ટાંટિયાખેંચ નથી, આ તમારો જાતિવાદ છે

આ ટાંટિયાખેંચ નથી, આ તમારો જાતિવાદ છે.
મને ઘણાય લોકો કહે છે કે, “કૌશિકભાઈ તમે અને સમાજના બીજા યુવાનો ભેગા મળી કામ કરો. કારણ કે એ અને હું, એક જ સમાજના છીએ, દલિત સમાજના છીએ.”
હું કહું છું કે, આ તમારો જાતિવાદ છે.
જ્યારે અમે વિચારોમાં, વિચારધારામાં એક નથી તો ભેગા મળીને શુ કામ કરીશું. તમે એ તો વિચારો કે તમારે ભેગા શુ લેવા કરવા છે? ભેગા કરવાનો તમારો ઉદ્દેશ્ય શુ છે? “ગરબા રમવાના છે?” કે “ડીજે વગાડી ભેગા થઈને નાચવાનું છે?” શું લેવા તમારે ભેગા કરવા છે?
આજે ભેગા થઈશું અને ચૂંટણી આવશે એટલે હું બહુજન પાર્ટીઓને સપોર્ટ કરીશ, કોક કોંગ્રેસની દલાલી કરશે, કોક ભાજપના ભજીયા ખાવા જતો રહેશે, કોઈક કહેશે “હું તો બિનરાજકીય છું” આવી એકતાનું શુ કરવાનું? કે જે ખરા યુદ્ધના સમયે જ બધા છુટા પડી જાય? ભાડમાં જાય તમારી આવી #એકતા.
સમાજના લોકોને ભેગા કરવાનો તમારો ઈરાદો અસલમાં તમારો જાતિવાદ છે. જેને ને તેને સપોર્ટ કરવું, તમારી વિચારધારામાં ના સમજ દર્શાવે છે. સમાજના પ્રશ્નો પર તમારી અણસમજ દર્શાવે છે. આ રીતે તો બધા તમારો ઉપયોગ કરી જશે પણ તમને કે સમાજને કાંઈ હાંસીલ નહિ થાય. તમારે આ “ટાંટિયાખેંચ ના કરો” ના નામે જાતિવાદ બંધ કરવો જોઈએ.
સમાજમાં કોઈ ભાગલા નથી પાડી રહ્યું. સમાજમાં ઓલરેડી ભાગલા છે જ. જે તમે, “આપણી જાતિ”, “આપણો સમાજ”ના નામે, જાતિવાદી કરી, શાહમૃગવૃત્તિ રાખી નજરઅંદાજ કરવા માંગો છો.
સમાજને ભેગો કરવો હોય તો કોઈ એક વિચારધારા, કોઈ એક બેનર, કોઈ એક નેતાની આગેવાનીમાં એક કરો.
વિચારધારા ફેલાવવી એ તમે કરી શકો,
કોઈ એક બેનરને મજબૂત કરવા તમે કામ કરી શકો,
અને જ્યાં સુધી કોઈ એક નેતાની વાત છે તો એ તમારી નહિ પણ ફક્ત અને ફક્ત નેતાની જવાબદારી છે કે એ સમાજમાં નેતૃત્વનો વિકલ્પ આપે, સૌને સાથે રાખી ચાલે.
પોતાના જ લોકોને ડરાવે, ધમકાવે, ગુંડાગરદી કરે, વોટ વેચી મારે, ભાજપ-કોંગ્રેસની દલાલી કરે, અને પછી એમ કહે કે, “હું 47 લાખ લોકોનો અવાજ” તો તેને ૧૦-૨૦ ભક્તો મળી રહે પણ સમગ્ર સમાજ થોડો પાગલ છે કે આવા તોડબાજને નેતા સ્વીકારે.
જ્યારે બાબાસાહેબે જીવતા હતા, ત્યારે બાબુ જગજીવન રામ પણ હતા. આ સ્થિતિ આજે પણ છે અને હંમેશા રહેશે. તમે નક્કી કરો કે તમારે બાબાસાહેબના વિચારો પર ચાલવું છે કે જગજીવન રામ?
દલિત સમાજમાં કોઈ ટાંટિયાખેંચ નથી. સમાજમાં વિચારધારા ક્લિયર નથી, ક્યાં સંગઠનમાં જોડાવું તે ક્લિયર નથી, નેતૃત્વ ક્લિયર નથી. ટાંટિયાખેંચના નામે જાતિવાદ કરવાનું તમારે બંધ કરવું જોઈએ. અને વિચારધારા આધારિત કામ કરવું જોઈએ. જે બહુજન વિચારધારા સાથે સહમત હોય એ જ આપણા કામનો. પછી એ આદિવાસી, ઓબીસી, મુસ્લિમ કે સવર્ણ હિન્દુ જ કેમ ના હોય!! અને પોતાની જાતિનો, પોતાનો સગગો ભાઈ પણ વિચારધારા બહારનું કામ કરતો હોય તો એવાઓને દૂર રાખો. નહીં તો સામાજિક, રાજકીય મુવમેન્ટમાં આપણને જ નુકશાન કરશે.
દલિત જ નહીં પણ આદિવાસી, ઓબીસી, વિગેરે પછાત સમાજમાં કોઈ ટાંટિયાખેંચ નથી. વિચારધારાનો પ્રચાર, સંગઠન બનાવનાર કાર્યકર્તાઓ અને નિષ્ઠાવાન નેતૃત્વનો અભાવ માત્ર છે.
અને આ અભાવ ડૉ. બાબાસાહેબ આંબેડકર, માન્યવર કાંશીરામ, જોતિરાવ ફુલે, ગૌતમ બુદ્ધ, વિગેરે બહુજન મહાપુરુષોને વાંચ્યા વગર, તેમના રસ્તે ચાલ્યા વગર દૂર નહિ થાય. જય #બહુજન
કૌશિક શરૂઆત
નોંધ : જાતિવાદથી ત્રસ્ત લોકોએ જાતિના સંગઠનોનો બહિષ્કાર કરવો જોઈએ. સૌ સમાજના લોકોને જોડીને બહુજન બનવું જોઈએ.