કવિતા | ભૂખ લાગી છે? ખાવાનું જોઈએ છે? પૈસા જોઈએ છે?
■ ભૂખ લાગી છે ?
ખાણોમાં કોલસા વીણીને,
ખેતરોમાં દાડિયું કરીને,
પેટીયું રળતી ‘માથાભાંગી’
આ ‘માથાભાંગી’ એટલે
નાનપણમાં એનું માથું ભાંગી ગયું હતું
ત્યારનું એનું નામ,
‘માથાભાંગી’ પડ્યું હતું.
એક દિવસ સમૂહ સાથે એ શહેર આવી.
સમૂહમાંથી અચાનક એ છૂટી પડી ગઈ.
રસ્તાની એક બાજુએ એકલી ઊભી હતી.
રસ્તાના સામા છેડાથી,
એક રૂપાળા યુવાન પુરૂષે એને ઈશારો કર્યો.
યુવાન હાથમાં પકડેલું,
બ્રેડ-પકોડાનું પડીકું બતાવતો,બોલાવતો,
વળાંક વટાવી,એક ખૂણાની જગ્યાએ જતો રહ્યો.
માથાભાંગીએ થોડી મૂંઝવણના અંતે
પેલા યુવાન પાછળ જવાનો નિર્ણય કર્યો.
તેણીએ મનોમન વિચાર્યું,
ગમે તે હોય, પણ ખાવાનું તો આપે છે ને!
ને,તેને કકડીને ભૂખ લાગી હતી.
તે અચકાતાં-અચકાતાં ખૂણામાં પહોંચી.
યુવાને પૂછ્યું:
‘ભૂખ લાગી છે ?’
‘ખાવાનું જોઈએ છે ?’
‘પૈસા જોઈએ છે ?’
માથાભાંગીએ કહ્યું : ‘હા’
યુવાને આકર્ષાતાં કહ્યું: ‘તો તું મારું થોડું કામ કરી આપીશ ?’
માથાભાંગી જાણતી હતી,
યુવાન કેવા કામની વાત કરે છે.
માથાભાંગીએ ઘણી સ્ત્રીઓને,
ખાવાનું અને પૈસા મેળવવા આ કામ કરતી જોઈ હતી.
યુવાન તેણીને ખૂણાની ચણતરવાળી
અંધારી જગ્યાએ લઈ ગયો.
ગમછો પાથર્યો,
બેઉંએ આડે આવતા વસ્ત્રાવરણો ફગાવ્યા.
તેણીની સાથળમાં,સુંવાળો ઉમળકો રેલાતો.
તો,યુવાનની જાંઘમાં,
ચકચૂર ઉન્માદ,તોફાન મચાવતો.
યુવાનની આંખોમાં વંટોળ મંડાયું.
તૃષ્ણાઓ વીજળીની માફક દોડવા લાગી.
વાસના કડાકા-ભડાકા સાથે ઘેરાવા લાગી.
કડ..ડડ..,કાળું ડિબાંગ વાદળ ધસી આવ્યું.
ધોધમાર વરસી પડ્યું.
તડ લઈને માટીનું આવરણ તૂટી ગયું.
મિનિટોમાં માટીના કણ કણમાં રેલાઓ પ્રવેશી ગયા.
હવે,માટીની ટાઢક વાદળમાં સમાઈ ગઈ હતી.
તોફાની ઉન્માદ શાંત થયો હતો.
ખરડાઈ ગયેલી લીસ્સી સાથળ નિસ્તેજ થઈ હતી.
ને,ત્વચા ઢીલી થઈ સંકોચાવા લાગી હતી.
આવરણો ઢંકાવા લાગ્યા.
બ્રેડ-પકોડાના બે ટુકડા અને પચાસ રૂપિયાની નોટ આપી,
પેલો યુવાન ચાલતો થયો.
માથાભાંગી પણ વસ્ત્રો સરખાં કરતી
પચાસ રૂપિયાની નોટ બ્લાઉઝમાં ખોસતી.
બ્રેડ-પકોડા ખાતી- ખાતી ચાલતી થઈ.
રસ્તો ઓળંગીને સામે ગઈ તો,
સમૂહ એને શોધતો ઊભો હતો.
👍પ્રવીણસિંહ ખાંટ
નોંધ:-હાંસદા સૌવેન્દ્ર શેખરની વાસ્તવિક વાર્તા પરથી વાસ્તવિક કવિતા