાં રોજગારની વ્યાખ્યા સ્પષ્ટ કરી. પકોડા વેચવા એ સરકાર દ્વારા અપાયેલ રોજગાર ગણાવ્યો. જે બદલ તેમનો સોશિયલ મિડિયા અને વિવિધ પક્ષો દ્વારા અલગ અલગ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો. તેમણે જે મુદ્રા લોન સ્વરોજગાર માટે જાહેર કરી છે, પણ બેંકોએ આપી રહી છે કે નહી એ વિષે ખુલાસો કરેલ નથી. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા, એ પહેલા લાંબો સમય ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે અને તેમણે ગુજરાતના યુવાનોને રોજગારીના બહાના હેઠળ ઘણી શોષણભરી નિતિઓ અમલમાં મુકી. આ નિતિઓ અંતર્ગત રોજગારી મેળવનારા યુવાનો, આ રીતે નોકરી કરવા કરતા પકોડાનો વ્યવસાય કર્યો હોત તો પણ સુખરૂપ જીવન વ્યતીત કરતા, એવુ અનુભવી રહ્યા છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયગાળામાં શિક્ષણનુ પ્રાઇવેટીકરણ કરી, ગલીએ ગલીએ પી.ટી.સી. કોલેજોને માન્યતા આપી દેવામાં આવી. પરંતુ સામે એટલી રોજગારી ઉભી કરવામાં સરકાર નિષ્ફળ રહી. અત્યારે પી.ટી.સી. કોલેજો બંધ થઇ રહી છે. અને ૯૬,૦૦૦ લોકો પી.ટી.સી. કર્યા પછી બેરોજગાર છે. સરકાર દ્વારા દશ વર્ષિય ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે પરંતુ પ્રાથમિક શિક્ષણ નિયામકના જણાવ્યા પ્રમાણે જગ્યાઓ ખાલી ના હોવાથી, આવતા દશ વર્ષ સુધી ભરતી થઇ શકે એમ નથી.. એમ છતાંય દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ફી લઇ ટેટ-1 ની પરીક્ષા લેવામાં આવે છે. અત્યારે મોદીજી વિશ્વમાં યોગ અને કલાનો પ્રચાર કરી રહ્યા છે. પરંતુ, ગુજરાતમા એટીડી, બીપીએડ કોલેજો પણ બંધ થઇ ગઇ છે. ૨૦૦૪ પછી વ્યાયામ શિક્ષકોની ભરતી થઇ નથી, તો ગુજરાતના વિર્ધાર્થીઓને યોગ કોણ શિખવાડી રહ્યુ છે!!? હજારો ચિત્ર, વ્યાયામ અને સંગીતના શિક્ષકો બેરોજગાર છે. હોમસાયન્સની ભર્તી બંધ કરી દેવામાં આવી છે. એમના પાસે પકોડા વેચવા સિવાય સરકારી નોકરીનો કોઇ વિકલ્પ બચ્યો નથી.
ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પગાર, કોન્ટ્રાકટ પ્રથા, આઉટસોર્સિગ, માનદ વેતન , લઘુત્તમ વેતન, રોજમદાર જેવી પદ્ધતિઓ દ્વારા રોજગાર આપવામાં આવે છે. એના વિષે વાત કરીશુ જેથી ગુજરાતની જનતા જાણી શકે કે પોતાના સંતાનોને મોંઘુ શિક્ષણ આપ્યા પછી એમને કેવી નોકરી ગુજરાત સરકાર આપવાની છે, તેમજ અત્યારે જે લોકો નોકરી કરી રહ્યા છે એ કેટલી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ફિક્સ પગાર એ સરકાર દ્વારા કરકસર માટે પી.કે. દાસ સમિતીની રચના કરવામા આવી અને આ સમિતીએ વર્ગ-૧ થી વર્ગ-૪ ના કર્મચારીઓની પાંચ વર્ષ માટે ફિક્સ પગારના ધોરણે નિમણુક કરવી એવુ સુચન કર્યુ. ત્યારે સરકારે નોંધ્યુ કે વર્ગ-૧ અને વર્ગ-૨ માં માત્ર છ ટકા કર્મચારીઓ છે એટલે એમનાથી એટલો બધો આર્થિક બોજો પડતો નથી. પરંતુ વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓની સંખ્યા ૯૪ ટકા છે. તો આ લોકોને ફિક્સપગારમાં આવરી લેવા ત્યારે ભારતના બંધારણને અવગણીને ૧૬ ફેબ્રુઆરી ૨૦૦૬ના રોજ ગુજરાત સરકાર દ્વારા ગેરબંધારણીય પાંચ વર્ષ કરાર આધારિત ફિક્સ પગારની નિતી અમલમાં મુકવામાં આવી .માત્ર બે પાનાની બોલી અને શરતો પર સહી કરાવી યુવાનોના સ્વપ્નોનુ ખુન કરી, રોજગારી આપવામા આવી અને કોઇ વિરોધ પણ થયો નહી. શિક્ષકો જે ૧૯૯૮ થી ૨૦૦૯ સુધી ૨૫૦૦ રૂપિયા ફિક્સ પગાર જ આપવામા આવતો હતો. મોંઘવારી વધતી રહી પણ શિક્ષકોના ફિક્સ પગારમાં કોઈ વધારો થયો નહી. ફિક્સ પગારમાં સૌથી વધુ અન્યાય શિક્ષકોને થયો પણ ૧૯૯૮ થી ૨૦૧૮ સુધી અન્યાય ચુપચાપ સહન કર્યો એને એમની સહનશિલતા કહુ કે કાયરતા, એ સમજ પડતી નથી.
નામદાર હાઇકોર્ટે જ્યારે યોગક્ષેમ દ્વારા કરાયેલ પીઆઇએલમાં ફિક્સ પગારની નિતી ગેરબંધારણીય ઠેરવી અને ફિક્સ પગારદારોને એરિયર્સ સહિત લાભો આપવાનો ચુકાદો આપ્યો, ત્યારે આ કર્મચારીઓમાં ખુશીનો માહોલ ફેલાઇ ગયો. પણ સરકારને તિજોરી પર ભારણ જ દેખાતુ હતુ અને સુપ્રિમ કોર્ટમાં રીવ્યુ પીટીશન દાખલ કરવામાં આવી. સુપ્રિમકોર્ટમાંથી ન્યાય મળશે, એ આશામાં પાંચ વર્ષ પુરા કરી ફિક્સ પગારદારો કાયમી થઇ ગયા. પણ, સુપ્રિમકોર્ટમાં કેસ તારીખોમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન કોન્ટ્રાકટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતી અને જન અધિકાર મંચ દ્વારા આંદોલન પણ ચલાવવામાં આવ્યુ. જેમાં ફિક્સ પગારદારોનો આક્રોષ બહાર આવ્યો. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ મુખ્યમંત્રી દ્વારા ટ્વીટર ટાઉનહોલમાં જાહેર કર્યુ કે ફિક્સ પગારદારોને પાંચ વર્ષ પુરા થતા જ કાયમી કરવામાં આવશે. પણ સચિવો મુખ્યમંત્રીના આદેશને પણ ઘોળીને પી ગયા. ૨૦૧૨માં ભર્તી થયેલ નાયબ મામલતદારોને છ વર્ષ થયા તો પણ કાયમી કરવામાં આવ્યા નથી. નિયમ મુજબ નાયબ મામલતદારોએ પાંચ વર્ષ પુર્વ સેવા પરીક્ષા પાસ કરવાની હોય છે અને પાંચ વર્ષમાં તેમને આ પરીક્ષા પાસ કરવા ત્રણ તક આપવામાં આવે છે. પરંતુ છ વર્ષ થયા પણ પરીક્ષા લેવાયેલ નથી. એવી જ રીતે સીટીઆઈની ભર્તીને ચાર વર્ષ થયા પણ એક પણ પુર્વ સેવા પરીક્ષા લેવાઇ નથી. ફિક્સના પાંચ વર્ષ પુરા કર્યા પછી પણ કાયમી થવા આ યુવાનોએ રાહ જોવી પડશે. આ યુવાનોનો નોકરીનો પહેલો દિવસ પાંચ વર્ષ ફિક્સના પુરા કર્યા પછી ગણવામાં આવે છે. જેના લીધે તેમને ખાતાકીય પ્રમોશન અને ઉચ્ચતર સહિતના લાભો પાંચ વર્ષ પછી મળે છે. તેમજ દર વર્ષે ઇન્ક્રીમેન્ટ પણ મળતુ નથી. સચિવ કક્ષાના અધિકારી નવી ગાડી પાંચ વર્ષ સુધી મેઇન્ટનન્સ ના માગે, એવા વાહિયાત જવાબ આપે છે. પરંતુ કોન્ટ્રાકટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતી દ્વારા ૨૯/૦૯/૨૦૧૬ ના રોજ કરાયેલ રજુઆત અને પહેલી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ ગાંધીનગર ખાતે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને આશાવર્કરોના સહયોગથી થયેલ મહાસંમેલનને કારણે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ફિક્સ પગારની નિતિમાં ફેરફાર કરવામાં આવ્યા પગારમાં ૬૫% થી ૧૨૪% નો વધારો, ફિક્સના પાંચ વર્ષ સળંગ ગણવા, મેટરનિટી, પેટરનિટી લિવ, તેમજ ફરજ દરમિયાન મ્રુત્યુ પામેલા ફિક્સ પગારદારોના પરિવારને ચાર લાખની આર્થિક સહાય આપી. ફિક્સ પગારદારોને રાહત આપવામાં આવી. પરંતુ ૨૦૦૬ પહેલા નોકરીએ લાગેલા ફિક્સ પગારદારોને કોઇ લાભ થયો નહી. ત્યારે એ લોકોને કહેવા માગીશ કે સ્વિસબેંકની તિજોરીમાંથી સરકાર કાળુ નાણુ લાવી, તમારા ખાતામાં ૧૫ લાખ નાંખે એની રાહ કે સુપ્રિમકોર્ટના ચુકાદાની રાહ જોયા વિના, પોતાના હકના એરિયર્સ સહિતના નાણા સરકારની તિજોરીમાંથી બહાર કાઢવા અને આ અન્યાયી નિતિ નાબુદ કરવા, એક થઈ અવાજ ઉઠાવો. કારણ કે, અત્યારે ગુજરાત મોડલની વાતો થઇ રહી છે. પોલિસને ફકત નિમણુક પત્ર આપવા ૧૭ કરોડ ખર્ચવામાં આવે છે. મેળા, રોડ શો અને ઉત્સવોમાં કરોડો રૂપિયા પાણીની જેમ ઉડાવવામાં આવે છે. તેમ છતાંય ફિક્સ પગારની નિતી દ્વારા કરકસર ચાલુ છે. સુપ્રિમકોર્ટ પણ આ નિતીને ગેરબંધારણિય ઠેરવી ફિક્સ પગારદારોની તરફેણમાં ચુકાદો આપશે, એ બધા જાણે છે પરંતુ ન્યાય આપવામાં થયેલ વિલંબના કારણે યુવાનોએ જે તકલિફો વેઠી છે, પોતાના પરિવારની ખુશીઓનો ભોગ આપ્યો છે, માતા પિતાની સેવાથી વંચિત રહ્યા છે, ઓછું હોય તેમ, જે માનસિક તાણ અનુભવી છે, યુવાનીના અમુલ્ય પાંચ વર્ષ ગુમાવ્યા છે, એ સુપ્રિમકોર્ટ પરત આપી શકશે? આ વાંચ્યા પછી ઘણા બુધ્ધીજિવીઓ એમ કહેશે કે જો શોષણ થતુ હોય તો ફિક્સ પગારમાં નોકરી સ્વિકારો છો શુ કામ? આ જવાબ સરકારે સુપ્રિમકોર્ટમાં આપ્યો હતો ત્યારે ચિફ જસ્ટીશે કહ્યુ હતુ કે અત્યારે બેરોજગારી એટલી છે કે જીવનનિર્વાહ માટે તમે નોકરી માટે સામેથી પાંચ હજાર માંગશો, તો પણ લોકો આપશે.
મેં અંગ્રેજોનુ શાસન જોયુ નથી. પરંતુ તાજેતરની સરકાર અંગ્રેજોની તમામ નિતીઓ અનુસરી રહી છે. ભાગલા પાડો રાજ કરો. શક્તિશાળી વ્યક્તિ કે આગેવાનને (રાજા) ભેટ સોગાદો કે નજરાણુ આપી ખરીદી લો અને જે ના ખરીદાય એને કાળા પાણીની (જેલ) ની સજા કરો. ફિક્સ પગારની નિતી પણ અંગ્રેજોની ગિરમિટીયાની નિતીની યાદ કરાવે છે. અંગ્રેજોના શાસન દરમિયાન ભારતમાંથી મજુરોને સાઉથ આફ્રિકા મજુરી માટે મોકલવામાં આવતા, એમને ગિરમિટીયા કહેવાતા. આ મજુરો પાસે પાંચ વર્ષનો કરાર કરાવાતો નજીવુ વેતન આપવામાં આવતુ. પાંચ વર્ષ ઘરે પરત નહી આવવાનુ અને અવાજ નહી ઉઠાવવાનો. જેવી શરતો કરારમાં સામેલ હતી. જેનો ગાંધીજીએ વિરોધ પણ કરેલો. ત્યારે આધુનિક ગિરમિટીયા (ફિક્સ પગારદારો) આ શોષણભરી નિતીથી આઝાદી માટે આધુનિક ગાંધીની રાહ જોઇ રહ્યા હોય એવુ જણાઇ રહ્યો છે.
કોન્ટ્રાકટ અને આઉટસોર્સિંગ નોકરીમાંથી ગમે ત્યારે છુટા કરવાની તલવાર માથે લટકાવી, ગજા બહારનુ કામ કરાવવુ એટલે યુવાનોને માનસિક અને શારિરિક રીતે માયકાંગલા અને ગુલામ બનાવતી, ગુજરાત સરકારની કોન્ટ્રાકટ અને આઉટસોર્સિંગની પ્રથા, પુરો પગાર ચુકવવો ના પડે અને કાયમી કર્મચારી જેટલુ જ કામ કરાવવા યુવાનોને અગિયાર મહિનાના કરારથી નિમણુક આપવામાં આવે છે. અને આ કરાર દર વર્ષે રિન્યુ થાય છે (અધિકારીઓની જોહુકમી ચુપચાપ સહન કરે એવા લોકોનો) હદ તો ત્યારે થાય જ્યારે રેગ્યુલર મહેકમની જગ્યાઓમાં પણ ખુબ નજીવું વેતન આપી કોન્ટ્રાકટ કરાવાય છે. સરકારની મિશન મંગલમ, પંચસ્થંભ, એનઆરએચએમ, આરબીએસકે, એનએચએમ આરએનટીસીપી જેવી યોજનાઓમાં તેમજ દરેક વિભાગમાં સફાઇ કામદારો કાયમી થઇશુ, એવી આશામાં લાંબા સમયથી કોન્ટ્ર્રાકટના ધોરણે ખુબ મોટી સંખ્યામાં યુવાનો ફરજ બજાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૪માં એનઆરએચએમમાં દસ વર્ષ કરતા વધુ સમયથી કોન્ટ્રાકટ પર ફરજ બજાવતા ૭૩૫ ફાર્માસિસ્ટને છુટા કરવામાં આવ્યા. સરકારી કામનો અનુભવ પ્રાઇવેટ કંપનીમાં માન્ય ગણાતો નથી. તો એમને પ્રાઇવેટ કંપનીમાં પણ જોબ મળી નહી અને વર્ષો સુધી નજીવા વેતનમાં કામ કર્યુ હોઇ, કોઇ બચત ના હોવાથી પોતાનો ધંધો કરવામાં પણ અસમર્થ હતા. આમ, એ લોકોની હાલત ખુબ કફોડી બની ગઇ.
સુપ્રિમકોર્ટ દ્વારા ૨૬ ઓકટોબર ૨૦૧૬ના રોજ પંજાબના કોન્ટ્રાકટ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપતા જણાવ્યુ કે એક સરખુ કામ કરતા કર્મચારીઓનુ વેતન અલગ અલગ ના હોવુ જોઇએ. પરંતુ, ગુજરાતમાં બંધારણની જોગવાઇ “સમાન કામ સમાન વેતન”નો ભંગ થઇ રહ્યો છે. ઉદાહરણ આપીને જણાવુ તો અત્યારે ફિક્સ પગારના ફાર્માસિસ્ટને ૩૧,૫૦૦ રૂપિયા, અગિયાર માસના ફાર્માસિસ્ટને ૧૦,૫૦૦ રૂપિયા જ્યારે આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટને માત્ર ૬,૨૦૦ રૂપિયા વેતન ચુકવવામાં આવે છે. કામગીરી સરખી છે તો પગારમાં ભેદભાવ કેમ? એવી જ રીતે ફિક્સ પગારના મ.પ.હે.વ.ને ૧૯,૯૫૦ માસિક વેતન મળે છે. પરંતુ છેલ્લા ૨૦ વર્ષથી કોન્ટ્રાકટ પર કામ કરતા મ.પ.હે.વ. ને ૨,૫૦૦ રૂપિયા વેતન મળે છે. ૨૦ વર્ષમાં મોંઘવારીમાં ૪૦૦%નો વધારો થયો, પરંતુ આ લોકોના પગારમાં એક રૂપિયાનો પણ વધારો કરવામાં આવ્યો નથી. કાયમી થવાની આશામાં આટલા નજીવા વેતનમાં નોકરી કરે જતા હતા આ બાબતે કોન્ટ્રાકટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતી દ્વારા સરકારને રજુઆત કરી કે ૨૫૦૦ રૂપિયામાં એક યુવાન પોતાનુ ઘર કઇ રીતે ચલાવે!! એ સમજાવો ત્યારે સરકારને પોતાની ભુલ સમજાઇ. પરંતુ આ મિત્રોને યોગ્ય વેતન આપી ન્યાય આપવાની જગ્યાએ સરકારે એમને છુટા કરવાનુ નક્કી કર્યુ હોય એમ લાગે છે. ફેબ્રુઆરીના અંત સુધી આ લોકોના કરાર રિન્યુ કરવામાં આવ્યા નથી. ૨૦૦૬ પહેલા ફિક્સ પગારથી ભર્તીની નિતિ અમલમાં ના હોવાથી, એ વખતે અગિયાર માસના કરારથી કર્મચારીઓને નિમણુક આપવામાં આવતી. ત્યારે ૨૦૦૫ માં અગિયાર માસના કરારમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સને કોઇ પણ પ્રકારની લેખિત પરીક્ષા લીધા વિના, પાંચ વર્ષ કરારમાં ગણી ફિક્સ પગારની નિતીનો લાભ આપી, કાયમી કરી દેવામાં આવ્યા. ત્યારે બીજા કર્મચારીઓ જે ૨૦૦૬ પહેલા અગિયાર માસના કરારથી સેવા આપી રહ્યા છે, એમને અન્યાય કેમ?
અત્યારે આ કર્મચારીઓ પોતાને થઇ રહેલા અન્યાયની વિરુદ્ધ અવાજ ઉઠાવવા લાગ્યા છે, તો સરકાર દ્વારા એવા કર્મચારીઓના કરાર રિન્યુ ના કરવા ધમકીઓ આપવામા આવે છે. તેમજ અમુક વિભાગોને આઉટસોર્સિંગમાં સમાવવા હિલચાલ શરૂ કરી દીધી છે. વર્ષો પહેલા ઇસ્ટ ઇંડિયા કંપની ભારતમાં આવી અને એ સમયના રાજા મહારાજાઓને કિંમતી ભેટ સોગાદો આપી તો આ રાજાઓએ પોતાના રાજ્યમાં કંપનીને વેપાર કરવાની છુટ આપી. આ ઇસ્ટ ઇંડિયા કંપનીએ વેપાર કરવાની સાથે દેશને લુંટવાનુ અને ભારતને ગુલામ બનાવવાનુ શરૂ કર્યુ. અંગ્રેજો ૧૯૪૭માં ચાલ્યા ગયા, પણ એમના વિચારો પર શાસન કરતા સત્તાધિકારીઓ દ્વારા પોતાના સગાઓની આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા યુવાનોને ગુલામ બનાવવાનુ શરૂ કર્યુ. સરકાર દ્વારા સફાઇ કામદારોને જો કાયમી રોજગારી આપે તો બાર હજાર રૂપિયા પગાર આપવો પડે, તો એમને સીધી રોજગારી આપવાની જગ્યાએ આઉટસોર્સિંગ મારફતે લેવામાં આવે છે. આ એજન્સીને સરકાર બાર હજાર ચુકવે છે પરંતુ જે તે એજન્સી સફાઇ કામદારોને માંડ પાંચ હજાર ચુકવે છે. આમાં સરકારને કોઇ ફાયદો થતો નથી. પરંતુ એમની મળતિયા એજન્સી તગડો નફો રળે છે. આધુનિક ઇસ્ટ ઇન્ડીયા જેવી આ એજન્સીઓ પણ કર્મચારીઓનુ ગજા બહારનુ શોષણ કરે છે. એમના પી.એફ ના વ્યવહારોમાં પારદર્શિતા નથી. ઘણી એજંસીઓ દ્વારા પીએફ ચાઉ કરી જતી હોવાની ફરિયાદો ઉઠી છે. કોઇ કર્મચારી જો પોતાના પગાર વધારા કે બીજી માંગણીને લઇ ને વિરોધ કરે કે આવેદન પત્ર પણ આપે, તો એમને કોઇ પણ નોટિસ વિના છુટા કરી દેવામાં આવે છે. તાજેતરમાં ૧૧ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના તમામ કોન્ટ્રાકટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ સમાન કામ સમાન વેતનની માંગણીના મુદ્દે એક દિવસ માટે માસ સીએલ પર ઉતરતા, પાટણ જિલ્લાની ધારપુર મેડીકલ કોલેજના ૧૨૯ કર્મચારી હિંમતનગર મેડીકલ કોલેજના ૫૯ કર્મચારી અને ગાંધીનગરની મેડીકલ કોલેજના ૧૦ કર્મચારીને રાજદીપ એન્ટરપ્રાઇઝ દ્વારા કોઇ પણ નોટિસ કે ખુલાશો સાંભળ્યા વિના છુટા કરી દેવામાં આવ્યા. આ જ રીતે આ યુવાનોના અવાજને દબાવી, ડરેલા યુવાનોને વધુ ડરાવી આઉટસોર્સિગ એજન્સી યુવાનોનુ લોહી ચુસી ગુલામ બનાવી રહી છે. ગુજરાત સરકાર જેની સેવા બદલ વાહવાહી લુટી રહી છે, એવી 108 નો સમગ્ર ગુજરાતનો વહીવટ “જીવીકે એમરી” નામની કંપની કરી રહી છે. જે યુવાનોનુ રીતસર લોહિ ચુસી રહી છે. 108 ના પાયલોટ(ડ્રાયવર) ને ગમે એવી ઇમરજન્સી હોય તો પણ ૬૦ થી વધુ સ્પીડથી ગાડી ના ચલાવવા, તેમજ એવરેજ લાવવા મહિનામાં ૨૦૦ થી વધુ કેસ કરવા રીતસર ટોર્ચર કરવામાં આવે છે. કોઇ વાંક વિના દુરના જિલ્લાઓમાં બદલી કરી દેવામાં આવે છે.
અત્યારે માંગો તો જ મળશે એ રીતે શાસન ચાલી રહ્યુ છે. ગયા વર્ષે માનદ વેતન માં સેવા આપતા હોમગાર્ડના યુવાનોએ પોતાના શોષણના વિરોધમાં અવાજ ઉઠાવતા એમના પગારમાં ૧૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. જ્યારે ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓના પગારમાં કોઇ વધારો કરેલ નહી પરંતુ આ વર્ષે ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓએ આંદોલનની તૈયારી કરતા જ એમના પગારમાં ૧૦૦ રૂપિયાનો વધારો કરી લોલિપોપ આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
થોડા દિવસો પછી ૮ માર્ચે વિશ્વ મહિલા દિવસે સરકાર મહિલાઓના મુદ્દે મોટી જાહેરાતો કરશે. પરતુ મહિલાઓને યોગ્ય રોજગારી પુરી પાડવામાં ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. આંગણવાડી કર્મચારીઓને માત્ર ૪૭૫૦ વેતન આપવામાં આવતુ. જ્યારે આશા વર્કર તરીકે ફરજ બજાવતી મહિલાને નજીવુ ઇન્સેંટીવ, ફેસિલિએટરને ૪૦૦૦ ભથ્થુ આપવામાં આવતુ. જેના વિરોધમાં કોન્ટ્રાકટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતીના મહિલા અગ્રણી ચંદ્રિકા સોલંકી દ્વારા લઘુત્તમ વેતનની માંગણીને લઇને આંદોલન ચલાવ્યુ. ત્યારે સરકાર દ્વારા આંગણવાડીના પગાર ૭૫૦ રૂપિયા વધારી ૫૫૦૦ રૂપિયા કરવામાં આવ્યો જ્યારે આશા વર્કરના ઇન્સેન્ટીવમાં ૩૦% નો વધારો કરવામાં આવ્યો.પરંતુ આ ચંદ્રિકા સોલંકીએ આ વધારાને લોલિપોપ ગણી ફગાવી દઈ લઘુત્તમ વેતનની માંગણી યથાવત રાખી આંદોલન ચાલુ રાખતા એક જ વર્ષમાં સરકારને બીજી વાર પગાર વધારો જાહેર કરી આંગણવાડીનો પગાર ૬૩૦૦ તેમજ આશાવર્કરના ઇન્સેન્ટીવમાં પચાસ ટકાનો વધારો કરવો પડ્યો. પરંતુ આ વધારાને પણ ચંદ્રિકા સોલંકીએ ચુંટણીલક્ષી જાહેરાત ગણાવી ફગાવી દિધો છે અને ફેસિલિએટરના પગારમાં વધારો ના કરેલ હોઇ મહિલા કર્મચારીઓને લઘુત્તમ વેતન મળે અને આર્થિક રીતે સધ્ધર થાય એ માટે આંદોલન ચાલુ રાખવાની ઘોષણા કરી ચુક્યા છે.
ચંદ્રિકા સોલંકી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ફુલ પગારમાં કાયમી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અને આંદોલનના કારણે એમણે પોતાની માતબર પગારની નોકરી પણ ગુમાવવી પડી છે ત્યારે પોતાની નજિવા પગારની નોકરી બચાવવા ચુપચાપ અન્યાય સહન કરતા કર્મચારીઓ એમનામાંથી પ્રેરણા લે અને શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવે. તમારા સંતાનોને પણ આ શોષણનો ભોગ બનવુ પડશે અત્યારે પોતાના સંતાનોને મોંઘી શાળાઓ કોલેજોમાં જંગી ફી ભરી શિક્ષણ પુરુ પાડતા વાલીઓ પણ પોતાના સંતાનો કેવો રોજગાર મેળવવાના છે. એ અંદાઝ લગાવી લે.. જે લોકો અન્યાયી નિતીઓનો ભોગ બન્યા છે, એ એક થઇ આ અન્યાયી અને ગેરબંધારણિય નિતીઓ સામે અવાજ ઉઠાવે એ જરૂરી છે. નહિ તો આવનારી પેઢી તમને ક્યારેય માફ નહી કરે. અત્યારે રોજગારીના દાવાઓ વચ્ચે લાખો બેરોજગારો પોતાના જિવન નિર્વાહ માટે, જેવી મળે એવી નોકરી સ્વિકારી રહ્યા છે. જો સ્થિતી આ રહી તો આગામી સમયમાં નરેન્દ્ર મોદી પકોડા વેચવાની સાથે કટોરા પકડીને ભીખ માગવાને પણ રોજગારમાં ખપાવે તો નવાઇ નહી.
રજનીકાંત સોલંકી
પ્રમુખ – ફીક્ષ-પે અને કોન્ટ્રેક્ટ સંઘર્ષ સમિતિ
૯૭૨૫૫૪૨૮૭૪