માસિક – એક આભડછેટ આવી પણ છે!

sanitary-napkin
Wjatsapp
Telegram

સ્ત્રીઓએ માસિક ધર્મ વખતે ધાર્મિક સ્થળોએ જવું જોઈએ…!!??

મારો જવાબ છે, જે તે સ્ત્રીની શારીરિક અને માનસિક સ્થિતિ પર આધાર રખે છે. જો તે સ્વચ્છતા જાળવી શકતી હોય, જવું અનિવાર્ય હોય તો જવાય. કારણ કે આપણે ઘરમાં પણ ભગવાનની પ્રતિષ્ઠા કરીએ ત્યાં પુરતી સ્વચ્છતા જાળવીએ છીએ તેમ મંદિર પણ ભગવાનનું ઘર છે, એટલે ત્યાં પણ સ્વચ્છતા જળવાય એ જોવું, આપણી ફરજ છે. વળી જેમ ઘરનાં નીતિ-નિયમો ઘરનાં પ્રત્યેક સભ્યો પાળે તેવો આપણો આગ્રહ હોય છે તેમ મંદિર સંકુલ પણ કોઈને કોઈ ખાનગી માલિકીનાં ટ્રસ્ટનું હોય છે, માટે જવાનો આગ્રહ સેવવાને બદલે એની અનિવાર્યતા ધ્યાનમાં રાખીને જવું યોગ્ય રહે. દરેકે પોતાની વિવેક-બુદ્ધિનો આમાં ઉપયોગ કરવો જોઈએ. હવે, માસિક શું છે ને એમાં કેમ આભડછેટ પાળવાનો આગ્રહ રાખતો તે જોઈએ.

અમે નાનપણમાં મરાઠી મહોલ્લામાં રહેતા હતા, એ લોકો માસિકમાં આવેલી છોકરીઓની આભડછેટ ચુસ્તપણે પાળે. અમે જયારે આજુબાજુવાળી છોકરીઓ માસિકમાં હોય ત્યારે એમને પૂછતાં કે,” તમને શું થયું છે? તમને કેમ નહી અડકવાનું?” તમને કેમ ઘરમાં કશે અડકવા નથી દેતાં?” ત્યારે એ છોકરીઓ એવાં જવાબ આપતી કે, અમને કાગળો અડી ગયો છે એટલે, અથવા, અમારે માથે ગરોળી પડી હતી એટલે, અમે અભડાઈ ગયા છે. ત્યારે મારી બહેન નાવમામાં અને હું સાતમામાં ભણતા હતા. એક દિવસ મારી બહેનએ મારી મમ્મીને પૂછ્યું, “આ પુષ્પા, શશી, સોની, નયના, નલુ, ચિત્રા, મીનાને જ વારેઘડીએ કાગડા, ગરોળી અડકી જાય છે? અમને તો કોઈ દિવસ નથી અડતાં… મારા પપ્પાની હાજરીમાં એણે આવું પુછ્યું.

parineeti chopra sanitary padમારી મમ્મીએ એને સમજાવવાને બદલે, ધમકાવી નાંખી. મોટી થઈશ એટલે ખબર પડી જશે. બહુ બોલ બોલ નહિ કરવાનું વડીલોની હાજરીમાં. મારા પપ્પાએ પણ સંભાળ્યું હતું. એ બીજે દિવસે ગાંધીજીની કન્યાને પત્રો નામની નવજીવન ટ્રસ્ટની નાનકડી પુસ્તિકા લઇ આવ્યા ને મારી બહેનને કહ્યું, આ લે વાંચ, એટલે કાલે મમ્મીને પૂછતી હતી એ પ્રશ્નનો જવાબ મળી જશે. મારી બહેને તો એ પુસ્તક ના વાંચ્યું પણ મેં વાંચી નાંખ્યું. ગાંધીજીએ એમાં એકદમ સરળ ભાષામાં સ્ત્રીની બાહ્ય અને આંતરિક શારીરિક સંરચના અને માસિકચક્ર વિષે સમજાવી, આભળછેટ કેમ પળાતી એ પણ સમજાવેલું. જેમાં એમણે લખેલું કે, દરેક છોકરી/સ્ત્રીનાં ગર્ભાશયમાં અગિયારથી તેર વર્ષની ઉંમર દરમિયાન, દર મહીને એક ઈંડું બનવાનું શરુ થાય છે. એની સાથે ગર્ભાશયની દીવાલ પર એક સ્તર રક્તનું થાય, જેથી એની અંદર જો ફલીનીકરણ થાય ગર્ભસ્થ શિશુ સ્વાસ્થપણે વિકસી શકે. જો ૨૮ દિવસના સમય પહેલા એ ઈંડા સાથે પુરુષના શુક્રાણુનું મિલન થાય તો એ ઈંડાનું ફલીનીકરણ થઇ સ્ત્રીને ગર્ભ રહે છે. પણ તેમ ના થાય તો ૨૮માં દિવસે એ ઈંડુ ફૂટી જાય અને માસિક રૂપે સ્ત્રીનાં શરીરમાંથી બધો સ્ત્રાવ બહાર ફેંકાઈ જાય. આમ મોટાભાગની સ્ત્રીનું માસિકચક્ર ૨૮ દિવસનું હોય. ક્યારેક કોઈ અપવાદરૂપ સંજોગોમાં આ ચક્ર આગળ-પાછળ થાય એમ બને.

પહેલાના સમયે સ્ત્રીનું જીવન કઠોર પરિશ્રમવાળુ હતું. સવારમાં ઉઠી છાણ, વસીંદા કરવાના, કુવા, તળાવ કે નદીએ જઈ આખા ઘરના કપડા ધોવાના, બેડે બેડે જીવન જરૂરિયાતનું પાણી લાવવાનું, ઘર લીંપવું, ચૂલે રસોઈ કરવા બળતણ ભેગું કરવું, પિત્તળના ઢગલો વાંસણ માંજી માંજીને ચકચકિત કરવાં, વિગેરે, ઉપરાંત સીજનમાં ખેતરમાંય કામ કરવું. માસિકના સમયે સ્ત્રીનાં શરીરમાં થોડાક હોર્મોનલ ચેન્જીસ થાય, વળી શરીરમાં કમર, પેટ, હાથ, પગમાં અસહ્ય દુઃખાવો થાય, એટલે એમણે આરામની જરૂર હોય. વળી, દુઃખાવાને કારણે એમનું મન આળું થઇ ગયું હોય એટલે વાતે વાતે ઝગડા થઈ જાય. આ બધું ટાળવા આભળછેટ પાળવાનો રીવાઝ ડાહ્યા લોકોએ શરુ કર્યો હશે. અને એણે ધર્મ સાથે એટલા માટે સાંકળ્યો કે લોકો માટે. આ ઉપરાંત એક મિત્રનું એમ કહેવું છે કે, પહેલાના સમયમાં અંતવસ્ત્રો નો’તા, માટે માસિકમાં આવેલી સ્ત્રી જો ઘરમાં હરે-ફરે તો એનો સ્ત્રાવ ઘરમાં જ્યાં ત્યાં પડે ને બીજાને ઇન્ફેકશન થાય. ગંદકી ના ફેલાય માટે ખૂણો પડાવવામાં આવતો. વળી, પહેલાના સમયમાં લોકો નદીએ કે તળાવએ ના’વા જતાં. એટલે સ્વચ્છતાની દ્રષ્ટિએ સાર્વજનિક પાણી દુષિત ના થાય માટે ચાર કે પાંચ દિવસ માસિક આવે ત્યાં સુધી ના’વાની મનાઈ કરાતી. પછી સ્ત્રી માથાબોળ નહાઈને, સ્વચ્છ થઇ, પોતાનાં દૈનિક કાર્યોમાં જોડાઈ શકે. સ્ત્રીને આ સમયમાં આરામ કરવાની જરૂર છે એમ ખે તો આપણા લોકો મને નહિ. આપણા લોકો ધર્મના નામે બધું માને. ટૂંકમાં, ચમત્કારને નમસ્કાર કરનારા. પણ, ગાંધીજી પુસ્તકમાં દુઃખ પણ વ્યક્ત કરેલુ કે, ખૂણે બેઠેલી વહુની આગળ વણવપરાતા વાસણ, કપડાંનો ઢગલો કરી સાફ કરાવી છેલ્લે એ વાસણ, કપડાં પર ગૌમૂત્ર કે ગંગાજળ છાંટીને એને પવિત્ર ગણી લેવામાં આવે છે, આ ખોટું છે. આ વાંચ્યા પછી મેં નક્કી કરેલું કે જો મારી મમ્મી પળાવશે તો હું નહી પાળું.

મારી બહેન નાવમાં ધોરણના વેકેશનમાં ફર્સ્ટ ટાઈમ માસિકમાં આવી ને મારી મમ્મી હિટલરની કેમ કડકાઈથી એને ખૂણો પળાવતી. એય પુરા સાત દિવસ, કંતાનના આસન પર બેસવાનું, કંતાનના ગોદડા, ઓશિકા  પર સુવાનું. પણ તકલીફ એ કે અમારું ઘર ખુબ નાનું, અને શહેરની વચ્ચોવચ, એટલે જેટલા સગાસંબંધી, મિત્રો શહેરમાં ખરીદી કરવાં આવે ઈ પેશાબ, પાણી, ક્યારેક વધારે ખરીદી થઇ ગઈ હોય તો થેલા મુકવા કે અંતે અહી સુધી આવ્યા છીએ તો મળતા જઈએ, કરીને ઘરે આવે. અને જે આવે તે કંતાનના આસન પર બેઠેલી મારી બહેનને ત્યાં કેમ બેસાડી છે એમ પૂછે, એટલે મારી મમ્મી કહે અડકાયેલી છે. સાત દિવસમાં મારી બહેન શરમથી રડી રડીને અડધી થઇ જતી. વળી, ઘર નાનું એટલે ચારે ભાઈ-બહેન એક જ ઓરડામાં સુતા, મારી બહેનનું કંતાનનું ગાદલું અમારાથી થોડે દુર પાથરવામાં આવતું, અને મારી બહેનને ઊંઘમાં ગબડવાની ખુ બ ટેવ એટલે એ રાતના ગબડતી અમારા ભેગા આવી જતી. મમ્મી એના પર ખુબ ગુસ્સો કરતી. ત્યારે મારો નિર્ણય વધુ દ્રઢ થયો. ગમે તેટલો માર ખાવો પડે તો ભલે પણ હું નહી જ પાળું. હું પહેલીવાર દશમામાં હતી ત્યારે રક્ષાબંધનના દિવસે માસિકમાં આવી. બહેનના માસિકના લુંગડા ક્યાં મુકતા એની ખબર એટલે કોઈને કંઈ કહ્યા વિના પીસ પહેરી લીધો. વળી, મરાઠી લોકો શ્રાવણ મહિનામાં સત્યનારાયણની કથા અચૂક કરાવે. એમાંય શ્રાવણી પૂનમે કથા કરાવવા મળે તો ધનભાગ્ય માને. એટલે તે દિવસે મહોલ્લામાં છ-આંઠ ઘરે કથા હતી. મેં સવારમાં રસોડામાં રસોઈ કરવામાં મદદ કરી, જે હું ક્યારેય કરતી નો’તી. પછી જેટલા ઘરે કથા હતી, બધે જઈને ભગવાનને અડીને પગે લાગી આવી, પ્રસાદ ખાધો. ભગવાન મને શું સાજા કરે છે એ જોવાં. સાંજે ચારેક વાગ્યે મેં મોટીબહેનને કહ્યું કે હું સવારની માસિકમાં થઇ છું. એટલે મારી બહેને તરત જ મમ્મીને ચાડી કરી, એણે એમ થયું હશે કે મારે સાત દિવસ પાળવું પડે ને આ છટકી જાય એ કેમ ચાલે??

મમ્મીએ પહેલા તો કચકચાવીને બે  ઠોકી દીધી, મેં કહ્યું જો તુ મને અડી. પછી વેલણ લઈને સારી પેઠે મેથીપાક આપ્યો. મારી એક જ જીદ જેટલું મરવું હોય એટલું માર હું નહિ પાળુ એટલે નહી જ પાળુ. એટલામાં પપ્પા ફોઈના ઘરે રાખડી બંધાવવા ગયા હતા એ આવ્યા. એમણે મમ્મીને મારતી અટકાવીને મામલો શું છે, એ જાણવા પૂછપરછ કરી. મમ્મીએ મારો ભયંકર ગુનો વર્ણવ્યો. બ્રાહ્મણની છોકરી થઈને આ પાળે નહિ તો કેટલું મોટું પાપ! પપ્પાએ પૂછ્યું કે તારી બહેન પાળે છે તો તને પાલવમાં શું વાંધો? મેં ગાંધીજીએ પેલા પુસ્તકમાં શું લખ્યું છે એનો સંદર્ભ આપતાં, દર મહીને બહેનની સ્થિતિ કેવી કેવી કફોડી થાય છે, અને રોજ દિવસે મમ્મી ચુસ્તપણે પળાવે ને રાતે તો ગબળીને મારી ભેગી જ આવી જય છે. એ બધ્ધું જણાવ્યું ને છેલ્લે કહી દીધું કે, હું કોઈપણ હિસાબે પાળવાની નથી.પપ્પા વિચારમાં પડ્યા, મમ્મીની સમજાવટ ચાલુ કરી. મમ્મી કર્મકાંડી બ્રાહ્મણના ઘરની દીકરી, એય પૂરી જક્કી… છેવટે વચલો રસ્તો કાઢવામાં આવ્યો કે મોટા ઘરમાં જઈએ, જ્યાં સ્વતંત્ર રૂમ હોય તે મમ્મી કહે તેમ પાળવાનું. હાલ પુરતું રસોડામાં નહિ જવાનું અને પાણીના ગોળાને નહિ અડવાનું. હું ને મમ્મી, બેઉ આ નિર્ણય પર સહમત થયાં. પછી તો પાંચ વરસ મમ્મી એવી માંડી પડી કે આખું તંત્ર જ અમારા હાથમાં આવી ગયું ને પછી પાળવાનું સાવ ભુલાઈ જ ગયું. મમ્મી પાંચ વર્ષે સજી થઇ ત્યારે ફરી એણે પાળવાની વાત કરી પણ પપ્પા પછી કહ્યું, છોકરીઓ આરામ કરી જ લે છે, એટલે એવા બધાં નિયમ આ પાંચ વરસથી નથી પળાયા તો હવે શું કામ છે, રહેવા દે.. આ પાંચ વર્ષથી ટુ આમનું જ રાંધેલું ખાય છે. અને મમ્મીએ પછી જીદ છોડી.

વળી બીજી વાત, પહેલાના જમાનામાં મંદિરો ગામ બહાર પર્વત કે જંગલોમાં હોતાં, રજસ્વલા સ્ત્રી માટે એટલે દુર જવું પણ કષ્ટપ્રદ રહેતું,

ને બીજું કે શારીરિક શ્રમ વધે તો માસિક સ્ત્રાવ વધે, જેની સ્વચ્છતાના પ્રશ્નો પણ આવા દુરના સ્થળોએ ઉભા થાય. બાકી નહી-ધોઈને સ્વચ્છતા જાળવી શકતી સ્ત્રી મંદિરમાં શું બીજે ક્યાંય પણ જાય એની સામે કોઈને વાંધો હોય જ ના શકે. પણ ફરી વાર કહું કે, એનો હેતુ વાળ કરીને મનાઈ કરી છે, માટે આ હું કરીશ જ એવો હોય તો તે પણ ખોટો જ છે.

પરણ્યા પછી મારા સાસુ- સસરા, મારા માસીસાસુ, મારા નણંદ નંણદોઈ, મારા બીજા નણંદ, આ બધાને લઈને જ્યારે  જ્યારે દ્વારકા સોમનાથ ગઈ ત્યારે ત્યાં પહોંચુ ને અચાનક માસિકમાં થાઉં. ને તકલીફ એ કે મારા સાસરીયા ગુજરાતી, હિન્દી સહેજે જાણે નહીં, વળી બધાં લગભગ સીત્તેર વરસની ઉપરના વડિલો, એટલે મંદિરમાં એ લોકો હેરાન ના થાય એટલે મારે એમની સાથે જવું જ પડે… એટલે હું ગઈ. કોઈ ઇરાદાપૂર્વક નહીં પણ સંજોગો જ એવા ઊભા થયા કે જવું પડે એટલે ગઈ.  અને મને નથી લાગતું  કે એના કારણે કોઈ પાપ થયું હોય.

શ્રી જોશી
એસોસિએટ પ્રોફેસર,
ભીખાભાઈ પટેલ આર્ટસ કોલેજ,
આણંદ.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.