કેન્દ્ર સરકારનું નવું ખર્ચ રૂ. 1.87 લાખ કરોડ પણ આરોગ્ય ક્ષેત્ર માટે માત્ર રૂ. 17,000 કરોડ!

પૂરક માગણી
કેન્દ્ર સરકારે ચાલુ વર્ષના બજેટ ઉપરાંત રૂ. 1.87 લાખ કરોડ ખર્ચવા માટે હાલ ચાલતી સંસદની બેઠકમાં મંજૂરી માગી છે. 2021-22ના બજેટમાં તે પૂરક માગણીઓ તરીકે રહેશે. ભારતના બંધારણમાં પૂરક માગણીઓ રજૂ કરવાની જોગવાઈ કલમ-115માં કરવામાં આવી છે. તેમાં એમ જણાવવામાં આવ્યું છે કે જે ખર્ચની બજેટમાં જોગવાઈ ના કરવામાં આવી હોય તેવા ખર્ચ માટે સરકાર સંસદ સમક્ષ બજેટ બાદ પણ આખા વર્ષ દરમ્યાન માગણી કરી શકે છે અને મંજૂરી મેળવી શકે છે. મોટે ભાગે જ્યારે નવા વર્ષનું બજેટ આવે ત્યારે ચાલુ વર્ષની પૂરક માગણીઓ રજૂ કરવામાં આવતી હોય છે. પરંતુ અત્યારે ચાલુ વર્ષના માંડ ત્રણ મહિના જ પૂરા થયા છે અને પૂરક માગણીઓ રજૂ કરવામાં આવી છે.
હાલ જે રૂ. 1.87 લાખ કરોડની માગણી કરવામાં આવી છે તેમાં ખરેખર રોકડ ખર્ચ રૂ. 23,675 કરોડનું જ થવાનું છે. બાકીના રૂ. 1.63 લાખ કરોડ તો કેન્દ્ર સરકારનાં વિવિધ મંત્રાલયો દ્વારા ખર્ચમાં અગાઉ જે બચત થઈ છે તેમાંથી આવશે. ઉપરાંત, આ મંત્રાલયોએ જે લોન પરત મેળવી હોય અને અન્ય રકમ ભાડું, વ્યાજ કે અન્ય રીતે પ્રાપ્ત કરી હોય તેમાંથી આવશે. એટલે કે તે રકમ બિન-કર આવક એટલે કે કરવેરા સિવાયની આવક હશે. કુલ બજેટ રૂ. 34.83 લાખ કરોડનું અંદાજવામાં આવ્યું છે. વાસ્તવમાં, જે ખર્ચ વધશે તે તો રૂ. 23,675 કરોડ જેટલું જ વધશે. સૌથી મોટી પૂરક માગણી તો રાજ્યોને રૂ. 1.59 લાખ કરોડ આપવા માટેની છે કે જે કાયદાનુસાર GSTના વળતર પેટે આપવાના થાય છે. પરંતુ આ જે રકમ રાજ્યોને ચૂકવવામાં આવશે તેનાથી કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધને કોઈ અસર થશે નહિ, એટલેકે તેમાં કોઈ વધારો થશે નહિ. તેનું કારણ એ છે કે આ રકમ દેવું લઈને ખર્ચવાની નથી પણ એ રકમ તો વિવિધ મંત્રાલયો પાસે છે જ.
આરોગ્ય ક્ષેત્ર માટે નજીવી રકમ
જે રૂ. 23,675 કરોડના વધારાના ખર્ચની માગણી કરવામાં આવી છે તેમાં આરોગ્ય ક્ષેત્ર માટે રૂ. 17,000 કરોડના ખર્ચની પૂરક માગણી છે. આ ખર્ચ કોરોના મહામારીના સંદર્ભમાં કરવામાં આવશે. 2021-22ના બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે જે રકમ ખર્ચવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે તેમાં આટલો વધારો થશે એમ આ પૂરક માગણી જોતાં અવશ્ય કહી શકાય. જો કે, તેમ છતાં 2017ની આરોગ્ય નીતિમાં દેશની જીડીપીના 2.0થી 2.5 ટકા ખર્ચ કરવાનું જે લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે તે તો સિદ્ધ થઈ શકશે જ નહિ કારણ કે અત્યારે કેન્દ્ર સરકારનું આરોગ્ય ખર્ચ જીડીપીના 0.5 ટકા કરતાં પણ ઓછું છે. આરોગ્ય માટેના ખર્ચને સામાન્ય રીતે સારવાર માટેના ખર્ચ તરીકે જ જોવામાં આવે છે. તેમાં સફાઈ, સ્વચ્છતા અભિયાન વગેરેના ખર્ચનો સમાવેશ કરી શકાય જ નહિ કે જે કેન્દ્ર સરકાર સિફતપૂર્વક કરે છે. અને તેથી જ તેણે 2021-22ના બજેટમાં આરોગ્ય માટેના ખર્ચમાં બહુ મોટો વધારો બતાવ્યો છે. તે રૂ. 2.23 લાખ કરોડનું દર્શાવવામાં આવ્યું છે કે જે ખરેખર એટલું છે જ નહિ. આ આંકડો ખરેખર તો લોકોની આંખમાં ધૂળ નાખવા બરાબર છે.
પેકેજ મોટાં, ખર્ચ ઓછું!
જો કે, નાણાં પ્રધાને તા.28-06-2021ના રોજ રૂ. 6.28 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. વાસ્તવમાં પેકેજ પણ એટલી રકમનું છે જ નહિ તે આનાથી સાબિત થાય છે. એટલે આમ જુઓ તો, જે વધારાનું ખર્ચ થશે તે તો માત્ર રૂ. 23,675 કરોડનું જ થશે અને તેટલા પ્રમાણમાં જ કેન્દ્રના બજેટમાં રાજકોષીય ખાધમાં વધારો થશે. આ રકમ પેકેજના માત્ર ૩.77 ટકા જેટલી જ છે!
ગયા વર્ષે આશરે રૂ. 23 લાખ કરોડનાં પેકેજ જાહેર કરવામાં આવ્યાં હતાં. પરંતુ બજેટમાં ખર્ચ તો રૂ. 4.08 લાખ કરોડ જેટલું જ વધ્યું હતું. એટલે કોરોના મહામારી હોવા છતાં સરકારે પોતાનું ખર્ચ તો તેટલું જ વધાર્યું હતું. કારણ કે 2020-21નું બજેટ રૂ. ૩૦.42 લાખ કરોડનું હતું અને તેનો સુધારેલો અંદાજ તા. 01-02-2021ના રોજ 2021-22નું બજેટ આવ્યું ત્યારે રૂ. 34.50 લાખ કરોડનો જ મૂકવામાં આવ્યો હતો.
અગત્યનો મુદ્દો એ પણ છે કે ચાલુ વર્ષનું બજેટ રૂ. 34.83 લાખ કરોડનું છે. એટલે કે ગયા વર્ષના સુધારેલા અંદાજ કરતાં બજેટમાં ફક્ત રૂ. 33,000 કરોડનો જ વધારો કરવામાં આવ્યો છે. એટલે કે જે રૂ. 6.28 લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું તેને અને આ વધારાના ખર્ચને પણ કોઈ મેળ બેસતો નથી.
બીજી એક નોંધનીય બાબત એ છે કે 2017-18નું બજેટ રૂ. 21.42 લાખ કરોડનું હતું. 2018-19નું તે રૂ. 23.15 લાખ કરોડનું થયું હતું અને 2019-20માં તે રૂ. 26.86 લાખ કરોડનું થયું હતું. આમ, બજેટમાં સતત વધારો થતો જ ગયો છે. પરંતુ 2020-21માં તો સુધારેલા અંદાજ પ્રમાણે તે રૂ. 34.50 લાખ કરોડનું થયું છે. જો ખરેખર એટલું ખર્ચ થાય તો 2020-21માં આગલા વર્ષ કરતાં 28 ટકા જેટલો જંગી વધારો થયો છે. પરંતુ આરોગ્ય માટેના ખર્ચમાં કોરોના મહામારી હોવા છતાં એટલો વધારો થયો જ નહોતો. જેમ કે, 2019-20માં આરોગ્ય માટેનું ખર્ચ રૂ. 86,259 કરોડ થયું હતું, જ્યારે 2020-21માં તે બજેટ અંદાજ મુજબ રૂ. 94,452 કરોડ જ થયું હતું. આમ, તેમાં માત્ર 9.5 ટકાનો જ વધારો થયો હતો. આરોગ્ય એ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે જ નહિ આથી છતું થાય છે.
પ્રકાશક: પૌલોમી મિસ્ત્રી, ‘અનુસંધાન’. તા.23-07-2021. 2020-21: પ્રકાશન નં. અનુસંધાન10.*