ગુજરાતી દલિત સાહિત્ય

ગુજરાતી દલિત સાહિત્યકારો, કવિઓ, લેખકોથી હું નારાજ છુ.
માતૃભાષા ગુજરાતીમાં પૂરતા પ્રમાણમાં દલિત સાહિત્ય નથી અને જેટલું છે તે લોકભોગ્ય નથી.
વડીલો,
માફ કરશો. પણ તમે ચાલીસ જણની ચોકડી બનાવીને પોતાની પીઠો થાપથપાવી રહ્યા હોય, તેવું પ્રતીત થઈ રહ્યું છે.
ડૉ. બાબાસાહેબના વોલ્યુમ સરકારે ૧૯૯૨ થી અનુવાદ કરવાની શરૂ કરી. પણ દલિત સાહિત્યકાર તરીકે તમારું યોગદાન શુ? તમારા સ્વતંત્ર લખાણો ક્યાં? સરકાર પર આપણે ગરજ રાખવી જ કેમ પડે? આનું એક કારણ મેં જે જાણ્યું એ છે કે ડૉ. બાબસાહેબના વોલ્યુમ અનુવાદ કરવા એટલે પોતાની અણઆવડત છતી કરવી બરાબર છે. કારણ કે અનુવાદ કરવામાં તમે ૧૦૦% પકડાઈ જાવ એમ છે. કેટલાયને આ છૂપો ડર છે.
દલિત સાહિત્યમાં ૬ પ્રકારના લોકો છે. આજે તેમની વાત મારે કરવી છે. (જેને ખોટું લાગવું હોય તેને લાગે.🙃)
પ્રકાર ૧ : સ્વયં સર્ટિફાઈડ દલિત સાહિત્યકારો
આ પ્રકારના લોકો જાતે પુસ્તકો લખે છે, જાતે પુસ્તકો છપાવે છે. કેટલાક મિત્રો પાસેથી રૂપિયા દાન લે છે. અને મોટેભાગે મફત વિતરણ કરે છે. તેઓ મોટરભાગે 500 નકલો જ છપાવે છે. અને આ 500 નકલો લોકોને ભેટ આપી રહે એટલે તેમનું સાહિત્ય અપ્રાપ્ય થઈ જાય છે. અથવા નવેસરથી દાન ઉઘરાવીને ફરીથી 500 કોપીઓ છપાય છે. આવા લેખકને દલિત સાહિત્ય લખ્યાનો સ્વયં આનંદ પ્રાપ્ત થાય છે. મોટેભાગે આવા લેખકો(બધા નહિ)ના લખાણો વિશ્વાસપાત્ર નથી. અસંખ્ય ભૂલો હોય છે. આમાં, મોટેભાગે સરકારી નોકરી કરતા લોકો, ભંતે, સામાજિક કાર્યકર્તાઓ, વિગેરે આવી જાય છે. જો કે જ્યાં સાહિત્ય જ નથી ત્યાં આ રીતે પણ સાહિત્ય તૈયાર કરવું, અભિનંદનને પાત્ર છે. પણ, વર્ષોના વર્ષો અનેક પુસ્તકો લખ્યા પછી પણ આ લોકોમાં સાહિત્ય પ્રત્યે ગંભીરતા આવતી નથી અને ભૂલો કરવાનું ચાલુ રાખે છે.
પ્રકાર ૨ : સવર્ણ સર્ટિફાઈડ દલિત સાહિત્યકારો
આ પ્રકારના લોકો નામી સવર્ણ લેખકો અને કવિઓ પાસેથી સર્ટિફિકેટ લેવાનો જબરજસ્ત આગ્રહ રાખે છે. એ જે કાંઈ લખે તેને સવર્ણ સાહિત્યકારોને બતાવે છે, તેમના સૂચનો પ્રમાણે સુધારા વધારા કરે છે. તેમની પાસે પ્રસ્તાવના કે બે સારા શબ્દો લખાવી તેનો જબરજસ્ત પ્રચાર કરે છે કે જુઓ, “ફલાણા ફલાણા મોટા સવર્ણ સાહિત્યકારે મને સર્ટિફિકેટ આપ્યું.” જ્યારે પોતાના પુસ્તકના લખાણનો એટલો પ્રચાર કરતા નથી.
પ્રકાર ૩ : એવોર્ડ ભૂખ્યા દલિત સાહિત્યકારો
આ પ્રકારના લોકો હું શું લખું તો મને ફલાણો ફલાણો એવોર્ડ મળે!🤔 તેવી ગણતરી રાખીને લખે છે. એવોર્ડ મેળવવા માટે, જે લખવું પડે તે લખે છે. અને તેના માટે જરૂરી લોબિંગ લખતા પહેલા જ ચાલુ કરી દે છે.
પ્રકાર ૪ : ચોર-લૂંટારા દલિત સાહિત્યકારો
આ પ્રકારના લોકો બેશરમ બનીને કોઈકના પુસ્તક, થિસીસ, જર્નલ, આર્ટિકલમાંથી બેઠઠે બેઠઠા ફકરા ઉતારી લે છે. ચોર, લૂંટારા એટલા માટે કે આ લોકો જેમના પુસ્તકમાંથી લીધું છે તેમને ક્રેડિટ પણ નથી આપતા અને પોતાનું સર્જન છે, તેમ જણાવે છે.
પ્રકાર ૫ : મુવમેન્ટના દલિત સાહિત્યકારો
આ પ્રકારના લોકોએ ડૉ. બાબાસાહેબ, માન્યવર કાંશીરામ, પેરિયાર, વિગેરેને પુરા વાંચ્યા નથી હોતા. થોડું થોડું વાંચન હોય છે અને પોતાના મનમુજબ અર્થઘટન કરી તેને મુવમેન્ટ જાહેર કરે છે. અને આવી મનઘડંત મુવમેન્ટ માટે પત્રિકા, છાપા, મેગેઝીન, નાની પુસ્તિકાઓ, આર્ટિકલો, લખે છે. આ સાહિત્ય વાંચવામાં બોરિંગ, મનુવાદ, બ્રહ્મણવાદ વિરુદ્ધ નફરતથી ભરેલું હોય છે. જેમાં ડર બતાવી એકતા કરવાની વાત હોય છે. આ સાહિત્યમાં વિઝન (લક્ષ્ય)નો અભાવ જોવા મળે છે.
પ્રકાર ૬ : સાચા દલિત સાહિત્યકારો
બધું જ વાંચે છે. વિરોધી મતને પણ વાંચે છે, ટીકાઓને ગંભીરતાપૂર્વક સાંભળે છે. પુરા તર્કો સાથે પુસ્તક લખે છે. દલિત સમાજમાં વર્તમાનમાં ચાલતી પરિસ્થિતિઓને અનુરૂપ લખે છે. ભવિષ્યની દિશા બતાવે છે. જેટલું જાણે છે, તેટલું જ લખે છે. કોઈની ક્રેડિટ નથી ખાતા. લખાણોના સંદર્ભો મૂકે છે.
દલિત સમાજમાં,
સાહિત્યથી લઈને તે છેક મુવમેન્ટ સુધી,
સ્વયંઆનંદ મેળવવા કરવામાં આવતું હોય તેવું લાગે છે. પોતાના સાહિત્યથી સમાજ પર શુ અસર પડશે? એવું ભાગ્યે જ કોઈ વિચારતું હશે!🤔
પોતાનું સાહિત્ય કેવી રીતે વધુમાં વધુ લોકો સુધી લઈ જવું તેમ ભાગ્યે જ કોઈ વિચારતું હશે!🤔
દલિત સાહિત્યના પાયામાં જનજાગૃતિ છે, સામાજિક ચેતના જગાવવી છે. જો આ લક્ષ્ય સિદ્ધ ના થતું હોય તો નિશ્ચિતપણે તમે ખોટી દિશામાં કામ કરી રહ્યા છો.
સાહિત્યકારોના મેળાવડામાં હું સામાન્ય જનતાને ક્યાંય જોતો નથી. આ તેની સાબિતી છે કે, દલિત સાહિત્યકારોને સમાજ સાથે નિસબત ઓછી અને પોતાના સાહિત્ય સાથે વધારે છે.
વળી,
ઉપરના લગભગ બધા જ પ્રકારમાં એક વાત કોમન છે. સામાન્ય દલિત પ્રજા વાંચી, સમજી શકે તેટલું સરળ નથી હોતું. જે પ્રજા માટે તમે સાહિત્યની રચના કરો છો તેને જ નજરઅંદાજ કરી દો, તો કેમ ચાલે?😢
નોંધ : આ બહુમત દલિત સાહિત્યકારોને ધ્યાન પર લઈને લખ્યું છે. પછી તમારે વ્યક્તિગત રીતે ઓઢી લેવું હોય તો છૂટ છે.
કૌશિક શરૂઆત
8141191311