ઈદ મુબારક | જાણો મુસ્તકીમ મેમણે આ ઈદ પર શું દુઆ માંગી…

Wjatsapp
Telegram

ચાંદ મુબારક…ઈદ મુબારક…

પરમ કૃપાળુ અલ્લાહના ફઝલો કરમથી પવિત્ર રમઝાન માસની ઈબાદતો પૂર્ણ કર્યા પછી પરવરદિગાર પાસે દુઆ કરુ છું કે રોઝા-ઇબાદતોને કબૂલ કરે અને આપણ સહુંને વધુમાં વધું સત્કાર્યો કરવા તરફ દોરતા રહે…આમીન. અકીદત અને એહતરામ સાથે રમજાનની ઈબાદતો પછી ઈદનો ચાંદ દેખાયો..ખુદાની ભેંટ.. પ્રસન્નતાની લહેર…ખુશખબરીની મહેંક…ખુશીઓનો ગુલદસ્તો…મુસ્કુરાહટોની મૌસમ…જશ્ન…મોમીનને કંઈક જીતવાનો અહેસાસ અને સંતુષ્ટિ…આ જ છે ઈદ.. પુરા આલમ, બિરાદરને ઈદ મુબારક.. અલ્લાહ પાક તમારો, મારો, આપણા સહુનો હામી અને નાસીલ થાય…આમીન…

મારી જેમ લગભગ બધા જ જીવનમાં પહેલી વાર ઈદની નમાઝ ઘરે પઢીશું. આપણે લોકડાઉનની પરિસ્થિતિમાં જેમ અગાઉ પવિત્ર રમઝાન માસ દરમિયાન તમામ ફર્ઝ ઘરેથી અદા કર્યા છે એ જ પ્રમાણે ઈદ પણ ઘરેથી જ પઢીશું અને મનાવીશું. દેશનો તમામે તમામ મુસ્લિમ બિરાદર કોરોનાને હરાવવા સમર્થનની સાથે પ્રતિબદ્ધ છે. આશા રાખીએ કે આવનાર સમય સમગ્ર દેશ માટે સારા સમાચાર લઈને આવે. સર્વે ભારતવાસી ખુશ અને પ્રસન્ન રહે.

ખુશીના આ તહેવારમાં પહેલીવાર દુખની અનુભૂતિ થઈ રહી છે. દેશ કોરોના જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યો છે, પરપ્રાંતિય મજૂરોની કફોડી હાલત, કોરોનાના દર્દીઓ, આટલા મોટા પ્રમાણમાં મૃત્યું, પ્રજા હેરાન-પરેશાન, ધંધા-રોજગાર ઠપ્પ, આવકો બંધ.!!! કેવી રીતે ખુશ રહી શકાય !!? ખુશીની વાત એટલી જરૂર છે કે દર વર્ષે જે નવા કપડાં પહેરી ઈદ મનાવતા હતા,ખરીદી કરતા હતા એ આ વખતે બંધ રાખી એ ખર્ચ જરુરિયાતમંદ ગરીબોને મદદ રુપે પહોંચાડવામાં આવે, અલ્લાહ તાઅલાએ ઘણા મોમીન ભાઈઓ-સંસ્થાઓ-આગેવાનો થકી હજારો-લાખો પરિવારોને રાશન, ખાવાનું અને પૈસા પહોંચાડવાનું નેક કામ કર્યું છે. અલહમ્દુલિલ્લાહ…

મજૂરોના પગના તળિયા પર પડેલા છાલા, રોડ પર ચાલતા મજબૂર-લાચાર આ લોકો, એમની દુખી કરવાવાળી વ્યથાઓ-પીડાઓ આ બધું જોઈ વ્યથિત થઇ જવાય છે. ભૂખથી ટળવળતા બાળકો, મરી રહેલા લોકો…આ બધું જોઈ જાણીને કેવી રીતે તહેવાર કે ખુશીઓ વહેંચી શકાય !!? સરસ રસ્તો એ છે કે આવા ગરીબ, મઝલૂમ, જરુરિયાતમંદ લોકોની મદદ કરી, ખાવાપીવાનું પુરુ પાડી ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવે.

બધા બિરાદરને આગ્રહ ભરી નમ્ર વિનંતી કે ઈદ-ઉલ-ફિત્ર આપણો સૌથી મોટામાં મોટો તહેવાર છે. દરેકનો આદમ્ય ઉત્સાહ, ખુશી, પ્રસન્નતા, લાગણી સમજી શકાય છે,પરંતુ લોકડાઉનને કારણે સાથે સાથે દરકાર, કાળજી અને ગંભીરતા પણ સમજવી જરૂરી છે. માટે ઘરમાં તો ઈદની નમાઝ અદા કરવાની જ છે સાથે ગલી, મહોલ્લા, બજારોની રૌનક ના બનશો. સમયના તકાઝાને માન આપીશું. ગળે મળવાનું ટાળીશું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પુરેપુરું ધ્યાન રાખીશું. આ બાબતે આપણા મૌલવીઓ અને ઉલેમાઓએ સરસ સૂચનો તેમજ માર્ગદર્શન આપેલ જ છે..

અલ્લાહ કહને-સુનને સે જ્યાદા અમલ કરને કી તૌફીક અતા ફરમાવે.. આમીન…

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

ખુદાની ઈબાદત કરીએ તો ખુદા જોડે કંઈ ને કંઈ અપેક્ષાઓ રાખતા જ હોઈએ છીએ…તો પવિત્ર રમઝાનના રોઝા, નમાજ, ઇબાદતોને કબુલ કરી એના બદલામાં દેશના ગરીબ શ્રમિકોની તકલીફો દૂર કરવા, દેશની સાથે સમગ્ર દુનિયામાંથી કોરોનાને ખતમ કરવા તેમજ દેશમાં અમન, ચૈન, ભાઈચારોને એકતા કાયમ રહે…દેશ દો ગુની ચાર તરક્કી કરી વિશ્વગુરુ બને એટલી અમારી દુઆઓ કબૂલ ફરમાવજો…આમીન..

ઈદ હોય કે દિવાળી,જયારે માહોલ સારો ના હોય અને દિલમાં ખુશી ના હોય તો તહેવાર મનાવવાની મજા ફિક્કી પડી જાય છે. તો પણ મોકો છે અને દસ્તૂર પણ, તો મુબારકબાદ આપવી તો બને છે…ઈદ મુબારક…

– મુસ્તકીમ મેમણ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.