રાજકરણમાં યુવાનો અને યુવાનોનું રાજકરણ

Wjatsapp
Telegram

આમ તો રાજકારણમાં યુવાનોનો ઉપયોગ ટોઇલેટ પેપરથી કઇં વિશેષ થતો નથી. નેતાઓ પોતાનું પછવાડું ઘસીને ફ્લશ કરી દેતા હોય છે. પણ, આજના ગુજરાતની સ્થિતિ ઘણી અલગ છે. ૨૦૧૪ સુધી મુખ્યમંત્રી શ્રી નેરેન્દ્ર મોદીજીએ લોકોને દબાવી રાખ્યા હતા એ ૨૦૧૯માં પ્રધાનમંત્રી બનતાં ઘણી છૂટ મળી. વળી, પોતાને મીડિયામાં ચાણક્ય કહેવડાવતા શ્રી અમીત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક બનતાં ગુજરાત પર ધ્યાન ઘટ્યું. વળી, ગુજરાત કોંગ્રેસ શીતનિંદ્રામાં જતી રહી. જે રાહુલ ગાંધીના વારંવાર આગમનથી ઉઠીને ફરી ઊંઘી જતી હોય એવું લાગેછે. મોદી અને શાહ, આ બે સિવાય ભાજપ પાસે કોઈ સબળ નેતા ના હોવાના લીધે અથવા આ બંનેએ કોઈ સબળ નેતા ના રહેવા દીધા ના લીધે, બિનઅનુભવી યુવાનોને, પોતાનો આક્રોશ ઠાલવવા, પોતાની પ્રતિભા ખીલવવાની તક મળી. જે એમણે ખુબ સારી રીતે ઝડપી અને કેટલાંક પોતે જ ઝડપાઈ ગયા.
તો ચાલો વાત કરીએ, “રાજકારણમાં યુવાનો અને યુવાનોનું રાજકારણ”ની.
આમ તો રાજકારણમાં જે યુવાનો છે, તે યુવા પાંખ અને વિદ્યાર્થી પાંખમાં પાર્ટીઓના એજન્ડા અનુસરવા સિવાય કંઈ ખાસ કરતાં નથી. કાર્યક્રમોમાં ભીડ લાવવી, ખુરશીઓ ગોઠવવી, વ્યવસ્થા અને થોડી ઘણી લુખ્ખાગીરી કરવી, એ દરેક પાર્ટીના યુવાનો કરતાં હોય છે. વિદ્યાર્થી પાંખમાં હોદ્દાથી વિશેષ કંઈ મળતું નથી. કેટલાંક સેટિંગબાજ વિધ્યાર્થીનેતાઓ સેટિંગ કરીને કમાણી કરી લેતા હોય છે. પણ આ સંખ્યા ઘણી જૂજ છે. તેમ છતાં કોલેજ, યુનીવર્સીટીમાં ઈલેક્શન લડવા, પાર્ટી તરફથી ટીકીટ મેળવવા, ૫૦ હજારથી ૨ લાખ સુધી ખર્ચાય છે. જીતીને કે હારીને કોઈ વિદ્યાર્થીઓનું કામ કરતુ નથી. ઉલટું, તેમની જ રહેમ નજર હેઠળ, શિક્ષણ મંડળ, યુનીવર્સીટી, વિગેરે વિદ્યાર્થીઓના ફીના રૂપિયાની ઉજાણી કરે છે. એટલે જ દર વર્ષે યુનીવર્સીટીઓના કૌભાંડો થાય છે, ફરીથી થાય છે અને વારંવાર એ જ કૌભાંડો થાય છે.
બીજેપી ધ્વારા ડૉ. રીત્વીજ પટેલને યુવા મોર્ચા પ્રમુખ બનાવી પાટીદાર સમાજને શાંત કરવાં પ્રયત્ન થયો. પણ ડૉ. રીત્વીજ “ટેસ્ટર”થી વધારે કઇં નામના મેળવી શક્યા નથી.
જે રીતે રેશ્મા પટેલ, વરૂણ પટેલ અને તેની સામે નરેન્દ્ર પટેલ અને બીજા પાસના બીજા યુવાનો બીજેપી-કોંગ્રેસ વતી બયાનબાજી અને રાજકારણના ખેલ રમી રહ્યા છે. એ સિદ્ધ કરે છે કે ગુજરાતના રાજકારણમાં યુવાનોનું વર્ચસ્વ વધ્યું છે અને હજુય વધશે. સાથે સાથે પાટીદાર યુવાનોની રાજકારણમાં સક્રિયતા પણ ઉડીને આંખે વળગે તેવી છે.
કોંગ્રેસના યુવા મોર્ચાના યુવાનો જીતનું આંકલન લગાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ કેટલી સબળી બની કરતાં, બીજેપી કેટલી નબળી પડી, એ એમની ચર્ચાનો મુખ્ય મુદ્દો હોય, તેમ લાગે છે.
તમારે એ હંમેશા યાદ રાખવું જોઈએ કે બધી પાર્ટીઓમાં આજના મુખ્ય નેતાઓ, ક્યારેક વિદ્યાર્થી નેતા કે યુવા નેતા હતાં. આ રાજકારણની સ્કુલનું પહેલું પગથીયું છે. આ વખતે ઘણા નવા યુવા ચહેરાઓને ટીકીટ મળી શકે તેવી સંભાવના છે.
હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર, આ બંને ચૂંટણી સમયે કોઈ પાર્ટી સાથે જોડાણ કરશે એ સૌને લાગતું હતું અને એ જ થયું. એ જ પ્રમાણે જીગ્નેશ મેવાણી પણ સમાજનો બહોળો આધાર કે નક્કર સંગઠન વગર, “હું પણ છુ” ની નોંધ, મીડિયામાં લેવડાવવામાં સિદ્ધ થયા છે. આ ત્રણ જણાએ જે રીતે મીડિયામાં ધડબડાટી બોલાવી છે, એ જોતાં બીજેપી વિરુદ્ધ ગુજરાતના યુવાનોની ચૂંટણી હોય તેવું લાગેછે. જે ઘણાખરા અંશે સાચું પણ છે.
દેવીપુજક સમાજ, જે આર્થિક અને સામાજિક રીતે ખુબ પછાત સમુદાય છે એ જીગ્નેશ મેવાણી કે અલ્પેશ ઠાકોરને ના અપનાવતા પોતાના અલગ યુવા નેતાની શોધખોળ આદરી છે. કોળી સમાજે પણ અથવા જન ચેતના પાર્ટીએ પણ, કોળી સમાજના વિકલ્પ બનવાની ભરપુર કોશિશ આદરી છે.
પ્રવીણ રામ, સુબોધ પરમાર, ચંદ્રિકાબેન સોલંકી, રજનીકાંત સોલંકી, રોમેલ સુતરીયા, વિગેરેએ ચૂંટણીને લક્ષમાં રાખીને રણનીતિ બદલી છે અને સરકાર પણ દબાણ બનાવી, આચારસંહિતા લાગુ પડે એ પહેલા, પોતાની માંગણીઓને માનવવા, ધમપછાડા શરુ કર્યા છે. “… અને જો અમારી માંગણીઓ ના સંતોષવામાં આવી તો અમે બીજેપી વિરુદ્ધ પ્રચાર કરીશું.” એવી ખુલ્લી ચેતવણીઓ પણ આપવામાં આવી છે.

હિદાયત ખાન, જે. કે. પટેલ, કીસન પોસ્તરીયા જેવા કર્મશીલોએ ચૂંટણીને જોવાની અને ચૂંટણી પછી પ્રજાલક્ષી કામો કરવાની નેમ લીધી હોય તેમ લાગે છે. હાલ પૂરતાં સક્રિય રાજકારણથી અલિપ્ત જણાય છે.

લાખો યુવાનો, જે પાર્ટીઓ સાથે સંકળાયેલા છે અને કોઈ પાર્ટી સાથે સંકળાયેલા ના પણ હોય તેવા, આજે સોસીઅલ મીડિયાના કાર્યકર્તા બની, સરકાર વિરુદ્ધ અને સરકારના સમર્થનમાં, રૂપિયા લીધા વગર, ભરપુર પ્રચાર કરે છે. આ લોકોએ જ ગુજરાત ૨૦૧૭ની ચૂંટણીને “બીજેપી Vs ગુજરાતના યુવાનો” બનાવી દીધી છે.
કઈ પાર્ટી કોને ખરીદી રહી છે?
કોણ કેટલામાં વેચાયું?
કોની કોની સાથે ગુપ્ત મીટીંગો થઇ?
ગુપ્ત મીટીંગોમાં કઈ ગુપ્ત માંગણીઓ મુકાઇ?
આ ગુપ્ત માંગણીઓમાંથી કેટલી માંગણીઓ સંતોષાઈ?
આ બધી જ બાબતોનું ગુજરાતના યુવાનો નોંધ લઇ રહ્યા છે અને ગમે તેટલો મોટો તીસમારખાં હોય એના જાહેરમાં(સોસીઅલ મીડિયા પર) કપડાં ઉતારી નાંખે છે.
સામાજિક નેતા કે સામાજિક કાર્યકર કહેવાતા નેતાઓ જયારે મુદ્દો ખતમ થઇ જાય છે ત્યારે તેમનું મહત્વ ઘટતાં નવાં મુદાની તલાશમાં નીકળી જાય છે.
અલ્પેશ ઠાકોરના દારૂબંધીને લગતા આંદોલનથી સરકારી ઝુકી અને દારૂબંધીના કાયદા કડક કર્યા. (જો કે ગુજરાતમાં દારૂ આજે પણ એટલો જ મળે છે, જેટલો પહેલા મળતો હતો. બસ! ભાવ વધારો થયો છે.) આ પછી અલ્પેશ ઠાકોર નવરાધૂપ થઇ ગયેલા એટલે યુવાનોના રોજગાર મુદ્દે આંદોલન શરુ કર્યું. બેરોજગારીની બુમો પાડી પણ ફીક્ષ પે, કોન્ટ્રેક્ટ પદ્ધતિ, આશા બહેનો, વિગેરે મુદ્દે આંદોલન પહેલેથી ચાલુ હતા અને આ મુદ્દાઓ પર સબળ નેતૃત્વ પણ હતું એટલે વધુ ફાવ્યા નહિ.
પ્રવીણ રામ, ફીક્ષ પે મુદ્દા પર ૩ વર્ષથી કામ કરે છે. એ પણ કોઈ રાજકીય પાર્ટીમાં જોડાય તેવાં એંધાણ છે. એકવાર અલ્પેશ ઠાકોર, પ્રવીણ રામને સમર્થન આપવા ગાંધીનગર ખાતે ફીક્ષ પે અને કોન્ટ્રેક્ટ કર્મચારીઓના પ્રશ્નોના મુદ્દે કાર્યક્રમમાં આવેલા. પ્રવીણ રામની ધરપકડ થઇ ગયેલી અને મોર્ચો અલ્પેશ ઠાકોરે સંભાળી લીધેલો. એક રીતે એમ કહીએ કે મુદ્દો હથીયાવા માટે પ્રયાસ કરેલો. પ્રવીણ રામના ચહેરા પર ચિંતાઓની રેખાઓ સ્પષ્ટ દેખાઈ આવી હતી. ત્યાં, “જન અધિકાર મંચ” માં બીજા નંબરે ગણાતા, સુબોધ પરમારે હાથમાંથી માઈક ખેંચી લઈ, બાજી સંભાળેલી. જુના ટીવી રેકોર્ડીંગ કોઈની પાસે હોય તો જો જો આ ઘટના. આ જ સુબોધ પરમાર “રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ”માં પણ બીજા નંબરે છે. આવા “નંબર બે” ગણાતા યુવા નેતાઓની ફિલ્મો રિલીજ થતી નથી. હવેની બધી ફિલ્મો “નંબર ૧”ના નામે જ રિલીજ થાય છે.
આ જ રીતે, વર્ષોથી કોન્ટ્રેક્ટ અને આશાબહેનો મુદ્દે કામ કરતાં રજનીકાંત સોલંકી અને ચંદ્રિકાબેન સોલંકીએ પણ પ્રવીણ રામ સહીત, ઘણાને આ મુદ્દો પડાવતા રોકવા સફળ થયેલા. અલ્પેશ ઠાકોરે જયારે આશા બહેનો મુદ્દે હાથ નાંખ્યો ત્યારે, સંગઠન વિખેરાઈ જશે અથવા આશા બહેનો વહેંચાઇ જશે, એ બીકે, ચંદ્રિકાબેન સોલંકીએ પોતાના ઘરેણા ગીરવી મૂકી, તાત્કાલિક કાર્યક્રમ ઘડી નાંખી, સમગ્ર રાજ્યનો પ્રવાસ ખેડ્યો. અને આશા બહેનોની એકતા ટકાવી રાખવામાં સફળ થયા.
હાર્દિક પટેલ પોતાની મનમાની કરે છે એવા આક્ષેપો ઘણીવાર થયા. જે સામે પડ્યું અથવા પોતાની ચલાવવા કોશિશ કરી, એ પાર્ટીમાંથી બહાર નીકળી ગયાના અસંખ્ય કિસ્સાઓ છે. તેમ છતાં “હાર્દીક્વાળી” કરી પાટીદારોનો એકમાત્ર સર્વ સ્વીકૃત યુવા નેતા બનવામાં સફળ રહ્યા છે.

જીગ્નેશ મેવાણીની આપના ગોપાલ રાય સાથેની, એનેક્ષીમાં ગુપ્ત બેઠકો પછી રાકેશ મહેરીયાનું આપમાં જોડાવું, ઘણું બધું કહી જાય છે. તેમ છતાં રાહુલ ગાંધી સાથે થયેલી લેટેસ્ટ મુલાકાત તેમની રાજકીય કારકિર્દીમાં નવો વળાંક આપશે તેમ લાગે છે. જો કે જીગ્નેશ મેવાણી આ બંને વાતને અફવા ગણાવે છે. અને રાજકારણમાં હાલ પુરતું જોડાવા ના પાડે છે.
રાજકારણમાં પડેલા યુવાનો પણ પીઢ નેતાઓની જેમ જ રાજનીતિના દાવો ખેલી રહ્યા છે. ટીકાની પરવા કરતાં નથી. સમય સાથે સ્ટેન્ડ બદલે છે. મુદ્દા બદલે છે. મિત્ર વર્તુળ અને પોતાની છાપ પણ બદલે છે. જે તેમનું ઝડપભેર શીખવું અને સામાજિક નેતામાંથી રાજકારણના નેતા બની રહ્યાના સ્પષ્ટ સંકેતો છે. બધું જ કાળું અને સફેદ કહેનારા યુવા નેતાઓ હવે, “ગ્રે” કલરની ભાષા બોલતા થયા છે.

કેટલાંક યુવા નેતાઓ આ ચૂંટણીમાં સામાજિક કાર્યકર્તા તરીકેની છાપ બનાવી રાખવામાં સફળ થશે. પણ, એ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડવાના લક્ષ્ય પણ ધરાવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે એ લોકો અત્યારે કોઈ ઉતાવળમાં નથી.

પણ અલ્યાવ, ગુજરાતના બાકી કરોડો યુવાનો, તમે લોકો શું કરી રહ્યા છો? એ મારે મન વધુ મહત્વનું છે. કોને ફોલો કરો છો? કેટલું ફોલો કરો છો? કંઇક શીખો છો કે પછી કોઈ યુવા નેતાના ભક્ત બની બેઠા છો? તમારી આવડત, તમારી વિચારધારા, બીજાના વ્યક્તિત્વથી અંજાઈને ભૂલી જાવ છો કે હજુય યાદ છે? પોતાના વ્યક્તિત્વમાં વધુ નીખાર લાવી રહ્યા છો કે નહી? આવું તમારા વિષે પણ ઘણું બધું લખવું છે. પણ… એ ફરી ક્યારેક… પણ ત્યાં સુધી, તમે તમારી જાતને ચકાસતાં રહેજો… પોતાને સવાલો કરતાં રહેજો.

યુવાશક્તિ ઝીન્દાબાદ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.