139 – દલિતોના દરવેશી અને અલગારી આંબેડકરી આરાધક, શીલવંત સાધુ : સંત શ્રી મૂળદાસ બાપુ

Wjatsapp
Telegram

આજે ૧૩૯ મો દિવસ

૧૦ માર્ચ ૨૦૨૦, મંગળવાર

નીરજ મહિડાની ફેસબુક વોલ પરથી.

દલિતોના દરવેશી અને અલગારી આંબેડકરી આરાધક, શીલવંત સાધુ : સંત શ્રી મૂળદાસ બાપુ

© નિરજકુમાર કે.મહિડા ‘નીજુ’

*******************************************

આમ તો સામાન્ય રીતે ગિરિનગર અને સોરઠ પ્રદેશની વાત સાંભળતાં જ આપણાં નેત્રપટલ પર ગિરનાર પર્વત, ભવનાથ તળેટી,પ્રાચીન ગુજરાતની મૌર્ય શાસનની રાજધાની વખતે બનેલો મહેલ ઉપરકોટ, ગુજરાતની પ્રથમ સિંચાઇ યોજના એવી સુદર્શન તળાવ, અને લેખીત દસ્તાવેજ એવો સમ્રાટ અશોકનો શિલાલેખ જે કંડારાતા હોય છે…આજે તમને ઐતિહાસિક ધરોહર જુનાગઢનું અનમોલ રત્ન,બહું આયામી શખ્સિયત એવાં સંત શ્રી મુળદાસ મનોહરદાસ સોલંકી સાધુનાં જીવન,કવન વિશે કેફિયત રજૂ કરવી છે..

જન્મ તથા કૌટુંબિક જીવન, કવન અને પરિચય::-

મૂળદાસ બાપુનો જન્મ નવાબી કાળ દરમિયાન જુનાગઢ ખાતે ઇ.સ. ૧૯૦૩ નાં રોજ પિતા મનોહરદાસ સોલંકી અને માતા હિરુબાઇ ઉર્ફે મોતલમાં ની કુખે થયેલ. દાદાનું મૂળ ગામ સાપકડા તા.જી. મોરબી હતું. પરંતુ ઘણા સમયથી જુનાગઢમાં સ્થાયી થયેલા…

મૂળદાસ બાપુના પિતા દલિત સમાજના સાધુ હોવાને નાતે સાધુપણામાં ઓતપ્રોત અને ગુરુ બની દલિત સમાજમાં ભક્તિ જ્ઞાન પિરસતા. માતા મોતલમાં નવાબી કાળ દરમિયાન જુનાગઢ રાજ્યના રાજગાયિકા હતાં.જેમના નામે જુનાગઢના નવાબે હાલ કૃષિ યુનિવર્સિટી સ્થિત આવેલો મોતીબાગ બનાવ્યો હતો. આમ મૂળદાસ બાપુ પણ સાધુપણું કરીને ભજનો લલકારે,અલખને આરાધે અને ભવનાથ શિવરાત્રી મેળા દરમિયાન તળેટીમાં આવેલ પોતાની જગ્યા ત્રિકમ સાહેબનાં ઓટે ભજન-ભોજન-ભકિતનો ત્રિવેણી સંગમ કરવામાં નિમિત્ત બનતાં…

અલખના આરાધક મટી ખરા અર્થમાં આંબેડકરી આરાધક તરફે મૂળદાસ બાપુનું પ્રયાણ::-

“પ્રથમ સમરીયે મેઘવાળ ગતને,અન્ન, વસ્ત્ર, ધનનાં દાતા,

અંગે ઉઘાડા સાધુ જમાડે,રહે ઉપવાસી લૂખું ખાતા.

સાધુ થોડાં શેતાન ઘણા છે, ખોટું બોલીને ફોલી ખાતાં,

દોરા બાંધે ને સ્વાર્થે સાંધે,એવા કપટીનો સંગ ન કરતાં.

મૂળદાસ કહે મારું માંની લેજો,ગત મેઘવાળ છો,

માતપિતા,શિર નમાવું,અરજ સુણાવું, સમજું હશે તે સમજી જાતાં.”

Poem by Shree Muldas Bapu

મૂળદાસ બાપુને માતા મોતલ માં તરફથી વારસામાં મળેલ સુરીલો કંઠ અને પોતાનામાં સમાયેલો કવિભાવ ગતગંગા સમક્ષ સત્સંગમાં રજૂ કરી મેઘવાળ સમાજમાં જાગૃતિ લાવવા કાર્ય કરતાં‌‌…

મૂળદાસ બાપુને બાળપણથી સાધુતા ગળથૂથીમાં મળેલી અને ભરયુવાનીમાં અલગ ફાંટે ફંટાયા. સંતની વ્યાખ્યા કરતાં શાંતિ પમાડે તેને આપણે સંત કહીએ. સાધુ જીવન એટલે ભગવો ભેખ,માળા,જટ્ટાધારી,અંગે ભભૂત લગાવી હોવાની આપણને કલ્પના થતી હોય છે…

પરંતુ ! સફેદ વસ્ત્રો ધારણ કરેલ સાધુનાં દિકરા મૂળદાસ બાપુ ભરયુવાનીમાં જ દલિતોના દુઃખ માટે મનોમંથન કરી રહ્યા હતાં.તે સમયે તેઓના કાને ડો. બાબાસાહેબ આંબેડકર નામની વ્યક્તિની વાત પડે છે અને જાંણે કે સોનામાં સુગંધ ભળે છે…

ઇ.સ. ૧૯૨૮ નાં ઓક્ટોબર માસની ૨૩મી તારીખે પુના ખાતે ઇંગ્લેન્ડથી અંગ્રેજ અફસર સાયમન પછાત વર્ગોનાં પ્રશ્નો સાંભળવા આવે છે.(સાયમન કમીશન) જેમાં ડો. બાબાસાહેબ આંબેડકરની આગેવાનીમાં મહારાષ્ટ્રનાં દલિતોએ તેમની સમસ્યા રજૂ કરેલ.આ સમાચાર સમગ્ર દેશમાં પ્રસરી ગયેલ. તે સમયે સોરઠનાં દલિતોના પ્રશ્નો અને સમસ્યાઓ લખી મૂળદાસ મનોહરદાસ સોલંકી નામનો નવયુવાન જુનાગઢથી ટ્રેન મારફતે પુના પહોંચી સાયમન કમીશન આગળ પોતાની સમસ્યાઓ રજૂ કરે છે.જે સમયે ડો. બાબાસાહેબ આંબેડકરની પણ ત્યાં પ્રેરક ઉપસ્થિતિ હતી…

મૂળદાસ બાપુ દ્વારા સાયમન કમીશન આગળ ૩૩ મુદ્દાની રજુઆતથી ડો. બાબાસાહેબ આંબેડકર બાપુ પર ખૂબ ખુશ થયાં અને બાબાસાહેબે પુજ્ય બાપુને કલાકો સુધી બેસાડી સોરઠનાં દલિતોની સમસ્યા જાણી.મૂળદાસ બાપુ એક પછી એક પ્રશ્નો કહે અને બાબાસાહેબ તેમનો ઉકેલ બતાવતા હતા.જેથી મૂળદાસ બાપુનાં દિલોદિમાગમાં હાડોહાડમાં બાબાસાહેબ આંબેડકર ઉતરી ગયેલા…

તારીખ ૨૫/૦૫/૧૯૩૬ નાં દિવસે મહાત્મા ગાંધીજીના સુપુત્રે ઇસ્લામ ધર્મ અંગિકાર કર્યો તેનાં બરોબર બીજાં જ દિવસે મુંબઈ સ્થિત નાયગાંવ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરના સાનિધ્યમાં મહંત શંકરદાસ બર્વેના પ્રમુખસ્થાને મળેલાં સાધુ સંમેલન સંબોધતા ડો. બાબાસાહેબ આંબેડકરે આકરી ભાષામાં જણાવ્યું કે;”સાધુ પર સમાજની મોટી જવાબદારી છે. ફક્ત ભગવાં રંગના વસ્ત્રો કપડાં, દાઢી-જટ્ટા નાં બાહ્ય દેખાવ થી સાધુ થવાય નહીં. પદદલિત સમાજ પર થતા અન્યાય, અત્યાચારોનો સામનો કરવો સાધુનું પ્રથમ કર્તવ્ય છે.”

આમ, મૂળદાસ બાપુ અલખના આરાધક મટી આંબેડકરી આરાધક બન્યા હતા…

સૌરાષ્ટ્રમાં ગોળમેજી પરિષદની અસર સંદર્ભે::-

ડો. બાબાસાહેબ આંબેડકર તા. ૧૮-૧૯ એપ્રિલ ૧૯૩૯ નાં દિવસે રાજકોટ આવ્યાં અને ગાંધીજી-આંબેડકર વચ્ચે ઉછંગરાય ઢેબરના ઉંબરે થયેલ વાર્તાલાપ નાં સમાચાર સાંભળી મૂળદાસ બાપુનું મન થોડું ધોવાયુ હતું.

આ અરસામાં તા.૨૧/૦૯/૧૯૩૧ નાં અંત્યત સેવા મંડળનાં પ્રમુખ સેવક સેવાનંદ કે જેમણે ટેલીગ્રામ વડે ગોળમેજી પરિષદના પ્રમુખને જણાવ્યું કે; “ડો. આંબેડકર જ દલિતોના પ્રતિનિધિ છે. મિ. ગાંધી અમારા નેતા નથી”

ગુજરાત-સૌરાષ્ટ્રમાં શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશનની સ્થાપના અને તેમની રાજકીય સફર ::-

મુંબઈ અને સમગ્ર ગુજરાતમાં મૂળદાસ બાપુનું વિશાળ શિષ્યવૃંદ હતું. જ્યાં યાત્રિકો માટે અનાજ, નાણાં, ગોદડાં અને વાંસણો લેવાં માટે જવાનું થતું.જેથી મૂળદાસ બાપુનાં સેવકો પણ ઘણા…

અમદાવાદ ખાતે તા. ૧૫/૦૬/૧૯૪૪ નાં રોજ કાળીદાસ ભગતના નિવાસે દેવજીભાઈ લાલજીભાઈના પ્રમુખસ્થાને સભા ભરાઈ.જેમાં શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી.અને તેમના પ્રમુખ તરીકે રેવાભાઈ ભુધરભાઇ પરમારની નીમણુંક કરાઇ. આ તકે મૂળદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અને સૌરાષ્ટ્રની જવાબદારી મૂળદાસ બાપુને સોંપવામાં આવેલી..

સમય-સમયે વધતાં જતાં ગુરુવાદની ચાદર ઓઢી બેઠેલા શિષ્યો બાપુનાં શાબ્દિક પ્રહારોથી થર-થર કાંપી શનૈ: શનૈ: થવા લાગ્યા. ભિક્ષાવૃતિ કરી જીવન ગુજારતા મૂળદાસ બાપુની પરિસ્થિતિ વિકટ થવા લાગી ! છતાં હિંમત હાર્યા વિના પોતાના ઘરના વાંસણો વહેંચી-વહેંચીને આંબેડકરી ચળવળ સોરઠ પંથકમાં જીવંત કરી…

મૂળદાસ બાપુની રાજકીય જીવન ઝરમર::-

તા. ૦૯/૦૯/૧૯૫૧ નાં રોજ જુનાગઢ ખાતે યોજાયેલી સભામાં આગામી સામાન્ય ચૂંટણીઓમાં અમરેલી અનામત બેઠક માટે શિડ્યુલ કાસ્ટ ફેડરેશનનાં ઉમેદવાર તરીકે મૂળદાસ મનોહરદાસ સોલંકીની વરણી કરવામાં આવી હતી.તેઓ ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી “હાથી નિશાન” પર લડ્યા. પરંતુ સમાજમાં જાગૃતિના અભાવે અને નાણાં,સાધન, સુવિધા અભાવે તેઓ અસફળ રહ્યા હતા…

જુનાગઢ મહાનગરપાલિકાનાં સભ્ય તરીકે ઘણા વર્ષો ફરજ બજાવી સમાજ હિતેચ્છુ કાર્ય તેમના દ્વારા થયેલા.જેથી સૌરાષ્ટ્ર દમન વિરોધી સમિતિ દ્વારા તા.૧૫/૦૬/૧૯૭૮ નાં રોજ શ્રીમતિ ડો. સવિતા આંબેડકરના હસ્તે મૂળદાસ બાપુને એવોર્ડ એનાયત થયેલ.જુનાગઢના મૂળજી ડાહ્યા સોલંકી અને પોપટ સંગ્રામ તેમના ડાબેરી-જમણેરી તથા પુંજાભાઈ મકવાણા તેમનો પડછાયો બની રહેતાં. આ ઉપરાંત ગોવિંદભાઈ નથુભાઈ મૂછડીયા (લુશાળા) અને ગોવાભાઇ કાબા(ખળીયા) બંન્ને વ્યક્તિ પુજ્ય બાપુની મદદરૂપ થવા હાજરાહજૂર બિરાજમાન થતાં …

સોરઠ પ્રદેશ(જુનાગઢ જીલ્લા) શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશનની કેશોદ મૂકામે મળેલી બેઠક::-

જુનાગઢ જીલ્લાનું કેશોદ સૌરાષ્ટ્રમાં આંબેડકરી ચળવળનું એપી સેન્ટર રહ્યું હતુ.તારીખ ૧૮/૦૭/૧૯૫૪ નાં રોજ કેશોદ ખાતે મૂળદાસ બાપુનાં અધ્યક્ષ સ્થાને શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશનની જુનાગઢ જીલ્લા સમિતિ બની. અને હાથીનાં નિશાન પર નિચે મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સદ્સ્યો પણ ચૂંટાયા હતા.તદુપરાંત કેશોદ ખાતે સિધ્ધાર્થ વિધાર્થી ભવનનો વર્ષ ૧૯૫૮ માં પાયો નંખાયો જે સંકુલ આજે વિશાળ વટવૃક્ષ બની ઉભું છે…

સોરઠ શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન સમિતિના સદસ્યો જેમાં,

(૧) શ્રી મૂળદાસ મનોહરદાસ સોલંકી-જુનાગઢ (૨) શ્રી ભીમાભાઇ અમરાભાઇ રાવલીયા-કેશોદ (પ્રમુખ,ડો.બાબા સાહેબ આંબેડકર એવોર્ડ વિજેતા) (૩) શ્રી વસ્તાભાઇ રુપાભાઇ રાવલીયા-કેશોદ (ખજાનચી શ્રી) (૪) શ્રી સોમાભાઇ દેવાભાઇ-કેશોદ (૫) શ્રી હમીરભાઇ જેઠાભાઈ પરમાર-કેશોદ (ખજાનચી- મારાં મમ્મીનાં દાદા ) (૬) શ્રી વાઘજીભાઇ સોમાભાઇ ચાવડા-સોંદરડા (મંત્રી તથા સદ્સ્ય સોંદરડા ગ્રા.પં. તથા પાછળથીભંતે ધર્માનંદજી નામ ધારણ કરી બૌદ્ધ ભિક્ષુ બનેલા) (૭) શ્રી બાવાભાઈ દેવાભાઇ પરમાર-ડુંગરપુર (પ્રથમ દલિત સરપંચ ડુંગરપુર ગ્રા.પં.) (૮) શ્રી બાબુભાઈ કાનજીભાઈ-અમદાવાદ (૯) શ્રી મુંજાભાઇ સોંદરવા (ઉપ પ્રમુખ) (૧૦) ભીમાભાઇ વાલાભાઈ મકવાણા-મોવાણા ( મંત્રી શ્રી)

ઉપરોક્ત તમામ દલિત ક્રાંતિના મહારથીઓના સંઘર્ષ વિશે મારા નાના શ્રી માધવજીભાઈ હમીરભાઇ પરમાર(નિવૃત્ત ચિફ ઓફિસર કેશોદ નગરપાલિકા) મને વારંવાર કહેતા; આજે પણ મને તે વાત યાદ છે.કેશોદ તાલુકામાંથી દલિત સમાજના પ્રથમ વિધાર્થી તરીકે મેટ્રિક પરિક્ષા પાસ કરવા બદલ મારાં નાના શ્રી માધવજીભાઈ પરમારનું આ સમિતિ દ્વારા સન્માન થયેલ.

તદુપરાંત બાબાસાહેબ આંબેડકરે સ્થાપેલી સંસ્થાઓ ખાતે અભ્યાસ અર્થે જવા માટે જણાવ્યું હતું.પારીવારીક કારણોસર તેઓ ના જઇ શક્યા તેનો અફસોસ તેઓ વારંવાર કરતાં…

ડો. બાબાસાહેબ આંબેડકર સાથે ધર્મ પરિવર્તન કરેલ મહારથીઓ::-

“હું થાક્યો તમને કહી કહી, મેઘવાળો હવે તો હદ થઈ,સાચાં-ખોટામાં સલીલ ન સમજ્યાં, ગયાનમાં ગયા ગુંથાઇ.ચેલા તળિયાતુંટ ગુરુ મળ્યા ગઠીયા ભેળપાડી ભેગાં થઈ.”

૧૪ ઓક્ટોબર ૧૯૫૬ નાં રોજ નાગપુર સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલ વ્યક્તિઓમાં મૂળદાસ બાપુની આગેવાનીમાં, જેઠાભાઈ બીજલભાઈ સોંદરવા નિરાંત પંથી (જયદેવ બાપા), મુંજાભાઈ સોંદરવા, ભિમાબાપા રાવલિયા,પાગલબાબા સહિતના કુલ અગિયાર કાર્યકરોએ બૌદ્ધ દિક્ષા ગ્રહણ કરી…

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયામાં સૌરાષ્ટ્રના દલિતોનું યોગદાન::-

સૌરાષ્ટ્રનાં શોષિત,પીડિત,દલિતો અને પછાત વર્ગના લોકો માટે રિપબ્લિકન પાર્ટીના નેજા નીચે “ભૂમિહિનો જાગો” અને સત્યાગ્રહમાં સામેલ થાવ.

રિપબ્લિકન પાર્ટી અને તેઓ દ્વારા ચલાવવામાં આવેલ જમીન આંદોલનની વાત કરતાં ઉગાભાઇ રૂપાભાઇ મહિડા-બળોદર(પુર્વ પ્રદેશ પ્રમુખ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા-ગુજરાત પ્રદેશ) અને હમીરભાઇ એન. મહિડા- શાપુર નું નામ કેમ ભુલાઈ ???

આ બંન્ને બંધુબેલડી દ્વારા ભૂમિહિનો કાજે ઘણી વખત જેલ કારાવાસ પણ ભોગવ્યો હતો..

આજે સૌરાષ્ટ્રના દલિતો પાસે રહેલી જમીન માટે ઉગાભાઇ મહિડા અને તેઓની સમિતિના કાર્યકર્તાઓની બદોલતથી આજે સૌરાષ્ટ્રના દલિતો ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે..

ગુજરાત રાજ્ય સ્થાપના પછીના વર્ષે ૧૯૬૧ માં જુની વિધાનસભા (સિવિલ હોસ્પિટલ અમદાવાદ-અસારવા) ખાતે મોંઘવારી નિવારણ,ભૂમિહિનોને પડતર જમીન આપવી અને ધારાસભામાં ડો. બાબાસાહેબ આંબેડકરનું તૈલચિત્ર મુકવા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.જેમાં પોલીસે લાઠીચાર્જ કર્યો.તેથી ૧૮ ઓગસ્ટ દર વર્ષે લાઠીચાર્જ દિવસ તરીકે ઉજવવામાં આવતો…

કોંગ્રેસ સરકાર દ્વારા માંગો ન સંતોષાતા રિપબ્લિકન પક્ષના કાર્યકરો દ્વારા સમગ્ર રાજ્યમાં આંદોલનનું શસ્ત્ર અજમાવ્યું…

રાજકોટ રિપબ્લિકન પાર્ટી દ્વારા તા. ૧૮/૦૮/૧૯૭૦ ને મંગળવારે ગરિબ, પછાતવર્ગ માટે જમીન સંદભૅ કલેકટર કચેરીએ આવેદનપત્ર, સરઘસો, કાઢવામાં આવ્યા તથા સવિનય કાનૂન ભંગ કરી સત્યાગ્રહો થયા..

જેમના મુખ્ય કાર્યકર્તા તરીકે,

(૧) શ્રી.રાણાભાઇ પરમાર (રિપબ્લિકન પાર્ટી અગ્રણી)(૨) શ્રી.કાનજીભાઈ બી. વાળા (પ્રમુખ,રાજકોટ રિપબ્લિકન પાર્ટી)(૩) શ્રી.ભાણજીભાઇ ચાવડા (મંત્રી,રિપબ્લિકન પાર્ટી-રાજકોટ)(૪) શ્રી.હમીરભાઇ એન. મહિડા (મંત્રી, રિપબ્લિકન પાર્ટી- સૌરાષ્ટ્ર)(૫) શ્રી.સોમાભાઇ કરશનભાઇ પરમાર(થોરાળા)(૬) શ્રી.કાળાભાઈ હમીરભાઇ વાઘેલા

સાધુઓની જમાત પૈકીના એક ઇશ્વર શ્રીમાળી મટી બન્યાં પાગલબાબા::-

“વિશ્વ કે માનવ એક હો,ભાષા-નસલ કા ભેદ ન હો,

વિશ્વ બંધુત્વ ભાવ સહિ હો, બુદ્ધંમ શરણં ગચ્છામિ.”

મૂળ મહેસાણા જિલ્લાના ચાણસ્માના વતની ઇશ્વર શિવરામ શ્રીમાળી જેઓ દલિત સમાજના તુરી બારોટ હતા…

જેમને મૂળદાસ બાપુએ “પાગલબાબા” તરીકે મશહૂર કર્યાં.તેઓ સૌરાષ્ટ્રની હરતી-ફરતી આંબેડકરી લાઇબ્રેરી હતા.આજીવન ભીમ નામે ભેખ ધારણ કરી જુનાગઢના કેશોદ ને પોતાની કર્મભૂમિ બનાવીને સમગ્ર સૌરાષ્ટ્રમાં બૌદ્ધ પરંપરા ઉજાગર કરવા સિંહ ફાળો આપ્યો…

ડો.બાબા સાહેબ આંબેડકરનાં મહાપરિનિર્વાણે મૂળદાસ બાપુ દ્વારા શબ્દાંજલિ::-

તારીખ ૦૬ ડીસેમ્બર ૧૯૫૬ નાં રોજ દિલ્હી ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરનું નિધન થતાં દુઃખી, વ્યથિત હદયે મૂળદાસ બાપુ મુંબઈ અંતિમ સંસ્કાર માટે પહોંચે છે. અંતિમયાત્રા માં કવિભાવ ધરાવતા સાધુ મૂળદાસને બાબા ભીમ પ્રત્યેનો ભાવ પ્રગટ થાય છે..

આ જા… ભીમ આ જા..

દલિતો કે રાજા.. મેરે શીર તાજ..

આ જા.. ભીમ આ જા..

સમંદર તોફાની, નૈયા પુરાની,

બન કે સુકાની, કિનારા દિખા જા..

આ જા… ભીમ આ જા.. મેરે ભીમ આ જા…

પારીવારીક દુઃખી જીવનનાં સંદર્ભે ક્ષણિક રજુઆત::-

વિચારધારાની વાવમાં ઉતરેલા મૂળદાસ બાપુ સમાજ સેવી સંતે ઘણા વખત કારાવાસ પણ ભોગવ્યો.

“ભીખારી થયો ભુદરો…. ખજાને ખોટ પડી કાં નિર્ધન થયો દિનોનાથ”

અનેક વિડંબણા વચ્ચે જીવતા મૂળદાસ બાપુનાં શિષ્યો એક બાજુ હાથતાળી આપી રહ્યા હતા.એકતરફ પિતા મનોહરદાસે બીજા લગ્ન કર્યા. અને બીજી બાજુ મોટા દિકરા રઘુનું નાની ઉંમરે દુઃખદ અવસાન થયું.અને ગરીબી ઘર કરી ગઈ હતી. નાના પુત્ર ગઝલોમાં વ્યસ્ત રહેતા.

આમ છતાં ઘરનાં વાંસણો વહેંચ્યા પરોપકાર કાજે અને સાધુપણું છોડ્યા બાદ કોઈ પાસે હાથ લાંબો કર્યા વિના આંબેડકરી ચળવળ ચલાવી..

મુળદાસ બાપુનું નિર્વાણ::-

વૃદ્ધાવસ્થાએ પહોંચેલા મૂળદાસ બાપુ પરોપકાર માટે જીવન જીવેલા અને કહેવા લાગ્યા કે,

“રે..મારી હાલતી વેળાના જય ભીમ..”

આમ કહી વિરલ વિભૂતિએ તા. ૦૫/૦૬/૧૯૮૧ નાં દેહ છોડી નિર્વાણ પદને પામ્યા..

જુનાગઢી ધરાનું સુફીયાણી નામ એટલે મૂળદાસ બાપુનાં પુત્ર શ્યામ સાધુ..

“હો વસ્ત્રો ભીનાં તો નિતારી નાખીએ,

આ ઉદાસી ક્યાં જઇને ઉતારીએ”

ચંદ્ર શરદનો મધમધ કિંન્તું એકલ-દોકલ શું કરવાનાં ?

મૂળદાસ બાપુ પછી તેમનાં પરિવારનાં ઉજ્જવળ દિપક તરીકે નાનો દિકરો શામળદાસ મૂળદાસ સોલંકી ‘શ્યામ સાધુ’ ની ગણના થાય છે.અભ્યાસ સાથે સાહિત્ય રસિક હોવાંથી ગઝલોમાં ગુંથાયેલ રહેતા.જો કે પાછળથી ગુજરાતનાં ખ્યાતનામ ગઝલસમ્રાટ તરીકે ઉભરી આવ્યાં..

મારાં પ્રિય કવિ શ્યામ સાધુ દ્વારા ગુજરાતી ગઝલ નવા મીટરનો પ્રયોગ કર્યો અને ગઝલમાં વાતચીત શૈલીનો ઉપયોગ કર્યો. ગઝલોની સાથે તેમણે મફત શ્લોક પણ લખ્યો. પાછળથી ઘણું દલિત સાહિત્યનું સર્જન પણ તેઓએ કર્યું…

“યાયાવરી” તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ૧૯૭૩ માં પ્રકાશિત થયો હતો. “આત્મકથાની પાના” ૧૯૯૧ અને “સાંજ ઢળી ગયી” – ૨૦૦૨ તેમની સંપૂર્ણ કવિતાઓ કવિ શ્રી સંજુ વાળા દ્વારા ૨૦૦૯ માં “ઘર સામે સરોવર” તરીકે સંકલિત અને પ્રકાશિત કરવામાં આવેલ છે..

“સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું,

મારા ઘર સામે સરોવર નીકળ્યું”

આ સરોવર એટલે મૌર્ય શાસન દરમિયાન ગિરિનગર ખાતે પ્રિયદર્શી સમ્રાટ અશોકના સુબા દ્વારા બનાવાયેલ ગુજરાતનું પ્રથમ સુદર્શન સરોવર.જેમની બરોબર બાજુમાં શ્યામ બાપુનું નિવાસસ્થાન !!શ્યામ સાધુને તેમના નોંધપાત્ર યોગદાન બદલ રાજ્ય સરકાર દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ તથા શેખાદમ આબુવાલા એવોર્ડ એનાયત થયો હતો…

# સંદર્ભ ગ્રંથો ::-

(૧) ગુજરાતની આંબેડકરી ચળવળનો ઇતિહાસ,૧૯૨૦થી ૧૯૭૦ : લેખક-ડો.પી.જી.જયોતિકર સાહેબ (૨) સૌરાષ્ટ્રની આંબેડકરી ચળવળનો ઇતિહાસ,ઇ.સ.૧૯૩૦ થી ૨૦૦૦ : લેખક-ડો.અમિત પ્રિયદર્શી જ્યોતિકર સાહેબ (૩)વિરલ વિભૂતિઓ : લેખક -ડો. જીવરાજ પારઘી સાહેબ

પ્રથમ બે પુસ્તકો શરૂઆત બુક સ્ટોર પરથી ઓનલાઈન મંગાવી શકાશે.

http://sharuaat.com/bookstore/shop

© નિરજકુમાર કે.મહિડા ‘નીજુ’

મું.બિલખા, તા.જી. જુનાગઢ

તા. ૨૯/૦૨/૨૦૨૦

સૌરાષ્ટ્રમાં આંબેડકર ચળવળની ઝળહળતી જ્યોત જગાવનાર શીલવંત સાધુને મારા કોટી કોટી વંદન સાથે આશા રાખું છું કે સમાજનો યુવા વર્ગ બહુજન સમાજમાં જન્મેલા અને આજ સુધી આંબેડકરી આંદોલન જીવંત રાખનાર મહામાનવોનો ગૌરવશાળી ઇતિહાસ લખે,વાંચે અને વંચાવે…

થોડા સમય પહેલા હું અને મારા પરમ મિત્ર ગુજરાતના ખ્યાતનામ બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય-સાણંદ સાથે જુનાગઢ સ્થિત ભવનાથ તળેટી ખાતે આવેલ મૂળદાસ બાપુની જગ્યા ખાતે મૂળદાસ બાપુ,મોતલ માં અને ગઝલકાર શ્યામ સાધુની સમાધિ ખાતે તેમની ચેતનાને વંદન કરવા ગયા હતા…

“સબ્બે સત્તા સુખી ભવન્તુ”

– નીરજ મહિડા (જૂનાગઢ)

કૌશિક શરૂઆત

જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.