યુવા દર્શન – ચંદ્રિકાબેન સોલંકી

Chandrikaben Solanki
Wjatsapp
Telegram

આશાબહેનોની આશા… ચંદ્રિકાબેન સોલંકી
કોન્ટ્રેક્ટ અને ફીક્ષ પગાર સંઘર્ષ સમિતિ મહિલા પ્રમુખ
૭૦૧૬૦૩૨૩૪૪

ચંદ્રિકાબેન આણંદ જીલ્લાના આંકલાવના વતની છે પણ વર્ષોથી નડિયાદ રહે છે. માતા શિક્ષિકા અને પિતા રીટાયર બેંક ઓફિસર છે. એક દીકરી છે. ચંદ્રિકાબેનએ M.A., B.Ed. નો અધ્યાસ કરેલ છે અને શિક્ષિક તરીકે ફરજ બજાવે છે. છેલ્લા દોઢ વર્ષથી આશાબહેનના મુદ્દે કામ કરે છે. આ ૧૭ તારીખે આશાબહેનોનું રાજ્યસ્તરે સંમેલન હોઈ, અત્યારે જિલ્લે જિલ્લે પ્રવાસ કરી રહ્યા છે. તેમની સાથે થયેલ ટેલીફોનીક ઈંટર્વ્યું.

કૌશિક : ચંદ્રિકાબેન, તમે શિક્ષિકા છો, ફુલ પે કર્મચારી છો તો તમે આ આશાબહેનોના આંદોલન સાથે કેવી રીતે જોડાયા?

ચંદ્રિકાબેન : હું જે સ્કુલમાં જોબ કરું છુ, ત્યાં આશાબહેનો પોતાના કામ અર્થે આવતા હતા. એમની સાથે વાતચીત થતાં તેમણે જણાવ્યું કે ઉપરી અધિકારીઓ તેમને જોબમાંથી કાઢી મુકવાની સતત ધમકી આપ્યા કરે છે. હેરાન કરે છે. વડોદરાની કેટલીક આશાબહેનો પણ મારા સંપર્કમાં હતી. આ બહેનોની સમસ્યા હલ કરતાં કરતાં મને તેમની બીજી સમસ્યાઓ પણ જાણવા મળી. એમના માટે કામ કરતાં કરતાં બીજી ઘણી બહેનો જોડતી ગઈ. એટલે આવું કંઈ વિચાર્યું નો’તું પણ કામ કરતાં કરતાં આપમેળે થતું ગયું.

Chandrikaben Solanki 2કૌશિક : લડતની શરૂઆત કેવી રીતે થઇ?

ચંદ્રિકાબેન: મેં જયારે બહેનોનું આવું ભયંકર શોષણ જોયું તો મારાથી ના રહેવાયું ને આ કામમાં જોડાઈ ગઈ. આ બહેનોને તો પહેલા એ પણ ખબર નો’તું કે આને શોષણ કહેવાય. એમનો હક શું? તો આવા શોષણ સામે લડે પણ કેવી રીતે. હું આવી બહેનોને દરેક સેન્ટર, તાલુકા, જિલ્લે જઈને જાગૃત કરવાનું અને તેમને તેમના હક માટે લડતા કરવાનું કામ કરું છું. આવી બહેનોને પંદર પંદર વર્ષથી ડરી-ડરીને કામ કરતી હતી. હવે, આ બહેનો બોલતી થઇ છે. તેમના હક માટે લડતી થઇ છે.

હું ડૉ. બાબાસાહેબને બહેનોના આદર્શ માનું છું અને તેમને લગતા ઘણા પુસ્તકો વાંચ્યા છે. મારી બધી બહેનોને કહું છુ કે ડૉ. બાબાસાહેબએ સ્ત્રીઓને અધિકારો આપ્યા છે. ભલે કોઈ એમ કહેતું કે ડૉ. બાબાસાહેબ દલિત હતા, દલિતોના નેતા હતા પણ હું બધી બહેનોને કહું છુ કે ડૉ. બાબાસાહેબ કોઈ એક વર્ગનાં નેતા નો’તા. એમને દલિત નેતા તરીકે ખોટાં ચિતરવામાં આવ્યા છે. ભારતની તમામ નારીઓના વિકાસનું જો કોઈએ વિચાર્યું હોય ને તો એ માત્ર ને માત્ર ડૉ. બાબાસાહેબ છે. સંવિધાન થકી બધાને સમાનતાનો જે હક છે તે બાબાસાહેબએ આપ્યો છે, કોઈ એક વર્ગને નથી આપ્યો. મેટરનીટી લીવનો હક આપ્યો છે તો ફક્ત દલિત મહિલાઓને નથી આપ્યો પણ તમામે તમામ મહિલાઓને એનો લાભ ઉઠાવી રહી છે. આજે મિલકતનો હક આપ્યો છે તો કોઈ એક વર્ગની મહિલાઓને નહિ પણ સમગ્ર ભારતની મહિલાઓને એનો હક મળ્યો છે.

કૌશિક : તમે સરકારી કર્મચારી છો તો બીજા સરકારી કર્મચારીઓની જેમ સરકારની બીક નથી લાગતી?

ચંદ્રિકાબેન : હા, હું સરકારી કર્મચારી છું. પણ સાથે સાથે હું એક ભારતીય નાગરિક છું. મહિલા છું. તો મહિલા હોવાનાં નાતે જયારે ગુજરાતની હજારો મહિલાઓ, સરકારનું આવું કામ કરતી હોય, કમરતોડ મજુરી કરતી હોય ને એને વેતન ના મળતું હોય અને જયારે મેં બાબાસાહેબને વાંચ્યા હોય ને  બાબાસાહેબની કુરબાની જે છે એણે મેં મહેસુસ કરી હોય ત્યારે મારું મહિલા હોવાનાં નાતે, ભારતીય હોવાનાં નાતે મારું કર્તવ્ય બને છે કે હું આવા શોષણ સામે અવાજ ઉઠાવું. અને જો સરકારને લાગતું હોય કે હું ગુનેગાર છું તો સરકાર જે સજા આપે એ હું ભોગવવા તૈયાર છું.

હું સરકારી કર્મચારી છુ. મને માત્ર ૧૨ જ રજાઓ મળે છે એટલે કપાત રજાઓ મુકીને પણ મેં આંદોલન ચાલુ રાખ્યું છે.

કૌશિક : સરકાર તરફથી તમને કોઈ કનડગત થઇ છે?

ચંદ્રિકાબેન : હા, મારા પણ દબાણ આવી રહ્યું છે. મારા પ્રિન્સીપાલ પર ફોન આવી રહ્યા છે કે “તમે ચંદ્રિકાબેનને નોટીસ આપો અને એમને કહો કે સરકારી કર્મચારી છો તો સરકાર વિરુદ્ધ આંદોલન કરવાનું બંધ કરે.” પણ મારો અંતરાત્મા કહે છે કે હું જે રસ્તા પર ચાલી રહી છું, તે બરાબર કરી રહી છુ. હું આ કામ છોડવાની નથી. આ ૨૧મી સદી છે ને તોય મહિલાઓ ૧૭ મી સદીમાં છે અને હજીય કોઈ નારી માટે ખુલીને બહાર નહિ આવે તો કોણ આવશે? હવે નહિ તો ક્યારે?

કૌશિક : તમારા પરિવાર તરફથી તમને સમર્થન ખરું? કે પરિવાર આવા સરકાર વિરુદ્ધ કામનો વિરોધ કરે છે?

ચંદ્રિકાબેન : મારા પિતાજી મને ફુલ સપોર્ટ કરી રહ્યા છે. મારી દીકરી પણ મને ફુલ સપોર્ટ કરી રહી છે.

કૌશિક : તમારા સંગઠન કોન્ટ્રેક્ટ અને ફીક્ષ પગાર સંઘર્ષ સમિતિ નું રજીસ્ટ્રેશન છે?

ચંદ્રિકાબેન : ના. પણ આવનારા સમયમાં રજીસ્ટ્રેશન કરાવીશું.

કૌશિક : તમારા સંગઠન માટે ભંડોળ કેવી રીતે મેળવો છો?

ચંદ્રિકાબેન : મેં આજ સુધી કોઈ આશાબહેનો પાસેથી એકપણ રૂપિયો લીધો નથી. હું પોતે સરકારી કર્મચારી છું. મેં મારા પોતાના ૬.૫ લાખ રૂપિયા ખર્ચી નાંખ્યા છે. એકવાર તો એવું થયું કે, અમારે તાત્કાલિક આશાબહેનો માટે કાર્યક્રમ કરવાની જરૂર પડી એટલે મેં મારા દાગીના ગીરવી મુકી, બેનર-પોસ્ટર વિગેરે છપાવીને અમે એ કાર્યક્રમ કર્યો. રજનીકાંતભાઈ સોલંકીએ પણ પોતાના ખીસ્સાના ઘણા રૂપિયા ખર્ચ્યા છે.

Chandrikaben Solanki 3કૌશિક : તમે આશાબહેનોના શોષણ મુદ્દે કોર્ટમાં ગયા છો?

ચંદ્રિકાબેન : ના. કેમ કે કોર્ટમાં જઈએ તો કોર્ટ પ્રોસેસ બહુ લાંબી થઇ જાય. અને કદાચ કોર્ટ કહે કે, બહેનોને શોષણમાંથી મુક્ત કરો તો સરકાર સામેથી સુપ્રીમ કોર્ટમાં જાય એવી છે. ફીક્ષ પગારમાં એવું જ થયું છે. એટલે અમે સીસ્ટમ સામે સીધી લડત કરવાનું નક્કી કર્યું છે.

કૌશિક :  શું વિપક્ષે કોઈ આશ્વાસન આપ્યું છે?

ચંદ્રિકાબેન : એક ટીવી કાર્યક્રમ દરમ્યાન, વિરોધપક્ષના મોહનસિંહ રાઠવાને,  જયારે અમે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે આ આશાબહેનોના મુદ્દે અમે વિધાનસભામાં વિરોધ કર્યો હતો. અને અમારા મેનીફેસ્ટોમાં લઈશું, વર્ગ ચાર પ્રમાણે જે મળવાપાત્ર થતું હોય તે આપીશું.

કૌશિક : સરકારએ ૩૦% વધારો જાહેર કર્યો છે, એ બાબતે તમારું શું કહેવું છે?

ચંદ્રિકાબેન : અમારી માંગણી ઇન્સેન્ટીવ વધારા માટેની નથી. ઇન્સેન્ટીવથી તો બહેનોનું શોષણ થાય છે. અમારે તો “સમાન કામ, સમાન વેતન” જોઈએ છે.

કૌશિક : તમારા આંદોલનનો ધ્યેય શું છે?

ચંદ્રિકાબેન : મારી માંગણીઓ તો છે જ, એ તો થવું જ જોઈએ પણ મારો મુખ્ય ધ્યેય, ખરાં અર્થમાં મહિલાઓનું સશક્તીકરણ થવું જોઈએ. ડૉ. બાબાસાહેબ, સ્વામી વિવેકાનંદએ કહેલું કે, “કોઈપણ દેશનો વિકાસ તે દેશની નારીના વિકાસ પરથી નક્કી થાય.” આજે પણ ભારતના ગુજરાતના ગામડાઓમાં ખૂણામાં બેસેલી નારીનો વિકાસ થયો નથી. આજે નારી એના અધિકારથી વંચિત છે. આજે પણ નારી દબાયેલી છે, એના પતિથી દબાયેલી છે, એનાં સાસુ-સસરાથી દબાયેલી છે, સમાજથી દબાયેલી છે અને નોકરી કરે છે તો એના સહેબોથી દબાયેલી છે. તો મારો ધ્યેય તો આવી નારીઓ પોતાની નારીશક્તિને ઓળખે અને પોતાના હક માટે લડતી થાય. જો નારીનો વિકાસ થશે તો એના બાળકોનો, કુટુંબનો અને સમાજનો વિકાસ થશે.

મારી છોટા ઉદેપુરની બહેનો ખુદ કહે છે કે ચંદ્રિકાબેન અમે જીલ્લો તો શું તાલુકો પણ નો’તો જોયો ને આજે અમે લડતા થયા છીએ. પહેલા સાહેબો મનફાવે તેમ મફતમાં કામ કરાવતાં હતા. હવે આ બહેનો મફત કામ કરવાની ના પડે છે અને કામના પૈસા માંગે છે. અધિકારો પણ કહે છે કે, “આશાને જીભ ક્યાંથી આવી!”

કૌશિક : આ આંદોલનનો અંત તમને શું લાગે છે?

ચંદ્રિકાબેન : અમે અમારી માંગણી પ્રચંડ આક્રોશ સાથે સરકાર સમક્ષ મૂકી રહ્યા  છીએ. આ ૧૭ તારીખે સમગ્ર રાજ્યની આશાબેહેનો ભેગી મળી માંગણી મુકશે. અને તેમ છતાં, જો અમારી માંગણીઓ સરકાર નહિ સ્વીકારે, આશાબહેનનો સરકાર નજરઅંદાજ કરતી હોય તો આ તેમની બહુ ગંભીર ભૂલ છે.

જો આશાબહેનો ઘરે-ઘરે જઈને પોલીઓમુક્ત કરાવી શકતી હોય, બાળમરણ અટકાવી શકતી હોય, માતામરણ અટકાવી શકતી હોય, ઘરે-ઘરે જઈને બે બાળકો પછી ત્રીજું નહિ એમ સમજાવી વસ્તીવધારો પણ અટકાવી શક્તિ હોય  તો ઘરે ઘરે જઈને, આશાબહેનો,  ફીક્ષ કર્મચારીઓ, કોન્ટ્રેક્ટ કર્મચારીઓ, આઉટસોર્સિંગ, બેરોજગાર અને અન્ય બધાંય શોષિત લોકોને ભેગા કરી, આ સરકાર બદલવા પૂરો પ્રયત્ન કરીશું.

કૌશિક : ગુજરાતની મહિલાઓ માટે કોઈ સંદેશ?

ચંદ્રિકાબેન : હું, ચંદ્રિકા સોલંકી એ કોઈ નેતા નથી. ચંદ્રિકા સોલંકી શોષિત મહિલાનો અવાજ છે. તમારી અંદર જે પ્રચંડ શક્તિ રહેલી છે એને ઓળખો. ભવિષ્યમાં હું હોઉં કે ના હોઉં પણ દરેક બહેન પોતાના હક માટે, પોતાના અધિકાર માટે, જાગૃત બને અને આગળ વધે. ફક્ત પોતાનો વિકાસ નહી પણ પોતાના થકી આખા ભારત દેશનો વિકાસ કરે, એમ હું ઈચ્છું છું.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.