વોટ કોને આપવો?

અમીન ઉમેશ
૯૭૧૪૪૪૯૫૪૪
Member of AISF
“વિકાસ ગાંડો થયો છે”, “બસ! હવે તો પાડી જ દો”, “કોંગ્રેસ આવે છે”, “હું છું વિકાસ… હું છું ગુજરાત”, “મારા હાળા છેતરી ગયા” વગેરે નારાઓથી ચાલુ થયેલી ગુજરાતની વિધાનસભાની ચૂંટણી અનામત, પદ્માવતી, તાજમહલ, સરદાર પટેલ અને નહેરુની તુલના, વગેરે મુદ્દાઓ પર થઈને તેના અંતિમ ચરણમાં પોહચવામાં આવી છે. આ ચૂંટણી પહેલા ગુજરાતની પ્રજા ૨ મોટા આંદોલનોની સાક્ષી બની ચુકી છે. અનામતનું આંદોલન પાટીદારો દ્વારા ચાલવામાં આવ્યું તો બીજી તરફ દલિત આંદોલન ચાલ્યું. આ દરિમયાન ઘણી બધી સેના અને ઘણા બધા નવા સંગઠનો બન્યા. જેમને અલગ અલગ સમાજનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કર્યો. આજે એ સંગઠનો અને સેનાઓ પોત પોતાનું રાજનીતિક સ્થાન લઇ લીધું છે.
ગુજરાતની ચૂંટણીમાં મુખ્ય બે પક્ષો વચ્ચે સીધો મુકાબલો છે. ભાજપ અને કોંગ્રેસ બંને ની સાખ આ વખતે દાવ પર લાગી છે. એક તરફ મોદીજી આખા દેશને ગુજરાત મોડલ અને શેખચિલ્લીના સપના બતાવી, દેશના વડાપ્રધાન બન્યા છે. જેથી એમનું જીતવું ખૂબ જ જરૂરી છે. જયારે બીજી બાજુ કોંગ્રેસ છેલ્લા ૨૨ વરસ થી ગુજરાતમાં વનવાસ ભોગવી રહ્યું છે. બીજી વાત રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ છેલ્લા ૨૬ નાની-મોટી ચૂંટણી હારી ગયું છે ત્યારે ગુજરાતમાં જે ભાજપ વિરોધી માહોલ અત્યારે છે એ છેલ્લા ઘણા દાયકામાં જોવા મળ્યો નથી. તેથી. તેનો ફાયદો ઉપાડવા માટે તત્પર છે. આમ તો બંને પાર્ટીઓનો ઇતિહાસ જોઈએ તો મોટા-મોટા કૌભાંડો, બંને પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે. એ વાત જગ જાહેર છે. ત્યારે ગુજરાતની ચૂંટણીમાં “કોને વોટ આપવો?” એ બાબતને લઇને ગુજરાતની પ્રજા મુંજવણમાં છે. ઘણા લોકોના મનમાં થાય છે કે મારા એક વોટથી શું થશે? શુ ખરેખર મારો એક વોટ ગણાતો હશે? ઘણા લોકોના મનમાં આ વિચાર થાય છે. ઇતિહાસ જોઈએ તો એક વોટ વધારે મળવાથી હિટલર નાઝી પાર્ટીનો પ્રમુખ બન્યો હતો અને હિટલર યુગનો જન્મ થયો હતો, એક વોટને કારણે અટલજીને સત્તા પક્ષમાં બેસવાને બદલે વિપક્ષમાં બેસવું પડ્યું હતું, એક વોટના કારણે સરદાર પટેલ કોર્પોરેશનની ચૂંટણી હારી ગયા હતા. તેથી વોટ કરવો ખૂબ જ અગત્યનો છે.
આ વખતની ચૂંટણી ગુજરાતની પ્રજા માટે ખૂબ જ નિરાશાજનક રહેવાની છે. બંને પાર્ટીઓ હજી સુધી મેનિફેસ્ટો લાવી નથી. બંને પાર્ટીઓના નેતાઓના ભાષણ સાંભળો તો ખબર પડે કે ગુજરાતની પ્રજાના સ્થાનિક પ્રશ્નો માટે કોઈ જગ્યા નથી. કોઈ પાર્ટી શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ, પાણી, ટ્રાન્સપોર્ટ, કોન્ટ્રાક્ટ પ્રથા, ફિક્સ પે, મોંઘવારી, ખેડૂતોના પાકના ભાવ, બેરોજગારી, કૉલેજોની ફીમાં વધારો, આદિવાસીઓને પાણી ની ઘણી સમસ્યા ઓ પડે છે વગેરે મુખ્ય અને સૌથી પહેલી જરૂરિયાતો છે, એની કોઈ વાત જ નથી કરતું. ત્યારે વોટ કોને આપવો એ ખરેખર મુંજવણ ભરેલો પ્રશ્ન છે. દોસ્તો આવી સ્થિતિમાં જયારે વિચારધારાને પણ નેવે મૂકીને પાર્ટીઓ ફક્ત સત્તા હાસિલ કરવા માટે ચૂંટણી લડી રહી છે. આ વખતે વોટ પક્ષ જોય ને નહીં પણ ઉમેદવાર જોય ને વોટ આપજો. એક શિક્ષિત અને વિચારશીલ ઉમેદવાર સરકારની મદદ વગર પણ ઘણું બધું કરી શકે છે. જેમ કે એ વ્યક્તિ પોતાની વિધાનસભામાં એક જન સેવા કેન્દ્ર ખોલશે જેમાં સરકાર ની વિવિધ યોજનાનો લાભ પોતાના મત વિસ્તારમાં જ્યાં લોકોને સરકારી યોજના વિશે માહિતી પણ નથી, એવા લોકો સુધી પોહચાડે અને લોકોને સરકારી યોજના સાથે જોડે, પોતાની વિધાનસભામાં જો સરકારી ઉદ્યોગોની સ્થાપના ના કરતા હોય તો તે વાઇબ્રન્ટ વિધાનસભાનું આયોજન કરે અને પોતાની વિધાનસભામાં ઇન્વેસ્ટ કરવા માટેનું વાતાવરણ પૂરું પાડી, મેન પાવર પૂરો પાડે. એનાથી રોજગારીની તકો પણ ઉભી થાય. એવા વ્યક્તિને વોટ આપો જે સતત લોક સંપર્કમાં રહેતો હોય. એવું ના બને કે તમારી વિધાનસભાનો ધારાસભ્ય મોટા શહેરમાં બંગલો રાખીને રહેતો હોય અને તમને ભગવાન ભરોસે છોડી દે. એવા ઉમેદવારને વોટ આપજો કે જેના ઘરે તમે અડધી રાતે પણ પોતાની સમસ્યા લઇ ને જાવ તો તમારી સમસ્યાનો ઉકેલ લાવે. નહીં તો આજકાલના રાજકારણમાં ધારાસભ્યને મળવા માટે પણ ચમચાઓની સેવા કરવી પડે. અહીંયા એવું પણ ઘણી જગ્યાને જોવા મળે છે કે જ્ઞાતિ જોઈને વોટ આપે છે. પરંતુ જો તમે એક સમાજનું ભલું ઇચ્છતા હોય તો એ સમાજમાં દરેક જ્ઞાતિના લોકો આવે છે. સમાજનો મતલબ ફક્ત જ્ઞાતિ પૂરતો નથી. એવું ના બને કે ભૂતકાળમાં કરોડોના કૌભાંડો કર્યા હોય પણ પોતાની જ્ઞાતિનો છે એટલે વોટ તો એને જ આપો.
દોસ્તો, આમ તો વોટ કોને આપવો એ પોતાનો સ્વતંત્ર અધિકાર છે પરંતુ વોટ આપતી વખતે એટલું જરૂર વિચારજો કે તમે જેને વોટ આપો છો, એના માટે દેશની વ્યાખ્યા એ સંવિધાનમાં લખેલી છે એ પ્રમાણે છે કે એની વિરુદ્ધ છે. એ તો બિલકુલ સાચું છે કે છેલ્લા ત્રણ વરસથી જેવા શાસક દેશ પર રાજ કરે છે, એની કલ્પના એ નથી જે સંવિધાન માં કરવામાં આવી છે . અને ઇતિહાસમાં જઈએ તો કૉંગ્રેસ જે ભાજપ પર હિંદુત્વ વિચારધારાનો આરોપ લગાવે છે એ જ કોંગ્રેસના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી જી ના ૧૯૮૧-૧૯૮૨ના ભાષણોના દસ્તાવેજ વાંચો તો ખબર પડે કે એમણે પણ હિન્દૂ હૃદય સમ્રાટ બનવા માટે ખૂબ મહેનત કરી હતી. તો મિત્રો ગુજરાતમાં કોઈ પણ પક્ષની સરકાર બને જનતાને નિરાશા જ મળશે, એવું જણાય રહ્યું છે. તેથી, પોતાની વિધાનસભામાં જે સક્રિય, શિક્ષિત, યુવા, વિચારશીલ હોય એવા ઉમેદવારને વોટ આપજો.