સંવાદની શરૂઆત

Sharuaat Logo 150 square
Wjatsapp
Telegram

“શરૂઆત – ઈ મેગેઝીન” તરફથી એક દિવસના કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી ૩૦ જેટલાં યુવા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાંથી ૨૨ જણા હાજર રહી શક્યા હતા.

આ કોન્કલેવનો ઉદ્દેશ્ય, સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સમસ્યાઓ પર કામ કરતાં યુવાનોને એક દિવસ માટે ભેગા કરી, તેમની વચ્ચે સંવાદ સ્થપાય અને એકબીજાના સંગઠન, શક્તિ, વિચારોનો ઉપયોગ કરી શકે. જેમ કે, કોઈ RTE (રાઈટ ટુ એજ્યુકેશન) કે RTI (રાઈટ ટુ ઇન્ફોર્મેશન) પર કામ કરતાં એક્ટીવીસ્ટની જરૂર મહિલાઓના ઇસ્યુ પર કામ કરતાં, દલિતોના ઇસ્યુ પર કામ કરતાં, ખેડૂતોના ઇસ્યુ પર કામ કરતાં, આદિવાસીના ઇસ્યુ પર કામ કરતા લોકોને જરૂર પડે જ. આમ, બધા અલગ અલગ વિષયો પર કામ કરતાં એક્ટીવીસ્ટો એકબીજાને ઓળખે, એકબીજાનાં વિચારો જાણે અને એકબીજાનાં અનુભવો શેયર કરીને તેનો ફાયદો પોતાના સંગઠનમાં લે, તેવી ભાવનાથી આ કોન્કલેવનું આયોજન કર્યું હતું. આવું આયોજન ભવિષ્યમાં પણ કરતાં રહીશું. સંપર્કમાં રહેજો.

મીટીંગમાં મુદ્દા,
૧. પરિચય
૨. સામાજિક ચળવળ
૩. રાજકીય ચળવળ
૪. સંગઠન
અને
૫. ફંડ

૧. પરિચય :
Sanvadni Sharuaat (1) - Copyપરિચયમાં એકબીજાનો પરિચય કેળવ્યો. કોણ કેવા ફેમેલી બેકગ્રાઉન્ડમાંથી આવે છે? મમ્મી-પાપા શું કરે છે? ભણતર… વિગેરે વિગેરે… લગભગ દરેક સદસ્ય મધ્યમ વર્ગમાંથી આવે છે. માતા પિતા નોકરી, ખેતી કે નાનો-મોટો ધંધો કરતાં છે. ગુજરાતનો સૌથી મોટો વર્ગ આ જ મધ્યમ વર્ગ છે અને સૌથી વધારે સહન પણ આ જ વર્ગના લોકો કરે છે.
વધારે વિસ્તારથી જોઈએ તો હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, SC, ST, OBC, જનરલ, વિગેરે એમ મોટાભાગના બધા ગુજરાતના સમાજમાંથી હતા. જે આ બધામાં કોમન હતું એ છે તેમની સામાન્ય માણસ તરીકે પણ હાર નહી માની લડતા રહેવાની, રસ્તો શોધવાની ભાવના.

૨. સામાજિક ચળવળ :
આ સેક્શનમાં દરેક એક્ટીવીસ્ટ જાહેર જીવનમાં કેવી રીતે જોડાઈ?, તેની તેઓએ માહિતી આપી. અહી પણ મોટાભાગના લોકોની સ્ટોરી સરખી જ છે. સામાન્ય પરિવાર, સામાન્ય રીતે થતી નાની-મોટી તકલીફો, વૈચારિક ચેતના હોવી, સીસ્ટમથી કંટાળેલા અને સીસ્ટમ સામે લડવાની ભાવનાવાળો સ્વભાવ…. લગભગ આ ગુણ બધામાં કોમન હતો. (તમારા પણ જો આ ગુણો હોય તો બીજી વખતના કોન્લેવ માટે તૈયાર રહેજો.)

સામાજિક જીવનમાં લગભગ દરેકે કઈંક ને કંઈક પરિણામ આપ્યું છે. પ્રજાને ફાયદો કરાવ્યો છે. સાથે સાથે પોતાનો સમય, પરિવાર, ભણતર, નોકરી કે ધંધો પણ ગુમાવ્યો છે અથવા પોતાને નુકશાન પહોંચાડ્યું છે.

ઘણી સારી બાબત એ છે કે આ બધા ઉધારના દીવેલથી સળગતા દીવા નથી પણ સ્વયંભૂ પ્રકાશિત લોકો છે. મોટાભાગના લોકો એકલા જ કામ કરે છે અથવા તો સંગઠનમાં કોઈ વ્યવસ્થિત માળખું ના હોવાથી બધું જાતે જ કરે છે. બધાને અરજી કરવી, RTI કરવી, સરકારી અધિકારીને ખખડાવી કામ કઢાવવું, MLA – કોર્પોરેટર પાસે ગયા વગર પ્રજાલક્ષી કામો કઢાવવા, મીડિયામાં બાઈટ આપવી, સોસીઅલ મીડિયા માટે ડિજાઈન કરવું, એમ બધું જ આવડે છે. ટૂંકમાં, All Rounder છે બધા.
અને આ ઓલ રાઉન્ડર હોવાના લીધે જ કદાચ સંગઠનની ભાવનાથી પુરા વાકેફ નથી. કોઈની ગરજ રાખતાં નથી. એટલે બીજા પાસે કામ કઢાવવું, લોકોનો જોડવા, જોડી રાખવા જેવાં ગુણોનો ઓછા વત્તે અભાવ છે.

૩. રાજકીય ચળવળ :
આ મીટીંગમાં સામાજિક કાર્યકર્તામાંથી રાજકારણમાં જોડાયેલા અને રાજકારણ છોડી સામાજિક કાર્યકર્તા બનેલા યુવાનો પણ આ મીટીંગમાં હતા. તેમણે તેમનાં અનુભવો રજુ કર્યા.
અનુભવોનો સાર એ હતો કે, “રાજકારણ અનિવાર્ય છે.” તમે ૨૪ કલાક, ૧૨ મહિના આંદોલનો ના કરી શકો. રાજકારણમાં જાવ અને ત્યાંથી પોલીસીમાં પરિવર્તન લાવવું જ અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. વળી, રાજકારણમાં જવાથી તમારા વિરોધની નોંધ પણ ગંભીરતાથી લેવાય છે. સંગઠન પણ જલ્દી બને છે અને પ્રશ્નોનું નિરાકરણ પણ જલ્દી આવે છે. રાજકારણમાં જોડાઈ સીધું પોલીસી પર કામ કરવાનું હોય છે જયારે સામાજિક કાર્યકર્તા તરીકે પ્રશ્ન ઉભો થાય ત્યારે જ, તેની સામે લડવાનું હોય છે. વળી, તમે ગમે તેટલી લડત આપો, છેલ્લો હુકમ તો સત્તામાં બેઠેલા લોકોનો જ ચાલે છે.
વળી, જે લોકો હજુ સુધી રાજકારણ સાથે સંકળાયેલ નોહતા તેમણે પણ પોતાના મત રજુ કર્યા.
ગુજરાતમાં ત્રીજા વિકલ્પ વિષે વિચારવું જોઈએ.
આપણે યુવાનો પણ એક પાર્ટી બનાવવી જોઈએ.
રાજકરણમાં જવું જોઈએ.
અને કેટલાંક એવાં પણ હતા જે રાજકારણમાં જવાના ધરાર વિધોરી હતા. રાજકરણ કીચડ છે, રાજકારણી બની ગયા પછી કોઈ કામ કરતુ નથી, વિગેરે, વિગેરે…
જૂની રાજકીય ચળવળો પર પણ ચર્ચા થઇ.
૪. સંગઠન :
દરેકે પોતાના પોતાના સંગઠનના માળખા અને સંગઠન બનવવા કેવી જહેમત ઉઠાવવી પડી તેની વાત કરી. સંગઠન કેવી રીતે વિખેરાઈ જાય છે, તેની પણ ચર્ચા થઇ. આખા ગુજરાતના પ્રવાસ, સંગઠનમાં અન્યોની ભૂમિકા, બીજા સંગઠનો સાથે મનમેળ કે મનદુઃખ, એમ ગુજરાતમાં સામાજિક સંગઠનો કેવી રીતે કામ કરે છે, કેટલી તકલીફો વેઠી, લોકોના પ્રશ્નો સોલ્વ કરે છે, તેની ચર્ચા કરી.
આમ ચર્ચા કરતાં એક વાત સ્પષ્ટ થાય છે કે “પ્રજા જયારે પીડિત હોય, અત્યાચાર થતો હોય, ત્યારે યોગ્ય નેતૃત્વ મળતા સંગઠિત થઈ શકે છે.” અને સાથે સાથે, “આવું પીડિતોનું ગમે તેટલું મોટું સંગઠન હોય, પીડા ઓછી થતાં, પ્રશ્ન પૂરો કે આંશિક હલ થતાં, સંગઠન નબળું પડે છે કે તૂટી જાય છે.” સરકાર એક-બે લોલીપોપ પકડાવી દે એટલે પીડિતો શાંતિ રાખી ઘરમાં બેસી રહે છે, પહેલા જેટલી ઉર્જાથી આંદોલન કરતાં નથી કે સંગઠિત રહીને રહેતા નથી.
મીટીંગ દરમ્યાન એ પણ જાણવા મળ્યું કે, “સંગઠન કોઈ વિચારથી નહી પણ પ્રજાની પીડાને કારણે થાય છે.” પીડા ખતમ, એકતા ખતમ. પગાર વધારો થાય તે પછી જે ૧૦૦, ૨૦૦, ૫૦૦ સંગઠનમાં ફંડ આપવાનું કહેવામાં આવે તો લોકો હાથ અધ્ધર કરી દે છે, તેવા નેક કિસ્સાઓ જાણવા મળ્યા.
સંગઠન મુળે ચાર સ્તંભો પર ટકે છે.
વિચાર, કાર્યક્રમ, એકતા અને ફંડ :
મોટાભાગના સંગઠન તૂટવાનું સૌથી મોટું કારણ વિચાર ના હોવાનું છે. પીડિતોને ભેગા કરવા અને સરખે સરખા વિચારોવાળાને ભેગા કરવા, આ બેમાં જમીન આસમાનનો તફાવત છે. (વધુ વિગત ફરી ક્યારેક.)
વિચાર હોય તો તેને ૨,૪,૧૦ લોકોને કન્વીસ (સમજાવવું) કરવાનો હોય, તેમને સંગઠન(એકતા)માં જોડવા પડે, તેમને હોદ્દા આપો કે કૈક કામ, પણ સંગઠનમાં જોડવા અને ઉદ્દેશ્ય સમજાવવાથી જ સંગઠન મોટું થશે. હું જોઉં છું કે ગુજરાતમાં કેટલાંય સંગઠનો એવાં છે કે જે હોદ્દાઓની વેહેચણી કરતાં નથી કે બીજા લોકોને યોગ્ય કામ આપતા નથી. જો યોગ્ય લાયકાતવાળાઓને યોગ્ય પદ કે કામ ના આપો તો આવા લોકો બીજા સંગઠનમાં જલ્દી જોડાઈ છે. અથવા તો નિષ્ક્રિય થઈ જાય છે.
તમે ૫, ૧૫નું સંગઠન બનાવ્યું પછી તેને કાર્યક્રમ આપો. તમારા કાર્યક્રમના પ્રચાર પ્રસારથી નવા લોકો તમારો સંપર્ક કરશે, નવા લોકો જોડાશે. પછી એ નવા લોકોને વિચાર સમજાવો, સંગઠનમાં જોડો અને ફરી એક કાર્યક્રમ આપો. આમ આ ચક્ર ચાલતું રહે ત્યાં સુધી સંગઠન ચાલે છે, મોટું થતું જાય છે, આગળ વધતું જાય છે. આમાંથી એક પણ પાસું નબળું પાસે એટલે સંગઠન નબળું પડે. સંગઠન ચલાવવા ફંડની જરૂર પડે, એ વિષય પર અલગથી ચર્ચા કરી.
૫. ફંડ :
કોઈપણ સંગઠન, પ્રવૃત્તિ ચલાવવા માટે ફંડ ખૂબ અગત્યનું છે. ફંડ એ ઇંધણનું કામ કરે છે. ગમે તેટલી મોંઘી ગાડી હોય પણ જો તેમાં ઇંધણ નાં હોય તો કશા કામનું નહીં, ગાડી ચાલે જ નહીં. એ જ રીતે કોઇપણ સંગઠન રૂપિયા વગર નાં ચાલે.
હુ અને મારા કેટલાય મિત્રો,
ઘરનાં રૂપિયે સમાજસેવા કરીને ખુવાર થઈ ગયા છે. પણ ભાન પડતાં જ “ઘર બાળીને તીરથ કરવા” જેવી પ્રવૃત્તિઓ બંધ કરી દીધી છે. સૌને વિનંતિ છે કે અમારાં જેવી ભુલ નાં કરશો.
“સમાજસેવા તો સમાજનાં રૂપિયે જ થાય.” અને જે સમાજ પોતાના કામ માટે રૂપિયા નાં ખર્ચી શકે, તેમની સેવા કરવી પણ નહીં. લોકોને છોડી દેવાં તેમનાં હાલ પર. જે લોકો પોતાનું શોષણ વિરુદ્ધ લડવા તૈયાર ના હોય, જરૂરી ફંડ ખર્ચવા તૈયાર ના હોય તેમનાં માટે ઘરના રૂપિયા ખર્ચવા નહી.
હમણાં જ એક તાપીનાં સમાજસેવી મિત્રને હોસ્પિટલમાં સારવાર લેવાની જરુર પડી અને બધાં મિત્રો પાસે 500, 1000, 2000 એમ માંગવા પડ્યા. પાછા ક્યારે આપશે, કોણ જાણે? એ ભાઈ, સમાજસેવાના રવાડે ચડી, અર્થ ઉપાર્જન (રૂપિયા કમાવા) કોઈ કામ-ધંધો કરતાં નથી. જયાં પોતાના વાંધા હોય, જાતે પોતાનો ખર્ચો નાં ઉપાડી શકીએ તો સમાજને શુ આપીશું? સમાજમાં કેવા દાખલા બેસાડીશુ? વળી, જો ક્યારેક કોઈ મોટી બીમારી આવે અને અચનાક ૨ લાખ રૂપિયાની જરૂર પડે તો ક્યાંથી કાઢવા?
વડોદરાના એક આંદોલનકરી બેનને હુ ઓળખું છે કે જે મહિલાઓ માટે લડતા લડતા પોતાની નોકરી ગુમાવી ચુક્યા છે. લોકો માટે કાર્યક્રમો કરવા પોતાન ઘરેણાં ગિરવિ મુક્યા છે. આજે તેમને પોતાનુ ઘર ચલાવવાનાં ફાંફાં છે. તેમને છોકરાં ભણાવવાનાં છે, તેમનાં લગન કરાવવાનાં છે અને આવકનો કોઈ સોર્સ નથી. જેમને ઘર ચલાવવા તકલીફ પડતી હોય તે પેલાં ઘરેણાં ક્યારે છોડાવશે?
રૂપિયાની અગવડનાં લીધે કેટલાય જોશીલા યુવાનોએ 2-5 વર્ષો બાદ સમાજસેવા છોડી દીધાનાં કિસ્સા છે. સુરતના એક આંદોલનકારી ક્યારેક હજારોની સભા ગજવતા હતાં, તે આજે 8000 માં નોકરી કરે છે. અને રાજકોટવાળા RTE ઉપર કામ કરતાં સમાજસેવકને તો ધંધો એટલો ખાડે ગયો કે ધંધા સિવાય બધી પ્રવૃતિઓ છોડી દીધી છે. આજે એ ભાઈ કોઈનો ફોન ઉપાડતા નથી. હવે, ઘર, ધંધો બચાવવામાં પડ્યા છે.
(ઉપરના ચાર ઉદાહરણમાં, તેમનાં નામ જાહેર નથી કરતાં. આ કોઈને બદનામ કરવા નહી, પણ ગુજરાતના યુવાનો અમે કરેલી ભૂલોમાંથી શીખે અને બિનજરૂરી તકલીફો ના ભોગવે તે માટે લખ્યું છે. કોઈને માઠું લાગ્યું હોય તો ક્ષમાયાચના.)
“ધરણા, રેલી, પ્રદર્શન કરીએ એ જ સમાજસેવા!”, એવું માનતા હોવ તો એ ખોટું છે. બીજા અનેક રસ્તા છે કે તમે દેશને, સમાજને ઉપયોગી થઈ શકો. આના વિશે યુવાનોએ વિચારવું જોઈએ. એટલાં માટે હુ સૌ યુવાનોને મધ્યમ માર્ગ અપનાવવા કહુ છું. ઘર, પરિવાર અને સમાજસેવા વચ્ચે બેલેન્સ કરીને ચાલો. શરૂઆતમાં બેલેન્સ કરવું અઘરું પડશે પણ પછી તમારી આ પ્રવૃત્તિઓ જિંદગીભર ચાલશે.
રૂપિયો ખૂબ અગત્યનો છે. જીવન નિર્વાહ માટે, પ્રવૃત્તિઓ ચલાવવા માટે, સંગઠન ચલાવવા માટે. જાહેરમાં “રૂપિયો હાથનો મેલ છે” કહેનારા સંતો, મહંતો, બાવાઓ, નેતાઓ, અભિનેતાઓ અસલ જિંદગીમાં કરોડો રૂપિયાની સંપત્તિના માલિક હોય છે અને તમને, યુવાનોને, ત્યાગ અને બલિદાનનાં નામે રીતસરનાં ઉલ્લુ બનાવે છે.
“મેરા ક્યાં હૈ, મેં તો ઝોલા ઉઠાકે ચલ દુંગા!”
“મેં તો ફકીર હું.”
આવું કહેનારા રોજ નવા-નવા ડીઝાઈનર સુટ પહેરે છે. એટલે યુવા તરીકે તમારે ભાષણ અને વાસ્તવિકતા વચ્ચે ભેદ સમજવો જોઈએ.
પોતાનું કે કોઈનું ઘર બાળીને ગામને અજવાળું નાં અપાય. રોજ એક એક ઘર બાળીશુ તો થોડા સમય પછી આખું ગામ ઘર વગરનું થઈ જશે. યાદ રહે કે આપણે લોકોના ઘર વસાવવાનાં છે, આબાદ કરવાનાં છે.
“અને શરૂઆત! પોતાના જ ઘરથી કરવાની છે.”
અને સૌથી છેલ્લે,

કન્ક્લુઝન
૧. આયોજન એવું કરો કે વર્ષો સુધી કામ કરી શકાય, અને કરેલ કામની અસર વર્ષો સુધી રહે.
૨. પ્રજાને લડવા માટે તૈયાર કરો. જનજાગૃતિ વગર કોઈ આંદોલન લાંબુ નહિ ચાલે.
૩. સામાજિક ક્રાંતિ માટે રાજકીય ક્રાંતિ જરૂરી છે. જો સામાજિક ક્રાંતિ ના કરી શકો તો રાજકીય ક્રાંતિ એક ખયાલી પુલાવ છે.
૪. ઘર બાળીને તીરથ ના થાય. સમાજના પૈસે જ સમાજસેવા થાય.
૫. લોકતંત્રમાં એકલા માણસનું કંઈ ના ઉપજે. જેટલાં વધારે લોકો, જેટલાં વધારે માથા તેટલી જ તમારી તાકાત વધારે.
૬. સંગઠિત થઈને કામ કરવું. દરેક વિષયના અને સંગઠન માટે જરૂરી દરેક ક્ષેત્રના નિષ્ણાત લોકોને જોડવું.
૭. એકબીજા સંગઠનોની મદદ લેવી અને એકબીજાને મદદ આપવી.
૮. પરિવર્તન શક્ય છે અને એ પણ યુવાનોથી જ.
૯. ધ્યેયને વળગી રહો. જાહેરજીવનમાં વ્યક્તિગત અહમ, માન્યતાઓ બાજુ પર રાખો.
૧૦. સંવાદ કરતાં રહો. અપડેટ થતાં રહો. અત્યાર સુધી એકલા એકલા કામ કરતાં હતા તો આજથી એકસરખી વિચારધારાવાળા લોકો સાથે સંવાદની શરૂઆત કરો.

જય ભારત યુવા ભારત
યુવાશક્તિ ઝીંદાબાદ

કૌશિક શરૂઆત
પ્રકાશક
૮૧૪૧૧૯૧૩૧૧

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. Dr. Hasmukh N. Leua says:

    Nice work sir,
    Sangathan, fund, yuva rajniti,
    meeting
    Appreciable work…

Leave a Reply

Your email address will not be published.