રંગભેદ | “હું શ્વાસ નથી લઈ શકતો.” અમેરિકામાં રંગભેદની ઘટના સામે આવી

આ એક એવી ઘટના કે જેણે આખા અમેરિકાને હચમચાવી દીધું છે. આ ઘટના દર્શાવે છે કે આપણે હજી માનવતાના પાઠ ભણતા-ભણતા સદીઓ લાગી જશે.
અમેરિકામાં પોલીસ જવાનોએ એક અશ્વેત (અશ્વેત- હું આ શબ્દ નથી લખવા માગતો પણ દુઃખ સાથે લખી રહ્યો છું) યુવાનની હત્યા કરી. પોલીસ જવાનોએ એ યુવાનને એવી રીતે ટોર્ચર કર્યો કે એ શ્વાસ પણ ના લઈ શક્યો અને તેનું મોત થયું. કારણ એટલું જ હતું કે એની ચામડીનો રંગ અન્ય અમેરિકન જેવો ગોરો નહોતો. પોલીસ ઈચ્છે તો તેને કંટ્રોલ કરી શકતી હતી પણ આ હત્યા બળજબરીથી જાહેરમાં કરવામાં આવી છે જેનો વીડિયો પણ રીલિઝ કરવામાં આવ્યો છે.

George Floyd નામ ચર્ચામાં છે તે યુવાને પોલીસને વારંવાર અરજી કરી કે તેનું ગળું ના દબાવવામાં આવે. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. અંગ્રેજીમાં એ શબ્દો હતાં કે ” I Can’t Breathe”. અમેરિકામાં રંગભેદનો સંઘર્ષ ખાસ્સો જૂનો છે. શરીરની ચામડીનો રંગ જોઈને અન્યાય-ન્યાયની પરિભાષા નક્કી થાય છે. જો કે આ ઘટનાની વિરોધમાં ગુસ્સો લોકોમાં ફૂટી રહ્યો છે અને લોકો લખી રહ્યાં છે કે આવા જુલ્મ અને અપમાન વચ્ચે અમે શ્વાસ નથી લઈ શકતાં. વિશ્વભરના અમેરિકાના દૂતાવાસ સામે પ્રદર્શન થઈ રહ્યાં છે.

લોકોને કોરોના કરતાં આ મુદો વધારે ગંભીર લાગી રહ્યો છે અને તેઓ રસ્તા પર વિરોધ માટે ઉતર્યાં છે. વાત પણ સાચી છેકે આપણે કોરોનાની દવા તો શોધી લઈશું પણ આ ભેદભાવવાળી માનસિકતા બદલવા આજે જ લડવું પડશે. એની દવા કોઈ લેબમાં નથી બનતી.