સરદાર, સરદારથી પણ વિશેષ હતા.

Pankaj Dhamelia
Wjatsapp
Telegram

પંકજ ધામેલિયા “સંન્યાસી”
૯૯૦૯૫૭૮૭૯૫
સરદારની જન્મતારીખ :

સરદારની સત્તાવાર જન્મતારીખ ૩૧મી ઓક્ટોબર, ૧૮૭૫ ગણવામાં આવે છે, પણ સરદારે ૧૯૩૪માં એક સાથીદારને પત્રમાં લખ્યું હતું, ‘તમે ભાગ્યશાળી છો કે જન્મદિવસ ચોક્કસ યાદ છે. મને તો વરસ કેટલા થયા તે વિષે પણ અટકળથી જ ગપ્પું મરવું પડે છે. સોગંદ પર કહેવાનો વખત આવે ત્યારે તો આશરે આટલાં એમ જ લખાવું છું. કારણ કે મારી માને પેટ પાંચ પથ્થર પડેલા. તે પથરા કેવા નીકળશે અને શા કામમાં આવશે, એનો કશો ખ્યાલ ન હોવાથી કોઈએ દિવસની કે વરસની કશી નોંધ કે યાદી રાખી જ નથી.’

ભારતના ઈતિહાસમાં સરદારે કરેલા અર્પણની નોંધ આપણી પ્રજાએ અને ખાસ કરીને સ્વરાજ્ય મળ્યા પછી, જન્મેલી પેઢીએ જોઈએ તેટલી લીધી નથી. રાજનેતાઓએ અને રાજકીય પાર્ટીઓએ પણ પોતાની સગવડતા અનુસાર વોટ મેળવવા માટે સરદારના નામનો બહુ ઉપયોગ કર્યો છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી સરદાર જેવા મહામાનવને જાતિવાદના સંકુચિત વાડામાં પુરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ સમયે સરદારની કેટલીક પ્રખ્યાત અને કેટલી અલ્પ-પ્રખ્યાત વાતો આપની સમક્ષ રજુ કરી રહ્યો છું. 

બારડોલી સત્યાગ્રહ :

વિશાળ સામાજિક ફલક પર ગાંધીના સત્યાગ્રહને સફળતાપૂર્વક પ્રયોજી શકાય છે. એ વાતની પ્રતીતિ બારડોલીની લડતે કરાવી અને દેશ તથા દુનિયામાં બારડોલીનું નામ ગાજતું થયું. આ લડતમાં વલ્લભભાઈનું સરદારપણું જ નહી, એમનું ‘સૈનિકપણું’ પણ પ્રગટ થયું. સફળ સરદાર થવા માટે સફળ સૈનિક બનવું જરૂરી છે, એ એમણે પોતાના વર્તન દ્વારા બતાવી આપ્યું. મોટી સલ્તનત સામે મંડાયેલા સંગ્રામના સેનાપતિ તરીકે પોતાની રજા વગર બારડોલી ન આવવાનું તેઓ ગાંધીજીને કહી શક્યા અને તે સાથે ગાંધીજીના આદેશોનું પાલન થાય તેની કાળજી એક સૈનિક તરીકે રાખી શક્યા. ભવિષ્યમાં ઇતિહાસકારે સરદારમાં પલાંઠી વાળીને બેઠેલા ‘સૈનિક’ની નોંધ પણ લેવી પડશે. અહિંસક લડતમાં પણ શિસ્ત, ખુમારી અને ખમીર તો યુદ્ધમાં જોઈએ, તેટલા જ જોઈએ –  અને અહિંસા એ કાયરનું શસ્ત્ર નથી, એ બારડોલીની લડતે બતાવી આપ્યું. ગાંધીના સુદર્શન ચક્ર સમું યરવડાચક્ર ઘેર ઘેર ગુંજતું થયું. ક્યારેક તો ઢીલા પડેલા પતિને રણમોરચે ટકી રેહવાની પ્રેરણા બારડોલીની વિરાંગનાઓએ આપી અને જપ્તી, ઝડતી તથા જુલમ સામે નમતું ન જોખ્યું. એ દિવસોમાં બારડોલી તાલુકામાં બ્રિટીશ સલ્તનત તો માત્ર જુલમ પૂરતી જ રહી ગઈ હતી, બાકી સરદારનો બોલ એ જ કાયદો હતો. લડતની વિગતોમાં ન જતાં એ નિમિત્તે દેશને સરદારની ભાળ મળી રહી એ વાતને જ આગળ વધારીએ.

એક પ્રસંગ દ્વારા સરદારે કરેલા કામણનો ખ્યાલ મેળવીએ :
ડેપ્યુટી કલેકટરે ખેડૂતને પૂછ્યું : “તમે મહેસૂલ કેમ નથી ભરતા?”
“વધારો રદ કરો તો ભરીએ.” ખેડૂતે કહ્યું.
“પણ તમારા ગામ ઉપર તો જુજ જ વધારો છે.”
“પણ સાહેબ, પોણો મણ પાણીમાં ત્રણ શેર લોટ નાખીએ ને રાબડો બનાવીએ અને તેમાંથી ય સરકાર અડ્ધો શેર લોટ લઇ લેવા માંગે તે કેમ બને?”
“મહેસૂલનો વધારો તો સાચો જ છે, માટે જો નહિ ભરો તો તમારી જમીન ખાલસા કરીશું.”
“અરે સાહેબ ! તમારી વાત મને નથી ગમતી.
ફૂલમાં ફૂલ કપાસ કા ઓર ફૂલ કાયકા !
રાજામાં રાજા મેઘરાજા ઓર રાજા કાયકા ! “
“એટલે શું ?”
“ખાલસા તો મેઘરાજા કરવા માંગે તો થાય, બીજો કોઈ રાજા એમ કરી શકવાનો નથી.”
ગામડાના અભણ ખેડૂતને પણ આટલો નિર્ભય અને શક્તિશાળી બનાવવાની શક્તિ એ મહાપુરુષમાં હતી.

સરદારનું સૈનિકપણું :

આ એક એવો વિજય હતો, જેનો ઘણો બધો જશ સરદારના નેતૃત્વને ફાળે જાય છે. આવો વિજય કોઈપણ માણસને નશો ચડાવે. પણ સરદારની ધાતુ જ કોઈ ઓર હતી. સરદારની સફળતાનું ખરું રહસ્ય એમનામાં રહેલા સૈનિકપણામાં દેખાય છે. બારડોલીના વિજયે સરદારને રાષ્ટ્રના જનગણમનના અધિનાયક તો બનાવ્યા પણ સરદારે વિજયનો જશ પોતાની પાસે રાખી લેવાનું યોગ્ય ન માન્યું અને ગાંધીજીની મહાનતાને આગળ ઘરી. બારડોલીમાં મળેલી સભામાં તેમણે કહ્યું;

“અહિંસાના સિદ્ધાંતનું પાલન કરનારા તો હિંદુસ્તાનમાં છુટાછવાયા અજ્ઞાત ઘણાયે પડ્યા છે. તેમના ભાગ્યમાં જાહેરાત નથી. જે પૂરું પાલન નથી કરતા તેમના ભાગ્યમાં જાહેરાત આવી પડી છે. અહિંસાના પાલનની વાત કરવી એ જ મારે માટે તો નાને મોઢે મોટી વાત કરવા જેવું છે – કોઈ માણસ હિમાલયની તળેટીએ બેસીને તેના શિખરે પહોચવાની વાત કરે તેના જેવું છે – પણ કોઈ કન્યાકુમારી આગળ બેસીને તે શિખરે પહોંચવાની વાત કરે તેના કરતાં તળેટીએ બેસીને વાત કરે તે કઈક વધારે ડાહ્યો કહેવાય એટલું જ. બાકી હું તો ગાંધીજીની પાસેથી ભાંગ્યોતુટ્યો મેળવેલો સંદેશો તમારી આગળ મુકું છુ. તેટલાથી જ જો તમારામાં પ્રાણ આવ્યા તો જો હું પૂરો પાળનારો હોય તો ૧૯૨૨ની પ્રતિજ્ઞા પાળીને આપણે બેસી ગયા હોત.”

આ શબ્દોમાં ભારોભાર નમ્રતા તો છે જ પણ તે સાથે પોતાની મર્યાદાઓનો ખુલ્લો એકરાર કરવાની ત્રેવડ પણ જોવા મળે છે.

નવસારીના લોકોએ માનપત્ર આપ્યું તેના જવાબમાં સરદારે કહ્યું;

“ઘણા માને છે કે મેં જે કર્યું તે મહાત્માજીથી ન થાત. પણ મારામાં મહાત્માજીનો એક હજારમો અંશ પણ હોત તો મેં જે કઈ કર્યું છે, તેનાથી દશગણું કરી દેખાડત. ઘણા માને છે કે, મારામાં જે કઈ થોડી ધણી દુષ્ટતા રહેલી છે તે વાપરી તેના બળે આ થયું. પણ હું તમને ખાતરી આપું છું કે બારડોલીમાં જે કાંઈ કર્યું તે મહાત્માજીના  આશીર્વાદથી જ કરી શક્યો છું. જેમને સ્વતંત્રતા જોઈતી હોય તે એમનું માને.” 

વિલીનીકરણ :

સન ૧૯૫૩માં યુગોસ્લાવિયાના રાષ્ટ્રપ્રમુખ માર્શલ ટીટો ભારતની મુલાકાતે આવેલા. તેઓએ અવાડી ખાતે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પણ હાજરી આપી હતી. તેઓ જયારે દેશ છોડી રહ્યા હતા ત્યારે કોઈ પત્રકારે તેમને પૂછ્યું કે ભારતની મુલાકાતને અંતે કઈ બાબત તેમને સૌથી આશ્ચર્યકારક જણાઈ. માર્શલ ટીટોના જવાબમાં સરદારે પાર પડેલા કાર્યની દુષ્કરતાનો ખ્યાલ પડઘાતો જણાય છે. માર્શલ ટીટોએ જણાવેલુ : “હું એ નથી સમજી શકતો કે દેશી રાજ્યોનું વિલીનીકરણ લોહીનું ટીપું રેડ્યા વગર શી રીતે થઇ શક્યું !” આ એવું કામ હતું જે સરદારની કુનેહ અને દઢતા વગર પાર પડે તેમ ન હતું. સંજોગો અત્યંત વિપરીત હતા. દેશને મહા મેહનતે મળેલું સ્વરાજ્ય ભોઠું પડી જાય એવી પરિસ્થિતિ હતી. ભાગલા પછી મળેલું હિન્દુસ્તાન અનેક ટુકડાઓમાં વેહચાઈ જાય એવી સ્થિતિ હતી. આ ટુકડાઓને ભેગા કરીને સરદારે ખુબ જ ઓછા સમયમાં ભારતના નકશાને આજે છે, એવો આકાર આપ્યો. આવું મહાન ઈતિહાસકૃત્ય ભારે દક્ષતાથી પાર પાડીને સરદારે ઇતિહાસનું એક પ્રકરણ રચ્યું. જેમની સાથે સરદારના આ કામની સરખામણી કરવામાં આવે છે તે બિસ્માર્કનું જર્મન રાજ્યોના એકી-કરણનું કામ તો પ્રમાણમાં ઘણું નાનું અને સરળ હતું. અશોક અને અકબરના સમયમાં પણ નહોતું એવું અખંડ ભારત એ એક એવું ઈતિહાસકૃત્ય હતું જેનો જોટો દુનિયાના ઇતિહાસમાં જડે તેમ નથી. બારડોલીએ દેશને ‘સરદાર’ની ભેટ ધરેલી. દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ કરીને સરદારે એ બિરુદ ફરી સાર્થક કર્યું અને શોભાવ્યું.

ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી જગજીવનરામ જ્યારે ૧૯૫૦ના વર્ષમાં લંડન ખાતે લોર્ડ માઉન્ટબેટનને મળ્યા ત્યારે માઉન્ટબેટને કહેલું કે, એક અખંડ રાષ્ટ્ર બનતાં ભારતને પંદરવર્ષ લાગશે એમ એમણે માનેલું; પણ સરદારે એવો ચમત્કાર દસબાર મહિનામાં જ કરી દેખાડ્યો !

ઇતિહાસના ઘડવૈયાને આથી વધારે ભવ્ય અંજલી બીજી કઈ હોઈ શકે?

કાશ્મીરનો નાજુક તાંતણો :

કાશ્મીરની વાત કરીએ નહી તો એકીકરણની કથા અધુરી ગણાય. કાશ્મીર દેશી રાજ્ય હોવા છતાં, એનું કામકાજ પંડિત નહરું સંભાળતા હતા. કાશ્મીરનો પ્રશ્ન યુનોમાં લઈ જવા અંગે પણ સરદાર સંમત ન હતા. છતાંય જવાહરલાલજી યુનોમાં ગયા. યુનોમાં કાશ્મીરના પ્રશ્નની ચર્ચા વખતે પણ જવાહરલાલજી, શ્રી ગોપાળસ્વામી  આયંગર અને શેખ અબ્દુલ્લાને મોકલવા તૈયાર થયા ત્યારે સરદારે એમને ચેતવેલા. શેખ અબ્દુલ્લામાં સરદારને લગીરે વિશ્વાસ ન હતો. આયંગર અનુભવી વહીવટકર્તા અને કાશ્મીરના જાણકાર ખરા પણ પાકિસ્તાનના સર ઝફરુલ્લાખાન સામે નબળા પડે. સરદારની માણસ પારખવાની શક્તિ વિષે તો એક અલાયદું પુસ્તક જ લખવું પડે. તેઓની એક્સ-રે જેવી નજર માણસને આરપાર જોઈ લેતી. આ બાબતમાં પંડિત નહેરુનું તદ્દન ઉલટું હતું. સરદાર માત્ર માણસનો એક્સ-રે જ નહિ, પરિસ્થિતિનો કાર્ડિયોગ્રામ પણ તરત જ પામી શકતા અને ઝટ યોગ્ય નિર્ણય લઈ શકતા. બ્રિગેડીયર સેને ‘Selender Was the Thread’ નામનું પુસ્તક લખ્યું છે. ભારતીય લશ્કર ઓક્ટોબર ’૪૭ની આખરમાં શ્રીનગર પહોચ્યું. તેના ત્રણેક દિવસ પછી સરદાર પટેલ તે વખતના આપણા સંરક્ષણમંત્રી સરદાર બલદેવસિંગ સાથે શ્રીનગર ગયેલા. સેન જયારે કાશ્મીરની પરિસ્થિતિ અંગે વાત કરી રહ્યા હતા ત્યારે સરદાર આંખો મીચીને બેસી રહ્યા. સેનને થયું કે વૃદ્ધ માણસ છે તે ઊંઘી ગયા હશે. એટલે એમણે બલદેવસિંગને ઉદ્દેશીને વાતો કરવા માંડી. આખરે જયારે બ્રિગેડીયર સેને પૂછ્યું : મારે શું કરવું ? શ્રીનગરનો બચાવ કે તાયફાવાળાઓનો સામનો ?” બલદેવસિંગ કઈ બોલે તે પેહલાં સરદારે કહ્યું, ‘બંને’. પછી સેને કહ્યું કે એ માટે એમની પાસે પુરતા સાધન કે માણસ નથી. સરદારે શું જોઈએ તેની યાદી કરવા કહ્યું. યાદી જેવી સરદારના હાથમાં મુકવામાં આવી કે તેઓ દિલ્હી જવા તૈયાર થયા. એને એમને હવાઈ મથકે મૂકવા જવા પોતાની કારનો દરવાજો ખોલ્યો ત્યારે સરદારે કહ્યું : “તમે તમારું કામ કરો, સમય બગડવાની જરૂર નથી, ડ્રાઈવર મને મુકી જશે.” સરદારે શ્રી સેને  માગેલી સહાય દિલ્હી જઈને, એમણે કહેલું તે કરતાંય ઓછા સમયમાં, શ્રીનગર પહોંચતી કરી. સરદારમાં  રહેલી આવી પ્રત્યુત્પન્નમતિનાં દર્શન અનેક ઠેકાણે થાય છે.

સરદારની દુરંદેશીતા વિશે તો અલગથી આખો લેખ લખવો પડે પણ કાશ્મીર, ચાઈના અને ગોવાની બાબતે સરદારે કરેલી આગાહીઓ અક્ષરશ: સાચી પડી છે.

સરદાર અને આંબેડકર :

એ તો જાણીતું છે કે ડો.આંબેડકર, ગાંધીજીના અને કોંગ્રેસના વિરોધી હતા. તેઓ જયારે બંધારણનો મુસદ્દો ઘડનારી સમિતિના અધ્યક્ષ બન્યા ત્યારે એક કોંગ્રેસીએ સરદારને પૂછ્યું : ‘ગાંધીજી અને કોંગ્રેસના વિરોધીને આ કામ માટે કેમ પસંદ કર્યા ?’

સરદારે એમની લાક્ષણીકતાથી જવાબ આપ્યો : “તમને બંધારણમાં શું સમજ પડે ? અમે એ કામ માટે શ્રેષ્ઠ માણસ પસંદ કર્યો છે.”

સરદાર અને મુસ્લિમો :

કેટલાક રાજકીય પક્ષો અને કેટલીક ધર્મઝનૂની સંસ્થાઓએ પોતાનાં સ્વાર્થ ખાતર સરદારને ‘મુસ્લિમ વિરોધી’ ચીતરવાના બહુ પ્રયાસો કર્યા. પણ ઈતિહાસ એમ કહે છે કે સરદાર જેવો બિનસાંપ્રદાયિક નેતા ભારતની રાજનીતિના ઇતિહાસમાં ક્યારેય જન્મ્યો નથી.

૧૯૩૧માં સુરત શહેરની કોંગ્રેસ કમિટીનું સંચાલન યુવાનોએ ઉપાડી લીધું હતું. એ સમિતિના પ્રમુખ શ્રી ઝીણાભાઈ હતા. હિંદુ-મુસ્લિમ એકતા માટે અને પરસ્પરનો બહિસ્કાર મોળો પડે, તે માટે યુવાનોએ ખાદી પ્રદર્શન યોજી, દરરોજ સાંજે સુરતના રઝાક બેન્ડને નિમંત્રણ આપવાનું નક્કી કર્યું. આ વાત લઈને ઝીણાભાઈ સરદાર પાસે ગયા. સરદારે પૂરી ચકાસણી કરી અને સંમતિ આપી. ઝીણાભાઈ આ વાત લઈને રઝાકને ત્યાં ગયા. રઝાકની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. એમણે વાત વધાવી લીધી. રઝાકે પ્રદર્શન જેટલા દિવસ ચાલે તેટલા દિવસ બેન્ડનો કાર્યક્રમ આપવાનું સ્વીકાર્યું એટલું જ નહિ, એમનું આખું બેન્ડ ખાદીના વસ્ત્રોમાં સજ્જ થઈને આવશે એમ પણ જણાવ્યું. સરદારે આ બાબતમાં ટેકો આપ્યો અને ઉદઘાટન વખતે ખાસ હાજર રહ્યા. થોડા દિવસો પર દિલ્હીના ગુજરાત ભવનમાં મદ્રાસના ભૂતપૂર્વ રાજ્યપાલ અને સરદારને નજીકથી જાણનારા શ્રી કે. કે. શાહ ભેગા થઇ ગયા. એમણે જણાવ્યું કે મુંબઈમાં તો મહેરઅલી અને આબીદઅલી જેવા મુસ્લિમ સમાજવાદીઓ સરદારના ચાહકો હતા.

ઉર્દૂને ‘મુસ્લિમોની ભાષા’ ગણવાનો અને તેને ફગાવી દેવાની લાગણીનો સરદારે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં મોટી સંખ્યામાં ઉર્દુ બોલતા લોકોને નજરમાં રાખીને ‘આજકલ’ નામના ઉર્દુ સામયિકનું પ્રકાશન સરકારી રાહે કરવાનું નક્કી કરવામાં આવ્યું. તેના તંત્રી તરીકે સરોજિની નાયડુએ ઇન્કિલાબી શાયર જોશ મલીહાબાદીની ભલામણ કરી. ‘જોશ’ ત્યારે કામની શોધમાં હતા. એ ઉત્તમ દરજ્જાના કવિ ખરા, પણ તેમના ડાબેરી વિચારો અને ડાબેરીઓ માટે સરદારના વિચારોને કારણે સરદાર ‘જોશ’નું નામ સ્વીકારે, એવી શક્યતા ઓછી હતી. કવયિત્રી અને ઉત્તર પ્રદેશના ગવર્નર સરોજીની નાયડુએ ‘જોશ’ની ભલામણ સરદારના સચિવ વી. શંકરને કરી. શંકરે ભારે ખચકાટ સાથે ‘જોશ’ના નામની દરખાસ્ત મુકી, પણ ખાતાના સચિવે તેની પર નકારાત્મક શેરો માર્યો.

ફાઈલ સરદાર પાસે આવી ત્યારે તેમણે શંકરને પૂછ્યું, “આ માણસ સરકારી નોકરી તરીકે રાજકીય પ્રવૃત્તિથી દૂર રહી શકશે ?’ શંકરે સરોજિની નાયડુ દ્વારા અપાયેલી ખાતરીની વાત કરી. છેલ્લી ખાતરી માટે સરદારે ‘જોશ’ની થોડી કવિતાઓ સંભળાવવા કહ્યું. શંકરે નોંધ્યું છે : ‘મેં સરદારને સહેલાઈથી સમજાય એ માટે ‘જોશ’ની શાયરીના સીધાસાદા નમૂના સંભળાવ્યા. ત્યાર પછી તેમણે ‘જોશ’ની નિમણુકનો હુકમ આપ્યો.’

હિંદુ મહાસભા અને સંઘ વિશે સરદાર કહેતા કે એ લોકો પોતાની જાતને હિંદુ ધર્મના ઠેકેદાર ગણતા હોય, તો એમની ભૂલ છે. હિંદુત્વ જીવનના દ્રષ્ટિકોણનો ઉપદેશ આપે છે.

ગાંધીજીના મૃત્યુના ૧૫ દિવસ પહેલા સરદારે રાજકોટમાં આ હિંદુત્વના ઠેકેદારો વિશે કહ્યું હતું, ‘અત્યારે ઘણા હિંદુઓ તેમના ભાષણોમાં ગાંધીજી વિશે ખરાબ બોલે છે. આ લોકોને હું હિંદુ ગણતો જ નથી. દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર ગાંધીજી છે. તેમના જેટલી ચિત્તશુદ્ધિ અને નિર્મળતા આપણે કેળવી શક્યા નથી. તેમ છતાં, એ લોકો(હિંદુત્વના ઠેકેદારો) માને છે કે દેશભક્તિ, તર્ક અને સામાન્ય બુદ્ધિ પર તેમનો ઈજારો છે.’

સાહિત્ય ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા કનૈયાલાલ મુનશી ‘કનુભાઈ’ સરદારના વિશેષ પ્રીતિપાત્ર હતા. છતાં, સરદારે તેમની સાથે કદી ‘ગુજરાતનો નાથ’ કે ‘પાટણની પ્રભુતા’ જેવી નવલકથાઓ વિશે ચર્ચા કરી હશે કે નહી, એ જાણવા મળતું નથી. સરદારને મુન્શી લિખિત ‘ગુજરાતનો નાથ’ કરતાં ‘હેદ્રાબાદના નાથ’ તરીકે મુન્શીની કામગીરીમાં વધારે રસ હતો. (મુન્શીની નિયુક્તિ તેમણે વંકાયેલા હૈદ્રાબાદમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કરી હતી.)

સાહિત્ય હોય કે સિનેમા, સરદારને તેના કળાકીય પાસાં કરતાં ઉપયોગિતામાં વધારે રસ હતો. તેમના ચરિત્રોમાં સરદાર ફિલ્મો જોતા હોવાનું નોંધાયું નથી, પણ ૧૯૪૨માં ‘ફિલ્મ ઇન્ડિયા’ માસિકમાં પ્રગટ થયેલા ઇન્ટરવ્યુમાં સરદારે પોતે ફિલ્મો જોતા હોવાનું કહ્યું હતું અને કોંગ્રેસ વિશે ઐતિહાસિક ફિલ્મ બનાવવાનું સૂચન પણ કર્યું હતું. ઉત્કૃષ્ટ નાટકોનું સર્જન કરતી, નાટ્યસંસ્થા ‘પૃથ્વી થિયેટર્સ’ આર્થિક સંકડામણ સામે ઝઝૂમતી હતી, ત્યારે પૃથ્વીરાજ કપૂર તેમના પુત્ર રાજ કપૂર સાથે સરદારને મળ્યા હતા. તેમની વિનંતીને માન આપીને સરદારે ‘પૃથ્વી થિયેટર્સ’ને કરમુક્તિ આપી હતી. મધ્ય પ્રદેશમાં ઉસ્તાદ અલાઉદ્દીનખાંની આગેવાની હેઠણ ચાલતું રજવાડી ‘મૈહર બેન્ડ’ દેશી રાજ્યોનાં વિલીનીકરણ પછી સંકેલવું પડે, એવી શક્યતા ઉભી થઇ. ત્યારે સરદારે તેના માટે અલગ ગ્રાન્ટ ફાળવી આપી હતી. બાબુશાહીને લીધે સાંસ્કૃતિક ક્ષેત્રના વ્યક્તિત્વોને વેઠવું ન પડે, તેની સરદાર પૂરી કાળજી રાખતા હતા. બોદ્ધિક ક્ષમતાનો કહેવાતો અભાવ આ બાબતમાં ક્યાંય નડતરરૂપ બન્યો નહિ. સાંસ્કૃતિક ક્ષેત્રના લોકોને વધુ સારા મંત્રી કદી ખોટ સાલી નહિ.

તેમના સચિવ શંકરની નોંધ પ્રમાણે, સી.કે.નાયડુ, સી.એસ.નાયડુ અને મુશ્તાક અલી જેવા ખેલાડીઓને કારણે સરદારે ‘ઇન્દોર ક્રિકેટ ક્લબ’ બંધ થવા દીધી ન હતી. જામનગર રાજ્ય તરફથી વિનુ માંકડ અને બીજા કેટલાક ખેલાડીઓને મળતી આર્થિક સહાય વિલીનીકરણ પછી, સરદારને કારણે ચાલુ રહી. ક્રિકેટમાં સરદારને રસ ન હતો, પણ દિલ્હીમાં ભારત અને કોમનવેલ્થ ઈલેવન વચ્ચેની મેચ એકાદ કલાક સુધી તેમણે જોઈ હતી. એ પ્રસંગના સાક્ષી શંકરે  ભારતીય ટીમ વિશે અભિપ્રાય પૂછતા, સરદારે કહ્યું હતું, ‘આપણા ખેલાડીઓની ચુસ્તી-તંદુરસ્તી સુધરે નહી, ત્યાં લગી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સફળતાની મળવાની શક્યતા ઓછી છે.’ તેમનું બીજું નિરીક્ષણ હતું, ‘આપણી પાસે ફાસ્ટ બોલર હોવા જોઈએ.’

આવો મહામાનવ હવે આવશે ખરો ?

મહિને ૧૦-૧૫ રૂપિયાનો પગાર સુખેથી જીવવા માટે પૂરતો ગણાય, એ કાળે વલ્લભભાઈ પોતાનાં સંતાનોમાં અભ્યાસ અને હોસ્ટેલ પાછળ મહિને રૂ. ૧૦૦ ખર્ચી કાઢતા હતા.

પુત્ર ડાહ્યાભાઈથી માંડીને તમામ સગાંવ્હાલાં માટે સરદારની કડક સૂચના હતી, ‘હું સત્તા પર છું ત્યાં સુધી દિલ્હીમાં ફરકવું પણ નહી. બને તો વિંધ્ય(મધ્યપ્રદેશ) પાર ન કરવો.’ આ સૂચનાનો અમલ સરદાર કેવી કડકાઈથી કરતા, તેનો એક પ્રસંગ યાદ કરતાં ગૌતમભાઈએ કહ્યું, ‘મારાથી બારેક વર્ષ મોટા બિપિનભાઈ અને બીજા કેટલાક પિતરાઈઓને વેકેશનમાં દિલ્હી જવાનું મન થયું. ફરતા આવીશું અને દાદાને પણ મળી લઈશું – એમ વિચારીને એ લોકો દિલ્હી ઉપડ્યા. રોજના નિયમ પ્રમાણે દાદા સવારે ફરીને ઘરે આવ્યા, ત્યારે છોકરાઓને જોયા. ચા-પાણી થયા, એટલે દાદાએ પૂછ્યું, ‘શું થયું ? કોઈ માંદુ-બાંદુ છે ?’ છોકરાઓ કહે, ‘ના, અમે તો અમસ્તા જ આવ્યા હતા. મળવા માટે.’ તરત દાદા કહે, ’મળી લીધું ને ? હવે પહેલી ટ્રેનમાં પાછા જતા રહો. પૈસા જોઈતા હોય કે કઈ કામ હોય તો કહો. બાકી તમારે અહી પગ મુકવાનો જ નહી. તમારો ઈરાદો ખરાબ નહી હોય તો પણ લોકો તમારો ગેરલાભ લેવાનો પ્રયત્ન કરશે અને આપણા લોકો જ આપણને ઉંધા રસ્તે ચડાવશે.’

સરદાર આદર્શઘેલા ન હતા પણ તેનો અર્થ એ નહિ કે તેઓના જીવનમાં આદર્શને સ્થાન ન હતું. એમનો સમાજવાદ જીવનની વાસ્તવિકતા સાથે મેળ પાડનારો હતો. એમને સમાજવાદના શાસ્ત્રાર્થમાં રસ ન હતો. સરદારનો સમાજવાદ કેવો હતો તે સમજવા માટે મહાવીર ત્યાગીએ નોંધેલો એક પ્રસંગ એમના જ શબ્દોમાં જોઈએ.

(આ પ્રસંગ બન્યો ત્યારે સરદાર ભારત જેવડા મોટા દેશના નાયબ વડાપ્રધાન હતા એ ખાસ યાદ રાખજો.)

“એક વાર મણિબહેન એમને કશીક દવા પિવડાવતા હતા. મારા આવવા જવા પર કશી રોકટોક ન હતી એટલે હું અંદર પહોંચી ગયો. અંદર દાખલ થતાં મેં જોયું કે મણીબહેનની સાડી પર એક થીંગડું મારેલું હતું – અને હતું પણ ખાસ્સું મોટું થીંગડું ! હું મોટેથી બોલ્યો : ‘મણિબહેન, તમે તો પોતાને મોટા ગણો છો. જેમણે એક વર્ષમાં આવડું મોટું અખંડ ચક્રવર્તી રાજ્ય સ્થાપી દીધું છે કે એવડું રાજ્ય તો નહોતું રામચંદ્રજીનું કે નહોતું કૃષ્ણનું; અશોકનું ય નહી અને અકબરનું ય નહી અને અંગ્રેજોનું જ નહી. આવા મોટા રાજામહારાજાઓના ય સરદારની પુત્રી થઈને તમને શરમ નથી આવતી ?”

મણિબહેને મોં મચકોડીને ગુસ્સામાં કહ્યું : ‘જે જૂઠું બોલતા હોય ને બેઈમાની કરતા હોય એમને શરમ આવે, મને શાની શરમ આવે ?’ મેં કહ્યું : ‘અમારા દેહરા ગામમાં નીકળો જોઈએ. લોકો તમારા હાથમાં આનો-બે આના મૂકશે – એમ સમજશે કે એક ભિખારણ જાય છે. તમને શરમ નથી આવતી કે આવી થીંગડાવાળી સાડી પહેરો છો ?’ હું તો રમૂજ ખાતર બોલતો હતો. સરદાર પણ હસ્યા અને બોલ્યા : ‘બજારમાં ઘણા લોકો ફરતા હોય છે. આનો-બે આના કરીને પણ ઘણા રૂપિયા એકઠા કરી શકાશે.’

પછી સુશીલા નાયરે મને કહ્યું : ‘ત્યાગીજી, કોની વાત કરો છો ? આખો દિવસ ઊભે પગે આ મણિબહેન સરદાર સાહેબની ચાકરી કરે છે. પાછા રોજ ડાયરી લખે છે અને રોજ નિયમિત ચરખો પણ કાંતે છે. એમાંથી જે સૂતર બને છે, તેના સરદાર સાહેબના ધોતિયા ને પહેરણ બને છે. તમારી જેમ સરદાર સાહેબ ખાદી ભંડારમાંથી ક્યાં કપડા ખરીદે છે ? અને સરદારસાહેબના ફાંટેલા કપડાંમાંથી મણિબહેન પાછાં પોતાનાં કપડાં બનાવી લે છે.’ એ ઉભેલી દેવી સામે હું અવાક બનીને ઉભો રહ્યો. કેવો પવિત્ર આત્મા છે  આ મણિબહેનનો !…. પાછા સરદાર બોલી ઉઠ્યા : ‘ગરીબ માણસની દીકરી છે. ક્યાંથી સારાં કપડા લાવે ? એનો બાપ ક્યાં કશું કમાય છે ?’

સરદારે એમના ચશ્માનું  ખોખું બતાવ્યું. વીસ વર્ષ જુનું હશે. ત્રીસ વર્ષની જૂની ઘડિયાળ પણ જોઈ. ચશ્માની એક દાંડી હતી, બીજી તરફ દોરો બાંધ્યો હતો. કેવો પવિત્ર આત્મા હતો ! અમારો કેવો નેતા હતો ! એ ત્યાગ-તપસ્યાની કમાણી, અમે બધા નવાં નવાં ઘડિયાળ બાંધનાર દેશભક્તો ખાઈ રહ્યા છીએ.”

મણિબહેને લખ્યું છે, ‘છેલ્લી ઘડી સુધી અર્ધજાગ્રત અવસ્થામાં પણ(સરદાર) મારું નહી, પણ દેશનું સ્નેહરટણે – હૈદ્રાબાદ, કાશ્મીરનું રટણ કરતા રહ્યા. મને ફિકર રહ્યા કરતી કે કઈ મારી ચિંતા ન કરે, પણ તેમને એટલો વિશ્વાસ કે વખત આવ્યે છોકરી વાસણ માંજીને પણ સ્વમાનથી દિવસ કાઢે એમ છે.’

સરદાર અને ધાર્મિકતા :

પરંપરાગત સ્વરૂપની ધાર્મિક આસ્થા સાવ નાનપણામાં કૌટુંબિક સંસ્કારોને લીધે વલ્લભભાઈના મનમાં હતી, પણ સમજણા થયા પછી તે બાવા-સાધુઓના ટીકાકાર બન્યા. ધર્મની તેમની વ્યાખ્યા બહોળી હતી. નાયબ વડાપ્રધાન બન્યા પછી સોમનાથના મંદિરના જીર્ણોદ્ધારમાં તેમની મુખ્ય ભૂમિકા રહી. છતા ધર્મને પોતાની લોકપ્રિયતા વધારવાના કે લોકલાગણી સંતોષવાના માધ્યમ તરીકે તેમણે ક્યારેય ન જોયો. તેમના પત્રોમાં કે પ્રવચનોમાં ઈશ્વરેચ્છાની વાત સતત આવતી હોવા છતા, તેમણે ઈશ્વરના નામે અકર્મણ્યતાને કદી પ્રોત્સાહન ન આપ્યું. વ્યક્તિગત રીતે તેમણે પોતાની સઘળી ભક્તિ ભારત અને ગાંધીજી તરફ કેન્દ્રિત રાખી. મરણપથારી પર અંતિમ ઇરછા તરીકે તેમણે ધાર્મિક પાઠ-સ્તુતીને બદલે વીણાવાદન સાંભળવાની ઇરછા વ્યક્ત કરી, એ ‘શુષ્ક’ ગણાતા સરદારના જીવનની ઓછી જાણીતી હકીકત છે. કર્ણાટકી સંગીતમાં મોટું નામ ધરાવતા વી.કે.નારાયણ મેનને સરદારના સરી જતા શ્વાસમાં વીણાના સૂર વહેતા કર્યા. થોડા કલાકો પછી, ૧૫મી ડિસેમ્બર, ૧૯૫૦, સવારના ૯:૩૭ વાગ્યે, અનેક કથા-દંતકથાઓને જીવન આપનાર સરદારની આંખ મીંચાઈ અને પાછળ રહી ગયો ભેંકાર ખાલીપો, જે તેમના મૃત્યુનાં ૬૭ વર્ષ પછી પણ સાલતો રહ્યો છે.

જય સરદાર

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.