બૌદ્ધ | ગુજરાત છે બુદ્ધની ભૂમિ. જાણો ક્યાં ક્યાં છે બુદ્ધના નિશાન

Wjatsapp
Telegram

7 મે 2020
આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે સૌને શુભેચ્છા!!!

ભારત વિશ્વ ગુરુ હતું તો તથાગત ગૌતમ બુદ્ધ ના કારણે હતું અને આજે દુનિયાના અનેક દેશો ભારતને બુદ્ધના જન્મસ્થાન હોવાના કારણે ગુરુ ભૂમિ માને છે.

આ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે મારે વાત કરવી છે બહુજન સાહીત્યકાર નિલેશભાઈ કાથડ લિખિત અને શરૂઆત પબ્લિકેશન દ્વારા પ્રકાશિત અમુલ્ય પુસ્તક “સૌરાષ્ટ્ર કચ્છની બૌદ્ધ ગુફાઓ” વિષે જે દરેક લોકોએ વાંચવું રહ્યુ અને સાથે આ પ્રકારના પુરાતાત્વીક અવશેષો તેમની આસપાસ કયાય નજરે ચડે તો તે તરફ સરકારશ્રીનું ધ્યાન દોરીને ભારતનાં અમુલ્ય વારસાને જીવંત કરવા પ્રયાસો કરવા રહ્યા.

ભારતનો અને એમાં પણ ખાસ કરીને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવાનું કામ નિલેશભાઈ કાથડ દ્રારા કરવામાં આવ્યું છે.

પુસ્તકના પાને પાને તેમની સાહિત્યિક રચના ‘પીડાની ટપાલ’ ની જેમ ગુજરાતમાં બુદ્ધિસ્ટ પુરાતાત્વીક સ્થળોની સુરક્ષા અને સાચવણીની દરકાર નહી લેવાની વ્યથા નજરે પડે છે. નિલેશભાઈ પોતાની વેદના ઠાલવે છે કે આ બુદ્ધિસ્ટ સ્થળોની યોગ્ય જાણવણી કે રખરખાવ પણ કરવામાં આવ્યો નથી.

પુસ્તકમાં વિસ્તારથી નિલેશભાઈ પોતાની વાત રજુ કરે છે કે કેવી રીતે વિવિધ બુદ્ધિસ્ટ પુરાતાત્વીક સ્થળોએ અતિક્રમણ કરીને ભારતના સમૃદ્ધ વારસાને નેસ્તનાબૂદ કરવાનું એક સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે. જે બાબતે આપણે વિસ્તૃત માહીતી નિલેશભાઈ કાથડ દ્રારા તેમના પુસ્તક “સૌરાષ્ટ્ર કચ્છની બૌદ્ધ ગુફાઓ” મા જોઈ શકાય છે.

સાણા વાંકીયાની બૌદ્ધ ગુફાઓ પર માતાજીનો મઢ બનાવીને પુરાતાત્વીક વિભાગે બૌદ્ધ ગુફાઓના રક્ષણ માટે લગાવેલા બોર્ડમાંથી ‘બૌદ્ધ’ શબ્દને ભૂંસી નાખવામાં આવ્યો છે.

સાણા વાંકીયાની બૌદ્ધ ગુફાઓ

૨૨૦૦ વર્ષ પહેલા બંધાયેલા હડમતિયા ગીરનો બૌદ્ધ સ્તુપ કે જેનો સરકાર દ્રારા ૧૯૭૭ માં રક્ષિત સ્મારકોની યાદીમાં સમાવેશ કર્યો હતો તેનું રક્ષિત બોર્ડ કયાંય જોવા મળતું નથી.

ચોથી સદીમાં બનાવવામાં આવેલ મંડોરની બૌદ્ધ ગુફાઓને રંગરોગાન કરીને મહાદેવની સ્થાપના કરેલ છે. જયારે આ ગુફાઓ પર તકતીઓ લગાવી છે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ‘જુનાગઢ સ્ટેટના એનશમન્ટ મોન્યુમેન્ટ ધારો સંવત ૧૯૮૯ અનુસાર કોઈ પણ માણસ આ શિલાલેખને નુકસાન કરશે અગર બેડોળ કરશે કે આઘોપાછો કરશે તો તે શિક્ષા પાત્ર ગુનો થશે. જીલ્લા મેજીસ્ટ્રેટ સૌરાષ્ટ્ર રાજય તરફથી પણ તેવી ચેતવણી લગાવી છે.

સાણા વાંકીયાની બૌદ્ધ ગુફાઓ

ઈસવીસન પુર્વે પહેલી સદીમાં બનાવવામાં આવેલી લોરની અષ્ટશીલબૌદ્ધ ગુફાઓમાં માતાજીની સ્થાપના કરી દેવામાં આવી છે. પુરાતાત્વીક વિભાગનું રક્ષિત બોર્ડ કયાંય દેખાતું નથી.

સુરવા ગીરની બૌદ્ધ ગુફાઓ પાસે આશ્રમ બનાવી દેવામાં આવ્યો છે, આશ્રમ કાયદેસર છે કે ગેરકાયદેસર એ જાણી શકાયું નથી. તથા પુરાતાત્વીક વિભાગનું રક્ષિત બોર્ડ કયાંય દેખાતું નથી.

ફરેડાની બૌદ્ધ ગુફાઓ ટપકેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. નિલેશભાઈ લખે છે કે આ ગુફાઓ બાબતે પુજારી રામાનંદ બ્રહ્મચારી પાસે માહીતી માંગતા તેમની પાસે કોઈ વિશેષ માહીતી ન હતી પરંતુ પુજારીના કહેવા પ્રમાણે આ ગુફાઓ સ્વયંભૂ પ્રગટી છે જે તથ્યો થી વિપરિત કાલ્પનિક વાત છે.

સાણા વાંકીયાની બૌદ્ધ ગુફાઓ

તળાજાની બૌદ્ધ ગુફાઓ વિષે નિલેશભાઈ જણાવે છે કે ઐતિહાસિક નોંધ પ્રમાણે તળાજામાં ૩૦ બૌદ્ધ ગુફાઓ છે. ઈતિહાસકારો એ આ માહીતી દીવાનખંડના સોફા પર બેસીને લખી હોય તેવું લાગે છે હકીકતમાં ૪૦ બૌદ્ધ ગુફાઓ છે.

૪૦ ગુફાની અંદર આવેલી ધ્યાન ગુફાઓનો સરવાળો ૧૨૫ ગુફાઓથી વધારે થાય છે. ગુફા નંબર ૧૬ પાસે ખોડીયારમાતા બિરાજમાન છે. વર્ષો પહેલા મહાદેવનુ મંદિર પણ બનાવ્યુ છે. સેવાપૂજા કરતા પુજારીને આ બાબતે પુછપરછ કરતા તેઓ મૌન રહે છે અને મંદિરના કાગળીયા મુંબઈ પડ્યા છે તેવું જણાવે છે.

ખંઢેરીની બૌદ્ધ ગુફાઓ પર ભોયરુ સમજી ખનન કર્તાઓ દ્રારા મશીનો ફેરવી દીધાં હોય તેવું લાગે છે. ભવ્ય વિરાસતને નષ્ટ કરવામાં આવી છે એવા અનુમાનના પુરતા કારણો છે.

નિલેશભાઈ વિસ્તૃત માહીતી આપે છે કે રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકામાં ઢાંકની બૌદ્ધ ગુફાઓનું પુરાતાત્વીક વિભાગનું રક્ષિત બોર્ડને સળગાવી બાવળની કાંટાળી વાડમાં ફેંકી દેવામાં આવ્યું છે. ગુફાની ઉપરના ભાગે ડુંગરેશ્વર મહાદેવનુ મંદિર બની ગયું છે પરંતુ વૈશ્વિક લેવલે ગુજરાતના સ્થાપત્યની ઓળખ બની શકે તેવા વારસા સામે સરકાર, પુરાતાત્વીક વિભાગ અને ઈતિહાસકારો ચુપ છે.

ધામળેજની બૌદ્ધ ગુફાઓમાં નળેશ્વર મહાદેવને બિરાજમાન કર્યા છે અને જગ્યાનો કબજો કરેલો છે. ગુફામાં સમયને અનુરૂપ ફેરફાર કરેલો દેખાય છે અને સ્થળ સાથે પૌરાણિક કથા જોડી દીધેલ છે. વૈશ્વિક સંશોધકો પાસે મૌર્યકાલિન ઈતિહાસ તારીખ સાથે સંશોધિત થઈને ભારત અને વિશ્વની વિશ્વવિદ્યાલયોમા મૌર્ય સમ્રાટોનો ઈતિહાસ ભણાવવામાં આવે છે પરંતુ પૌરાણિક કથાઓને પ્રમાણભૂત માનવાના કોઈ પ્રમાણો નથી.

નાંદીવેલા ગીરની બૌદ્ધ ગુફાઓ પર ખોડીયાર ની મુર્તિ બિરાજમાન કરી છે અને મૂર્તિના આગળના ભાગે હનુમાનજી બિરાજમાન કર્યા છે. ડુંગરના ઢોળાવ પર ધ્યાન કુટીરો છે, જેને ફેરફાર કરી મુળ સ્વરુપને બદલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ઈસવીસન ચોથી સદીની રાણપરની બૌદ્ધ ગુફાઓમાં માહીતી પ્રમાણે એક ગુફામાં સુતેલા બુદ્ધની મુર્તિ હતી જેનો પથ્થરની ખાણોના ખોદકામમાં નાશ કરવામાં આવ્યો છે. બીજી એક ગુફામાં બૌદ્ધ સ્તૂપને ધીંગેશ્વર શિવલિંગમાં પરિવર્તિત કરેલ છે અને સરકારનાં પુરાતાત્વીક વિભાગે પણ બોર્ડ લગાવી પુષ્ટિ કરી છે કે બૌદ્ધ સ્તૂપને ધીંગેશ્વર શિવલિંગમાં તબદીલ કરેલ છે. ગુજરાતના પ્રાચીન સ્મારકો અને પુરાતાત્વીક સ્થળો કાયદા દ્રારા રક્ષિત છે. આ સ્થળને નુકસાન કરવુ કે એને હટાવવુ ગુનો બને છે અને કાયદા દ્રારા ૫૦૦૦૦ દંડ અથવા ત્રણ મહીનાની કેદની જોગવાઈ છે પરંતુ બોર્ડ પ્રમાણે બૌદ્ધ સ્તૂપમા ફેરફાર કરીને ધીંગેશ્વર શિવલિંગમાં બદલી નાખવા બદલ દંડ કોને કરવો? ધીંગેશ્વરના પુજારીને કે બોર્ડ લગાવનાર પુરાતાત્વીક વિભાગને?
ખડકલીનો બૌદ્ધ સ્તૂપ જે નાનકડા ટીંબાના સ્વરુપે જળવાઈ રહ્યો હતો તેમાં પાળિયા જેવા પથ્થરો પર પાલિ ભાષામાં ધમ્મસંદેશનું લખાણ જોવા મળે છે. આ ટીંબાને સમથળ કરતા ત્યારે તેમાથી નકશીકામવાળા વિવિધ પથ્થર નાની ઈંટો, માટીના ઘડા,રાખ અને માટીના વાસણો પણ નીકળતા હતા. ટીંબા માંથી પુષ્કળ પ્રમાણમાં પથ્થરની શીલાઓ નીકળી હતી જેને પાઉડર બનાવવા ફેક્ટરીમાં મોકલી આપી છે. બોલો વૈશ્વિક વિરાસત એવા શિલાલેખો ને પાઉડર બનાવવા ફેકટરીમાં મોકલી આપવામાં આવી? છે ને અચરજ થાય તેવી વાત!!

સૂત્રાપાડાની બૌદ્ધ ગુફાઓ પર ચ્યવન ઋષિનો આશ્રમ અને સુર્ય મંદીર બનાવી દેવામાં આવ્યું છે પરંતુ આ બૌદ્ધ ગુફાઓમાં કરવામાં આવેલ ફેરફાર નરી આખે પણ પકડાઈ જાય છે. બુદ્ધની મુર્તિને રંગરોગાન કરીને બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુફા અડધી દટાયેલી છે અને તેમાં બુદ્ધની મુર્તિ છે. મંદિરોની ઉપર નવો ચણેલો ભાગ ફેરફાર થયાની સાક્ષી આપે છે. ગુફાની અંદર ધ્યાન બેઠક છે. કુંડમાં આવેલ ગોખમાં બુદ્ધની મુર્તિ છે. એક હાથમાં ફુલ અને બીજા હાથમાં ભિક્ષા પાત્ર છે. નજીકમાં બૌધિવૃક્ષ પણ છે.

ઈસવીસન પહેલી અને બીજી સદીની દમાસાની બૌદ્ધ ગુફાઓની અંદર ભવાની માતાનું મંદિર બનાવી દીધું છે. માતાના સ્થાનક સિવાય કુલ આઠ બૌદ્ધ ગુફાઓ જેમની તેમ છે.
સિહોરની બૌદ્ધ ગુફાઓ પર ગૌતમેશ્વર મહાદેવને બિરાજ્યા છે. હકીકતમાં ચીની પ્રવાસી બૌદ્ધ ધર્મના અધ્યયન માટે અહીંથી તળાજા સુધી આવ્યો હશે. પુર્વે અહીં પહેલી અને બીજી સદીમાં બૌદ્ધ ભિખ્ખુઓ વિહાર કરતા હતા અને ઈ.સ.૮૭૫ સુધી અહીં બૌદ્ધ ધર્મ અસ્તિત્વમાં હતો.

ઉપરની તમામ બૌદ્ધ ગુફાઓ પર કાલ્પનિક શ્રદ્ધાના આધારે કરેલ અતિક્રમણ કે મુળ વારસાને પચાવી પાડવાની મનોવૃત્તિ આ પુસ્તકના લેખક હુબહુ રજુ કરે છે.

સાણા વાંકીયાની બૌદ્ધ ગુફાઓ

સમસ્ત ગુજરાતના લોકોએ બહુજન સાહીત્યકાર નિલેશભાઈ કાથડનો આભાર માનવો પડે કે તેમણે આપ્ત દર્શન અને રુબરુ મુલાકાતો લઈને આ બુદ્ધિસ્ટ સ્થળોને લોકો સમક્ષ ઉજાગર કર્યા છે, સાથે સાથે ભારત જયારે વિશ્વ ગુરુ રુપે વિશ્વમાં આદર ધરાવતું હતું તેનો ઈતિહાસ લોકો સમક્ષ મુક્યો છે.

અંગ્રેજો દ્રારા વિવિધ પુરાતાત્વીક સ્થળોના ખોદકામથી ભારતના લોકો બુદ્ધના સાચા ઈતિહાસ થી પરિચિત થયા નહી તો બુદ્ધને પણ લોકોએ કાલ્પનિક ઈશ્વર ગણીને અવતારવાદ સુધી સિમિત કરી દીધા હોત.

બુદ્ધે વેદ-આત્મા-પુનર્જન્મ-ઈશ્વર જેવી કાલ્પનિક વાતોને રદીયો આપ્યો તેને જ અવતાર ઘોષિત કરવાની ચાલબાજી નિરર્થક પુરવાર થઈ.
બુદ્ધ ની શિક્ષાને જ સિદ્ધાંત કેમ કહેવામાં આવે છે, બીજા દેવી-દેવતાના ધર્મ ઉપદેશો ને સિદ્ધાંત કેમ કહેવામાં નથી આવતા?

વિવેકબુદ્ધિ સાથે એક પરમ સત્ય સુધી પહોચેલા નિષ્કર્ષને સિદ્ધાંત જ કહેવાય, જેમા કઈ પણ કાલ્પનિક નહી હોય,
જેમાં જ્ઞાન પણ હશે અને વિજ્ઞાન પણ હશે,
જે ઉપદેશ ને વ્યવહાર મા અનુભવ ના આધાર પર સિદ્ધ કરી શકાય તેને સિદ્ધાંત બોલી શકાય. શાયદ એટલે જ બુદ્ધની શિક્ષા ને સિદ્ધાંત કહેવાય છે.

પુસ્તક – સૌરાષ્ટ્ર કચ્છની બૌદ્ધ ગુફાઓ પુસ્તક ખરીદવા ફોટો પર ક્લિક કરો.
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

ઓગણીસમી સદીના આરંભ સુધી ભારતના લોકો સમ્રાટ અશોકથી અપરિચિત તો હતા જ પરંતુ સાથે સમ્રાટ અશોકના શાસન કાળ દરમ્યાન કરવામાં આવેલી કામગીરીથી પણ અજાણ હતા.

સમ્રાટ અશોક ભારતના લોકોની બુદ્ધ સાથે જોડાયેલી એક અતુટ કડી છે જેને નકારી શકાય નહી.
ડો. અરવિંદ અરહંત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

3 Responses

 1. વિનોદ બૌદ્ધ says:

  ખુબજ સુંદર સમજ આપી દિલ થી સાધુવાદ
  પ્રિય ધમ્મ બંધુ ડૉ. અરહંત સાહેબ નિલેશભાઈ કાથડ તેમજ કૌશિક પરમાર સાહેબ ને નમો બુદ્ધાય જય ભીમ

  • Sharuaat says:

   જય ભીમ નમો બુદ્ધાય

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

Leave a Reply

Your email address will not be published.