ઓગસ્ટ ક્રાંતિ

Wjatsapp
Telegram

આ શબ્દ સાંભળતા જ કેટલાંય આંદોલનો નજર સામે તરવરે છે. ભ્રષ્ટાચાર સામે અન્નાનું આંદોલન, પાટીદારોનું(હાર્દિક પટેલ) અનામત આંદોલન, “OBC ક્વોટામાંથી અનામત નહી મળે” એમ કહીને SC, ST, OBC એકતા મંચ (અલ્પેશ ઠાકોર)નું આંદોલન, ઊનાના પીડિતોના વિડીઓ વાઈરલ થયા બાદ દલિતોનું આંદોલન, જેના પર જીગ્નેશ મેવાણી સવાર થઈ, અમદાવાદથી ઊના સુધીની પદયાત્રાનું આંદોલન, દેશને આઝાદી પણ ઓગસ્ટમાં જ મળી હતી, મહાગુજરાત આંદોલન, ભૂમિ આંદોલન. અને ફ્રાંસની ક્રાંતિ પણ ઓગસ્ટમાં જ થઈ હતી. પણ, આપણે આજે આ આર્ટીકલમાં, આપણા ભારત દેશના આંદોલનો સુધી જ સીમિત રહીશું અને એ પણ છેલ્લા થોડાં વર્ષોમાં થયેલા અને આ વર્ષે થનાર “ઓગસ્ટ ક્રાંતિ” આંદોલન સુધી.

એય ને લાખો, કરોડોની જનમેદની,
હૈયે હૈયું દળાય તેવી ભીડ,
એકસરખી ટોપી,
એકસરખા ઝંડા,
“જય સરદાર, જય પાટીદાર”
“જય ભીમ, જય ભીમ”
“જય માતાજી”
“અન્ના નહી યે આંધી હૈ, દેશ કા દુસરા ગાંધી હૈ.”
“ભ્રષ્ટાચાર કાં એક હિ કાલ, કેજરીવાલ કેજરીવાલ”
આખા શરીરમાં એક જોમ ભરાઈ જાય. કેટલાક તો પાછળથી હવા નીકળી જાય એટલા જોરથી નારા લગાવે, એક સરખા, એક લયમાં, બુલંદ નારાઓથી આખું આકાશ ભરાઈ જાય. આંદોલન સ્થળે કે રેલીમાં રૂબરૂ હાજર હોઈએ તો રૂંવાટા ઊભા થઈ જાય તેવો માહોલ હોય. જ્યાં જુઓ તો જયઘોષ, જ્યાં જુઓ ત્યાં લોકજુવાળ… એમ લાગે કે બસ આ જુનવાણી ભારતમાં છેલ્લો દિવસ… આજ પછી આપણા ભારત દેશના બધા પ્રોબ્લેમ સોલ્વ. જય જય જય… જય જયકાર…

હવે, સપનાના આકાશ પરથી થોડા જમીન પર આવો તો તમને માંડીને વાત કરું….
આ અન્ના આંદોલનથી તમને કે દેશને ફાયદો શું થયો? કોંગ્રેસ ગઈ અને બીજેપી આવી એટલું જ ને!?
લોકપાલ બીલ માંડ માંડ બન્યું અને સમયાંતરે બંને સરકારો (UPA અને NDA) તેને નબળું પણ કર્યું. મોદીજીને પ્રધાનમંત્રી બન્યે ૪ વર્ષ થઈ ગયા પણ લોકપાલની નિમણુક જ થઈ નથી.. સાલું! જબરું નહી!!? કોર્ટ છે, પોલીસ છે, કાયદો છે,…. પણ, ન્યાય તોલવાવાળો જજ (લોકપાલ) જ નથી. એય ૪ વર્ષથી.. અને પાછું કોના રાજમાં? ભ્રષ્ટાચાર વિરુદ્ધ, “ના ખાઉંગા ઔર ના ખાને દુંગા.”ની વાત કરનાર મોદીજીના રાજમાં… સોરી… હિંદુ હૃદયસમ્રાટ શ્રી નરેન્દ્ર મોદીજીના રાજમાં. (૨૦૧૪ લોકસભા ઇલેકશનમાં આવાં જ કાંઇક પોસ્ટર લગાવીને વોટ માંગવામાં આવ્યા હતા ને!)
બહુત હુઈ ભ્રષ્ટાચાર કી માર,
અબ કી બાર મોદી સરકાર.
ટૂંકમાં, અન્ના આંદોલનનો મોદીજીને જબરજસ્ત ફાયદો ઉઠાવ્યો. આ તો થઈ મોદીજીની વાત પણ પેલાં “અન્ના આંદોલન”વાળા દુસરા ગાંધી આજે ક્યાં છે? અન્ના હજારેએ આડકતરી અને સીધી રીતે, લોકસભા એલેક્શનમાં મોદીજીનો પ્રચાર કર્યો હતો. પણ, જીત્યા પછી મોદીજીએ કોઈ ખાસ ભાવ ના આપ્યો. અરવિંદ કેજરીવાલ અને મંડળીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અને સ્વરાજના નામે, આજે પોતાની પાર્ટી(આમ આદમીના નામે) બનાવી દિલ્હીમાં રાજ કરે છે, પંજાબમાં વિપક્ષ છે. એમની સાથે માનીષ સિસોદિયા અને બીજા “અન્ના મંડળી” હવે “ટીમ કેજરીવાલ”ના નામે સેટ થઈ ગયા છે. મજાની વાત એ છે કે દરેક ચુંટણીમાં (પંજાબ, ગુજરાત, દિલ્હી… વિગેરેમાં પાર્ટીના કાર્યકર્તાઓ જ ટીકીટ વહેંચણીમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવે છે, આપના નેતાઓ પર કેટલાંય ભ્રષ્ટાચારના કેસો કોર્ટમાં ચાલે છે અને ધારો કે આ બધી અફવા હોય (મોદીજી કામ નહી કરને દે રહે…) તોપણ હવે જો કોઈ પાર્ટીમાં સ્વરાજનું નામ લે તો પાર્ટીની બહાર ધક્કામારીને કાઢી મુકવામાં આવે છે. આપમાં સ્વરાજના નામે કેજરીવાલની તાનાશાહી ચાલે છે. એ તો પાક્કું જ છે.
કિરણ બેદી, વર્ષો સુધી ઈમાનદાર અને જુઠ્ઠી રીતે ક્રેનબેદી કહેવડાવનાર, મોદીજીની કૃપાથી રાજ્યપાલ બન્યા છે. બોલો! આ બેનને કોંગ્રેસના સમયમાં રોજે રોજ ભ્રષ્ટાચાર દેખાતો હતો, હવે મોદીજીનો રાજમાં કોઈ ભ્રષ્ટાચાર નથી દેખાતો..
જનરલ વી. કે. સીંગ પણ બીજેપીમાં સેટ છે. એવાં તો કેટકેટલાંય લોકો અન્ના આંદોલન પછી સેટ થઈ ગયા છે.
બાબા રામદેવ કોંગ્રેસના સમયમાં સ્વીસબેંકમાં પડેલા કાલાધન પર સલવાર પહેરીને જે આંદોલન કર્યું હતું, તે આજે મોદીજીના રાજમાં હજારો કરોડો રૂપિયાનો સ્વદેશીના નામનો ધંધો કરે છે. હવે, કાળાનાણા બાબતે કોઈ આંદોલન બાબાજી કરતાં નથી કે કાંઇ બોલતા પણ નથી. હમણાં જ છાપાઓમાં આવ્યું કે ૪ વર્ષમાં સ્વીસ બેંકમાં ભારતીય રૂપિયા વધી ગયા છે એ પછી પણ બાબા રામદેવ ઉફ્ફ સુદ્ધા નથી કરતાં. UPA શાશનમાં લાખો કરોડોના કાલાધન ગણાવનાર હવે “કાલાધન” શબ્દ બોલતાંય શરમાય છે. બાબાને પેટ્રોલ-ડીજલના ભાવ બાબતે, UPA (કોંગ્રેસ) સમયમાં જે દેશ રોજે રોજે ભ્રષ્ટાચારમાં લુંટાતો દેખાતો હતો તે હવે બાબાને દેખાતો નથી.
હવે બાબાને ભારત દેશ કરતાં પોતાની પતંજલિ કંપનીમાં વધારે રસ છે. ચંદન ચોરીમાં ટ્રકો પકડાઈ, પતંજલિની કેટલીય પ્રોડક્ટ રીજેક્ટ થઈ, વિદેશની એપલ જ્યુસ અને બીજી વસ્તુઓ લાવી, ભારતમાં પેક કરી સ્વદેશીના નામે, મોદીજીની કૃપા હેઠળ ખુબ સરસ રીતે બિજનેસ ચાલી રહ્યો છે. યોગગુરુમાંથી, વેપારી બાબા બની ગયા છે. બિન્દાસ્ત.
RSS કે જેનાં પર અન્ના આંદોલનને ખાનગીમાં સપોર્ટ આપવાનો આરોપ લાગતો હતો, તેની હવે કેન્દ્રમાં સરકાર છે. કેટલાંય રાજ્યોમાં RSS પ્રચારકો મુખ્યમંત્રી, મંત્રી અને બીજેપીમાં મોટા હોદ્દાઓ પર છે. સરકારમાં વહીવટીતંત્રમાં જે ગોઠવ્યા છે, તે અલગ. આમ, કુલ મળીને “અન્ના આંદોલનવાળા” બધાં જ ખેલાડીઓ સેટ થઈ ગયા છે.
આપણે તો દિલ્હીની એક નિર્ભયા માટે પણ આંદોલન કર્યું હતું. યાદ છે કે ભૂલી ગયા? રેલીઓ, સભાઓ, કેન્ડલ માર્ચ, બળાત્કારીઓ સામે નવો કડક કાયદો, વિગેરે વિગેરે…. અને એ આંદોલનથી મહિલાઓ કેટલી બધી અસલામત છે, તે આપણને ભાન થયું હતું. UPA સરકાર કેટલી બધી ખરાબ છે તે આપણે જાણ્યું હતું. એટલે UPA સરકારને આપણે કાઢી અને NDA સરકાર આપણે લાવ્યા. આમ, બીજેપી – આરએસએસ પણ સેટ થઈ ગયા.

બસ! નથી સેટ તો આપણે… ભારતનાં નાગરિકો… ભારતનાં આમ આદમી…. જે ભ્રષ્ટાચાર હટાવવા, રોડ પર ઉતાર્યો હતા, બળાત્કાર વિરુદ્ધ નાત – જાત – ધર્મ જોયા વિના એકજુટ થયો હતા. નારા લગાવ્યા હતા, પોતાની મહેનતનો રૂપિયો ડોનેશન તરીકે આપ્યો હતો, કેન્ડલ માર્ચો કાઢી હતી, આપણને આશા હતી કે ભ્રષ્ટાચાર ઘટશે… પણ નોટબંધી, રાફેલ ડીલ, પેટ્રોલ-ડીજલના ભાવ રાજ્યોની ચુંટણી પ્રમાણે વધ-ઘટ, જબરજસ્તી આધાર કાર્ડ, ત્રણ – ત્રણ વખત ભૂમિ અધિગ્રહણ માટે અધ્યાદેશ, મોંઘવારી, શિક્ષણક્ષેત્રમાં સરકારનું પ્રાઇવેટ સ્કૂલો તરફી વલણ, અનેક રાજ્યોમાં અનામત આંદોલનો, મોબ લીન્ચિંગ, ગૌ હત્યા, હિંદુ-મુસ્લિમ હેટ સ્પીચો, વિગેરે વિગેરે… એક દિલ્હીની નિર્ભયા માટે આખો દેશ આપણે માથે લીધો હતો અને આજે કઠુઆ(કાશ્મીર)માં ૮ વર્ષની છોકરી પર રેપ થયો તો તેનો ધર્મ જોઇને આપણે સમર્થન કે વિરોધ કરતાં થઈ ગયા! રોજ નવા નવા અરેરાટી ભર્યા કિસ્સાઓ સામે આવે છે. ક્યાંક આશ્રમમાં રેપ, ક્યાંક શેલ્ટર હોમમાં રેપ, ક્યાંક રેપ કરતાં વિડીઓ જાતે બનાવી બળાત્કારી વાઈરલ કરે છે, ક્યાંક ભાનુશાળી જેવાં બળાત્કારીઓ ગાયબ કરી દેવામાં આવે છે. ઉન્નાવની બળાત્કાર પીડિત ફરિયાદ કરે છે યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથના ઘરની સામે અને તે યુવતીના પિતાજીને પોલીસ સ્ટેશનમાં માર મારી જાનથી મારી નાંખવામાં આવે છે, આટલેથી ના અટકતાં હવે લોકો ઉન્નાવ (હિંદુ મહિલા) અને કઠુઆ (મુસ્લિમ બાળકી)ની સામે આ બળાત્કારીઓના સમર્થનમાં રેલીઓ પણ કાઢે છે. જેમ જેમ રોજ રોજ બળાત્કારના જઘન્યમાં જઘન્ય અપરાધો સામે આવે છે એટલી જ જલ્દીથી મીડિયામાંથી ગાયબ પણ કરી દેવામાં આવે છે. આજે જેવું કંઈ કોઈ પ્રજાલક્ષી મુદ્દો જામે, લોકો વિરોધ કરે કે તરત હિંદુ-મુસ્લિમ, રામમંદિર, મોબ લીન્ચિંગ, ભારત-પાકિસ્તાન વિગેરે ન્યુજ ચેનલોમાં છવાઈ જાય છે. બીજેપી – આરએસએસએ કેટલાંક નેતાઓને આવાં સમયે ધ્યાન ભટકાવવા, બેતુકા બયાન આપવા તૈયાર જ રાખ્યા હોય, તેવું લાગે છે. કુલ મળીને આજે પરિસ્થિતિ પહેલા કરતાં પણ વધારે ખરાબ, બદ્તર થઈ ગઈ.

મેરે પ્યારે ભાઈઓ – બહેનો આને કહેવાય,
“બકરું કાઢતાં ઊંટ પેઠું.”

ઊંટની વાત કરી તો હવે, ઘેંટાઓની પણ થોડી વાત કરીએ…
સમાજના નામે હઈસો હઈસો કરી, તોફાનો કરતાં, આંદોલન કરતાં નેતાઓની પણ વાત કરીએ… આપણી વાત આર્ટીકલમાં સૌથી છેલ્લે કરીશું. આમેય ભારતીય લોકતંત્રમાં આપણે આપણું સ્થાન ત્યાં જ તો રાખ્યું છે… સૌથી છેલ્લે! 

હરિયાણામાં જાટ, રાજસ્થાનમાં ગુર્જર, તેમ ગુજરાતમાં પાટીદાર અને પછી મહારાષ્ટ્રમાં મરાઠાઓએ અનામત આંદોલનો થયાં. અને હજુય ચાલુ છે. આ બધી જ જાતિઓ લોકસભામાં બીજેપી તરફી હતી. બીજેપીની મજબુત વોટબેંક, અને બીજેપીના રાજમાં જ અનામત મંગાવી પડે તેવી સ્થિતિ આ લોકોની થઈ ગઈ. નોંધવા જેવી બાબત એ છે કે ગુજરાતમાં ૨૫ વર્ષથી સતત બીજેપી પાટીદારોના દમ પર જીતતી રહી, આ જ પાટીદારો બીજેપીની દરેક બાબતોને વિકાસમાં ખપાવતા રહ્યા, ખોબલેને ખોબલે મત આપતાં રહ્યા. અપાવતા રહ્યા અને આ ૨૫ વર્ષમાં, બીજેપીએ આ જ પાટીદારોની એવી હાલત કરી નાંખી કે અનામત માંગવા રસ્તા પર આવવું પડ્યું.

પહેલા, “આરક્ષણના લીધે પાટીદાર યુવાનોને સરકારી નોકરીમાં અન્યાય થાય છે એટલે પાટીદારોને આરક્ષણ આપો.”
પછી, “આરક્ષણ આપો અથવા આરક્ષણ કાઢો.”
પછી, “OBC માં જ આરક્ષણ આપો.”
(ભાઈઓ બહેનો, ફ્લેશબેકમાં જઈને થોડું યાદ કરો નહિ તો આ આર્ટીકલનો મર્મ નહી સમજાય.)
અને અસંખ્ય નાની નાની સભા કરતાં કરતાં એક વિરાટ સભા GMDC ગ્રાઉન્ડમાં થઈ. RSS-BJP એ પણ સરસ સપોર્ટ આપ્યો. ટોલ ટેક્ષ માફ કર્યા, રૂપિયાનો ધોધ વહ્યો, લાખો લોકોને અમદાવાદમાં એકઠા કરવા સુંદર આયોજન થયું. સરસ સભા થઈ અને આટલી મોટી મેદની જોઈ… યુવા નેતા હાર્દિક પટેલ ભાન ભૂલ્યા. કલેકટર પોતે આવેદનપત્ર સ્વીકારવા આવ્યા તોય હાર્દિકભાઈ ના માન્યા તે ના માન્યા. ભત્રીજાએ જીદ પકડી, મારે તો ફોઈ જ જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવે અને આવેદનપત્ર સ્વીકારે તો જ…
પછી હવે તો GMDC અનામત ના મળે ત્યાં સુધી નહી છોડીએ…
અનામત લઈને જ જઈશું…
યાદ છે કે નહી!!!?
નાની મોટી હિંસક ઘટનાઓ બપોરથી જ બનવાની શરુ થઈ ગઈ હતી. પણ આ હિંસા રોકવા કોઈ નક્કર પગલા ના લેવાયા. પાટીદારોની એકતા અને અનામત મેળવવા માટેની લાખોની જનમેદનીએ અન્ય સમાજ(OBC)માં અસલામતીની લાગણી જન્માવી. અનામતના મુદ્દે હંમેશા વગર વિચારે કુદી પાડનાર SC સમાજ પણ અસલામતી અનુભવવા લાગ્યો. પણ, આ બધું રોકવાનું કોઈને જરૂરી ના લાગ્યું. હાર્દિક પટેલ અને ગુજરાત સરકારનો અહમનો ટકરાવ, આખા રાજ્યે ભોગવવો પડ્યો. અને પરિણામે GMDC ગ્રાઉન્ડ પર પોલીસ દમન થયું. અસંખ્ય લોકો ઘવાયા, કરોડો રૂપિયાની સરકારી – પ્રાઇવેટ મિલકતને નુકશાન થયું અને કેટલાંય પાટીદાર યુવાનો શહીદ થયા. આનંદીબેનની ખુરસી ગઈ, હાર્દિક પટેલ ગુજરાત વિધાનસભા ઈલેક્શનમાં કોંગ્રેસને વધુ સીટો અપાવનાર એક કી ફેક્ટર બન્યા, PASS ના કેટલાંય નેતાઓ બીજેપીને ગાળો દેતાં દેતાં, સમયાંતરે બીજેપી જ આપણી પાર્ટી છે, તેવું ભ્રહ્મજ્ઞાન થતાં પાછા જોડાયા અને તેમના પર રૂપિયા લેવાના આરોપ પણ લાગ્યા. આવા આરોપ હાર્દિક પટેલ પર પણ લાગ્યા. (હિસાબ ફીત્ટુશ.)

જે લડાઈ અનામતની હતી એ પછી અહમની બની અને પછી
પોલીસ કેસો પાછા ખેંચાવા માટે અને પછી
પોલીસ દમન કરનાર પોલીસ પ્રશાસન પર કાર્યવાહી કરવા માટે અને પછી
પાટીદાર શહીદ યુવાનોને ન્યાય કે વળતર અપાવવા માટે… કેટકેટલાં મોરચે આપણે લડ્યા?!!!
સવાલ એ છે કે, સામાન્ય પાટીદાર યુવાનને મળ્યું શું? પાટીદાર સમાજને મળ્યું શું? અનામત મળી? એ જ તો મુખ્ય લક્ષ્ય હતું. બાકી, બીજેપી જોડે ક્યાં પાટીદારોની કોઈ દુશ્મની હતી. શાંતિથી વિચારજો… અનામત આંદોલનના નામે કેટલો રૂપિયો, કેટલો સમય, કેટલી શક્તિ અને કેટલું યુવાધન…. બરબાદ થઈ ગયું. સામે કંઈક તો મળવું જોઈતું હતું. કંઇક એટલે અનામત જ તો.

jr02-oss-03
OBC leader, Alpesh Thakor, addressing a press conference,on Friday, where he announced that a formal OSS (OBC, ST, SC) Ekta Manch and its office bearers will be declared on October 6. Express photo by Javed Raja
October 2, 2015

આ અનામતની આગથી OBC દઝાયા અને તેમાંથી ફૂટી નીકળ્યા, શ્રી અલ્પેશભાઈ ઠાકોર. OBC-ST-SC એકતા મંચ. જેમણે હાર્દિક પટેલની સામે અન્ય આરક્ષિત સમાજને આગેવાની, નેતાનો ચહેરો આપ્યો. એ ચહેરો પછી ક્યારેય SC કે ST માટે બોલ્યો જ નહી. છે ને મજાની વાત!
SC સમાજે પોતાની સાથે છેતરપીંડી થઈ એવું અનુભવ્યું અને પાછા વળી ગયા. પણ તેમને લાગ્યું તો ખરું કે આ હાર્દિક પાટીદારોનો, અલ્પેશ OBCનો તો આપણો પણ કોઈ હોવો જ તો જોઈએ. અપ્લેશભાઈ SC ST OBC એકતા મંચમાંથી હેઠા ઉતરી ક્ષત્રીય-ઠાકોર સેના બનાવી પણ ક્ષત્રીય સમાજ સાથે કાંઈક થયું કે ફક્ત “ઠાકોરસેના”માં સંતોષ માનવો પડ્યો. (આ બધું તમને યાદ કરાવવા લખું છું. થોડું મગજ પર જોર આપજો, તો જ આ આર્ટીકલ સમજી શકશો.) ઠાકોરસેનાએ શિક્ષણરથ કાઢ્યો અને પછી દારૂબંધી માટે જનતારેડ કરી, સતત લાઈમ લાઈટમાં રહ્યા. દારૂબંધીનો મુદ્દો શાંત પડતાં પ્રવીણ રામના ફીક્ષ પે – કોન્ટ્રેક્ટ પે વાળા આંદોલનમાં પણ કુદ્યા. બેરોજગારી મુદ્દે પણ હાથ અજમાવ્યો પણ અલ્પેશભાઈ અહી ફાવ્યા નહી.
અને જ્યાં સુધી OBCમાં પાટીદારોને ના ઘૂસવા દેવાની વાત છે તો એ તો કોઈ કાળે શક્ય જ નથી. OBC માં કોઈ જાતિનો સમાવેશ કરવો હોય તો તેના નિશ્ચિત ધારા-ધોરણો છે, જેમાં પાટીદાર સમાજ ફીટ થતો જ નથી. અને જો મારીમચેડીને પાટીદાર સમાજને OBCમાં નાંખો તો ગુજરાતનો કોઈ સમાજ OBCથી બહાર રહે પણ નહી. બધા જ જનરલ કેટેગરીવાળા લોકો આપોઆપ OBC બની જાય. એટલે… જે થવાનું જ નોહ્તું એ થયું જ નથી. તેમાં અલ્પેશ ઠાકોરની કોઈ ભૂમિકા છે નહી. હવે, અલ્પેશભાઈને એક વિધાનસભા સીટ મળવા સિવાય OBC સમાજને શું ફાયદો થયો? શિક્ષણ રથથી કેટલાં ભણ્યા? દારૂબંધીથી OBC સમાજમાં કેટલાં લોકોએ દારૂ છોડ્યો? આ OBC સમાજે મૂલ્યાંકન કરવું જોઈએ.
બીજી બાજુ હાર્દિક પટેલ પણ પોતાના બયાન, પોલીસથી આંખમિચોલી, ભાષણો, સભાઓથી સતત ટીવીમાં છવાયેલ રહ્યા અને આખરે સરકારે તેમના ટેપ કરેલા ફોન કે જેમાં તોડફોડ, હિંસા કરવા માટે હાર્દિક પટેલે પોતાની ટીમને જે સૂચનો કર્યા હતા તેના આધારે “રાજદ્રોહ”ના કેસમાં ફીટ કરી દીધા. અને સરકારને થઈ થોડી શાંતિ.

આ ૨૦૧૪માં મોદીજીની સરકાર બન્યા પછી, ગૌરક્ષાના નામે જે એજન્ડા કટ્ટરવાદીઓ ચલાવે છે એ લોકોએ ઉનાના સમઢીયાળા ગામમાં મરેલાં ઢોરનું ચામડું ઉતારતા બાપ-બેટાઓને મારતા વિડીઓ જાતે બનાવી, જાતે વાઈરલ કર્યા. સાલું! ગુનેગારો ગુનો કરીને પોતાનો વિડીઓ વટથી બનાવે છે, જાતે વાઈરલ કરે છે અને એ પણ પોલીસ સ્ટેશન સામે, જબરું હિંદુ રાષ્ટ્ર બનાવ્યું છે RSS-BJPએ. અભિનંદન. ( અમને વગર કીધે ખબર પડી ગઈ કે તમારા સતયુગમાં તમે લોકો શું શું કરતાં હશો.)

હવે પેલો SC સમાજ જે હાર્દિક – અલ્પેશ સામે એક યુવા નેતાની તલાશમાં હતો, તેને જીગ્નેશ મેવાણીના રૂપમાં એક યુવા નેતા મળી ગયો અને SC સમાજનો આ અભરખો પણ પૂરો થઈ ગયો. હવે, જીગ્નેશ મેવાણી અચેર ડેપોના સ્ટેજ પર કેવી રીતે પહોંચ્યા?, એ વિષય પર એક આખું પુસ્તક થાય તેમ છે એટલે સૌને નમ્ર વિનંતી કે જે તે સમયે હાજર લોકોનો સંપર્ક કરીને વિગતો મેળવજો. પણ, એટલું જરૂર કહીશ કે ભૂતકાળમાં ઘણા SC સમાજના મહાનુભાવોએ જે કર્યું છે તેવું જ જીગ્નેશ મેવાણીએ કર્યું છે. નવું કાંઈ નથી કર્યું. ઊના પીડિતોના નામે લડાઈ શરુ થઈ. SC સમાજે પોતાની તાકાત બતાવી દીધી. પોતાના સમાજની એકતાથી SC પ્રજા ખુશ ખુશ થઈ ગઈ. બીજા પણ અન્ય લોકોએ તેવા સંમેલનો કરવા પ્રયત્નો કર્યા પણ જીગ્નેશભાઈ મેવાણી જેવું મીડિયા મેનેજમેન્ટ કોઈને ના આવડ્યું. પછી નીકળી અમદાવાદથી ઉનાની યાત્રા. ઠેર ઠેરથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. યાત્રા સફળ કરવાં ગુજરાત બહારથી પણ નેતાઓ બોલાવવા પડ્યા. યાત્રા દરમ્યાન ડખા પણ થયા. છેલ્લી ઘડીએ યાત્રાનો રૂટ બદલવો પડ્યો. માયાવતીજી વિરુદ્ધ ટીપ્પણી ભારે પડી. (તમને પણ જે જે ઘટનાઓ યાદ આવતી હોય તે યાદ કરજો.)
તે દિવસથી લઈને આજ સુધી અસંખ્ય SC ઉપર અત્યાચાર થયા. આટલો મોટો નેતા મળવા છતાં અત્યાચારો ઘટવાના બદલે વધતા ગયા. જીગ્નેશ મેવાણીના ભડકાઉ ભાષણોના ક્લીપીંગ સવર્ણોના ગ્રુપોમાં અને ખાસ કરીને કટ્ટર હિંદુ ફેસબુક, વ્હોત્સએપ ગ્રુપોમાં ફરતાં થયા. મામલો સુધારવાને બદલે ઔર બગળ્યો. (બોલો! સમાજનો એક ચહેરો નહોતો ત્યારે સ્થિતિ સારી હતી. આતો એવું થયું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ગૌહાત્યાઓ વધવા લાગી. આમેય દલિતો ભારતમાં ગાય જેવું જ જીવન જીવે છે. કોઇપણ આવીને ધીબી જાય છે.) જીગ્નેશભાઈ મેવાણીને ગુજરાત બહાર પણ ભાષણો કરવા આમંત્રણ મળવા લાગ્યું. ગુજરાત બહાર લાલ સલામ અને ગુજરાતમાં નીલા સલામ મારતાં થયાં. દિલ્હીમાં કેટલીક ડીબેટો અને કાર્યક્રમો કોંગ્રેસે ગોઠવી આપ્યા. જ્યાં જ્યાં ચૂંટણી હોય ત્યાં ત્યાં જીગ્નેશ મેવાણી, બીજેપી વિરુદ્ધ પ્રચાર કરી આવતા. અને કોંગ્રેસનું મન પીગળ્યું. પોતાનો ગઢ ગણાતી વડગામની સીટ જીગ્નેશ મેવાણી માટે, એક અપક્ષ માટે શ્રી રાહુલ ગાંધીએ છોડી દીધી. અને પછી જીગ્નેશભાઈ ધારાસભ્ય બની ગયા.

એનાં પછી ભાનુભાઈ જેવા કર્મશીલે આત્મવિલોપન કર્યું. ૪ દિવસ બહુ આંદોલન ચાલ્યું. સરકારે બાહ્યધરીઓ આપી, પરિપત્રો કાઢ્યા પણ પાલન થયું કે નહિ? પૂછવાની જવાબદારી કોની? ભાનુભાઈના નામે રાજકારણ તો ભયંકર થયું. SC સમાજના કોંગ્રેસી નેતાઓને આવકાર અને SC સમાજના બીજેપીના નેતાઓને ધુત્કારની ઘટનાઓ પણ થઈ. (કોંગ્રેસપ્રેમી SC સમાજના યુવાનોએ ૧૯૮૧ અને ૧૯૮૫ના અનામત આંદોલનોનો ઈતિહાસ વાંચી લેવો જોઈએ. રસ્તાની લડાઈમાંથી સમય કાઢી આ કામ પણ કરવાં જેવું છે.) પણ ભાનુભાઈએ જે કારણે શહીદી વહોરી, જમીન મુદ્દે આખા રાજ્યના લોકોને ફાયદો થાય તેવી માંગણી કરી હતી, તેનું કાંઇ ના થયું. એ બે-પાંચ જણને જમીન મળી, એટલું જ અને પાટીદાર શહીદોની જેમ ભાનુભાઈની શહાદત પણ એળે જ ગઈ!!!

જો તમે જીગ્નેશભાઈ મેવાણીને અત્યારે એક બાજુ રાખો તો, આ ઊના આંદોલનથી આજ સુધીમાં SC સમાજને શું મળ્યું? જેમના નામે જુલુસ નીકળ્યું હતું એ ઉનાના પીડિતોનું શું થયું? પેલા ઊનાના અત્યાચારીઓ અત્યારે ક્યાં છે? કેમ જામીન પર ફરે છે? ઊના પીડિતોને કેટલું વળતર મળ્યું? ભાનુભાઈ જે જમીન આંદોલન માટે ખપી ગયા એનું શું થયું? કોઈ રાજ્યવ્યાપી પોલીસી બની? આપણે લાગુ કરાવવા માટે કોઈ પ્રયત્નો કર્યા?
ટૂંકમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં આંદોલનો થયા તેમાં આપણને, સમાજ તરીકે કે ભારતીય નાગરિક તરીકે કોઈ ઝાઝો ફાયદો થયો નથી. રીતસરના આપણને ઉલ્લુ બનાવ્યા છે. (વિશેષ નોંધ : અને આપણને સમાજના નામે કોઈ ઉલ્લુ બનાવે તો આપણને વધારે મજા આવે છે.) જેટલો સમય, શક્તિ, રૂપિયો આપણે દાવ પર લગાવ્યો તેટલું વળતર આપણને મળ્યું જ નથી. મળવાનું તો દુર, ઉલટાનું વધુને વધુ ગુમાવ્યુ છે.

આવો જ ક્રાંતિકારી સમય ફરી આવી રહ્યો છે. આ ઔગષ્ટ ૨૦૧૮માં. આ ઉપરની આખી કથા ભૂતકાળ વાગોળવા નહિ પણ ભવિષ્યની ચેતવણી માટે છે.

ફરીથી નવા – જુના, ચહેરા અને મુદ્દા સાથે,
તમને આંદોલિત કરવાં,
તમને ભ્રષ્ટાચાર મુક્ત કરવાં,
તમારા સમાજને ન્યાય અપાવવા,
આ સરકારથી મુક્ત કરી નવી સરકાર બનાવવા અને આ બધું છે…..ક લોકસભા ઈલેક્શન સુધી ચાલશે અથવા તો જ્યાં સુધી એ લોકો (આંદોલનકારીઓ અને રાજકારણીઓ) સેટ ના થઈ જાય કે ઈચ્છિત ફળ પ્રાપ્ત ના કરે, ત્યાં સુધી. વળી, ચુંટણીના બે મહિના પહેલા આ બધાં જ પ્રજાલક્ષી મુદ્દા ભુલાઈ જશે, સમાજનો અન્યાય પણ ભુલાઈ જશે અને દરેક ચુંટણીની જેમ હિંદુ-મુસ્લિમ, ભારત-પાકિસ્તાન, કોંગ્રેસ-બીજેપી એવું બધું ચાલ્યા કરશે. સીડીઓ બહાર પડશે અને આરોપ-પ્રત્યારોપ ચાલશે. અને પછી નવી સરકાર અને નવા રંગરૂપમાં એ જ આંદોલનો. (મિત્રો, ગુજરાત વિધાનસભા ચુંટણી યાદ છે કે ભૂલી ગયા!)

તો શું આપણે આંદોલનો નહી કરવાનાં?
આંદોલનો જરૂરથી કરવાનાં.
લોકતંત્ર જીવતું રાખવા કરવાનાં. પણ એ આપણા, ભારતીય નાગરિક તરીકે, ફાયદામાં હોવા જોઈએ. આપણો નેતા આપણા માટે વિચારતો હોવો જોઈએ. આપણને ગમે ત્યાં ભરાવી દે, તેવો ના હોવો જોઈએ. આપણા જોડે વાતચીત કરતો હોવો જોઈએ, આપણી સાથે સલાહ-સુચન કરતો હોવો જોઈએ. આપણે તાનાશાહ પેદા નથી કરવાનાં, આપણું નેતૃત્વ કરે તેવા નેતાઓ પેદા કરવાનાં છે. આપણા મુદ્દા સાચા હોવા જોઈએ. આપણી માંગણીઓ પણ સાચી હોવી જોઈએ.

હમણાં તમે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન (AMC)ના સફાઈ કર્મચારીઓનું આંદોલન જોયું? જે આપમેળે સમેટાઈ પણ ગયું. આંદોલનનો મુદ્દો શું હતો, એની તમે તપાસ કરી કે પછી હઈસો હઈસો સોસીઅલ મીડિયા પર સપોર્ટ જાહેર કરી દીધો!!?
ના ખબર હોય તો જાણી લો. AMCના સફાઈ કર્મચારીઓને દિવસમાં બે વખત સફાઈ કરવાની હોય છે. નવા મ્યુનીસીપલ કમિશ્નર આવ્યા તો તેમના ધ્યાનમાં આવ્યું કે AMCના કેટલાંક સફાઈ કર્મચારી ફક્ત સવારે જ સાફ-સફાઈ કરે છે, બીજી વાર કરતાં નથી. અને હાજરી પણ સવારે એક જ વાર લેવાય છે. વળી, આ સફાઈ કર્મચારીઓ એક વાર સફાઈ કરી અન્ય જગ્યાએ પણ કામ કરતાં હોય છે. એટલે મ્યુનીસીપલ કમિશ્નરે બે વખત હાજરી ફરજીયાત કરી. જે તેમને ના ગમ્યું. એટલે અન્ય માંગો જોડી, બે વખત હાજરી સામે આંદોલન કર્યું. કેટલાંક લોકોએ રસ્તામાં કચરો નાંખી સ્થતિ વધારે બગાડવા પ્રયત્ન કર્યો તો તેમની સામે પોલીસ ફરિયાદ થઈ. AMCના કમિશ્નરને સફાઈ કર્મચારીઓને છુટ્ટા કરવા સુધ્ધાના પાવરનો ઉપયોગ કરવો પડે, તેવી સ્થિતિનું નિર્માણ થયું ને ડરના માર્યા સફાઈ કર્મચારીઓએ આંદોલન સમેટી લેવું પડ્યું.
અને બોલો! તમે તમારા જ સ્વાસ્થ્ય સામે અને તમારા જ શહેરની સાફ-સફાઈ સામે, આવા આંદોલનને સમર્થન આપ્યું. એટલે હવેથી કોઇપણ આંદોલનને સમર્થન કરો તો તેના વિષે પહેલાં પુરતું જાણી લો. તમારી પાર્ટી, સંગઠન કે નેતા સમર્થન કરે એટલે તમારા ફાયદાનું જ હોય એ જરૂરી નથી. હા પણ તે તમારા નેતાના ફાયદાનું તો ૧૦૦% હોય છે. તો આજથી તમે પણ તમારા નેતા જેવા બનો, ૧૦૦% સ્વાર્થી.

જ્યાં એક ભારતીય નાગરિક તરીકે, આમ આદમી તરીકે કોઈ ફાયદો ના દેખાય તેવા આંદોલનમાં કુદશો નહિ.
આ ઓગસ્ટમાં તમારુ ભણતર, તમારો રૂપિયો, તમારી કરીયર, તમારી નોકરી-ધંધાનો ભોગ લેવાં માટે કેટલાંય આંદોલનો થવાના છે.
સાચવજો.
હકીકત તપાસજો.
તમારા મનપસંદ નેતાના છેડા ક્યાં ક્યાં અડે છે?
તેમને શું શું ફાયદા મળે છે?
કોની કોની પાસેથી ફાયદા મળે છે?
તમારો નેતા જયારે ટીવી સામે નથી હોતો ત્યારે કોની સાથે ઉઠે છે – બેસે છે? આ બધું જાણજો.
સત્યનો સાથ આપજો.
સાચી વાત માટે છેક સુધી લડી લેજો, પણ તમારા વિવેકનો ઉપયોગ કરીને વિચારજો કે સાચું શું છે અને ખોટું શું છે. ભીડ હંમેશા સાચી હોય તે જરૂરી નથી. ભીડનો હિસ્સો ના બનશો. પોતાની વિવેકબુદ્ધિથી પોતાની ઓળખ ઉભી કરજો અને સાચા મુદ્દાઓ માટે લડજો.

તમે જુઓ કે અન્ના આંદોલનથી લઈને આજ સુધી કેટકેટલાંય આંદોલનો થઈ ગયા અને દર વખતે આપણો ભયંકર દુરઉપયોગ થઈ ગયો. સાચા આંદોલનો પણ થયાં છે. પણ તેનું પ્રમાણ ખુબ ઓછું છે. આ સાચા આંદોલનોનું પ્રમાણ ત્યારે જ વધશે જયારે આપણે ૨૪ કલાક સભાન રહીશું. કોઈ નેતાના ભક્ત બનવાના બદલે, પાર્ટીના કે સંગઠનના કે પોતાના જ સમાજના આંધળા સમર્થક બનવાને બદલે, જાગૃત નાગરિક બનીશું. જાગૃત યુવા બનીશું. આપણે ત્યારે જ, સૌ સાથે મળી સાચા ભારતનું નિર્માણ કરી શકીશું.

તમે પણ જો કોઈ આંદોલન વિષે વિગતો જાણતા હોવ તો અમને જરૂરથી લખી મોકલજો. કાંઇ નહી તો સોસીઅલ મીડિયા પર લખજો અને બીજાઓને જાગૃત કરજો.

અને હા! આ ઓગષ્ટ – સપ્ટેમ્બરમાં તમારા માટે બહુ બધી ક્રાંતિઓ ક્યારનીય પ્લાન થઈ ગયેલી છે, તેને જો જો અને વિવેકથી નિર્ણય લેજો.

જય ભારત યુવા ભારત
યુવા શક્તિ ઝીંદાબાદ

કૌશિક શરૂઆત
તંત્રી – પ્રકાશક
8141191311
આ આર્ટીકલનો ઉદ્દેશ્ય નેતાઓને ઊઘાડા પાડવાનો કે તેમની ટીકા કરવાનો નથી. પણ, ગુજરાતના બધાં જ સમાજના યુવાનોને આંદોલનો પ્રત્યે જાગૃત કરવાનો છે. સભાન કરવાનો છે. આર્ટીકલમાં લખાયેલ નામો, સ્થળ, ઘટનાઓ, તમે યાદ કરી શકો, તમે સાચું મૂલ્યાંકન કરી શકો, તે માટે લખ્યા છે.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. JITENDRA VAGHELA says:

    આંદોલનો નેતા ને જન્મ આપે પછી નાના મોટા આંદોલનો નેતા માટે કોમપ્લાનમિશ્રીત દૂધ નું કામ કરે. ટીવી ડિબેટો અને આક્રોશિત ભાષા સાથે ફરતા વિડિઓ નેતા ને વજનદાર બનાવતા જાય ત્યાં સુધી માં તો આંદોલન નો ઉદ્દેશ અને આંદોલન ની ભાગીદારપ્રજા જૂનું ભૂલી નવું નવું જે રોજ પીરસાતું હોય એ ગળે ઉતારતી જાય અને નેતા તગડા થતા જાય. આમ પ્રજા ટોળું બનવાની આદત પકડી રાખશે તો રોજ એક નવા ઇસ્યુ માટે અખબારો ના પાનાં ફેરવતા રહેવાનું નેતા જે નવા નવા ઈશ્યુ આપે એમાં હા એ હા કરી કૂદી પડવાનું જ રહેશે.
    જીતુ

Leave a Reply

Your email address will not be published.