શું તમે દલિત સમાજના કરોડો રૂપિયા બીજે વેડફાતા રોકવા માંગો છો?

ગુજરાત સરકારના બજેટના 7 ટકા લેખે કરોડો રૂપિયા માત્ર ને માત્ર દલિત સમાજને સીધો લાભ મળે તેવી રીતે જ વાપરવાની જોગવાઈ હેઠળ દર વર્ષે ફાળવવામાં આવે છે. આ વર્ષે રૂપિયા 4200 કરોડ (42 અબજ ) કરતાં પણ વધારે નાણાં ફાળવેલ છે. અને આ બધાજ નાણાં રોકટોક વગર સરકારી અધિકારીઓએ ગરીબ દલિતોના મોંઢામાથી છીનવી અન્ય જગ્યાએ વાપરી રહ્યા છે.
આમ કેમ થાય છે ? શું આપણે આ રોકી ન શકીએ?? હું વર્ષ 2010 થી લડી રહ્યો છુ. અને પરિણામ એ આવ્યું છે કે, ગુજરાત સરકારે આ નાણાં અન્ય જગ્યાએ ન વપરાય તે માટે તા-30/05/2015 ના વપરાયેલ નાણાની ચકાસણી કરવા એક પરિપત્ર બહાર પાડ્યો છે. હું આ પરિપત્ર તમારી સમક્ષ રજૂ કરું છુ.
આ પરિપત્રમાં મારી રજૂઆત પ્રમાણે ચાર મુદ્દાઓ મૂક્યા છે. (1) ખર્ચાયેલ નાણાં ના ” લાભાર્થી” ઓની યાદી આપવી.
(2) જે અધિકારી આ નાણાં ખર્ચે તે જવાબદાર અધિકારી લેખિત પ્રમાણપત્ર આપે કે ” આ નાણાં “માત્ર ને માત્ર ” અનુસુચિત જાતિ માટે જ વાપરેલ છે.
(3) જે તે જિલ્લાના નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ અધિકારી પોતે 10 ટકા ચકાશી લેખિત પ્રમાણ પત્ર આપે આ નાણાં માત્રને માત્ર અનુ.જાતિ માટે જ નાણાં વાપરેલ છે. અને
(4) જે ખાતું આ નાણાં વાપરે તે ખાતાના વડા અધિકારી પણ લાભાર્થી ની 10 ટકા યાદી ચકાસી આ નાણાં માત્રને માત્ર અનુસુચિત જાતિ માટે જ વાપરેલ છે.
તેવું લેખિત પ્રમાણપત્ર આપે.
આઘાત જનક તો એ છે કે, આ પરિપત્ર નો અમલ કરી આ બધાજ પ્રમાણપત્રો મેળવવાની જવાબદારી અને કામગીરી દરેક જિલ્લાના નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ કચેરીઓએ બજાવવાની છે. અને આ બધી જ નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ કચેરીઓમાં વધારેમાં વધારે અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર અનુસુચિત જાતિના છે. અને શરમ જનક બાબત તો એ છે કે, આ અનામત ઉપર નોકરીઓ અને પ્રમોશનો મેળવેલા આ કહેવાતા દલિત અધિકારીઓ-કર્મચારીઓ જાણી જોઈને વર્ષ-2019 થી આ પરિપત્રનો અમલા જ કરતાં નથી. આ અધિકારીઓ કોઈ ખાતા પાસેથી યાદીઓ કે પ્રમાણપત્રો મેળવતા જ નથી. અને નાણાં અન્ય જગ્યા એ વાપરતા અધિકારીઓએ નું રક્ષણ કરે છે. જો લાભાર્થી ની યાદીઓ અને પ્રમાણપત્રો મળે તો નાણાં અન્ય જગ્યાએ વાપનાર સરકારી અધિકારી સામે આપણે ફોજદારી અને એટ્રોસીટી એક્ટ હેઠળ FIR નોંધાવી શકીએ.
અત્યારે તો દલિત સમાજના સૌથી વધારે માં વધારે કોઈ દુશ્મન હોય તો આ ગુજરાતના દરેક જિલ્લાના અનુસુચિત જાતિ કલ્યાણ કચેરીઓના અનામતિયા પેટવા સ્વાર્થી દલિત અધિકારીઓ-કર્મચારી ઓ છે. તમે આ પરિપત્ર લઈ ત્યાં પહોંચો અને જવાબ માંગો.
વધુ આઘાતની વાત તો એ છે કે, દરેક જિલ્લાઓમાં અનુસુચિત જાતિના કલ્યાણ માટે બનેલી આ ઓફિસના અધિકારીઓ દર ત્રણ માસે ખર્ચાયેલ નાણાંની ચકાસણી માટે કલેકટરના પ્રમુખસ્થાને મળતી મીટીંગમાં ક્યાં ખાતાને કેટલા નાણાં ફાળવ્યા? કેટલા નાણાં વાપર્યા અને કેટલા નાણાં વધ્યા? તેટલો જ રિપોર્ટ રજૂ કરે છે. લાભાર્થીની યાદીઓ કે પ્રમાણપત્રો મેળવતા જ નથી અને રજૂ પણ કરતાં નથી અને નાણાં ક્યાં અને કોને માટે વાપર્યા તેનો કોઈ રિપોર્ટ રજૂ થતો નથી.
ગાંધીનગરમાં બેઠેલા અનુસુચિત જાતિ કલ્યાણના ડાયરેક્ટર સમક્ષ તેમજ આપણાં ગૂંગા-મૂંગા દલિત પ્રધાન ઈશ્વર પરમાર સમક્ષ લેખિત રજૂઆતો કરવા છતાં કોઈની સામે કાર્યવાહી થતી નથી. RTI કાયદા હેઠળ હું ફરિયાદ કરૂ છુ. આરટીઆઇ ની કોર્ટમાં દંડ પણ કરાવું છુ. હમણાં જ ગાંધીનગર અનુસુચિત જાતિ કલ્યાણ કચેરીના વર્ગ-2 ના અધિકારીનો RTI કોર્ટમાં મે રૂપિયા 5000 નો દંડ કરવાતા આ દલિત અધિકારી એ મારી ઉપર હુમલો કર્યો. હવે આપણે દરેક જીલ્લામાં આ પરિપત્રનો અમલ કરવા આંદોલન કરવું જોઈએ.
હવે આપણે શું કરવું જોઈએ ?????? દરેક કાર્યકરે આ પરિપત્રને ટાંકી ને RTI કાયદા હેઠળ જિલ્લાની નાયબ નિયામકની કચેરીમાં અરજી કરી લાભાર્થી ની યાદીઓ, ખર્ચાયેલ નાણાં પ્રમાણપત્રો અને નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણે પોતે આપેલ પ્રમાણ પત્ર ની નકલ માંગો. કારણ કે, નાયબ નિયામક પોતે પણ પ્રમાણપત્ર આપતો નથી. જે ગંભીર ગુનો બને છે. અને આ કચેરી પાસે જવાબ મેળવો. હાલ મે આણંદ જિલ્લાના નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ અને જવાબદાર ગ્રામ વિકાસ એજન્સીના સવર્ણ અધિકારી સામે દસ્તાવેજો મેળવી ફોજદારી ધારાની કલમ-116,117,182 અને એટ્રોસીટી એક્ટ હેઠળ દસ્તાવેજી પૂરાવાઓ સાથે મંત્રી ઈશ્વરભાઈ પરમાર ને મોકલી આપતા તેમણે એડીશનલ DGP અનુસુચિત જાતિને તપાસાર્થે મોકલી આપેલ છે.
વાલજીભાઈ પટેલ
94264 12600