ગુજરાત બજેટ વિશ્લેષણ, તા.03-03-2021

Wjatsapp
Telegram

ગુજરાત બજેટ વિશ્લેષણ, તા.03-03-2021

બજેટ પ્રવચનમાં ભરપૂર મોદીભક્તિ અને “ટીકા”નો તેમ જ “ચર્ચા”નો વિરોધ
આજે ગુજરાતના નાણાં પ્રધાન નીતિનભાઈ પટેલે રાજ્ય સરકારનું 2021-22નું બજેટ નવમી વખત રજૂ કર્યું છે. તે અંગે કેટલાંક અવલોકનો નીચે મુજબ છે:
(1) નાણાં પ્રધાન જે લાંબી પ્રસ્તાવના બજેટ પ્રવચનમાં બાંધે છે તેની જરૂર છે જ નહિ. એ સમયનો બગાડ છે અને એ બજેટ વિશેની રજૂઆતને બાજુમાં હડસેલી દે છે. જે સરકારી સિદ્ધિઓ હોય તેને અંગેની ચર્ચા નાણાં પ્રધાન અન્ય સમયે વિધાનસભામાં કરી શકે છે. તેને બજેટમાં થતા આવક અને ખર્ચ સાથે કશો સીધો સંબંધ હોતો નથી. બજેટ પ્રવચનનો આવો કેટલોક ભાગ કવિતા જેવો લાગે છે!!
(2) નાણાં પ્રધાને બજેટ પ્રવચનમાં આરંભમાં વડા પ્રધાન અને મુખ્ય પ્રધાનનું નામ વારંવાર લીધું અને એ સિવાય પણ તેમના આખા ભાષણમાં લીધા જ કર્યું. એ તેમની તેમના પ્રત્યેની અનન્ય ભક્તિ સિવાય કશું દર્શાવતું નથી. આ જાણે કે એક રિવાજ થઈ ગયો છે!
(3) સરકારની “ટીકા ના કરતા” એમ પણ નાણાં પ્રધાને કહ્યું. આમ કહીને તેમણે સરકારની ટીકા ના થાય એમ કહ્યું. “ગુજરાત, ઉદ્યોગપતિઓ અને સાહસિકો” વગેરેની ટીકા કરીને “બદનામ” ના કરશો એમ પણ તેમણે કહ્યું. એમ લાગે છે કે સરકારની જે કોઈ ટીકા કરવામાં આવે છે તે રાજ્ય સરકાર વગેરેને “બદનામ” કરવા માટે કરવામાં આવે છે એવી એક માનસિકતા રાજ્ય સરકારે ઊભી કરી છે. ગુજરાત સરકારની ટીકા ગુજરાતને “બદનામ” કરવા માટે કરવામાં આવે છે એમ કેવી રીતે કહેવાય? તેમણે એમ પણ કહ્યું કે “કોઈ ટીકા કરતા હોય તો ભવિષ્યમાં ના કરે.” એટલે શું સરકારની ટીકા જ નહિ કરવાની? એક મુદ્દે “આને ચર્ચાનો વિષય બનાવશો નહિ” એમ પણ તેમણે કહ્યું. એટલે શું ચર્ચા જ નહિ કરવાની?
(4) આની “માગણી હતી” તેની “માગણી હતી” એમ વારંવાર નાણાં પ્રધાન કહે છે અને શી જોગવાઈ એ માગણી સંતોષવા કરવામાં આવી છે તે કહે છે. આવું બધું બજેટ પ્રવચનમાં બોલવાની શી જરૂર છે તે સમજાતું નથી. કેન્દ્રના નાણાં પ્રધાન આવું કશુય ક્યારેય બોલતા નથી. બજેટ પ્રવચન જાણે કોઈ જાહેર સભાનું પ્રવચન હોય એમ લાગે છે. બજેટ એટલે બજેટ, એટલે આવક અને ખર્ચની રજૂઆત. એ સિવાય એમાં કશું ના હોય. “પાણી એ ભગવાનનો પ્રસાદ છે” એવું બધું શા માટે બોલવાનું? વારંવાર ધારાસભ્યોનાં નામ બોલ્યા કરે છે અને વારંવાર જાતે જાતે પોતાને અને સરકારને અભિનંદન આપ્યા જ કરે છે! આવી બધી વાતો ફાલતુ વાતો લાગે છે! લખેલું બજેટ પ્રવચન વાંચવાને બદલે કેટલું બધું બોલ બોલ કરે છે!!!! શબ્દાળુતાથી ભરચક એવું બજેટ પ્રવચન!!
(5) “અમારી ભાજપ સરકાર” એવા શબ્દો પણ નાણાં પ્રધાન બોલતા જ રહ્યા. “રાજ્ય સરકાર” શબ્દ વધારે વાજબી ના કહેવાય? સરકાર ચૂંટાય પછી સમગ્ર રાજ્યના નાગરિકોની બને છે એ બાબત તેઓ ભૂલી જતા લાગે છે.
(6) નાણાં પ્રધાન બજેટ સિવાયનું કેટલું બધું બોલ બોલ કરે છે!! બિન-જરૂરી રીતે બજેટ પ્રવચન લંબાવવાની તેમને ટેવ પડી ગઈ છે!!!
(7) “ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ” એવું પણ નાણાં પ્રધાન બોલ્યા. અરે, એ તો દર વર્ષે હોય છે જ, કારણ કે દર વર્ષે સરકારનું ખર્ચ વધતું જ જાય છે. એમાં વળી કઈ મહાન સિદ્ધિ છે?!
અને હા, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી નાણાં પ્રધાનના પ્રવચનને અટકાવીને વચ્ચે બોલે અને સરકારની આરોગ્ય ક્ષેત્રની કામગીરીની પ્રશંસા કરે એ તો હદ થઈ ગઈ!!! આ શું યોગ્ય છે? આ અધ્યક્ષના હોદ્દાને છાજે છે? નાણાં પ્રધાને પોતે રાજ્ય સરકારની પ્રશંસા કર્યા જ કરી તે શું ઓછી હતી તે અધ્યક્ષ વચ્ચે કૂદી પડ્યા? અધ્યક્ષ ફરી પણ એક વાર બોલ્યા હતા!!!
અને હા, બીજી એક આડ વાત. નાણાં પ્રધાનના બજેટ પ્રવચનમાં ગુજરાતી ભાષાની તો જે હત્યા થાય છે તેની તો વાત જ શી કરવી? તેમની વાક્ય રચનાનાં તો કોઈ ઠેકાણાં જ નથી હોતાં…!!!!


Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

રાજ્યના બજેટમાં વાસ્તવિક વધારો શૂન્ય,
દોઢ દાયકામાં પહેલી વાર બજેટમાં મહેસૂલી ખાધ આવી,
સરકારના બજેટ કરતાં સરકારનું દેવું 1.30 લાખ કરોડ વધારે,
શિક્ષણ માટે જીડીપીના માત્ર 2.2 ટકા,
આરોગ્ય ક્ષેત્રે માત્ર રૂ. 98 કરોડનો જ વધારો


કુલ ખર્ચ:
ગુજરાત સરકારનું ચાલુ વર્ષનું બજેટ રૂ. 2.15 લાખ કરોડનું હતું નવા વર્ષ માટે રૂ. 2.27 લાખ કરોડનું અંદાજપત્ર રજૂ થયું છે. આમ, ચાલુ વર્ષ કરતાં આગામી વર્ષે રૂ. 12,000 કરોડ વધુ ખર્ચાશે. આમ, બજેટમાં 5.58 ટકાનો વધારો થયો છે. જો ફુગાવાનો દર પાંચ કે છ ટકાનો ગણીએ, કે જે હાલ છે, તો બજેટમાં કોઈ વાસ્તવિક વધારો થયો નથી એમ કહેવાય. એટલે એમ કહી શકાય કે બજેટમાં દરેક બાબતમાં ઓછોવત્તો વધારો કે ઘટાડો અથવા ક્યાંક વધારો અને ક્યાંક ઘટાડો થયો છે એટલું જ!! દા.ત. ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે રૂ. 910 કરોડ ફાળવવામાં આવ્યા છે કે જે ચાલુ વર્ષે 1,019 કરોડનું હતું; ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે ચાલુ વર્ષ માટે રૂ. 7,017 કરોડ અંદાજવામાં આવ્યા હતા પણ હવે આગામી વર્ષ માટે રૂ. 6,599 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે; શ્રમ રોજગાર વિભાગ માટે રૂ. ચાલુ વર્ષે રૂ. 1,461 કરોડ ફળવાયા હતા પણ હવે તે વધારીને રૂ. 1,502 કરોડ કરાયા છે!! ગુજરાત સરકારે કોરોના લોકડાઉન દરમ્યાન રૂ. 14000 કરોડના આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી હતી. વાસ્તવમાં સરકારનું મહેસૂલી ખર્ચ ચાલુ વર્ષ માટે રૂ. 1.62 લાખ કરોડ અંદાજવામાં આવ્યું હતું,પરંતુ ખર્ચ હવે રૂ. 1.52 લાખ કરોડ થવાનો સુધારેલો અંદાજ મૂકવામાં આવ્યો છે.
ભારે મહેસૂલી ખાધ:
ચાલુ વર્ષ માટે મહેસૂલ ખાતામાં રૂ. 789 કરોડની પુરાંત અંદાજવામાં આવી હતી પણ હવે સુધારેલા અંદાજ પ્રમાણે તેમાં રૂ. 21,952 કરોડની ખાધ અંદાજવામાં આવી છે. ઘણાં વર્ષોથી ગુજરાત સરકારનું બજેટ મહેસૂલ ખાતામાં પુરાંતવાળું જ રહેતું હતું તે બે દાયકા જૂની પરંપરા હવે તૂટી છે.
બજેટ કરતાં દેવું વધારે:
ચાલુ વર્ષે સરકારે પોતાના દેવામાં જોરદાર વધારો કર્યો છે. તેનો અંદાજ રૂ. 46,766 કરોડનો હતો અને સુધારેલો અંદાજ રૂ. 61,268 કરોડનો છે. આગામી વર્ષ માટે પણ 50,751 કરોડનું દેવું લેવામાં આવશે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે. આમ, સરકારનું દેવું ભયંકર હદે વધતું જાય છે! સરકારનું દેવું ચાલુ વર્ષે રૂ. 2.96 લાખ કરોડનું રહેશે એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો. હવે ચાલુ વર્ષે દેવાના અંદાજ કરતાં આશરે રૂ. 15,૦૦૦ કરોડનો વધારો થયો છે એટલે કુલ દેવામાં વધારો થશે જ. નવું દેવું લેવામાં આવશે એટલે આવતે વર્ષે તો તે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાથી પણ વધશે. ગુજરાત સરકારના બજેટ કરતાં પણ સરકારનું દેવું રૂ. 1.34 લાખ કરોડ વધારે હશે!
શિક્ષણ ક્ષેત્રે સાવ નજીવો વધારો:
શિક્ષણ ક્ષેત્રે સરકારે ચાલુ વર્ષે રૂ. 27,932 કરોડના ખર્ચનો અંદાજ હતો. આ આંકડો સંક્ષિપ્ત અંદાજપત્રમાં જણાવ્યો છે. જો કે, બજેટ પ્રવચનમાં નાણાં પ્રધાને રૂ. 31,955 કરોડનો આંકડો જણાવ્યો હતો. એટલે સાચો આંકડો કયો તેની ખબર પડતી નથી. હવે રૂ. 32,719 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે. એટલે શિક્ષણ માટેના ખર્ચમાં રૂ. 764 કરોડનો જ વધારો થયો છે. ગયા બજેટ પ્રવચનમાં નાણાં પ્રધાને 500 શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવશે એમ કહેલું. તેનું શું થયું તે એમણે એમના પ્રવચનમાં કહ્યું નહિ. નવી શિક્ષણ નીતિમાં જીડીપીના છ ટકા જેટલી રકમ શિક્ષણ માટે ખર્ચવાનું નક્કી થયું છે પણ ગુજરાત સરકાર આગામી વર્ષે આ અંદાજ મુજબ તો 2.2 ટકા રકમ જ ખર્ચવાની છે! શું નવી શિક્ષણ નીતિ મુજબ સરકારની 37,000 શાળાઓમાં વ્યાયામ, ચિત્રકામ અને સંગીત શિક્ષકોની ભરતી કરવા માટેનો ઈરાદો ધરાવે છે ખરી?
આરોગ્ય માટે નજીવો વધારો:
આરોગ્ય ક્ષેત્ર માટે રૂ. 11,225 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આગામી વર્ષ માટે રૂ. 11,323 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આમ, ચાલુ વર્ષ કરતાં માત્ર રૂ. 98 કરોડનો જ વધારો થયો છે!! આટલા ખર્ચમાં કેવી રીતે ગ્રામ વિસ્તારોમાં આરોગ્યની સારી સવલતો ઊભી થશે? પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, રેફરલ તથા જિલ્લા હોસ્પિટલોમાં ખૂટતો સ્ટાફ અને ખૂટતી સવલતોની કેવી રીતે આટલા જ વધારામાં પૂર્તિ થઈ શકે?
યોજનાઓ અને ખર્ચ:
નાણાં પ્રધાને ગયા વર્ષે બજેટ રજૂ કર્યું ત્યારે કુલ 17 નવી યોજનાઓ જાહેર કરી હતી. આ યોજનાઓનું શું થયું તેની કોઈ વિગતો તેમણે તેમના પ્રવચનમાં રજૂ કરી નથી. જેમ કે, સરકારે ગયા બજેટમાં 65 હજાર લારીગલ્લાવાળાને રૂ. 8 કરોડના ખર્ચે છત્રી આપવામાં આવશે એમ કહેલું. હવે નાણાં પ્રધાને પ્રવચનમાં એમ કહ્યું કે હજારો લોકોને છત્રી આપવામાં આવી છે. તેમણે કેટલાને છત્રી આપવામાં આવી અને કેટલો ખર્ચ થયો તે પ્રવચનમાં જણાવ્યું જ નહિ. જો કે, એકલા અમદાવાદમાં જ આશરે એક લાખ લારીગાલ્લા હોવાનો અંદાજ છે!
બેકારી:
ગુજરાત સરકાર પાંચ વર્ષમાં બે લાખ યુવાનોને સરકારમાં નોકરી અપાશે એમ નાણાં પ્રધાને કહ્યું છે. સરકારની રોજગાર વિનિમય કચેરીઓમાં 2019માં 4.53 લાખ લોકો નોંધાયેલા બેકાર હતા.એટલે પાંચ વર્ષમાં કેટલા લોકો બેકાર રહેશે તે નક્કી છે. ખાનગી ક્ષેત્રે કેટલી રોજગારી આ બજેટને પરિણામે ઊભી થશે તેનો કોઈ અંદાજ રજૂ કરવામાં આવ્યો નથી. 2018માં વર્ગ-3ની 12,000 જગ્યા માટે 37.7 લાખ લોકોએ અરજી કરી હતી તે વાત ધ્યાનમાં લઈએ તો ખ્યાલ આવે કે કેટલી બેકારી છે અને તે ક્યારે દૂર થશે. ગુજરાતમાં 2020-21માં મનરેગા હેઠળ એક પરિવારને 40.59 દિવસની જ રોજગારી પૂરી પાડવામાં આવી છે કે જ્યારે કાયદો 100 દિવસની રોજગારી આપવાનું કહે છે! વળી, એક દિવસનું સરેરાશ વેતન રૂ. 196 જ ચૂકવવામાં આવ્યું છે! વળી, 18.71 લાખ લોકોએ મનરેગા હેઠળ રોજગારી મેળવી હતી. એટલે રાજ્યમાં કેટલી અર્ધબેકારી છે તેનો અંદાજ આવી શકે છે. ગ્રામ વિસ્તારોની આ ભયંકર બેકારી નવા વર્ષના બજેટથી દૂર થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી.
ખેતીમાં વીજળીમાં સબસિડી:
નાણાં પ્રધાને એમ કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોને વીજળીમાં રૂ. 8,410 કરોડની સબસિડી આગામી વર્ષે આપશે. તેમણે એમ કહ્યું કે આટલી સબસિડી કોઈ રાજ્ય આપતું નથી. તદ્દન નરદમ જુઠાણું છે આ. એકલા પંજાબમાં રૂ. 16,400 કરોડની સબસિડી આપવામાં આવે છે. અન્ય અનેક રાજ્યોની સબસિડી ગુજરાત કરતાં વધારે છે.

  • હેમંતકુમાર શાહ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.