રક્ષક પોતે જ ભક્ષક બને તો કોને કહેવું?

વડોદરામાં પોલીસની નિર્દયતાનો/ગુનાખોરીનો કિસ્સો બહાર આવ્યો છે. 10 ડીસેમ્બર 2019 ના રોજ સવારે મૂળ તેલંગણાના અને અમદાવાદમાં રહેતા બાબુ નિસાર શેખ (ઉં.62) સાઇકલ ઉપર ચાદરની ફેરી કરવા નીકળેલ. જે ગૂમ થતાં તેમના પરિવારે 31 જાન્યુઆરી 2020ના રોજ ગૂમ થયાની જાણ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કરી હતી. 6 માસથી રઝળપાટ પછી પણ બાબુ શેખનો પત્તો ન મળતાં પરિવારે હાઇકોર્ટમાં હેબીયસ કોર્પસ દાખલ કરતાં હાઇકોર્ટે વડોદરા પોલીસને તપાસના કાગળો/સીસીટીવી ફૂટેજ સાથે 24 જૂને હાજર રહેવા જણાવ્યું હતું. 7 જુલાઈ 2020ના રોજ ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં તેમના જ PI/PSI અને ડીટેક્ટીવ સ્ટાફના 4 કોન્સ્ટેબલ સામે IPC કલમ- 304/ 201/ 203/ 204/ 34 હેઠળ ગંભીર ગુનો નોંધાયો છે. સંડોવાયેલા પોલીસ નાસતા ફરે છે. 10 ડીસેમ્બર 2019 ના રોજ ફતેહગંજ પોલીસને શક પડ્યો કે ચાદરની ફેરી તો બહાનું છે; પણ ચોર છે. ગુનો કબૂલ કરાવવા પોલીસે તેને કોમ્પ્યૂટર રૂમમાં ખુરશી સાથે બાંધીને ઢોર માર માર્યો હતો; અત્યાચાર કર્યો. બાબુ શેખનો જીવ નીકળી ગયો. પોલીસ ગભરાઈ ગઈ; લાશનો નિકાલ કરી પુરાવાનો નાશ કરી દીધો ! ગુજરાતની પોલીસ, યુપી/બિહારની પોલીસ કરતાં ઉતરતી નથી; તેવું સાબિત કરવા રીઢા ગુનેગારોને પણ શરમાવે એવા કૃત્યો કર્યા.
કેટલાંક પ્રશ્નો : [1] ગુનો કબૂલ કરાવવા અમાનુષી અત્યાચાર જરુરી છે કે સાયન્ટિફિક રીતરસમની? SDS/લાઈ ડીટેક્શન ટેસ્ટ શામાટે નહીં? [2] રક્ષક જ ભક્ષક બને? લાશને સગેવગે કરીને પુરાવાનો નાશ કરવાનું કૃત્ય કરનાર રીઢા ગુનેગાર જેવું નથી? [3] શું આ બાબુ શેખની હત્યા અંગે સ્થાનિક ACP/DCP/CP જાણતા ન હતા? જો જાણતા ન હોય તો તેઓ પોલીસ અધિકારી તરીકે લાયક નથી. જો જાણતા હતા તો વિક્ટિમના પરિવારે હાઈકોર્ટમાં જઈને દાદ માંગી પછી જ કેમ હત્યા કરનાર પોલીસ સામે ગુનો નોંધાયો? તે પહેલા આરોપી પોલીસ સામે ગુનો નોંધવાની તેમની ફરજ નહતી? જો હાઈકોર્ટમાં જઈ દાદ માંગી ન હોત તો બાબુ શેખ ગૂમ થયાની જાણવાજોગ તપાસ ફાઈલે થઈ જાત ! અને હત્યાની ઘટના પ્રકાશમાં જ ન આવત. [4] વિક્ટિમ ગરીબ હોય તો હાઈકોર્ટમાં જઈને દાદ માંગી શકે? ગરીબ વિક્ટિમ તરફે પોલીસે કામ કરવું જોઈએ તેને બદલે તેમને અન્યાય થાય તે રીતે પોલીસ કેમ ભૂમિકા ભજવે છે? [5] શું જવાબદાર પોલીસ સામે ગુનો નહીં નોંધવાની મેન્ટાલિટીને કારણે કેટલાંય ગુનાઓ કાયમી ઢંકાયેલા રહેતા નથી? [6] ગુનો એક PI/એક PSI અને 4 કોન્સ્ટેબલો સામે નોંધાયો તો બધાં જ એક સાથે ફરાર થઈ જાય? આરોપી પોલીસને આવી સગવડ કેમ અપાય છે? સામાન્ય રીતે પોલીસ, ગુનો નોંધતાં અગાઉ જવાબ કે નિવેદનના બહાને આરોપીને પોલીસ મથકે બોલાવીને બેસાડી દે છે; અને FIR નોંધાય છે; અને તરત જ એરેસ્ટ કરી લે છે; આ કિસ્સામાં પોલીસે કેમ આવું ન કર્યું ? [7] લોકોને તકલીફ થાય તો તે પોલીસની પાસે જાય છે; પરંતુ પોલીસથી જ લોકોને તકલીફ થાય તો લોકો કોની પાસે જાય? [8] હાઈકોર્ટ કહે તો જ પોલીસે કાર્યવાહી કરવાની? તો જ પોલીસે આંખો ખોલવાની? [9] દેશના કોઇપણ નાગરિકનું વ્યક્તિ સ્વાતંત્ર્ય તદ્દન ખોટી રીતે છીનવી લેવામાં આવે ત્યારે જે તે નાગરિકને અન્યાય સામે પૂરતું રક્ષણ મળી રહે તે માટે અધિકાર આપેલ છે; તેને હેબીયસ કોર્પસ કહે છે. આ અધિકાર ન હોત તો શું થાત? [10] નીચલા વર્ણના વિક્ટિમ હોય/લઘુમતીનો સભ્ય વિક્ટિમ હોય તો લોકોમાં ઊહાપોહ ન થવાનું શું કારણ છે?ઉપલા વર્ણનો વિક્ટિમ હોય તો જ લોકોમાં ઊહાપોહ થાય?
આ પરિસ્થિતિનો ઉકેલ શું? ‘નેશનલ પોલીસ કમિશન’ના 8 અહેવાલોમાં વિસ્તૃત ભલામણો કરવામાં આવી છે; નિદાન આપવામાં આવ્યું છે; તેનો અમલ કરવો પડે. આ ભલામણોનો અમલ થાય તે માટે પૂર્વ DGP પ્રકાશસિંઘે 2006માં સુપ્રિમકોર્ટમાં દાદ માંગી. સુપ્રિમકોર્ટે લાલ આંખ કરી પરંતુ કોઈ સરકાર પોલીસતંત્રને જવાબદાર બનાવવા માંગતી નથી; કોઈ સરકાર પોલીસને લોકશાહી મેનર્સવાળી બનાવવા ઈચ્છતી નથી. મત માંગનાર રાજકીય પક્ષો લુચ્ચા છે; સત્તામાં બેસી ગયા પછી પહેલું કામ પોલીસતંત્રને જડ/બિનસંવેદનશીલ/લોકશાહી મૂલ્યોની હત્યા કરનારું અને સત્તાપક્ષની કઠપૂતળી જેવું બનાવે છે. લોકોની જાગૃતિ જ પરિણામ લાવી શકે; દરેક ક્ષેત્રમાં લોકશાહી મૂલ્યોની સ્થાપના થાય તે માટે લડત ઉપાડવી પડે. લોકશાહી મૂલ્યો/માનવમૂલ્યો પ્રત્યે આદર એ જ સાચી દેશભક્તિ; એટલું સમજી લઈએ તો આ દેશનો ઉદ્ધાર જરુર થઈ જાય !
✍️ રમેશ સવાણી (નિવૃત્ત IPS)