અખંડ ભારતના પ્રોપોગેન્ડાનું સત્ય. હિંદુત્વનો નશો ઉતારી દેતું સત્ય.

Wjatsapp
Telegram

ભારતના ભાગલા થયા જ નથી, કારણ કે ભારત હતું જ નહિ

“અખંડ ભારત બનશે તો જ શાંતિ સ્થપાશે” એવા પ્રકારનું વિધાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર્વેસર્વા મોહન ભાગવત દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું છે. અખંડ ભારતમાં સંઘ ભારત માતાના જે નકશા જેવું બતાવે છે તેમાં પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, ભુતાન, શ્રીલંકા, મ્યાનમાર અને માલદીવનો સમાવેશ થાય છે. ભાગવતના વિધાનનો અર્થ એવો થાય કે પહેલાં આ બધા દેશોનું બનેલું ભારત હતું જ અને પછી તેના ટુકડા કે ભાગલા થઈ ગયા અને એ ટુકડા ભેગા થઈને એક દેશ ફરી બની જાય તો જ શાંતિ સ્થપાશે. કેવી રીતે આ ટુકડાને એક કરીને ભારત બનાવવું તે તેઓ કહેતા નથી, પણ આ વિધાન વિસ્તારવાદી વિધાન છે એ નક્કી. ચીનની વિસ્તારવાદી નીતિ સામે નરેન્દ્ર મોદી બળાપો કાઢે છે અને તેમની જનેતા વિસ્તારવાદી બનવાનું કહે છે!

પરંતુ ખરો મુદ્દો એ છે કે તા. ૧૫-૮-૧૯૪૭ પહેલાં દુનિયાના નકશામાં ભારત ક્યાંય હતું ખરું? ના. ભારત નામનો કોઈ દેશ કે પ્રદેશ એ તારીખ પહેલાં હતો જ નહિ. જેને ભારતનો ઇતિહાસ કહેવામાં આવે છે એ ઇતિહાસ નાં પાનાં ફંફોસી લો તો પણ તમને રાજકીય નકશા તરીકે ભારત નામનો કોઈ દેશ મળશે જ નહિ. જો ભારત નામનો દેશ હતો જ નહિ તો ભારતના ટુકડા થયા કે ભાગલા થયા એ વાત જ પાયામાંથી ખોટી છે. કેટલાક મુદ્દા આ સંદર્ભમાં વિચારણીય છે:
(૧) ભારત નહિ પણ બ્રિટિશ ઇન્ડિયા અને ૫૬૫ રજવાડાં તા.૧૫-૦૮-૧૯૪૭ના રોજ આઝાદ થયાં હતાં, કારણ કે ભારત નામનો કોઈ દેશ રાજકીય નકશા સાથે હતો જ નહિ.
(૨) જે રજવાડાં હતાં તેમાં રાજાઓ હતા અને તેમણે બધાએ અંગ્રેજો સાથે જાતજાતની સંધિઓ કે સમજૂતીઓ કરેલી હતી. તેમનો વહીવટ ઘણે બધે અંશે રાજાઓ જ કરતા હતા, અંગ્રેજો નહિ. Government of India નામે જે કાયદા અંગ્રેજોએ કરેલા તે પણ બ્રિટિશ ઇન્ડિયાના પ્રદેશ પૂરતા જ હતા, મહદંશે રજવાડાં માટે નહિ.
(૩) જે બ્રિટિશ ઇન્ડિયા આઝાદ થયું તેનો અને જે ૫૬૫ રજવાડાં હતાં તેમનો જે કુલ વિસ્તાર હતો તેમાંથી રજવાડાં પાસે ૪૦ ટકા વિસ્તાર હતો અને ૨૩ ટકા વસ્તી તેમાં રહેતી હતી. એનો અર્થ એ છે કે જે પ્રદેશમાંથી પાકિસ્તાન અને ભારત બન્યાં તેમાં આ સ્થિતિ હતી.
(૪) ભારત નામનો કોઈ દેશ તા.૧૫-૦૮-૧૯૪૭ના રોજ હતો જ નહિ પણ તે બન્યો તા.૨૬-૦૧-૧૯૫૦ના રોજ કે જે દિવસે ભારત નામના દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું.
(૫) ૫૬૫ રજવાડાં હતાં એનો અર્થ એ કે ૫૬૫ દેશો હતા. તેમાંથી ૧૪ પાકિસ્તાનમાં ગયા અને બાકીના ભારતમાં જોડાયા. કેટલાક પ્રેમથી, કેટલાક ભારતના લશ્કર સામે લડી શકાય એમ છે જ નહિ, એટલે મજબૂરીથી ભારતમાં જોડાયા. અને હૈદરાબાદ અને જૂનાગઢ જેવાં રજવાડાં નેહરુ અને સરદારની કોંગ્રેસ સરકારની દાદાગીરી દ્વારા લેવાયાં.
(૬) નેપાળ કદી પણ અંગ્રેજોનું ગુલામ હતું જ નહિ. એટલે બ્રિટિશ ઇન્ડિયામાં તેનો સમાવેશ થતો જ નહોતો. એટલે ભાગલા થયા એમ કહો ત્યારે નેપાળનો ઉલ્લેખ થઈ શકે જ નહિ.
(૭) મ્યાનમાર એટલે કે બર્મા અંગ્રેજોનું ગુલામ થયેલું ૧૯મી સદીમાં. તે સમયે ઇસ્ટ ઇન્ડિયા કંપની અને તે સમયના ત્યાંના રાજાઓ વચ્ચે યુદ્ધો થયેલાં. બર્મા તા.૦૧-૦૧-૧૮૮૬માં અંગ્રેજોનું ગુલામ બનેલું અને અંગ્રેજોએ તેનો વહીવટ ૧૯૩૭માં જ તદ્દન અલગ કરી નાખેલો. એટલે ૧૯૪૭ની આઝાદી સમયે બર્માનો ટુકડો અલગ થયો એવું હતું જ નહિ.
(૮) સ્વતંત્ર ભારતે સિક્કિમ પોતાનામાં લઈને વિસ્તારવાદી નીતિ જ અપનાવી છે એમ જ કહેવાય. ૧૯૪૭માં સિક્કિમ એક અલગ દેશ હતો જ અને ભારત પર તેના રક્ષણની જવાબદારી હતી. ૧૯૭૩માં ઇન્દિરા ગાંધીએ આખું સિક્કિમ ભારતમાં લઈ લીધું અને ભારતનું એક રાજ્ય બનાવી દીધું એ ભારતની વિસ્તારવાદી નીતિ જ હતી.
(૯) ભુતાનના રાજાનો પ્રદેશ ૧૭મી સદીમાં તો બહુ મોટો હતો. બિહાર અને આસામના ઘણા પ્રદેશો ભુતાનના રાજાના કબ્જામાં હતા. ૧૯૪૯માં ભારતે તેને એક અલગ દેશ તરીકે સ્વીકાર્યો તે અગાઉ તે અંગ્રેજોનું રક્ષણ મેળવનાર દેશ હતો, તે સીધું અંગ્રેજોનું ગુલામ હતું જ નહિ.
(૧૦) શ્રીલંકા ૧૮૧૫માં અંગ્રેજોનું ગુલામ બન્યું ત્યારે ભારતના હાલના કોઈ પ્રદેશના રાજાનું શાસન ત્યાં હતું જ નહિ. ત્યાંના રાજા જુદા જ હતા.
(૧૧) માલદીવમાં પણ રાજા હતા કે જેને અંગ્રેજોએ ગુલામ બનાવેલું.

આમ, હાલના દરેક દેશના જુદા જુદા રાજાઓ હતા અને એ બધાને અંગ્રેજોએ ગુલામ બનાવેલા કે રક્ષણ આપેલું. પણ તેમાંના કોઈ રાજાના પ્રદેશનું નામ ભારત હતું જ નહિ. હવે એમ કહેવામાં આવે કે અખંડ ભારત બનાવવું છે તો તેનો અર્થ એ થાય કે એ બધા દેશો સાથે યુદ્ધ કરવું પડે અને એ પ્રદેશો ભારતે પચાવી પાડવા પડે. શું આ શક્ય છે ખરું? અને શક્ય હોય તો પણ એવી લોહીની નદીઓ શા માટે વહાવવી?

અખંડ ભારતની વાત જ હાલના ભારતના લોકોમાં અને ખાસ કરીને દેશના હિન્દુઓમાં ઉન્માદ ઊભો કરવા માટેનું અને તેમને ઘેનમાં નાખવાનું કાવતરું છે. જેને મોહન ભાગવત કે RSS અખંડ ભારત તરીકે વર્ણવે છે એવો રાજકીય નકશો ઇતિહાસમાં કદી જન્મ્યો જ નથી, તો પછી અત્યારે શું કરવા એવું ભારત પેદા કરવાની ચળ ઉપડેલી છે? મૌર્ય સામ્રાજ્ય કે અશોકના સામ્રાજ્યની સરહદ પણ કહેવાઈ રહેલા અખંડ ભારત જેવી હતી જ નહિ.

જેને ભારતનો ઇતિહાસ કહેવામાં આવે છે તેવા છેલ્લા ૨,૦૦૦ વર્ષના ઇતિહાસમાં કોઈ પણ હિન્દુ રાજાના પ્રદેશનું નામ ભારત નહોતું. તમામ હિન્દુ રાજાઓ એકબીજા પર યુદ્ધો કરીને બીજાનો પ્રદેશ પચાવી પાડતા હતા, પણ અશોક કે ચંદ્રગુપ્ત મૌર્ય કે બીજા કોઈ ચક્રવર્તી રાજાએ પણ પોતાના રાજ્યનું નામ ભારત આપ્યું નહોતું.

જો ભારત નામનો નિશ્ચિત રાજકીય પ્રદેશ ધરાવતો દેશ તા.૧૫-૦૮-૧૯૪૭ના રોજ અસ્તિત્વમાં હતો જ નહિ તો પછી તેના ભાગલા થયા કે ટુકડા થયા એવું કહેવાય જ કેવી રીતે? યાદ રહે કે અંગ્રેજોએ રજવાડાં સિવાયનો જે પ્રદેશ તે સમયના રાજાઓ પાસેથી પચાવી પાડી લીધેલો અને પોતાને અંકે કરેલો અને તેનો ભેગો વહીવટ કરેલો, એ જો ના કર્યું હોત તો ૫૬૫ કરતાં પણ વધારે રજવાડાં હોત અને એટલા દેશો હોત. પછી ભૂતકાળમાં સદીઓ સુધી થતું હતું તેમ, જો અંગ્રેજો આવ્યા જ ના હો તો, કદાચ એ બધા રાજાઓ અંદરોઅંદર યુદ્ધો જ કરતા હોત અને તો કદાચ આપણી સ્થિતિ આફ્રિકા કરતાં પણ ખરાબ હોત.

એટલે એક અંગ્રેજોનો આભાર; અને બીજો તે સમયની જવાહરલાલ નેહરુના નેતૃત્વ હેઠળની કોંગ્રેસની સરકારનો અને સરદાર પટેલનો કે જેમણે આજનું ભારત બનાવ્યું. એટલે હવે જેટલું બનાવ્યું છે તેટલું સચવાય તો પણ ભયો ભયો. ઈતિહાસમાં પહેલી વાર આવા નકશાવાળું ભારત બન્યું છે. એમાં નવું કશું ઉમેરવાના અભરખા કે ધખારા કરવા એ નરી મૂર્ખતા છે! મોહન ભાગવતને એની ખબર નથી લાગતી કે કોઈએ ચક્રવર્તી થવાનાં સપનાં નહિ સેવવાં એમ ૧૯૪૫માં ‘સંયુક્ત રાષ્ટ્રો'(UN)ની સ્થાપના થઈ ત્યારે નક્કી થયેલું છે. પોતે શાંતિથી જીવો અને બીજાને જીવવા દો હવે.

  • હેમંતકુમાર શાહ, તા.૨૭-૧૧-૨૦૨૧.

You may also like...