શું આપણે ભારતના નાગરિકો તંદુરસ્ત લોકશાહીને જાણીએ છીએ ખરા?

Wjatsapp
Telegram

તંદુરસ્ત લોકશાહીનો મર્મ

શું આપણે ભારતના નાગરિકો તંદુરસ્ત લોકશાહીને જાણીએ છીએ ખરા? કે આઝાદીના મર્મને વર્ષો ગયાં એટલે કાટ લાગી ગયો છે?

પત્રકાર ખોટા ન્યૂઝ બતાવ્યા પછી માફી માંગી રહ્યા છે. લોકો જાણી જોઈને એકબીજાને અપમાનિત કરીને નામ ચમકાવી રહ્યા છે. તો ક્યાંક કોઈ સચિવ કક્ષાનો અધિકારી એના નીચેના કર્મચારીની મજબૂરીને એની કમજોરી સમજીને ધમકાવી રહ્યો છે,મારી રહ્યો છે, કચડી રહ્યો છે.

સત્તામાં બેઠેલા બાહુબલી બસ સત્તામાં ટકી રહેવા માટે જ જીવી રહ્યા હોય એમ પક્ષ-વિપક્ષમાં આવનજાવન થવાની કબડ્ડી રમી રહ્યા છે.

તો બીજીબાજુ યુવાનો નોકરીની આશામાં ક્યાંક આંદોલન કરીને એ આંદોલનની આશામાં જ ઘરડા થઈ રહ્યા છે. અન્યાય પામેલા લોકો કોર્ટ ઉપર જાણે બોજ બનીને બેઠા છે. ન્યાય મળશે એ આશામાં તારીખો કાપી રહ્યા છે. લોકોને લાખ સમસ્યાઓ છે, એ લોકો એવા સમસ્યાઓમાં ફસાયા છે કે એ લોકોને દેશની સમસ્યા કે ભવિષ્ય બાબતે વિચારવાનો સમય જ ક્યાંથી હોય? પણ જેની પાસે એ સમય છે એ ચૂપચાપ, સ્વાર્થી બનીને મારે શું? વાળા ભ્રમમાં જીવન કાપી રહ્યો છે.

તો વળી, કોઈક ભૂલમાં સાચું બોલવા જાય તો એ ડરી રહ્યો છે કે ક્યાંક કોઈક એને સત્ય બોલવા બદલ ‘દેશદ્રોહી’ કહી દેશે તો? ડરના કારણે લોકો પોતાની વાત કહી શકતા નથી. એટલે સત્ય ઉજાગર થતું જ નથી. એટલે સૌને લાગે કે ‘સબ… ચંગા સી…’

ઉપરથી ન્યૂઝ ચૅનલમાં પણ એ ‘સબ… ચંગા સી…’ નો પડઘો આપણા કાનમાં બે મહિના સુધી પડતો રહે ! એટલે આપણને લાગે કે હું જ ભૂલમાં વિચારું છું. બધું જ બરાબર જ હશે. આ સમાચારપત્રો અને ચૅનલવાળા થોડું કાંઈ ખોટું બોલે? આપણો ભરોસો આપણા આ ચોથા થાંભલા ઉપર બાથ વાળીને બાઝી ગયો છે. હા, બસ એ પેલા વાંદરીના બચ્ચાંની જેમ જ !

આખરે આપણા કાન એ પડઘા સાંભળી સાંભળીને બહેરા બની ગયા છે. અદ્દલ આપણી સિસ્ટિમમાં બહેરાશ આવી છે, એવી જ બહેરાશ આપણે પણ ભોગવી રહ્યા છીએ. હવે આપણી આંખોનો વારો આવ્યો છે !

એટલે ક્યાંક દીવાલ બનાવવામાં આવે ! તો ક્યાંક પડદા લગાવીને બધું ચમકાવી દેવામાં આવે ! ઝૂંપડા તો છુપાવી શકાય પણ એ ઝૂંપડામાંથી આવતી દુર્ગન્ધ બૂમો પાડી રહી છે કે હવે મને ઢાંકી દો તો?

પેલા મીડિયાનો કૅમેરો પણ એવા ક્લોઝપમાં જ રહે છે. જેથી એની hd ક્લિયરિટીથી પેલા એક ચહેરા ઉપર બેસતી માંખની પાંખ પણ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ. જે કોઈ પત્રકાર એ ન્યૂઝ ચૅનલના કહેવા મુજબ જો ચહેરા ઉપરની માંખ બાબતે લાંબો રિપોર્ટ કરશે નહિ, તો એ પત્રકારની નોકરી ગઈ સમજજો.

આપણને શું પત્રકાર જયાં મરે ત્યાં? આપણને ક્યાં સત્ય જાણવાની કોઈ જરૂર જ છે? અને માની લો કે સત્ય જાણી પણ લઈશું તો આપણે શું ઉખાડવાના છીએ? અને ઉખાડી શકીએ એમ હોઈએ તો પણ એ લાંબી લપઝપમાં કોણ પડે? એટલે આપણે મગજને ભાર આપવો નથી. આપણે ચૅનલ બદલી દઈશું. કેમ કે આપણા મનમાં ભમરીએ ઘર બાંધી દીધું છે કે બસ, આપણી પાસે આખા દેશમાં આ એક જ ચહેરો છે. એક જ વિકલ્પ છે.

હા, આપણે લોકશાહીનો મર્મ ભૂલી ગયા છીએ. એટલે એ પણ ભૂલી ગયા છીએ કે આઝાદી માટે લડનારા એ દરેક યોદ્ધાએ એ સમયે ભોગ આપ્યો હતો. છતાં પણ આપણે ભાગલા પાડીએ કે આ અમારો નેતા અને આ તમારો નેતા. આઝાદીના સમયમાં આખા દેશને એક કરનારા એ નેતાઓને સ્વપ્નમાં પણ ખ્યાલ નહિ હોય કે એક દિવસે આપણે બધા એમને જાતિ-પ્રદેશના આધારે અને કાંઈ કેટલા ચુનાવી સમીકરણોના આધારે ટુકડેટુકડા કરી દઈશું.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

પણ આપણને ભાગલા પાડવાનું જ શીખવ્યું છે. એ અંગ્રેજોની કળા છે એ વાત તદ્દન ખોટી છે, એ ગેરસમજ છે. ભાગ પાડવાનું તો આપણા લોકોએ અંગ્રેજોને શીખવ્યું હતું. પણ એ બધી વાતો અને ઇતિહાસ સમજી શકીએ અને તર્ક કરી શકીએ એવા આપણને બનતાં કોઈક શક્તિએ હંમેશા રોક્યા છે. અને આપણે રોકાઈ પણ ગયા કેમ કે આપણે લોકશાહીનો મર્મ આજે પણ સમજી શક્યા નથી અથવા તો ભૂલી ગયા છીએ.

બસ, ગર્વરસ લેવાનું કરીએ કે આપણે સૌ ભારતના નાગરિકો છીએ. વિશ્વની મહાન લોકશાહીમાં જીવીએ છીએ. આપણે સૌ દેશની આવનારી પેઢી માટે એક ઉદાહરણ મૂકી રહ્યા છીએ. ભવિષ્યમાં એ ઉદાહરણનું મૂલ્યાંકન કેવું થશે? એ બાબતે એકવાર તટસ્થ બનીને વિચાર કરજો.

✍️જયેશ વરિયા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.