ઉચ્ચ શિક્ષણનો ધંધો ગુજરાતમાં પૂરબહારમાં

PRIVATION IN EDUCATION
Wjatsapp
Telegram

પ્રસ્તાવના

નવી શિક્ષણ નીતિના મુદ્દા નં. 8.4માં લખવામાં આવ્યું છે કે, “જાહેર શિક્ષણ વ્યવસ્થા ધબકતા(vibrant) લોકશાહી સમાજનો પાયો છે.” ગુજરાતમાં વાયબ્રન્ટ પરિષદો 2003થી યોજવામાં આવી. તેનો ઉદ્દેશ ઔદ્યોગિક રોકાણ આકર્ષવાનો હતો અને છે. નવી શિક્ષણ નીતિમાં પણ આ શબ્દ વાપરવામાં આવ્યો છે. શું સરકાર શિક્ષણને ખાનગી ઉદ્યોગ સમજે છે? લાગે છે તો એમ જ. કમ-સે-કમ હાલની ગુજરાત સરકારના કિસ્સામાં તો એમ જ લાગે છે. જો કે, 2001 પછી તો શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં ખાનગી ઉદ્યોગ પૂરબહારમાં ખીલ્યો છે એ સૌ જાણે જ છે અને અનુભવે છે.

ગુજરાત સરકારે અનુદાનિત કોલેજોને ખાનગી યુનિવર્સિટીઓમાં ભેળવી દેવામાં તેનો કાનૂની માર્ગ મોકળો કર્યો છે. જે સખાવતી ટ્રસ્ટો સ્વનિર્ભર કોલેજો ચલાવે છે તેઓ અનુદાનિત કોલેજો પણ ચલાવે છે. અનુદાનિત કોલેજોમાં અધ્યાપકોનો અને કર્મચારીઓનો પગાર સરકાર આપે છે. થોડીક ગ્રાન્ટ કોલેજોના નિભાવ માટે પણ આપે છે. હવે એ પણ સરકારને આપવું નથી માટે આ કારસો રચવામાં આવ્યો છે. આ રીતે ગુજરાતનું ઉચ્ચ શિક્ષણ શું “ધબકતા લોકશાહી સમાજ”નો પાયો બની શકે? ‘વાયબ્રન્ટ’નો અર્થ ‘ધ્રૂજતું’ પણ થાય છે એ યાદ રાખવું ઘટે.

ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ

અનુદાનિત કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં જોડી શકાય તેવા મતલબની જોગવાઈ કાનૂની ધોરણે કરવામાં આવી છે. તે માટે ખાનગી યુનિવર્સિટીઓ માટેના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગેનું જાહેરનામું તા. 22-05-2021ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા દ્વારા 2009માં જે ગુજરાત ખાનગી યુનિવર્સિટી ધારો ઘડવામાં આવ્યો હતો તેમાં સુધારો કરાયો છે. આ કાયદાની કલમ-૩(1)(5)માં “અનુદાનિત કોલેજો અને સંસ્થાઓ સિવાયની” સંસ્થાઓ કે કોલેજો ખાનગી યુનિવર્સિટીમાં જોડાશે નહિ એવી જે જોગવાઈ આ કાયદાના 2011ના સુધારામાં કરવામાં આવી હતી તે રદ કરવામાં આવી છે. મૂળ કાયદામાં આવી જોગવાઈ હતી જ નહિ. 2011માં આ જોગવાઈ કરવામાં આવી હતી.

2021ના આ સુધારાને પરિણામે અનુદાનિત કોલેજો અને સંસ્થાઓ પણ ખાનગી યુનિવર્સિટીમાં જોડાઈ શકશે એવો તેનો અર્થ થાય છે. પ્રશ્ન એ છે કે જેનો ઉદ્દેશ જ નફો કમાવાનો છે એવી સંસ્થા સાથે જેનો ઉદ્દેશ નફો કમાવાનો નથી, પણ નાગરિકોનું કલ્યાણ કરવાનો છે તેવી કોલેજો કેવી રીતે જોડાઈ શકે? આ તો સાવ જ કજોડું છે. એ તો જ સજોડું બને કે જ્યારે અનુદાનિત કોલેજો પણ નફાના ધોરણે ચાલે. સરકાર એમ જ ઈચ્છે છે. માની લઈએ કે સરકાર અનુદાનિત કોલેજો ખાનગી યુનિવર્સિટીઓમાં ભળી જાય તે પછી પણ તેમને ગ્રાન્ટ આપવાનું ચાલુ રાખશે, તો તે કેટલા વખત સુધી ચાલુ રાખશે? ખાનગી યુનિવર્સિટીઓ પોતે શું ધીમે ધીમે અનુદાનિત કોલેજોને ખતમ કરવાના રસ્તા નહિ અપનાવે? અત્યારે પણ કોલેજોમાં સરકાર માન્ય તથા અનુદાનિત અધ્યાપકોની ભરતી નહિ કરીને કેટલાંક ટ્રસ્ટો અનુદાનિત કોલેજો બંધ કરવાની કે તેમને ધીરે ધીરે ખાનગી બનાવી દેવાની પેરવી કરી જ રહ્યાં છે. તો ખાનગી યુનિવર્સિટીઓ ભવિષ્યમાં આવું નહિ કરે તેની શી ખાતરી?

આ સુધારો કરાયો ત્યારે કાયદાની કલમ-૩(7) રદ કરવામાં આવી છે. આ પેટા કલમમાં એમ કહેવામાં આવ્યું હતું કે ખાનગી યુનિવર્સિટીઓને “કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનું સહાયક અનુદાન અથવા કોઈ નાણાકીય સહાય પ્રાપ્ત થશે નહિ.” આ કલમ રદ થાય તેનો અર્થ એવો થાય છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હવે ખાનગી યુનિવર્સિટીઓને અનુદાન કે નાણાકીય સહાય આપી શકે છે. આ એક પ્રકારની છેતરપિંડી છે. સરકાર આ કલમ રદ કરીને એમ કહેવા માગે છે કે સરકાર તો ખાનગી યુનિવર્સિટીઓને પણ અનુદાન આપશે જ. પ્રશ્ન એ છે કે જો સરકારે એ કોલેજોને ગ્રાન્ટરૂપે સહાય આપવી જ હોય તો તે શા માટે ખાનગી યુનિવર્સિટીઓમાં અનુદાનિત કોલેજોને જોડાવા દે છે? સ્પષ્ટ અર્થ એ છે કે સરકાર પોતે જ ખાનગીકરણ ઈચ્છે છે માટે તો કાયદામાં છેતરામણો સુધારો કર્યો છે કે જેથી વિરોધ ના થાય. રાજ્ય સરકાર અનુસ્નાતક અને પીએચડી થયેલા અધ્યાપકોને મૂર્ખ સમજે છે.

ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ ધંધો કરે છે. પણ જ્યારે આ સખાવતી ટ્રસ્ટો બન્યાં ત્યારે તેમનો ઉદ્દેશ ધંધો કરવાનો નહોતો પણ સમાજમાં શિક્ષણનો પ્રચાર-પ્રસાર કરવાનો હતો. 1949માં ગુજરાત યુનિવર્સિટી સ્થપાઈ ત્યારે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ તેને માત્ર એક રૂપિયામાં તેની આજે જેટલી જમીન છે તે તેને દાનમાં આપી હતી એવી માહિતી છે. આજે આ જ ટ્રસ્ટ અમદાવાદ યુનિવર્સિટી નામે ખાનગી યુનિવર્સિટી ચલાવે છે અને શિક્ષણનો વેપલો કરે છે. કસ્તુરભાઈ લાલભાઈના આત્માને શું થતું હશે તે પણ આ ટ્રસ્ટના માંધાતાઓ વિચારતા નથી. આવું જ અમદાવાદની ગુજરાત લો સોસાયટીનું કે ગુજરાત વિદ્યાસભાનું અને ગુજરાતનાં જે સખાવતી ટ્રસ્ટો ખાનગી કોલેજો કે યુનિવર્સિટીઓ ચલાવતાં હોય તે બધાનું! શિક્ષણનું વેપારીકરણ: કોલેજોની કંપની બની!

“શિક્ષણના વેપારીકરણને ડામવું”

એવા શીર્ષક હેઠળ નવી શિક્ષણ નીતિમાં 18.12, 18.1૩ અને 18.14 એમ ત્રણ ફકરા લખવામાં આવ્યા છે. આ શીર્ષકનો અર્થ જ એ થાય છે કે સરકાર શિક્ષણના વેપારીકરણને ડામવા માગે છે. જો કે, તેની આ નીતિ જે કંઈ કહે છે તેનાથી ગુજરાત સરકાર કંઇક જુદું જ કરી રહી છે. ફકરા નં. 18.12માં એમ લખવામાં આવ્યું છે ખરું કે, “તમામ શૈક્ષણિક સંસ્થાઓ ઓડિટ અને માહિતીની જાહેરાત (disclosure)નાં એકસમાન ધોરણો બિન-નફાજનક સંસ્થા(not for profit) તરીકે અપનાવશે.” અહીં એમ નથી લખવામાં આવ્યું કે તમામ શૈક્ષણિક સંસ્થાઓએ કંપની ધારા-2013ની કલમ-8 મુજબની બિન-નફાજનક સંસ્થા(not for profit) કંપની બનવાનું રહેશે. તેમ છતાં ગુજરાત સરકારે હજુ હમણાં જ અમદાવાદના કે. કા. શાસ્ત્રી કોલેજ કેમ્પસને કંપની ધારાની કલમ-8 હેઠળની બિન-નફાજનક (not for profit) કંપની બનાવી દીધી છે!

કંપની હોય એટલે શેર હોય. અને શેર હોય એટલે નફો હોય. આ સીધુંસાદું ગણિત છે. ઠોઠ નિશાળિયાને પણ સમજણ પડે એવું! કંપની ધારાની કલમ-8નો અર્થ એવો થાય છે કે કહેવાતી બિન-નફાજનક કંપની મર્યાદિત જવાબદારીવાળી પ્રાઇવેટ લિમિટેડ કંપની કે પબ્લિક લિમિટેડ કંપની હશે.

ઉપરાંત, યાદ રાખવાનું એ છે કે નવી શિક્ષણ નીતિ બિન-નફાજનક(not for profit) શૈક્ષણિક સંસ્થાને નફો કરવાની ના પાડતી જ નથી. તે તો એટલું જ કહે છે કે જો કોઈ નફો થાય તો તે નફાનું શિક્ષણના ક્ષેત્રમાં જ પુન: મૂડીરોકાણ કરવાનું રહેશે. બહુ જ સિફતપૂર્વક અને ચાલાકીપૂર્વક અહીં મુદ્દા નં. 18.12માં નફો(profit) શબ્દ વાપરવામાં આવ્યો જ નથી પણ અધિશેષ(surplus) શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે કે. કા. શાસ્ત્રી કોલેજ કેમ્પસમાં આવેલી છ કોલેજો નફો નહિ જ કરે એવું નથી. સવાલ એ છે કે શા માટે ગુજરાત સરકાર પોતાની જ કોલેજોને એક કંપની બનાવે છે? સ્પષ્ટ છે કે રાજ્ય સરકાર શિક્ષણનો ધંધો કરવા માગે છે. આમેય તે સ્વનિર્ભર કોલેજો ચલાવીને ધંધો કરે જ છે અને હવે તે અનુદાનિત કોલેજોને પણ એ જ રવાડે ચડાવવા માગે છે. કે. કા. શાસ્ત્રી કોલેજ કેમ્પસમાં ત્રણ સરકારી સ્વનિર્ભર કોલેજો બીબીએ, બીસીએ અને વિજ્ઞાન શાખાઓમાં ચાલે જ છે. એટલે કે હાલ સરકાર ઉચ્ચ શિક્ષણમાં ધંધો કરી જ રહી છે.

ક્યાં છે પારદર્શિતા?

નિરમા યુનિવર્સિટી ગુજરાતની સૌ પ્રથમ ખાનગી યુનિવર્સિટી હતી. તે 2003માં સ્થપાઈ હતી. તેની વેબસાઈટ તા. 23-07-2021ના રોજ સાંજે 6.00 વાગ્યે જોઈ ત્યારે તેને વિશેની બધી વિગતો પ્રાપ્ત થાય છે પણ તેનો સંપૂર્ણ હિસાબ દર્શાવતું સરવૈયું વેબસાઈટ પર મળતું નથી. એટલે તે કેટલો નફો કરે છે કે ખોટ કરે છે તેની કોઈ માહિતી મળતી નથી. નવી શિક્ષણ નીતિમાં ફકરા નં. 18.12માં એમ લખવામાં આવ્યું છે કે “તમામ નાણાકીય બાબતો માટે પારદર્શી રીતે માહિતી જાહેર કરવામાં આવશે….” શા માટે ગુજરાત સરકાર રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓને તેમનાં સરવૈયાં તેમની વેબસાઈટ પર મૂકવાની ફરજ પડતી નથી?

કે. કા. શાસ્ત્રી કોલેજ કેમ્પસમાં જે ત્રણ સ્વનિર્ભર કોલેજો ચાલે છે તેમની વેબસાઈટ ઉપર પણ તેમનાં સરવૈયાં ઉપલબ્ધ નથી. એટલે સરકાર આ કોલેજોમાં નફો કરે છે કે ખોટ તેની પણ કોઈ નાગરિકને ખબર પડે તેમ નથી. સરકાર પોતે જ પારદર્શક નથી તો ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓને શી ફરજ પડવાની?

કે. કા. શાસ્ત્રી કોલેજ કેમ્પસને કંપની બનાવવા માટે તા. 02-06-2021ના રોજ શિક્ષણ વિભાગનો જે ઠરાવ છે તેમાં ભાષા જ ખાનગી કંપનીઓની હોય તેવી છે. કંપનીના શેર જે લોકો પાસે હશે તેમાં ત્રણ સરકારી અધિકારીઓ છે અને ત્રણ સરકારી કોલેજોના આચાર્યો છે, સ્વનિર્ભર કોલેજોના આચાર્યો નથી. સ્પષ્ટ છે કે તેઓ તો ખાનગી કોલેજોના જ છે, જે નથી તેમને ખાનગી નફાખોર બનાવવાના છે.

વધુમાં, એક મુદ્દો એ પણ ધ્યાનમાં લેવાની જરૂર છે કે જે જાહેર સંસ્થાઓ છે અને જેમને સરકારની ગ્રાન્ટ મળે છે તેમને જ માહિતી અધિકારનો 2005નો કાયદો લાગુ પડે છે, ખાનગી કંપનીઓ કે સંસ્થાઓને નહિ. એટલે ભવિષ્યમાં શિક્ષણનો ધંધો કરનારી કંપનીઓ પાસેથી અધ્યાપકો, બિન-શૈક્ષણિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ કે જાગૃત નાગરિકોને કોઈ જ માહિતી મળી શકશે નહિ.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

અને અંતેભારતનું બંધારણમાં ભાગ-4માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લખવામાં આવ્યા છે. તેમાં રાજ્યે એટલે કે સરકારે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમાંની કેટલીક કલમો આ મુજબ છે: (1) કલમ-38(1) કહે છે કે, “રાષ્ટ્રીય જીવનની તમામ સંસ્થાઓમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય ઊભો થાય તે રીતે સામાજિક વ્યવસ્થા શક્ય તેટલી અસરકારક ઊભી કરી અને તેનું રક્ષણ કરી રાજ્ય લોકકલ્યાણની અભિવૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરશે.” (2) કલમ-38(2) એમ કહે છે કે, “રાજ્ય દરજ્જો, સગવડો અને તકોની અસમાનતા નાબૂદ કરશે.” (૩) કલમ-39(બી) કહે છે કે, “સમાજની ભૌતિક સાધનસામગ્રીની માલિકી અને નિયંત્રણનું વિતરણ લોકહિત ઉત્તમ રીતે સધાય તે રીતે” રાજ્ય નીતિ ઘડશે અને તેનું પાલન કરશે. (4) કલમ-46 કહે છે કે, “સમાજના નબળા વર્ગોનાં શૈક્ષણિક અને આર્થિક હિતોની રાજ્ય વિશેષ કાળજી રાખશે.” શું સરકાર આમાંથી માર્ગદર્શન મેળવશે? આવો પ્રશ્ન જ ગધેડાને તાવ એવો નથી લાગતો?

– પ્રો. હેમન્તકુમાર શાહ

You may also like...

Leave a Reply

Your email address will not be published.