વાલજીભાઈ પટેલની અમદાબાદ મ્યુન્સીપાલ કમિશનર વિજય નેહરાને ચીમકી.

પ્રતિ,
શ્રી વિજય નહેરા, (IAS) કમિશ્નર શ્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ, અમદાવાદ.
આપ એ વાતથી વિદિત હશો જ કે, ધી બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ-1949 (BPMC Act-1949) અમલમાં છે. અને આ કાયદાની કલમ- 62(2) ની જોગવાઈ ના અમલ માટે આપનું ધ્યાન દોરવા આ આવેદન પત્ર આપવાની ફરજ પડેલ છે. આ કાયદાની કલમ-62(2) માં એવી સ્પષ્ટ જોગવાઈ છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની વાર્ષિક રેવન્યુ આવક ના 10 ટકા નાણા શહેરમાં વસતા માત્ર અનુસુચિત જાતિ-જનજાતિ અને પછાત જાતિ ( SC/ST/OBC ) ના રહેઠાણોની સુખ-સુવિધ્યા માટે જ અલગ ફાળવવા. એટલું જ નહિ, આ કાયદામાં એવી પણ જોગવાઈ છે કે, આ નાણા જે તે વર્ષે ન વપરાય તો તે નાણા રદ (Lapse) થતા નથી પણ તે બીજે વર્ષે જમા ( carry forward) લઈ વાપરવાના થાય છે. માર્ગદર્શક જોગવાઈ તો એ પણ છે કે, આ નાણા SC/ST/OBC જાતિ ના લોકોને સીધો (Direct) લાભ થાય તે રીતે વાપરવા અને આ નાણા બીજા કોઈ અન્ય કામ માટે વાપરી શકાય નહી.
આમ છતાં ઘણી જ ગંભીર બાબત તો એ છે કે, કાયદામાં આવી આદેશાત્મક ( mandatory) જોગવાઈ હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાણી જોઈને વર્ષોથી આ કાયદાનો અમલ કરતુ નથી અને તેનો ખૂલ્લો અનાદર કરે છે. પરિણામે ગંદી ગીચ ઝૂંપડપટ્ટીઓ અને ચાલીઓમાં રિબાતા આ ગરીબ અને પછાત જાતિના લોકો નર્કાગારમાં સબડી રહ્યા છે. પાણી,ગટર,લાઈટ,રસ્તા કે શૌચાલય જેવી પ્રાથમિક સુવિધ્યાઓના અભાવે તેમના બાળકો રસ્તાઓ ઉપર જાજરુ બેસે છે. જે ગંદકી હાલ અમદાવાદ શહેર ની સમસ્યા બની છે. કોર્પોરેશન જે તે નો દંડ કરે છે. પણ તેમને સુવિધ્યા આપતું નથી. જ્યારે બીજી બાજુ આવા રસ્તાના માનવ મળ ને અશ્પ્રુશ્ય દલિત્ત સફાઈ કામદારને હાથે થી સફાઈ કરવાની ફરજ પડાય છે. જે કાયદા વિરૂધ છે. રહેઠાણો ની ગીચતા અને ગંદકીમાં રિબાતા આ જાતિના ગરીબો રોગચાળાનો ભોગ બને છે. અને એટલા માટે જ તેમની ખાસ સંભાળ લેવા કાયદામાં અલગ બજેટ ફાળવી નાણા ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાયદાનો અમલ જ કરતું નથી. અને તેમના મોંઢામાંથી છિંનવી કરોડો રૂપિયા અન્ય જગ્યાએ વાપરી રહ્યુ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષવાર મેળવેલ રેવન્યુ આવકની રકમ.
વર્ષ | રેવન્યુ આવક (કરોડ) | SC/ST/OBC માટેના નાણા (કરોડ) |
2018-19 | રૂ. 4750.00 કરોડ | રૂ. 475.00 કરોડ |
2017-18 | રૂ. 3951.00 કરોડ | રૂ. 395.1 કરોડ |
ર016-17 | રૂ. 3406.02 કરોડ | રૂ. 340.602 કરોડ |
2015-16 | રૂ. 3432.00 કરોડ | રૂ. 343.2 કરોડ |
2015-16 થી 2018-19 | કુલ રૂ. 15539.02 કરોડ | કુલ- રૂ. 1553.902 કરોડ |
આમ માત્ર 4 વર્ષનો જ હિસાબ જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા 15539.02 કરોડ ની આવક થઈ છે. કાયદાની જોગવાઈ મુજબ 10 ટકા લેખે SC/ST/OBC માટે ફાળવવાના થતા નાણા રૂપિયા 1553.902 કરોડ એટલે કે, ( રૂપિયા 15 અબજ 53 કરોડ અને 9 લાખ) થાય. જે ક્યારેય ફાળવ્યા નથી. હવે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2019-20 નું બજેટ રૂપિયા 8051.00 કરોડનું જાહેર કરેલ છે. અને આ કાયદાની જોગવાઈ મુજબ અમદાવાદ શહેરમાં વસતા SC/ST/OBC માટે 10 ટકા લેખે રૂપિયા 805.1 એટલે કે, (રૂપિયા 8 અબજ 5 કરોડ અને10 લાખ) ફાળવવાના થાય છે. જે જાહેર થયેલ બજેટને વંચાણે લેતા ફાળવેલ નથી. જે કાયદા વિરૂધ્ધ નું ગંભીર ગુન્હાહિત ક્રુત્ય છે.
સદીઓથી જેમની અવહેલના થઈ છે તેવા અનુસુચિત જાતિ અને જન જાતિના લોકોને મળેલા તેમના બંધારણિય મૂળભૂત અધિકારોથી આપ જાણી જોઈને વંચિત કરી રહ્યા છો. એટલું જ નહિ, આ કાયદાની જોગવાઈનો જાણી જોઈને આપે અમલ નહી કરી તેમને નર્કાગારમાં પશુ તુલ્ય જીવન જીવવાની ફરજ પાડી રહ્યા છો.
આથી આ આવેદન પત્રથી અમે માગણી કરીએ છીએ કે, BPMC Act-1949 ની કલમ-62(2) ની જોગવાઈનો તાત્કાલિક ધોરણે અમલ કરી વર્ષ-2019-20 ના બજેટના નાણા કાયદાની જોગવાઈ મુજબ ફાળવવા અને અગ્રતાના ધોરણે આ જાતિની સુખાકારી માટે નાણાનો ઉપયોગ કરવા વ્યવસ્થા કરશો. તેમજ કાયદાનો અમલ આજદિન નહી કરી અને બજેટના નાણા નહી ફાળવી તેમને વંચિત રાખ્યા છે. તે કાયદાની જોગવાઈ મુજબ નહી ફાળવેલા બાકી બધા જ નાણા નું એક ખાસ બજેટ બનાવી તે નાણાથી આ જાતિના રહેઠાણોને અગ્રતાના ધોરણે લાભ મળે તેવી ખાસ યોજના બનાવી તેનો તાત્કાલિક અમલ કરવામાં આવે તેવી માગણી છે.
અમારી આ માગણીના અનુસંધાને તાત્કાલિક કાર્યવાહી કરવા અને કરેલ કાર્યવાહી ની જાણ કરવા વિનંતી છે. જો તેમ નહી થાય તો અમોને આ કાયદાનો અમલ કરાવવા ન્યાયની અદાલતમાં કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે જેની નોંધ લેશો.
અમદાવાદ તા-14/02/2019
વાલજીભાઈ પટેલ ( સેક્રેટરી)