પૃથ્વી પરના દસ મોટા પ્રશ્નોના ટૂંકા જવાબો: સ્ટીફન હોકીન્સની છેલ્લી બૂકનો રિવ્યૂ

બુક રિવ્યૂઃ Brief Answers to the Big Questions
લેખક: સ્ટીફન હોકિન્સ
Brief Answers to the Big Questions એ મહાન વૈજ્ઞાનીક સ્ટીફન હોકિન્સ દ્વારા લખવામા આવેલ અંતિમ પુસ્તક છે. પુસ્તકના ટાઈટલ નો અર્થ થાય છે મહત્વના પ્રશ્નોના ટુંકા જવાબો.
સ્ટીફન હોકિન્સે આ પુસ્તકમાં પૃથ્વી પરના અગત્યના એવા દસ પ્રશ્નો ના જવાબ પોતાની આગવી શૈલીમાં વૈજ્ઞાનીક દ્રષ્ટીકોણથી આપેલા છે. આમ તો આખા પુસ્તકમાં ઘણા બધા પ્રશ્નો ના જવાબ આવી જાય છે પણ તેમાં આ મુખ્ય દસ પ્રશ્નો પર જોર આપેલુ છે.
સૌથી પહેલો જ પ્રશ્ન છે “શું ભગવાન નુ અસ્તિત્વ છે?” આ એવો સવાલ છે જેના પર વર્ષોના વર્ષો સુધી ડીબેટ ચાલે તેમ છે. કેટલીય પેઢીઓ જતી રહેશે તોયે આ પ્રશ્ન યથાવત રહેશે. સ્ટીફન હોકિન્સે ખૂબ જ સહજતાથી ભગવાન ના અસ્તિત્વને વૈજ્ઞાનીક રીતે નકારી કાઢ્યુ છે. આ પ્રથમ પ્રશ્નની સમજણ જ એવી સરસ રીતે આપેલી છે કે આખુ પુસ્તક વાંચ્યા વિના ન રહી શકાય.
અન્ય પણ બીજા નવ પ્રશ્નો છે જે નીચે આપેલ આ પુસ્તકની ઇન્ડેક્સની તસવીરમાં આપ જોઇ શકો છો.

આ પુસ્તકની અન્ય એક મહત્વની બાબત છે તેની શરુઆતમા રહેલુ ચેપ્ટર, તેનુ નામ છે Why We must ask the big questions, એટલે કે આપણે કેમ આવા મહત્વના પ્રશ્નોને પુછતા રહેવા જોઇએ. તેમાં પ્રશ્નો પુછવાની અગત્યતાને સરસ રીતે સમજાવી છે. આ જ ચેપ્ટરનું છેલ્લુ વાક્ય છે “Be brave, be curious, be determined, overcome the odds. It can be done” એટલે કે “બહાદુર બનો, જિજ્ઞાસુ બનો, દૃઢ નિશ્ચયી બનો, સામે આવતી દરેક મુશ્કેલી ને દુર કરો. આમાનું કશુ અશક્ય નથી”.
દરેક તર્કશીલ વ્યક્તિએ આ પુસ્તક વાંચવુ જોઇએ. અમુક વ્યક્તિઓને એવુ લાગતું હોય કે આપણે વિજ્ઞાનના વિદ્યાર્થી નથી કે પછી વિજ્ઞાન સાથે આપણે એટલો પનારો પણ પડતો નથી તો આવુ વિજ્ઞાનને લગતુ પુસ્તક આપણા કોઈ કામનુ નથી. પણ હોકિન્સ તેનો જવાબ આપતા કહે છે કે, “લોકોને એમ થતુ હોય કે અસલી વિજ્ઞાન ખુબ જ જટીલ અને તેને સમજવુ આપણા ગજા બહારની વાત છે. પણ હકીકતે પહેલેથી જ થયેલા સંશોધનો અને પ્રાપ્ત માહિતીઓ અનુસાર તારણો કાઢવા માટે ફક્ત સમય અને પ્રતિબદ્ધતાની જ જરૂર છે, પણ મોટાભાગના લોકોમાં સમય અને પ્રતિબદ્ધતા નો અભાવ જોવા મળે છે. વિજ્ઞાનને જો સરળતાથી રજુ કરવામાં આવે તો મોટા ભાગના લોકો તેને આસાનીથી સમજી શકે તેમ હોય છે. અને મે (સ્ટીફન હોકિન્સે) આખી જીંદગી લોકોને વિજ્ઞાનને બને ત્યાં સુધી સરળતાથી સમજાવવાનું જ કામ કર્યું છે.”
ટુંકમાં આ પુસ્તક લખતી વખતે પણ ખાસ કાળજી રખાઈ છે કે લોકો પર વિજ્ઞાન પરના અન્ય પુસ્તકો જેમ જટીલ વૈજ્ઞાનીક થીયરીઓને ન થોપવામાં આવે.
હિંદી કે ગુજરાતીમાં આનો અનુવાદ ઉપલબ્ધ છે કે તે ખબર નથી પણ અંગ્રેજીમા લખાયેલ આ કિતાબનુ અંગ્રેજી થોડુ અઘરુ પડી શકે તેમ છે, પણ ગુગલના સહારે તે પ્રશ્ન પણ મહદઅંશે સોલ્વ થઈ જાય છે. બાકીની માહિતી આ પુસ્તક વાંચીને મેળવશો તેવી આશા રાખુ છું.