બહજુન | પ્રખર આંબેડકરી સંત જયદેવ બાપા પરિનિર્વાણ પામ્યા

Wjatsapp
Telegram

આફ્રિકાના કેન્યા રાજ્યના નૈરોબી શહેરમાં બુદ્ધ પૂર્ણિમાનાં (વૈશાખ) દિવસે આપણા સૌના જયદેવબાપાએ આપણી વચ્ચેથી કાયમી અલવિદા લઈ પરિનિર્વાણ પામ્યા છે.

જયદેવબાપાના નામે ઓળખાતા સંત શિરોમણી સમાજ સુધારક જયદેવબાપા હાલ આફ્રિકાના પ્રવાસે ધમ્મ પ્રચાર અર્થે ગયા હતા. આફ્રિકાના નૈરોબી શહેરમાં રહેતાં મૂળ પોરબંદરના વતની શૈલેશભાઈ દત્તાણીના ઘરે ગઈકાલે બુદ્ધ પૂર્ણિમાના દિવસ જયદેવબાપાએ દેહત્યાગ કર્યો હતો. લાખો અનુયાયી સમુદાય ધરાવતા જયદેવબાપા આપણા સૌને એકદમ ઝટકો આપી ચાલ્યા ગયા.

જયદેવ બાપાનો વિડિઓ જોવા માટે ફોટા ક્લિક કરો

લોધીકા તાલુકાનું બાવા પીપરડી એમનું મૂળ ગામ હતું. જયદેવબાપાનું મૂળ નામ જેઠાભાઈ હતું. આભડછેટ ભરેલી સમાજ વ્યવસ્થામાં દલિતોના તે સમયે નામ પણ બે અક્ષરના હતા. એવું જયદેવબાપા ખાસ દરેક સત્તસંગ સભામાં કહેતા હતા. જયદેવબાપાનું નામ પણ બે અક્ષરમાં સમાવેશ થતું હતું. પણ કોને ખબર હતી કે આ બે અક્ષરનું નામ ભવિષ્યમાં પૂરા ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કુરીવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવા સમસ્ત સોરઠ ધરા પર આંબેડકરી વિચારધારાનો પ્રકાશ ફેલાવી જયદેવબાપાના નામે જીવન સમર્પિત કરશે. ત્યારબાદ જયદેવબાપાએ ધખાવેલી સમાજ પરિવર્તનની ધૂણીએ આંબેડકરી વિચારધારાનો સૌરાષ્ટ્રમાં પાયો નાખ્યો હતો.

દલિત સમાજમાં આવતી ગર નાતમાં તેઓ આવતા હતા. તેમના પિતાશ્રી બારમતી ભરતા હતા. પછીના વરસોમાં જયદેવબાપા ભજન સત્તસંગ કરવા લાગ્યા હતા. પરંતુ સમાજના તે સમયના રીતિ રિવાજો મુજબ ગરપંથી નાતને બારમતી ભરવાનો હક હતો પણ ભજન ગાવાનો હક હતો નહીં. છતાં જયદેવબાપા ભજન ગાતા . જયદેવબાપાને આવી અન્યાયી પ્રથા સામે ફાવ્યું નહીં. કહેવાતાં ખોટા રિવાજોની સામે ભજન ગાતા હતા. તે સમયે સમાજની અવગણના કરવી ખૂબ મોટી ઘટના ગણાતી હતી કે, સમાજના નિયમોની વિરુદ્ધમાં ગર થઈને ભજન સત્તસંગ કરે એ કેમ ચાલે! જયદેવબાપાતો અલગ જીવ હતા. એના રૂદિયામાં અલગ ધૂણી ધખતી હતી. એના મનડાને ભજનની સૂરતા લાગી હતી. અંતે સંજોગો પ્રમાણે જયદેવબાપાએ પોતાના વતનને કાયમ માટે અલવિદા આપી દીધી. જૂનાગઢ પાસે આવેલા વીજાપુર ગામમાં મામા હમીરભાઈ ગાંગાભાઈ પરમારને ત્યાં કાયમ માટે રહેવા આવી ગયા હતા. આ હમીરભાઈ એટલે દેના બેંકના શ્રી અમૃતભાઈ મકવાણાના સગા ફૂઆ થતા હતા. અમૃતભાઈ મકવાણા પણ જયદેવબાપા સાથે આફ્રિકાના પ્રવાસે ગયા હતા. થોડાં દિવસો પહેલાં જ પરત ફર્યા હતા.

જયદેવ બાપાનો વિડિઓ જોવા માટે ફોટા પર ટચ કરો

જયદેવબાપાનાં માતુશ્રીનું નામ જેઠીમાં હતું. પિતાજીનું નામ બીજલભાઈ હતું. અટક સોંદરવા હતી. મુળ નામ જેઠાભાઈ હતું.
સીતાણામાં ફઈને ઘરે રહી હું આઠમું ધોરણ ભણતો ત્યારે પહેલીવાર જયદેવબાપાના દર્શન થયા હતા. ચમકતું વિશાળ લલાટ. ગર્વિષ્ઠ ધીમી ચાલ. દૂધ જેવા સફેદ ઝભ્ભામાં સજ્જ. અદ્ભુત તેજ. ભક્ત સમુદાય વચ્ચે પ્લોટ વિસ્તારમાંથી જૂના વાસ તરફ હળવે હળવે ચાલ્યા આવતા મેં જોયા હતા. એમની સંમોહિત કરતી વાણીમાં ગજબની તાકાત હતી. સત્તસંગ સભામાં પેટીવાજુ/ હાર્મોનિયમ પર હાથ મૂકતા પછી પરોઢ સુધી એક પછી એક ભજન રેલાવતા. ભજનની એક એક કડી છૂટી પાડી જીવનના રહસ્યને, સરળ ગામઠી ભાષાશૈલીમાં, દાખલા આપી સમજાવતા. ઓહમ સોહમની એવી માંડણી કરતા કે સવાર સુધીમાં મનનાં બધાં સંશય ટળી જતા. ગુજરાતભરમાં લાખોની સંખ્યામાં ભક્ત સમુદાય ધરાવતા હતા. દરેક કોમના લોકો તેમના શિષ્યો હતા. મેર, આહિર, ભરવાડ, રબારી, પટેલ અને લોહાણ વગેરે નો સમાવેશ થતો હતો. જયદેવબાપાએ 500થી વધુ ભજનો લખ્યા છે.
તેમના આ ભજનો
“જીવન મુક્ત પ્રકાશ અને જયદેવ પ્રકાશ” નામના ભજનગ્રંથમાં છે.
તેમના પહેલાં ગુરૂ પ્રભાસનાથ હતા.
પેલાં ગુરૂ મને પ્રભાતનાથ મળિયા મને આપ્યું જેણે ચાર અક્ષરનું જ્ઞાન બીજા ગુરૂ સંત શિરોમણી બાંદરાના ઉગારામબાપા હતા. બીજા ગુરૂ મને ઉગારામ મળિયા જેણે આપ્યું મને છ અક્ષરનું જ્ઞાન

પછી જયદેવબાપા કહે છે
મ્હેર થઈ વાલજી રામની કે જેણે મગન રામ રાવળનો ભેટો કરાવિયો ને અંબાજી જાલોત્રામાં ગુરૂ ધારણ કરીયા
વાલજી રામજી ડાંગર પડધરીના કોન્ટ્રાક્ટર હતા.

મારે હવે વાત કરવી છે આંબેડકરી વિચારધારાની. સત્તસંગ ભજનની રહસ્યમય વાતો સામાન્ય લોકોને મનોરંજનથી વધુ કયારેય લાગતી ન હતી. કંટાળેલા અને એકધારા જીવાતા જીવનને કંઈક આનંદ પ્રમોદ મળવો જોઈએ એમ માનીને તે સમયે ઉપલબ્ધ સાધન એક માત્ર ભજન હતું. લોકો આખી આખી રાત ભજન માણતા હતા. ભજનની અંદર કુરિવાજો,અંધશ્રદ્ધા દૂર કરવાની શિખ હતી. મનના મેલને કાઢવાની બુદ્ધ વાણી હતી. પણ સમજવી અઘરી હતી. તે સમયે સમાજના આ અંધશ્રદ્ધારૂપી મેલને દૂર કરવા જયદેવબાપાએ ડો બાબાસાહેબ આંબેડકરની વંચિતોને અધિકાર પ્રાપ્ત થાય એ તરફ પોતાની સંતધારાને વાળી હતી. આંબેડકરી વિચારધારાને મજબૂત રીતે સમાજ વચ્ચે મૂકી હતી. એટલે સૌરાષ્ટ્રમાંથી ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાંથી પાંચ યુવાનોએ નાગપુર ખાતે તારીખ 02/10/1957માં ધર્મ પરિવર્તનના એક વરસબાદ ધમ્મ દિક્ષા ભૂમીની મુલાકાત લીધી હતી. એવી માહિતી જાણીતા લેખક ડો પી. જી. જ્યોતિકરના પુસ્તક “આંબેડકરી અત્તરના પૂંમડા” માંથી સાંપડે છે. (ધમ્મ પરિવર્તનમાં ભાગ લીધો હતો એવી મૌખિક માહિતી મળી હતી, પરંતુ લેખિત નોંધ પ્રાપ્ત થતી ન હોવાથી ફેરફાર મૂકું છું. આ મુલાકાત લેનારા આદરણીય મહાનુભાવોમાં જયદેવબાપા સૌથી નાની ઉંમરના હતા.

1, મુળદાસબાપુ સોલંકી( ગુજરાતના પ્રખ્યાત ગઝલકાર કવિશ્રી શ્યામ સાધુના પિતાશ્રી)
2, મુંજાબાપા સોંદરવા( શ્રી બચુભાઈ સોદરવાના (પિતાજી) માજી રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ગુજરાત સરકાર)
3, ભીમાબાપા રાવલીયા (ચંદુભાઈ રાવલીયા અને હરીભાઈ રાવલીયાના પિતાશ્રી )
4, પાગલબાપા (આંબેડકર એવોર્ડથી સન્માનિત)
5, જયદેવબાપા (ગુજરાત સૌરાષ્ટ્રમાં આંબેડકરી વિચારધારાના જૂની પેઢીના પ્રખર હિમાયતી.)
એક માહિતી પ્રમાણે
(શ્રી ભીમાબાપા રાવલીયા અને શ્રી ભોજાભાઈ સકરાભાઈ – કેશોદ અને જયદેવબાપા ડો. બાબાસાહેબ આંબેડકરને મળ્યાં હતા પરંતુ ક્યારે મળ્યા હતાં એ માહિતીનો આધાર પ્રાપ્ય નથી.)

જયદેવ બાપાનો વિડિયો જોવા માટે ફોટા પર ક્લિક કરો

નાગપુર ખાતે 1956માં થયેલ ધમ્મ પરિવર્તન જેવું એક આયોજન 2013માં કર્મશિલ આયુ. દેવેન વાણવી, મનસુખ પરમાર, અરવિંદ ચૌહાણ, બાબુ ચૌહાણ અને સૌરાષ્ટ્ર દલિત સંગઠનના તમામ યુવા કાર્યકરોના સફળ પ્રયત્નોથી જૂનાગઢ પાસે આવેલા પાતાપુર ગામમાં યોજાયું હતું. આ ધમ્મ પરિવર્તન કાર્યક્રમમાં શ્રીલંકા, લદાખ અને ભારતભરમાંથી ભિખ્ખુઓ પધાર્યા હતા. આ ધમ્મ પરિવર્તન કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન જયદેવબાપાએ શોભાવ્યું હતું. એક લાખ લોકોએ ધમ્મ દિક્ષા ગ્રહણ કરી હતી. ત્યારબાદ બાદ લદાખ અને નાગપુર ખાતે બૌદ્ધ સંસ્થાઓ અને વિદ્વાન બૌદ્ધ ભન્તે દ્વારા જયદેવબાપાને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના વ્યાખ્યાનો ગોઠવવામાં આવ્યાં હતા.

તાજેતરમાં ગત બે વરસ પહેલાં જૂનાગઢનાં સરકારી કર્મચારીઓ દ્વારા જયદેવબાપાને સમાજ રત્ન/ ભીમ રત્ન એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જયદેવબાપા ખૂદ પોતે એક રત્ન સમાન હતા.

મને એક વખત અમૃતભાઈ મકવાણાના ગામ ઈન્દ્રાણામાં દાળાના પ્રસંગ નિમિત્તે જયદેવબાપાએ પ્રથમ વખત પ્રવચન કરતા સાંભળ્યો હશે. સીતાણાના મારા ફૂઆ હરદાસભાઈ મેવાડા એમના ખાસ શિષ્યોમાંના એક હતા. જયદેવબાપાએ મારા ફૂઆને કહેલાં શબ્દો મને આજે યાદ આવે છે. “તમારો ભત્રીજો ભાર્યે બોલે છે. એના અવાજમાં તાકાત છે. કોઈની સાડીબારી રાખતો નથી જેવું હોય એવું કય દેય છે. મને એની વાત કરવાની સ્ટાઈલ બોવ ગમી” આ શબ્દો મારા માટે સમાજકાર્ય માટે ગૌરવ સમાન હતા. નૈરોબીથી મારી સાથે વિડીયો કોલમાં વાત કરી હતી તેની સ્મૃતિ મારા મનમાં જળવાઈ રહી છે.
સૌના ગમતા/સૌના પ્રિય જયદેવબાપાએ દૂર દરિયા પાર આફ્રિકાના નૈરોબીમાં બુદ્ધ પૂર્ણિમાના દિવસે અંતિમ શ્વાસ લઈ પરિનિર્વાણ પામ્યા છે.

છેલ્લે આપ સૌ જાણો છો કે વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ચાલે છે. નૈરોબીમાં બેઠાં બેઠાં જયદેવબાપાએ મહામારી અને દેશના લોકોની ચિંતા વ્યક્ત કરતાં કરતાં દશ ભજન લખેલાં જેનો વિડીયો અને તેમની સ્મૃતિની યાદમાં ફોટા અહીં મૂક્યાં છે.

તેમને હું મારા પરિવાર સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરું છું.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ
ધમ્મમ્ શરણમ્ ગચ્છામિ
સંઘમ્ શરણમ્ ગચ્છામિ

નિલેશ કાથડ
જૂનાગઢ

( નોંધ:- આ લેખ માત્ર શ્રધ્ધાંજલિ અને જયદેવબાપા તરફનો આદરભાવ વ્યક્ત કરવા માટે છે. અંદર આપેલ માહિતી ફોન અને મૌખિક મળેલ છે. ભવિષ્યમાં આ માહિતીમાં વધુ વિગતો પ્રાપ્ત થશે તો ફેરફાર મૂકવામાં આવશે)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

 1. Govind Maru says:

  સુધારાવાદી દૃષ્ટી અને રૅશનલ વીચારો ધરાવતા જયદેવવાપાનું આફ્રીકાના પ્રવાસ દરમીયાન અવસાન થયાનું સાંભળીને આચકો અનુભવ્યો. જયદેવવાપાને આદરપુર્વક ભાવાંજલી…
  🌹🙏🌹
  ગોવીન્દ મારુ અને મણી મારુ
  ‘અભીવ્યકતી’ પરીવાર

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

Leave a Reply

Your email address will not be published.