ડૉ.પાયલ તડવીની આત્મહત્યાનું એક વર્ષ થયું છે ત્યારે અન્ય એક આવી ઘટના એક છોકરા સાથે બની

Wjatsapp
Telegram

અન્યોને ચીડવવાની કે હલકા ગણવાની વિકૃત મનોવૃત્તિ પાયલ તડવી નામની આદિવાસી કુળમાંથી કહેવાતા સભ્ય સમાજમાં ડૉક્ટર બની પોતાનું સ્થાન બનાવવા આવેલી મહત્વકાંક્ષી યુવતિ મુંબઈ મહાનગરમાં પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં પ્રવેશ મેળવે છે. પણ, ઉચ્ચ કુળની કહેવાતી અન્ય ત્રણ સિનિયર ડોક્ટર યુવતિઓ તેને ચેનથી ભણવા કે જીવવા દેતી નથી, સતત મહેણાં-ટોણા મારી તેનું જીવવું હરામ કરી દે છે. તેને સતત અહેસાસ કરાવે છે કે તેનું સ્થાન આદિવાસીઓ વચ્ચે જંગલમાં છે, તેમના કહેવાતા સભ્ય સમાજમાં નહીં, તે ડોક્ટર બનવાને લાયક નથી. તેનું સતત રેગીંગ થાય છે. અંતે પરિસ્થિતી અસહ્ય બનતા છવ્વીસ વર્ષીય પાયલ આત્મહત્યા કરે છે. બે મહિના પહેલા જ મુંબઈમાં બનેલી આ કમનસીબ સત્ય ઘટના છે. અત્યારે તેના મોત પાછળ જવાબદાર એ ત્રણ ઉચ્ચ કુળની જેલમાં ધકેલાઈ ગયેલી ડોક્ટર યુવતિઓ સામે કેસ ચાલુ છે અને પાયલની તેઓએ નાશ કરી નાખેલી સ્યુસાઇડ નોટ પણ ફોરેન્સિક પદ્ધતિથી પાયલના મોબાઇલ ફોનમાંથી મેળવી લેવાઈ છે. હજી તે ત્રણ યુવતીઓએ પાયલ સાથે કરેલી અમાનવીય હરકતોની હકીકતો ધીરે ધીરે છતી થઈ રહી છે. પાયલ તો હવે ડૉક્ટર બની પોતાના પરિવાર કે આદિવાસી સમાજને ગૌરવ અપાવવાનું સ્વપ્ન પૂરું કરવા પાછી ફરવાની નથી કારણ એ તો જ્યાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી એવી જગાએ પહોંચી ચૂકી છે, પણ આશા છે કે આ કેસમાં સંડોવાયેલી પાયલના મોત પાછળ જવાબદાર એ ત્રણે ગુનેગાર યુવતિઓને સખતમાં સખત સજા થાય અને સમાજમાં દાખલો બેસે.

અન્ય એક કિસ્સામાં જળગાંવના નાના શહેરમાંથી આવેલા એક હોશિયાર આશાસ્પદ એન્જિનિયર અને એમ. બી. એ. થયેલા યુવાન અનિકેત પાટીલે એકાદ સપ્તાહ પહેલાં જ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું છે. તેના મોત પાછળ જવાબદાર છે તેની ઓફિસના કેટલાક સહકર્મચારીઓ જેઓ સતત અનિકેતને ‘ગે’ એટલે કે સજાતીય કહી ચીડવતા. અનિકેતે તેના સિનિયર્સને અને એચ. આર. ડિપાર્ટમેંટમાં આ અંગે ફરિયાદ કરી મદદ મેળવવા પ્રયત્ન કર્યો પણ તેનો કોઈ ફાયદો થયો નહીં. જ્યારે પોતાના પરની પજવણી અસહ્ય બની ત્યારે પચ્ચીસ વર્ષીય અનિકેતે મોત વ્હાલુ કર્યું.

બંને કિસ્સાઓમાં એક સામાન્ય બાબત છે કે બંને પીડિતોએ તેમના પર થતો અન્યાય ઘણાં લાંબા સમય સુધી સહન કર્યો હતો અને આ અંગે તેમના સિનિયર્સને કે અન્ય લાગતા વળગતાઓને ફરિયાદ પણ કરી હતી છતાં તેમને કોઈ પ્રકારની મદદ મળી નહોતી. કદાચ તેમાંના કોઈકે આ દિશામાં કોઈક નક્કર પગલાં લીધા હોત તો આજે પાયલ અને અનિકેત જીવતા હોત, પણ બંને એ તેમની સ્યુસાઇડ નોટમાં લખ્યા મુજબ તેમના અનેક પ્રયત્નો છતાં તેમને કોઈ પ્રકારની મદદ ન મળતાં, આશાનું કોઈ કિરણ બચ્યું ન હોવાનું જણાતા તેમણે અંતિમ પગલું ભર્યું હતું.

અન્યને તેની કોઈ ખામી કે નબળાઈને લઈ ચીડવવું માનવ સમાજમાં ખૂબ સામાન્ય બાબત બની ગઈ છે. નાનકડા બાળકોથી માંડી યુવાનો કે વયસ્કો સુદ્ધાં સામાવાળાને તેની કોઈ ખામી કે નબળાઈ હાઈલાઇટ કરી તેની મજાક ઉડાવે છે, તેને માનસિક ત્રાસ આપે છે અને એમાંથી વિકૃત આનંદ મેળવે છે. કોઈક વાર સામા પાત્રને ચીડવવાથી એક ડગલું આગળ વધી તેને ધમકાવવામાં પણ આવે છે અને ક્યારેક એથી પણ આગળ વધી પીડિત પર શારીરિક ત્રાસ પણ ગુજારાય છે.

શું આપણે આપણાં બાળકોને નાનપણથી જ શીખવવું ન જોઈએ કે કોઇને ચીડવવું એ ખોટું છે. ઘણી વાર આપણે પોતે પણ જાણ્યે અજાણ્યે અન્યો ને હલકા ચીતરવામાં કે અન્યોની મજાક ઉડાવવામાં સહભાગી થતાં હોઇએ છીએ. વ્હોટસએપ પર ઘણી વાર કોઈ જાડી કે ટૂંકી કે કાળી વ્યક્તિના વિડિયો વાયરલ થાય છે કે કોઈ વ્યક્તિની શારીરિક મર્યાદા કે જાતિય પસંદગી ને લગતા જોકસ ફોરવર્ડ કરવામાં આવે છે, આપણે સૌ એનો આનંદ લઈએ છીએ. આ શું સૂચવે છે? કોઈની શારીરિક મર્યાદાને લઈ આ રીતે વિકૃત આનંદ લેવો એ સભ્ય સમાજની નિશાની છે? આપણું વર્તન જોઈને આપણા બાળકો પણ આ રીતે તૈયાર થાય છે અને તેઓ પણ તેમની સાથેની વ્યક્તિઓને ચીડવતા થઈ જાય છે. જ્યારે આપણે તેમને આમ કરતા જોઈએ ત્યારે આપણે તરત તેમને અટકાવવા જોઈએ. તેમને એવું શિક્ષણ અને સંસ્કાર આપવા જોઈએ કે અન્યો ને હલકા કે તુચ્છ ગણવા જોઈએ નહીં કે ક્યારેય કોઈની નબળાઈ કે ખામીને મુદ્દો બનાવી તેની સતામણી કરવી જોઈએ નહીં.

સાથે-સાથે આપણાં બાળકોને માનસિક રીતે મજબૂત બનવાની પણ શિખામણ આપવી જોઈએ. અન્યો તેમની મજાક ઉડાવતા હોય તો તેમની પડખે ઉભા રહી સામા તત્વો સામે પગલાં લેવા જોઈએ. આપણાં બાળકોને અન્યાયનો સામનો કરવા શીખવવું જોઈએ. આપણી આસપાસ આપણે કોઈને આવા અન્યાયનો ભોગ બનતું જોઇએ કે કોઈ તે અંગે આપણી મદદ મેળવવા પ્રયત્ન કરે ત્યારે આપણો અભિગમ મોટા ભાગના કિસ્સાઓમાં ‘આમાં મારે શું?’ એવો હોય છે. આ અભિગમ બદલવાની જરુર છે.

છેલ્લે, જેનાં પર આ પ્રકારની માનસિક ત્રાસ ગુજારવાની ઘટના બની રહી હોય તેણે સમજી લેવાની જરૂર છે કે કોઈ સમસ્યા એવી નથી હોતી જેનો હલ ન હોય. પહાડ જેવા જણાતા પ્રોબ્લેમનું પણ કોઈને કોઈ સોલ્યૂશન ચોક્કસ હોય છે. જરૂર છે થોડી ધીરજ, માનસિક સ્વસ્થતા અને મજબૂતાઈની, પોઝીટીવ એટીટ્યુડ કેળવવાની. સારા મિત્રો બનાવો અને તેમને બધી વાત કરો, પરિવારના કોઈ સભ્ય સાથે એવો સંબંધ કેળવો કે તેની સાથે તમે મનની ગમે તે વાત શેર કરી શકો. આવી વ્યક્તિ સાથે સતત સંપર્કમાં રહો અને તેમને તમારી સાથે કૈંક ખોટું થઈ રહ્યું હોય તો તરત તેની જાણ કરો. અન્યાય કરવો પણ ન જોઈએ અને સહન પણ ન કરવો જોઈએ. હેરાન કરતા તત્વો ને ટાળો, અને શક્ય હોય તો તેમની ફરિયાદ કરો, એનાથી કંઈ ન વળે તો એ જગ્યાએથી નોકરી છોડી દો, પણ આત્મહત્યા એ કંઈ સોલ્યુશન નથી, તેનો વિચાર સુદ્ધા ના કરશો.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આજે ડો.પાયલ તડવી નો અંતિમ સંઘર્ષ દિવસ હતો તેમણે આજના દિવસે આત્મ હત્યા કરી હતી. પ્રકૃતિ તેમના સંઘર્ષ અને સામાજિક કાર્ય ક્ષેત્રને આગળ લાવે એવી આશા સાથે ડો.પાયલ તડવી ને અશ્રુભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.

પાયલ રાઠવા વારલી આર્ટિસ્ટની ડાયરીમાંથી, પાનાં નં.૬૦૯

– પાયલ રાઠવા વારલી

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.