સમુહવાદનું જાતિવાદી ચક્રવ્યૂહ

Jitendra Vaghela 01
Wjatsapp
Telegram

(સવર્ણ-અવર્ણ એમ બધાં જ સમાજને લાગુ પડતું)
જીતુ ડીંગુજા
9924110761

ભારતને ક્યારેય ત્રીજાવિશ્વયુદ્ધની જરૂર ના પડે એટલી હદે ભારતના મૂળમાં જાતિવાદ ઠસોઠસ ભરવામાં આવેલ છે, અને રોજ બરોજ અવાર-નવાર નવા નવા સંગઠનો અને જૂની પુરાણી મતલબી વિચારધારાના રખેવાળો જાતિવાદના છોડને વિષયુક્ત ખાતર આપીને કાયમ લીલાછમ અને ઘટાદાર વડલા જેવો ઉછેર કરવામાં, તન મન ધનથી લાગેલાં જ રહે છે. એમાં જાતિવાદ સાથે સંકડાયેલ ઉપરથી લઇને નીચે સુધીની બધી જ જાતિની પ્રજા બેલગામ લાગેલી જ છે. સવર્ણો હોય કે અવર્ણો. જાતિવાદના ચક્રવ્યૂહની પક્કડમાં વધુને વધુ મજબૂતાઈથી ઘેરાતા જઈ રહ્યા છે. આંબેડકરવાદ અને ઝીણાવાદ વચ્ચે મોટી ખાઈ જેટલું અંતર હોવા છતાં, સમજવાની કે અનુકરણ કરવાની નાની ગેરસમજ પણ આ ખીણ ને પાતળી ભેદ રેખામાં પરિવર્તિત કરી મૂકે એમ છે. એકનું સૂત્ર સમાનતાનું હતું અને બીજા નું કોમવાદનો ઉપયોગ કરીને અલગ સત્તા હાંસિલ કરવાનું હતું. સમાનતા માટે ના સૂત્રને નહિ અપનાવીએ તો કટ્ટરવાદ ભરડામાં લઈને અંદરો અંદર ખતમ કરી નાખશે.

જાતીવાદ મોટું દુષણ છે, એને સમજી, વિચારી ને નાથવા બંને પક્ષે સાથે ઝઝુમવુજ પડશે.

હિન્દુત્વમાં સૌથી મોટો પડકાર માણસોના સમૂહને અલગ અલગ જાતિમાં કરેલ અસમાન વહેચણીનો છે અને એના કરતા સૌથી મોટી તકલીફ સમૂહ અલગ-અલગ હોય ત્યાં સુધી ઠીક છે. સમૂહ-સમૂહને એકબીજાથી ઊંચ-નીચની સદંતર અવ્યવહારિક વ્યવસ્થાએ વિકરાળ અને વિકટ પરિસ્થિતિ ભોગવવા ભવિષ્યની પેઢીઓને હોમી દીધી છે. એક જાતિ ઊંચી અને એક જાતિ નીચી એટલે માણસ જન્મતાં જ એનામાં કોઈ ટેલેન્ટને ચકાસવના નહિ. “કોના ત્યાં જન્મ્યો?” એ નક્કી કરી આપે છે કે એ ઊંચ છે કે નીચ. ખુબજ હાસ્યાસ્પદ? ના! ધૃણાસ્પદ જ કહેવાય. નવાઈ તો એ વાતની છે કે ભણેલા ગણેલા લોકોના સમૂહમાંથી એકલદોકલ આ સમજે છે, સમાનતા તરફ વળે છે. પણ એના માટેના ઠોસ પગલાં લેવા કોઈ જાગૃતિ લાવવાના પગલાં લેવા તૈયાર નથી અને આ કામ ઊંચી જાતિ તરીકે જન્મથી સ્થાપિત થયેલા લોકોનુ જ હોવું જોઈએ. જે લોકોને નીચ તરીકે સ્થાન મળેલા છે, એતો હવે જાગૃત થઇ રહ્યા છે. તેમને જાતિવાદી વ્યવસ્થાનો અપમાનજનક ભોગ બન્યાની લાગણી, વિરોધી સુર રેલાવવા પ્રેરિત કરી રહી છે. આગળ જતા એક જ સમાજના બે હિસ્સામાં મોટી ખાઈ નું સર્જન થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. પાયાની જરૂરિયાતો અને પાયાના કામો તરફથી હટીને લોકો આંદોલનો અને એકબીજા પ્રત્યે આક્રોશ તરફ ઝડપથી ધસી રહ્યા છે.

આપણી પ્રજા એટલી મતલબી અને સગવડિયા ધર્મમાં ઘૂસેલી છે કે મતલબનું નવું જે આવે અપનાવી લેવાનું અને મતલબનું જૂનું જે હોય એને કોઈ પણ કાળે છોડવાનું નહીં. આ જાતિવાદમાં પણ એવુ જ છે. જેને પોતાની જાતિથી લાભ છે, એને જાતિવાદને છાવરવામાં રસ છે. પેઠીઓથી જેમને ગુલામો બનાવ્યા, જાતિને નિમિત્ત બનાવી બરાબરી કરવાની તકો જ ના આપવામાં આવી. જાતિવાદના લાભ ખાટતા, કહેવાતા ઉચ્ચ સ્થાનને બઠાવીને બેઠેલા લોકોએ દેશની ત્રીજા ભાગની પ્રજાને હરીફાઈમાંથી દૂર કરી દીધી, નિન્મ કક્ષાના કામો અને ગામથી દૂર અલગ વાડો. ભારતને મહાસત્તા બનાવવાના જે બણગા ફુકાય છે ને એ સ્તર સુધી પહોંચવા માટે પેહલા આપણી અંદરથી, દેશની અંદરથી એક એકથી ચડિયાતી પ્રતિભાને ઉપસાવીને બહાર લાવવી પડે. પણ જો ને નસીબ ભારત તારા… તારી પ્રજાનો આટલો મોટો હિસ્સો જ વર્ષોના વર્ષો સુધી જાતિવાદના અવૈજ્ઞાનિક માળખામાં ફ્રિજ કરી દેવામાં આવેલો. ના ભણવાનું, ના કઈ નવું જાણવાનું, ના કોઈને અડકવાનું, ના કોઈ સાથે બેસવા-ઉઠવાનું. બસ! ગુલામોની જેમ માત્ર સબડવાનું. શું આવા ઝેહરિલા મૂળ ફેલાવાયેલા હોય એમાં વીરલાઓ પેદા થાય?

હિન્દુ-મુસ્લિમ ભાઈ-ભાઈ લખીને રાષ્ટ્રીય એકતા બતાવવાની અને પોતાના જ ઘરમાં હિન્દુ-હિન્દુમાં અનેક ઊંડી ઝહેરીલી ખાઈમાં વહેચાયેલા, અનેક જગ્યાએ ફંટાયેલા બિનવ્યવ્હારિક જાતીવાડાને એટલા મજબૂત કરી દેવામાં આવેલા છે કે હિન્દુ જ હિન્દુને પોતાના દુશ્મન બનાવી બેઠા છે. બહારના દુશ્મનની ક્યાં જરૂર છે? વાતો મહાસત્તાની કરવાની અને વ્યવહાર ઇવ ને આદમના જમાનાના કરવાના. જાતિવાદ એમણે જ નથી છોડવો, જેમણે વિના મહેનતે જાતિવાદના આંચળા નીચેથી ચૂપચાપ મળી ગયેલા, પોતપોતાના ગરાસ લૂંટાઈ જવા દેવા નથી. આમાં ચારે વર્ણ સરખે હિસ્સે લાગેલા છે. દરેક વર્ણને એક અલગ ઊંચ-નીચની ડિગ્રીઓ એનાયત થયેલી છે. સવર્ણો આગળ નીચા હોવાની લડાઈ લડનારા પણ એમની જાતિના ઉચ્ચ અને નીચની વ્યવસ્થાને બખૂબી નિભાવી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી કાશ્મીર બાદ કરતા હિન્દૂ મુસ્લિમ નામનો બારૂદ ક્યાંક ઠંડો થઇને પડી રહ્યો છે અને હિન્દૂ-હિન્દૂમાં ઊંચા ને નીચા (આ શબ્દો લખતા પણ ચીડ આવે! કેવી નીચી માનસિકતા આવા અમાનવીય વિભાજન?) ના વર્ગ વિગ્રહને ધગધગતો લાવા બનાવીને ભારતની ધરતીને નિન્મ વિચારોના જીવતા જ્વાળામુખી ઉપર ગોઠવી દેવામાં આવ્યો છે. આજે નહીં ચેતીએ તો આવતી આપણી પેઢીને આ નિન્મ વિચારોના વિસ્ફોટકો, ન્યુક્લિયર મિસાઈલની જેમ ત્રાટકીને નેસ્ત નાબુત કરી નાખશે અને એના માટે જવાબદાર હું ને તમે જ હોઇશુ. ઘેટાંઓની જેમ વર્ષોથી એક ઘરેડમાં ચાલ્યા અને વળી આંધળાઓની જેમ અનુકરણ કરીને આટલા મોટા જનસમુદાયને અપમાનની આગની ભઠ્ઠીમાં ધકેલી છે. જ્યાં માણસ-માણસથી અભડાઈ જાય, જ્યાં માણસ એક જાતિમાં જન્મ લેવાથી પવિત્ર અને બીજી જાતિમાં જન્મ લેવાથી અપવિત્ર થઇ જાય છે. આ બધા વિચારોમાં વળગેલી નવી પેઢીને જોઈએ તો શરમ મેહસૂસ થાય છે. આટઆટલી ટેક્નોલોજીના જમાનામાં આપણે ક્યાં ને કઈ કઈ બાબતે સુધર્યા, એ વિચારને આ એક છુઆછુત જેવી બાબત ત્યાં જ થંભાવી દે છે. વિદેશી બ્રાન્ડના જીન્સ, ટી શર્ટ, સૂટબુટ, ચશ્માં લગાવી સુધરેલા, ફોરવર્ડ લાગવાના દેખાડા ના કરો યાર. તમારા મગજમાં હજુ વર્ષો પુરાણા કોહવાઈ ગયેલા અને બીજાઓને અપમાનિત કરતા, હડધૂત કરતા, અરે! માણસને માણસમાં જ ના માનતા સંસ્કારોને તો તમે અકબંધ જ રાખ્યા છે. મગજ તો હજુ ગંધાતા કચરાનો ઉકરડો જ છે. જે લોકોના મગજ માણસને જન્મથી જ ઊંચો કે નીચો માનતા હોય, તેમના મગજને હું ગટરથી પણ ગંદુ ખાબોચિયું કહું છું. ગટરો તો સફાઈ કામદારો સાફ કરવામાં સફળ રહ્યા છે, પણ આ માનસિક ગટરોને જે સાફ કરવા મોટા-મોટા સ્ટેજ ઉપર બિરાજમાન થઇને શીખવાડે, એ તો પાછા હોય છે તો જાતિવાદ ના જ પાઠ. અને અક્કલના ઓથમીરો બાપદાદાની જૂની પુરાણી માનસિકતાને ઠસો ઠસ ભરીને, ફરી જાતિવાદ નામના ગંધવેડાને સમાજમાં ફેલાવાના કામે લાગી જાય છે.

જાતિ નિર્મૂલનની તરફેણ કરીયે, તો લોકો કહે છે જાતિ વ્યવસ્થા ના હોયતો સમાજ ચાલે કેમનો? સમાજના વ્યવહારમાં ટોળા પદ્ધતિથી જીવવાનો અમલ થતો ગયો. જે જે લોકો સમૂહ સાથે જોડાતા ગયા એ સમૂહ જુદી જુદી જાતિથી પ્રચલિત થવા લાગ્યો હશે. હું માનું છું કે માનવ નામનું પ્રાણી સમૂહમાં જીવવાના મૅમલ બ્રેન સાથે અવતારેલું છે. સમૂહના વાડામાં બંધાવા માટેના પાયાના ગુણ લઈને આવેલ છે. પણ આ તમારો સમૂહ, આ અમારો સમૂહ, ત્યાં સુધી બરાબર. ચાલો માની લીધું કે દરેક સમૂહના નિયમો હશે અને એ પોતપોતાના નિયમ મુજબ ચાલતા હશે. પણ મારો ઊંચો સમૂહ અને તારો નીચો સમૂહ? કેટલો બકવાસ અને નિન્મ કક્ષાનો વિચાર!? હું આ વિચાર ને જ પછાત કહીશ. આવા વિચારોને અપનવવા વાળા મગજને પછાત કહીશ.

સમૂહનું નિર્માણ વ્યવસ્થાનો ભાગ જ હોય. એમાં પાછા આ જન્મથી જ નીચા અને આ જન્મથી જ ઊંચા અને વિદ્વાન હોય એવું ક્યાંથી લઇ આવો છો યાર? જાતિના સમૂહ ઓળખ માટે કે વ્યવસ્થાના ભાગરૂપે જ હોય અને હજુ નવા-નવા સમૂહો અસ્તિત્વમાં આવે જ જવાના. જેમ કે ચાર વર્ણથી બહાર નીકળી જોઇશુ તો બધી જ વર્ણના લોકો મળીને બીજા વ્યવસાયિક સમૂહનો ભાગ હશેજ. જેવા કે, ઉદાહરણ રૂપે શિક્ષકનો સમૂહ અનેક જાતિઓ, ધર્મો, વર્ણો મળીને બને જ છે. એમ સમાજમાં નજર નાખશો તો દેખાઈ આવશે. પોલીસ-પોલીસ ભાઈ-ભાઈ, વકીલોનું સંગઠન, લેખકોનો સંઘ, નેતાઓ, મજૂરો, કલાકારો, દાક્તરો, વેપારીઓ, આવા પેલા ઊંચ નીચ સિવાયના આવા સમૂહોના અનેક દાખલઓ મળી જશે. જ્યાં માત્ર પોતપોતાના કામથી જોડાયેલા છે. ફરજો અને હક્કોમાં ધ્યાન છે. કોઈ નીચું, કોઈ ઊંચું નથી. બધાને પોતાના સમૂહથી માન છે. તમે એક દાક્તર વિષે કઈ ઘસાતું લખશો કે બોલશો તો જે તે દાક્તરને ના ઓળખતા હોય તેવા પણ બીજા સો દાક્તરોને ખોટું લાગશે. કારણ કે, એ તેમનો સમૂહ છે. કેટલી સરસ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે! પણ જયારે આમ કોઈ સડેલી માનસિકતા લઈને આવે અને વર્ષો પુરાણી વાર્તાઓના અનુસંધાને, આ તો હલકો અને આપણે ભારે, ત્યાં અક્કલના ઓથમીરો તરીકેનું જ સંબોધન પામે.

આ જન્મથી જ ઊંચનીચનું, બુદ્ધિ બહેર મારી જાય તેવું તથ્ય સ્વીકારીને કહેવાતા, ભણેલા, ખુદ- બ-ખુદ અભણ સાબિત થાય છે. આવા પછાત વિચારોથી સજ્જ થઈને ફરતા અધકચરા અક્ક્લમઠાંઓને હજુ ખબર નથી પડતી કે આવી ખતરનાખ માનસિકતા ફેલાવીને આપણી આજ અને આપણી આવતી પેઢીની આવતી કાલને કોઈ વિદેશી દુશ્મનોની જરૂર ના પડે, એ હદે આપણા જ ત્યાં, આપણી જ રગરગમાં જાતિવાદ ,પ્રાંતવાદ, ભાષાવાદ, ધર્મવાદ, એ હદે ઉતરી ગયેલો છે કે આવતા ભવિષ્યમાં આપણને મારવા માટે દુશમન દેશો એ કોઈ ન્યુક્લિઅર બૉમ્બની જરૂર નથી પડવાની. આપણી કટ્ટરતા અને અમાનવીય રૂઢિઓ, માણસ માણસ વચ્ચે ઉચ્ચ નીચના ભેદભાવ જ અંદરો અંદર એક બીજાને મારવા માટે કાફી છે.
આ આખી લાંબી લચક કથાને દલિતોએ હરખાઈને શ્રવણોને વગોવવા ગેલમાં આવી જવાની જરૂર નથી. કારણ કે જાતિવાદ ના મૂળ ને દલિતો પણ ખુબ જ જતન કરી કરીને ઉછેરવામાં સફળ રહ્યાજ છે. જાતિવાદના નામે આપણને નીચા સમજતા વર્ગને નફરત કરવાની અને પોતે પોતાનાથી નીચા કહેવાતા વર્ગને નીચા જ રાખવાની પરમ્પરાને જડબેસલાક જાળવી રાખવાની? નવાઈ તો એ છે કે બ્રાહ્મણવાદની જાતિ વ્યવસ્થાથી પીડાતો વર્ગ પણ ભ્રામણવાદી જ સાબિત થતો જાય છે. મૂળ જાતિની ઉપરથી નીચે આવતી નિસરણીમાં ઉપરનું પગથિયું બધાયે જમ્પ મારી ચડવું છે પણ કોઈએ પોતાનાથી નીચે અવ્યહારિક રીતે ગોઠવેલ પગથિયાંને સમાનતા આપીને સાથે નથી રાખવું.
આવી બદમાશ માનસિકતા ફેલાવનાર, ભણ્યા ગણ્યા પછી પણ અપનાવનાર, અને પોતાના સ્વાર્થ માટે આવી વાહિયાત રીતરસમોને ઠંડે કલેજે ટેકો આપતા લોકો ઉપર “થું” છે. આજે દેશ જે રીતે અધોગતિમાં જઈ રહ્યો છે, એનું મૂળ આ બકવાસ જાતિભેદ છે અને હજુ એના મૂળને ઉખાડીને ફેંકવા આગળ નહિ આવીયે તો આવતી પેઢીના અગાઉથી જ ઘોષિત થયેલા ખૂની તરીકેની છાપ લઈને આ દુનિયામાંથી વિદાય લેશો, એ ધ્યાન માં રાખજો. માણસને માણસની રીતે જીવવા દો. માણસ માનીને વ્યવહાર રાખો. હવે સમય બદલાઈ રહ્યો છે. હક્ક માટેની લડાઈ લડતા આવડી રહ્યું છે. ખોટું છે એને ખોટું કેહતા થઇ રહ્યા છે. આવતી પેઢીને આ ધગધગતા જ્વાળામુખીમાં હોમાતી અટકાવવી હોય તો વ્યવહારિક અને સમાનતાનો રસ્તો અપનાવે જ છૂટકો છે. આવતી પેઢીનું વિચારીયે અને હજુ સમય છે, હળીમળીને માણસને માણસ તરીકે માનભેર સ્વીકારીએ. દુનિયા ક્યાંય પહોંચી ગઈ છે, આપણે હજુ જૂની પુરાણી બિનઉપયોગી પળોજણમાં ફસાઈને અંદરોઅંદર ગૃહયુદ્ધમાં જ હોમાઈને બરબાદીના પંથે જઈ રહ્યા છીએ. અવ્યહારિક બાબતોને જાકારો આપીએ. ચાલો વ્યવહારિક બનીએ અને આવતી પેઢી ને સમાનતા અને ભાઈચારાનું નિર્માણ કરવાના રસ્તા ખુલ્લા કરી આપીયે. જે જાતિઓના સમૂહો, બીજી કહેવાતી ઊંચી જાતિઓ સાથે સમાનતા માટે બાથ ભીડી રહી છે તેમને પણ તેમના સમૂહમાં બંધ આંખે પણ દેખાઈ આવે તેવી અસમાનતાને વખોડવી પડશે. અસમાનતાની માનસિકતાને ત્યજવી પડશે.

શરૂઆત સમસ્યાના મૂળથી કરવી એ જેટલી જરૂરી છે, એટલી જ સમસ્યાને ઘરમાંથી ઉખાડી નાખવાની જરૂરી છે. જાતિવાદની લડાઈ માત્ર એક તરફી નથી. ઉપર અને નીચે બંને તરફ ભાઈચારા માટે જાતિવાદ ના મૂળને ઓળખી, તેમાં રહેલ સમુહવાદને સમજીને ચાલવામાં શાણપણ છે.

નોંધ : વિચારો લેખકના સ્વતંત્ર વિચારો છે.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.