પ્રિન્સે પરીક્ષા આપી. પણ કંઈક આવી રીતે…

ચૌધરી હાઈસ્કૂલ :
ભાગ – 15
ધોરણ – 10/E
શિક્ષક : મોદી સાહેબ
ટાઈપની પરિક્ષા
૧૯૯૯ માં આપણાં બધાની ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધમાકેદાર એન્ટ્રી. ધોરણ ૮/૯ સુધી આપણો ક્લાસરૂમ લોબી શાઈડ હતો. પણ, ૧૦ મા ધોરણની સાથે આપણે સ્ટાફ રૂમ અને ડંકાની સામે વાળા ક્લાસમાં આવ્યાં. તમને શરીફોને છોડીને અમે નિર્દોષ ભાગેડું માટે આ સહજ એક બોનસ હતું અને ભાગવા માટે સહેલાઈ વાળો રૂમ.
આપણા સમયમાં બે ત્રણ વિષયો આપણે જાતે સિલેક્ટ કરવાનાં થતાં
જેમાં હિન્દી અથવા ઈંગ્લિશ, ટાઈપ, સંસ્કૃત, પી.ટી.
આ flexibility ગુજરાત બોર્ડ તરફથી મળતી એક હૂંફ હતી. અને સામે બોર્ડ તરફથી એક નિર્દયતા અને કડક વલણ એ પણ હતું. કે, ત્યારે ૩૫ માર્કસ મેળવવા પૂરેપૂરી મહેનત કરવાની અને એક કે બે માર્કસ માટે પણ કોઈ બાંધછોડ ન થતી.
આપણા ઓપ્શન વાળા બે વિષયોમાં (૧) અંગ્રેજી (૨) ટાઈપ અને ટાઈપમાં પણ બે ઓપ્શન અંગ્રેજી અને ગુજરાતી. આપણે સિલેક્ટ કર્યું અંગ્રેજી ટાઈપ પણ અધ્ધ વચ્ચે ચંડાળ ચોકડી ભૂપેન્દ્ર રોડ પર
” શાહ ટાઈપ ક્લાસીસ ” માં રોજ સવારે 7 થી 9 જાય છે એવી જાણ થઈ એટલે ત્રિમૂર્તી ટાઈપ ક્લાસિસને મારી હાજરીનું બલિદાન આપી શાહ ટાઈપ જોઈન કર્યું. સ્ટોરી શરૂ થાય અહીંયાંથી….
ત્યાં, સાહેબ પણ આપણી જેમ મોજીલા.. ક્લાસમાં રોજ સવારે અમારા તરફથી સોલ્જરી થતી અને બજરંગના ગાંઠીયા સાથે ચા.
બે – ત્રણ વખત તો સમીર સાહેબ સાથે બાજુના કોમ્પલેક્ષમાં પાર્કિંગ કરવા બાબત ઝઘડા પણ કરી લીધેલા.
એમના તરફથી પૂરી છૂટછાટ હતી કે ગમે તે હોય એક વખત હાલી તો જવાનું જ પછી હું જોઈ લઈશ પણ ખબરદાર કોઈનો માર ખાધો છે તો.
એમની સાથે ફેમિલી રિલેશન થયાં સ્પેશિયલ અમારી સર્વિસ કરવા તેમણે લાકડાંની સોટી રાખેલી.
૧૧ માર્ચે મિશન ધોરણ – ૧૦ બોર્ડ પરીક્ષા તારીખ જાહેર થઈ અને પ્રથમ ગુજરાતી વિષયનું પેપર. પણ, ૧૧ માર્ચે જ મારા ખાસ ભાઈબંધ બાબુના લગ્ન. જાન જામનગર જવાની અને અમે બંને દુઃખી આત્મા એકબીજા માટે દુઃખ વ્યક્ત કરી રહ્યાં હતાં કે હું લગ્નમાં શામેલ નહીં થઈ શકું.
આપણે આશ્વાસન આપ્યું કે મોટા તારા ફુલેકાંમાં હું પરિક્ષા આપીને સીધો જ આવી જઈશ. આપણે પણ ઘરથી છુપાવી ફુલેકાંમાં ડિંગલ કર્યા.
ખબર જ હતી કે આપણે તો બીજી ટ્રાય આપવાની જ છે. તો, આ પરીક્ષા તો ઓપ્શનમાં હતી.
બધાં વિષયો પુરા કરી ઘરના સભ્યોને શાંતિ થઈ.
કે, હાશ.! ભાઈની બોર્ડની પરિક્ષા ગઈ.
પણ, ટાઈપની પરીક્ષા અલગ આવે એ માહિતી મારા સિવાય ઘરમાં અન્ય કોઈને નહીં.
૧લી મેં ૧૯૯૯ તારીખ અપાઈ અને સવારે કાંઈક 6:45 કે 7:00 વાગ્યાનો સમય. પણ, કુંભકર્ણને જગાડી નહીં તો જાગે કેવી રીતે.?
આપણે ભર ઉંઘમાં અને ટાઇપ ક્લાસના સાહેબ ઘર શોધતાં શોધતાં આખરે સવારે 7:30 ઘરે પહોંચી.
સીધા બાપુજીને જ પોતાની ઓળખ આપી.
પરિસ્થિતિની ગંભીરતાનું જ્ઞાન મને અને સમીર સર બે જ જણાંને.
કેમકે, બાપાને તો એવું હતું કે સમીર સર પરિક્ષા ત્યાં એમના ક્લાસમાં લેવાના આમાં બોર્ડને શું લેવા કે દેવા એટલે કયાં કોઈ ટેન્શન,
ચિંતાગ્રસ્ત વિષય તો બોર્ડની પરીક્ષા હતી જે પૂરી થઈ ગઈ.
સાહેબ 7:30 થી 7:45 માં આપણે નાહી ને ઘરની બહાર.
બહાર ફળિયામાં આવી સમીર સર કહે રાજ્યા તુ મારી પેઢી બંધ કરાવીશ.
મેં કીધું પણ બે મિનિટ ચા તો પીવા દો.
સાહેબનું બ્લડ પ્રેશર એકદમ હાઈ હતું.
કહે મારા બાપ ચા હું તને રસ્તામાં પીવડાવું તું તૈયાર થઈને ફટાફટ બહાર આવ હવે,
જેવા કે સ્કુટર ચાલું કરી રોડ પર ચડ્યા ભાષણ શરૂ થયું.
હું તારા બાપાનો નોકર છું તો તને ઘરે ઉઠાડવા આવું.
અમારી મ્યુચ્યુઅલ સમજણ જોવો કે કરણસિંહજી હાઈસ્કુલમાં મારી પરીક્ષા અને સમીર સર મેનેજમેન્ટ સાથે લગભગ અડધો કલાક સુધી એકાંતમાં રકઝક કરી.
એમણે શું કહ્યું એ એમને પોતાને પણ મને જાણ કરવાની તક ન મળી અને
સીધો જ મેનેજમેન્ટ સામે ઉભા રાખી દીધો.
મને સફેદ કપડાં પહેરવાનો પહેલાંથી જ શોખ સંજોગો વસાહત આપણે સફેદ જોડી જ ઠપકારેલી. અને સીધા જ મેનેજમેન્ટ સામે ઉદાસી બાપુ જેવો ચહેરો લઇને ખીતો.
કોઈ સાહેબ દ્વારા પ્રશ્ન પૂછ્યો : કોણ ગુજરી ગયું.?
હું સમીર સર સામે જોઉં અને તે સમજી ગયાં અને મારા બદલે તેમણે જ જવાબ આપ્યો.
Sir, આમના દાદાજી હમણાં જ દેવ થયાં હું આમને સ્મશાનેથી ચાલુ વિધીએ જ ઉઠાવી લાવ્યો.
મારા દાદા પ્રથમ વખત 27/04/1997 ના દેવ થયેલાં. અને તેમને સજીવન કરી બે વર્ષ બાદ સમીર સર દ્વારા ફરી 01/05/1999 ના
દેવ કરાયા.
આપણી અણસમજમાં જ આપણે સમીર સાહેબને નિર્દોષ સવાલ કર્યો. અલ્યા મારા દાદા સંત હતાં લોકો તેમના નામ આગળ ભગવાન લખતાં અને તમને બીજુ કોઈ ન મળ્યું.?
સમીર સાહેબ ખુન્નસ થી બોલ્યાં.
તો શું હવે હું મરી જાવ અને મારી વિધી કરાવું.? રાજ્યા તું અત્યારે એક શબ્દ બોલ્યો એટલે ગયો છો સમજી લેજે.
શું મારે એમ કહેવું કે અમારો પ્રિન્સ પથારીમાં સૂતો હતો અને હું ખુદ પેઢીનો માલિક એને ઘરે લેવા ગયો અને ત્યાંથી લઈને પરીક્ષા સ્થળે મુકી આ લોચો પુરો કરવા આવ્યો છું.!
અંતમાં પરિક્ષા ખંડમાં પ્રવેશ મળ્યો પરિક્ષા નિરીક્ષક આવ્યા પેપર આપ્યું અને નામ વિગતવાર લખવાનું કહ્યું.
મારાથી પૂછાઈ ગયું સાહેબ કાળા કલરની બોલપેન છે ચાલશે.?
જવાબ મળ્યો કામ પણ કાળા જ કર્યા છે ને ચલાવો ત્યારે.
રાજેશ્વરમ સોલંકી