કોરોના | લેબર વેલ્ફેર ઓફિસર અને સરકાર ક્યાં છે?

કોરોના વાયરસને નાથવા લોકડાઉન અમલી બન્યું કે તરત જ કરોડો પ્રવાસી શ્રમિકો બેરોજગાર બની ગયા. વતનમાં જવા 1000/1200 કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે. સુપ્રિમકોર્ટે મોડે મોડે આદેશ કર્યો કે પ્રવાસી શ્રમિકો પાસેથી ટ્રેન/બસ ભાડું વસૂલ કરવું નહી અને પ્રવાસ દરમિયાન ભોજન/પાણીની સુવિધા પૂરી પાડવી. ટ્રેન/બસ માટે વેઈટિંગમાં હોય તે શ્રમિકોને પણ ભોજન/પાણીની વ્યવસ્થા કરવી. સરકાર હજુ આ સુવિધા શરુ કરી શકી નથી.
દરેક રાજ્યમાં લેબર ડીપાર્ટમેન્ટ હોય છે; લેબર વેલ્ફેર ઓફિસર હોય છે. કોઈ સરકારે તેમની પાસેથી કામ લીધું હોય તેવું જાણવા મળેલ નથી. આ લેબર વેલ્ફેર ઓફિસર શ્રમિકોના કલ્યાણ માટે કામ કરતા નથી; પરંતુ ઇન્ડસ્ટ્રિઝના માલિકો પાસેથી મુખ્યત્વે હપ્તા લેવાનું કામ કરે છે. પોલીસ મોટેભાગે વિક્ટિમને મદદ કરતી નથી તેમ લેબર વેલ્ફેર ઓફિસર પણ શ્રમિકોને મદદ કરતા નથી. ‘પોલીસ સેવા’ ‘શ્રમિક કલ્યાણ’ વગેરે નામ ઊંચા; પણ નામથી વિપરિત કામ. ભોલી સૂરત દિલ કે ખોટે; નામ બડે ઔર દર્શન છોટે !
JNUના પૂર્વ પ્રોફેસર અને ‘ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સ’ના ચેરમેન અને જાણીતા અર્થશાસ્ત્રી અરુણકુમારની વાત સમજવા જેવી છે. તે કહે છે : “લોકડાઉનના કારણે ઊભી થયેલ પ્રવાસી શ્રમિકોની સમસ્યા સરકારની ખોટી નીતિઓ અને અસંતુલિત વિકાસનું પરિણામ છે. પ્રવાસી શ્રમિકો બિહાર/ઉતરપ્રદેશના/ઝારખંડ પરત જશે પરંતુ ઘેર પૈસા મોકલતા હતા તે બંધ થતા મુશ્કેલીઓ વધશે. એટલા માટે મનરેગામાં 40,000 કરોડની જોગવાઈ કરી છે તે ઘણી જ ઓછી પડશે; ઓછામાં ઓછા 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવી જોઈએ. શહેરી વિસ્તારોમાં રોજગાર ગેરેન્ટી યોજના લાગુ કરવી જોઈએ. આ બધું યુધ્ધના ધોરણે થવું જોઈએ; કેમકે સ્થિતિ યુધ્ધ કરતા પણ ખરાબ છે. લોકોને કામ મળશે તો તેમની પાસે પૈસા આવશે; પૈસા આવશે તો માંગ વધશે. માંગ વધશે તો ઉદ્યોગ ગતિમાન બનશે.
સરકારે વિચાર્યું જ નહોતું કે લોકડાઉનના કારણે પ્રવાસી શ્રમિકોનું આટલી મોટી સંખ્યામાં સ્થળાંતર થશે ! એ વિચારવાની જરુર હતી કે લોકડાઉનના કારણે કામ બંધ થતાં અસંગઠિત ક્ષેત્રમાં તેની અસર શું થશે? એ વિચારવાની જરુર હતી કે સોશિયલ ડિસ્ટન્સ કઈ રીતે રહેશે; જ્યાં એક રુમમાં 6-6 શ્રમિકો રહેતા હોય ! વારંવાર હાથ ધોવાની સલાહ આપતા હતા; પણ શ્રમિકો પાસે પીવાનું પાણી પણ ન હતું ! રોજ કમાઈને ખાતા શ્રમિકો લોકડાઉનમાં શું કરે? એટલે લોકડાઉનનો જેટલો ફાયદો મળવો જોઈએ તેટલો ન મળ્યો. હવે ખબર પડી કે સ્થિતિ કેટલી ખરાબ છે. આ પ્રકારની સ્થિતિ ભવિષ્યમાં ઊભી ન થાય તે માટે વિકાસની નીતિઓ અંગે પુનર્વિચાર કરવો પડશે. ઉપરથી નીચે તરફ નહીં; પરંતુ ગામડાંના સ્તરેથી વિકાસને ગતિ આપવી પડે.”
આપણે ત્યાં કાયદા ઘણા છે; પણ અમલમાં લોચો છે. The Inter-State Migrant Workmen (Regulation of Employment and Conditions of Service) Act, 1979નો અમલ કોરોના સંકટ વેળાએ ન થયો. આ કાયદા મુજબ પ્રવાસી શ્રમિકોની નોંધણી થવી જોઈએ; પણ ક્યો ઉદ્યોગ નોંધણી કરાવે છે? લાખોની સંખ્યામાં શ્રમિકો નિર્માણકાર્યમાં છે; નોંધણી થવી જોઈએ પણ થતી નથી; ભવિષ્યનિધિ મળવી જોઈએ પણ મળતી નથી; સપ્તાહમાં એક રજા મળવી જોઈએ પણ મળતી નથી. કેમકે લેબર વેલ્ફેર ઓફિસર મૂડીવાદીઓની સેવા કરે છે ! નીતિ ઘડનારાઓના માનસમાં પ્રવાસી શ્રમિકો/અસંગઠિત ક્ષેત્ર આવતું જ નથી ! આપણે ઉદ્યોગની વાત માની લઈએ છીએ પણ નીચેના ગરીબો તરફ આપણું ધ્યાન જતું નથી ! શ્રમિકો ભયંકર સ્થિતિનો સામનો કરી રહ્યા છે; પણ લેબર વેલ્ફેર ઓફિસર અને સરકાર ક્યાં છે?rs