યુવા ભગતસિંહ: ધર્મ અને ઈશ્વર

અમીન ઉમેશ
૯૭૧૪૪૪૯૫૪૪
Member of AISF
દોસ્તો, ઈશ્વર,ધર્મ અને રહસ્યવાદ પર ભગત સિંહના વિચારો વિશે ન લખું તો કદાચ એની ભૂમિકા અધૂરી રહી જાય. આ એટલા માટે પણ જરૂરી છે કે આજે દરેક પ્રકારના પ્રતિક્રિયાવાદી, રૂઢિવાદી અને સંપ્રદાયિકતાવાદી લોકો ભગતસિંહનું નામ અને યશ પોતાની રાજનીતિ અને વિચારધારા માટે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે. પોતાને નાસ્તિક ગણાવતા ભગતસિંહ કહેતા કે, “હું એવી કોઈ સર્વશક્તિમાન શક્તિને માનવા તૈયાર નથી, જે સર્વશક્તિમાન હોવા છતાં એક મનુષ્ય પર બીજા મનુષ્ય દ્વારા થતા અત્યાચારને રોકી નથી શકતી.”
એસેમ્બલી બોમ્બકાંડ કેસ વખતે એક બયાનમાં ભગતસિંહ પોતાના વિચારો પર બળ આપતા કહ્યું હતું કે, “ઈંકીલાબની તલવાર વિચારોની ધાર પર તેજ થાય છે.” અને આને આધાર રાખીને તેમણે એક સૂત્ર પ્રસ્તુત કર્યું હતું કે,”આલોચના અને સ્વતંત્ર વિચાર કોઈ પણ ક્રાંતિકારી હોવા માટેના અનિવાર્ય ગુણ છે.” અને,” જે વ્યક્તિ પોતાની અને સમાજ ની પ્રગતિ માટે સંઘર્ષ કરે છે એના માટે જરૂરી છે કે વર્ષોથી ચાલી આવતી શ્રદ્ધાની એક-એક વાતની આલોચના કરે, એના પર અવિશ્વાશ કરે અને એને પડકારે.” એમણે મજબૂતાઈથી એ પણ કહ્યું હતું કે,” સંપૂર્ણ વિશ્વાસ અને અંધવિશ્વાસ ઘાતક છે. એનાથી માનવ મગજ કુંઠિત થઈ જાય છે અને માનવ પ્રતિક્રિયાવાદી થઈ જાય છે.”
ભગતસિંહ સ્વીકાર કરતા હતા કે ,”ઈશ્વરમાં કમજોર માનવીને જબરજસ્ત આશ્વસન અને હૂંફ મળે છે અને એ આશ્વસન એની મુશ્કેલીઓને ફક્ત આસન નહીં, પણ સુખદ પણ બનાવી દે છે. આંધી અને તોફાનમાં પોતાના પગ ઉપર ઉભું રહેવું કોઈ બાળકનું કામ નથી.” પરંતુ ભગતસિંહ કોઈ પણ સહારા માટે એવા કોઈ બનાવટી અંગનો વિચારને પણ અસ્વીકાર કરતા હતા. એ કેહતા હતા કે, “મારી નિયતિનો સામનો કરવા માટે મને કોઈ પણ પ્રકારના નશાની જરૂર નથી.” તેઓ એ પણ કેહતા કે ,”જે માણસ પોતાના પગ પર ઉભો રહેવાનો પ્રયત્ન કરે છે અને વાસ્તવિક બની જાય છે, એને બધા જ ધાર્મિક વિશ્વાસો એક તરફ મૂકીને, જે-જે મુસીબતો અને દુઃખોમાં જે પરિસ્થિતિને કારણે પડ્યો છે, તેનો એક મર્દ બનીને બહાદુરીથી સામનો કરવો જોઈએ.”
ભગતસિંહે શરૂઆતના ક્રાતિકારીઓના દ્રષ્ટિકોણને પૂર્ણ સન્માન આપ્યું હતું અને એમના ધાર્મિક સ્રોતોની પણ ચકાસણી કરી હતી. તેના પરથી તેઓ સંકેત કરતા કે તેઓને પોતાને રાજનીતિક કાર્ય માટે, પોતાની આધ્યાત્મિકતા રક્ષા કરવા, વ્યક્તિગત પ્રલોભનોની વિરુદ્ધ સંઘર્ષ કરવા, અભાવમાંથી બહાર આવવા, ભૌતિક સુખો અને પારિવારિક ત્યાગ માટે સામર્થ્ય મેળવવા માટે, આવા વિવેકહીન અને રાહસ્યવાદીતાની જરૂરત લાગતી. પરંતુ અમુક લોકોને આવા પ્રેરણા સ્રોતોની જરૂર ન પડી, જે પોતાના કામની પ્રકૃતિને સમજતા હતા અને ક્રાંતિકારી વિચારધારાની દિશામાં ખૂબ આગળ વધી ગયા હતા. જેઓને સ્વર્ગ અને મોક્ષના પ્રલોભનો વગર અન્યાય સામે લડ્યા.
ઈશ્વર, ધાર્મિક વિશ્વાસ અને ધર્મ ને આ તિલાંજલિ ન તો કોઈ આકસ્મિક ઉદ્દભવી હતી કે ન આ તેમના અહંકારનું પ્રતિક હતું. તેમને તો બહુ પેહલા જ 1926 માં ઈશ્વર ની સત્તાનો અસ્વીકાર કરી દીધો હતો. તેઓ કેહતા કે,”1926ના અંત સુધી મને એ વાત પર વિશ્વાસ થઈ ગયો હતો કે સૃષ્ટિ નું નિર્માણ, વ્યવસ્થાપન અને નિયંત્રણ કરવા વાળી કોઈ પણ સર્વશક્તિમાન સત્તાના અસ્તિત્વનો સિદ્ધાંત એકદમ નિરાધાર છે.”
આજના સંદર્ભમાં આ વિચારો વિશે ચિંતન કરીયે તો શુ ભારતની એવી કોઈ પાર્ટી છે જે ભગતસિંહને આ વિચારો સાથે સ્વીકારે. ભગતસિંહના જન્મ દિવસ અને પુણ્યતિથિએ દરેક પાર્ટી ના કથાકથીત “સુપ્રીમો” તરફથી ટ્વિટ આવી જ જાય છે કે ભગતસિંહના વિચારો પ્રેરણા આપે છે. પણ કોઈ આ વિચારોને વ્યવહારિક રાજનીતિ માટે ઉપયોગ નથી કરતું. ભગતસિંહ હંમેશા કેહતા કે,”જે વસ્તુ મુક્ત વિચારોને જગ્યા નથી આપતું તેનો નાશ થવો જરૂરી છે.” શુ આવા મુક્ત વિચારો આજનો સમાજ સ્વીકારશે? છેલ્લા એક દાયકાથી જે ઘટનાઓ બની રહી છે તે પર થી તો કહીશ શકાય કે ભગતસિંહના વિચારોની હત્યા દરરોજ થાય છે. ભારતીય સમાજ પોતાની કાલ્પનિક માન્યતાઓ ને ઈશ્વરની સંકલ્પના આપી ને ધર્મની આડમાં અધર્મ કરતો થઈ ગયો છે. જેના પરિણામે આજે કોઈ એવો મહિનો નથી જતો જેમાં કોઈ ની ધાર્મિક લાગણી ન દુભાય હોય અને તોફાન ન થયા હોય. ચાણક્ય હંમેશા કેહતા કે, “જે આસ્થા તર્કના આઘાતથી કમજોર પડતી જણાય તે આસ્થા તૂટવી જ જોઈએ. જો તમારી આસ્થા અડગ છે તો એ આસ્થા સાથે જીવન મૂલ્યો નું જતન કરીને જીવી બતાવો.” ફક્ત નથી જણાયું તેને ઈશ્વર માની લેવો એ કેટલી હદે યોગ્ય? ક્રાંતિ એ પછી પોતાના જીવનમાં કે સમાજમાં કરવી હોય તો પછી એ ગુલામીમાં શક્ય નથી. ચાહે એ ગુલામી ઈશ્વરની પણ કેમ ન હોય. મનુષ્યના જીવનમાં ધર્મ કદાચ વ્યક્તિગત પ્રશ્ન હોય શકે પરંતુ પોતાની જ આસ્થાના આધારે બીજાના જીવનમૂલ્યો પ્રત્યે પૂર્વગ્રહો બનાવવા કેટલું યોગ્ય? સત્યની વ્યાખ્યા દર વ્યક્તિએ બદલાય છે. એ પણ એટલું જ સત્ય છે કે માનવીની માન્યતા તૂટે ત્યારે ખૂબ દુઃખ થાય છે. પણ પરિવર્તન સંસારનો નિયમ છે. જેથી નવા વિચારોને સ્વીકારવા એ પણ આપણો ધર્મ છે. એ અધિકાર પણ તમારી પાસે રહેલો છે કે મુક્ત વિચારો સાથે તમે અસહમત થાવ પણ એને સંપૂર્ણ નકારી પણ ન શકાય.
છેલ્લે,ધાર્મિક ન હોવું એ કોઈ ગુનો નથી. દુનિયામાં 71 કરોડ(લગભગ) લોકો નાસ્તિક છે. છતાં પણ તેઓએ પોતાના જીવન મૂલ્યોનું જતન કરી રાખ્યું છે. એ લોકો પણ મૂર્ખ છે જે બીજા પંથ અને સંપ્રદાયની ઉન્નતિમાં પોતાના પંથ અને સંપ્રદાય ની અવનતી ગણે છે. આ ડર ફક્ત એ લોકોને જ લાગે છે જેઓને પોતાની આસ્થા પર શંકા છે. જો પોતાની આસ્થા પર વિશ્વાસ છે તો તમારી એ ફરજ છે કે કરુણા, પ્રેમ, દયા અને માનવતા જેવા જીવનમૂલ્યો સાથે આસ્થિકતા સાબિત કરી બતાવે.
ખૂબજ ઉમદા વિચારો