જે ધર્મ માનવ ગૌરવને પાપ ગણે તે ધર્મ નહીં બીમારી છે

2 માર્ચ 1930 ના રોજ નાસિક પાસેના કાલારામ મંદિરમાં પ્રવેશ મેળવવા અછૂતોએ આંબેડકરજીના [14 એપ્રિલ 1891–6 ડિસેમ્બર 1956] નેતૃત્વમાં સત્યાગ્રહ શરુ કર્યો હતો. તેમણે 3 માર્ચ 1930ના રોજ સત્યાગ્રહીઓની ચાર ટુકડીઓ બનાવી અને મંદિરના ચારેય દરવાજે મૂકી. પોલીસ અને મંદિરના પૂજારીઓએ મંદિરના ચારેય દરવાજા બંધ કરી દીધાં. પોલીસ મંદિર ફરતે ગોઠવાઈ ગઈ; જેથી કોઈ અછૂત મંદિરમાં પ્રવેશ કરી શકે નહીં. નાસિક શહેરના સવર્ણ હિન્દુઓએ સત્યાગ્રહીઓ ઉપર હુમલા કર્યા; પથ્થરમારો કર્યો. લાઠીઓથી ઝૂડ્યા. તેમાં આંબેડકર પણ ઘાયલ થયા. 5 વર્ષ 11 મહિના અને 7 દિવસ સુધી સત્યાગ્રહ કર્યો; છતાં દલિતો મંદિરમાં પ્રવેશ કરી શક્યા નહીં ! એ સ્થળે ડો. આંબેડકરે ઘોષણા કરી હતી : “જો ઈશ્વર બધાંનો છે તો તેના મંદિરમાં અમુક લોકોને જ પ્રવેશ કેમ અપાય છે? હું જન્મ્યો છું હિન્દુ; પણ હિન્દુ તરીકે નહીં મરું !” 14 ઓક્ટોબર, 1956 ના રોજ આંબેડકરે નાગપુર દિક્ષાભૂમિમાં 3,80,000 દલિતો સાથે બૌદ્ધ ધર્મનો અંગિકાર કર્યો. ગ્રેટ લીડર-મહાનાયક આંબેડકરે આવું પગલું કેમ ભર્યું હશે?
આંબેડકરે કહ્યું હતું : “તમારે સ્વમાન મેળવવું હોય; અધિકાર જોઈતો હોય; સમાનતા જોઈતી હોય; સ્વતંત્રતા જોઈતી હોય; સુખ શાંતિથી જીવન જીવવું હોય તો તમારો ધર્મ બદલો ! તમારે એવા ધર્મમાં શામાટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને એનાં મંદિરોમાં પ્રવેશ કરવા દેતો નથી? તમને પીવાનું પાણી ભરવા દેતો નથી? તમને શિક્ષણ લેવા દેતો નથી? તમને સારી નોકરી કરતા અટકાવે છે ? ડગલે ને પગલે તમારું અપમાન કર્યા કરે છે? તમારી મર્દાનગીની કિંમત નથી કરતો? શામાટે એવા ધર્મમાં પડ્યા રહેવું છે? જે ધર્મ માણસ-માણસ વચ્ચે માનવીય વર્તનનો બહિષ્કાર કરે છે, એ ધર્મ નહીં, ક્રૂર સજા છે. જે ધર્મ માનવગૌરવને પાપ ગણે તે ધર્મ નહીં, બીમારી છે ! જે ધર્મ ગંદા પ્રાણીને સ્પર્શવાની છૂટ આપે છે, પણ માણસને નહી, એ ધર્મ નહીં પણ પાગલપન છે. જે ધર્મ કહે છે કે સમાજનો એક વર્ગ જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં, ધન પ્રાપ્ત કરી શકે નહીં, શસ્ત્ર ધારણ કરી શકે નહીં, એ ધર્મ નહીં પણ માનવતાની હાંસી છે. જે ધર્મ એવું શિખવાડે છે કે ગરીબે ગરીબ જ રહેવું જોઈએ, ગંદાએ ગંદા જ રહેવું જોઈએ, એ ધર્મ નહીં પણ શિક્ષા છે. જે લોકો કહે છે કે જીવ માત્રમાં પ્રભુ છે અને છતાં માણસને પ્રાણી કરતાં પણ હલકો ગણે છે; એ બધાં દંભી છે. જે કીડીઓને સાકરના કણ ખવડાવે છે પણ માણસને પાણી વગર રાખે છે, એ બધાં દંભી છે. જે લોકો પરદેશીઓને ગળે લગાવે છે પણ દેશબંધુઓથી છેટા રહે છે, એ વિશ્વાસઘાતીઓ છે; એમનો સહવાસ કરશો નહીં.”
હે દલિતો ! હે ગરીબ/વંચિત બંધુઓ ! એ તો કહો : તમને ચાર વર્ણ વ્યવસ્થાવાળા હિન્દુરાષ્ટ્રના સ્વપ્નોમાં શું સારું દેખાય છે? જીવનભર સમાનતા માટે સંઘર્ષ કરનાર આંબેડકરજી શું ખોટા હતા?
બહુ સરસ ટૂંકું અને ધાર વાળું.એક જ વર્ષ ચાલનારા કપડાં પણ જોઈને અને પસંગીના લઈએ છીએ અને આજીવન રહેનાર ધર્મ જો પીડાદાયક હોયતો એને ત્યજી દેવાય.
True Sir ji