રિવ્યૂ | પ્રજાની પીડાઓને વાચા આપે એવું સાહિત્ય કેટલું ?

દરેક યુગે બિલાડીના ટોપની જેમ ઊગી નીકળનારા અને થોડા વખતમાં કરમાઈ જનારા શબ્દ-પુરુષાર્થીઓ નીકળે જ છે. તેમનામાં સાહિત્યની પ્રતિભા નથી હોતી, માત્ર યશની ખેવનાથી તેઓ આ ક્ષેત્રમાં ખેંચાઈ આવે છે. તેઓ અનુકરણ અને ચીલાચાલુ ઘરેડમાં ચાલે છે. આવા લેખકોનો ફાલ મોટો ન થઈ જાય એ માટે વિવેચકને વધુ તટસ્થ અને જરૂર પડ્યે કઠોર ધોરણો જાળવવાં જોઈએ. સત્ત્વહીનને હારતોરા કરીને ખોટાં ધોરણો પ્રચલિત ન કરવાં જોઈએ.
~ મનસુખ સલ્લા
ઉપરની વાતને વિસ્તારમાં લઈ જઈએ.
સાંપ્રત સમયની અતિશયોક્તિ વિના વાત કરીએ તો અત્યારે ગામે ગામ સર્જકો છે. સાહિત્યનો અતિશય વિસ્ફોટ થઈ રહ્યો છે. થોડા સાહિત્યને બાદ કરતા વિસ્ફોટમાં નબળું અને કચરા જેવું સાહિત્ય બ્હાર આવી રહ્યું છે/પ્રકાશિત થઈ રહ્યું છે. લખનારને ખબર નથી કે આપણ શું લખીએ છીએ અને શું કામ લખીએ છીએ તેઓ પોતાને એ પ્રશ્નો પણ પૂછતા નથી કે સર્જક કેમ થવાય ? કેવી રીતે લખાય ? છતાં સર્જક થવાય છે એના ઘણા કારણો છે.
પોતાના કાચા સાહિત્યને પોંખવાની ઘેલછામાં, ઉતાવળમાં સાહિત્યની મૂળ પરિભાષા સમજ્યા,જાણ્યા વિના સ્વઘોષિત સર્જક હારતોરાની, વાહવાહીની લાઈનમાં આવી જાય છે. શબ્દની રમતનું આ સાહિત્ય એટલું જ જલદી કરમાઈ જાય છે. વ્યક્તિ તરીકે પ્રતિભા હોય એનો મતલબ એ નથી કે તમારામાં સાહિત્યની પ્રતિભા ન હોય છતાં સ્વીકારી લેવા. આજકાલ સસ્તી પ્રસિદ્ધિ-યશ માટેના આવા ટૂંકા પગ સાહિત્યના રસ્તા પર વધારે દોડવા લાગ્યા છે. આવા પગને વાઢવા વાળા વિવેચકો પણ ક્યાં ! સાહિત્યને બાજુ પર મૂકીને વ્યક્તિને મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે, સાહિત્યનો ઉપહાસ થશે જ. સાહિત્ય એના કેન્દ્રસ્થાનેથી વિસરાઈ રહ્યું છે. એમાંય નવું તો કશુંક ભાગ્યે જ હોય છે માત્ર અનુકરણ અને જટ ના સમજાય એવું કોપીપેસ્ટ સર્જન. આવા સર્જનને/સર્જકને વધાવવાવાળા ચોક્કસ પ્રકારના કુંડાળા પણ રચેલા હોય છે, જે આસાનીથી પડતી બૂમે પોતાનો ધર્મ સંભાળી સરસ મજાનું માર્કેટિંગ કરી આપે છે. માર્કેટિંગ એટલું ઝળહળ હોય છે કે તેમાં સાધારણ ભાવક, સર્જક અંજાય ના જાય તો જ નવાઈ. માર્કેટિંગ એ પણ એક કળાનો વિષય છે. ‘જે દેખાય છે તે વેચાય છે’ એમ માર્કેટિંગનું કામ દેખાડો કરી માલ વેચવાનું છે. જેટલું સારું પોસ્ટર હોય છે એટલું સારું સાહિત્ય અથવા કાર્યક્રમ નથી હોતો. માર્કેટિંગનું કામ ગ્રાહકો ઊભા કરવાનું છે/ફોલોઅર્સ વધારવાનું છે અને જેટલા ફોલોઅર્સ વધારે એટલા વધારે લોકોને ગેરમાર્ગે દોરી શકાતા હોય છે અથવા તો નબળો માલ વેચી શકાય એ વાત સ્પષ્ટ છે. આજકાલ આવો માલ વેચવા વાળા સર્જકોનો ફાલ વધી રહ્યો છે. જે સાહિત્યમાં આવેલા ભેળાણ માટે જવાબદાર છે. સાથે ભાવકો પણ ચોક્કસ કુંડાળામાં આવી ગયા છે.એમ કહી શકાય કે એમણે એમની ભાવક તરીકેની દ્રષ્ટિ/સભાનતા ગુમાવી છે.
કેટલાક સર્જકો તો સાહિત્યમાં સ્થાન મેળવવા મરણિયા પ્રયત્નો કરતા હોય છે. એમને જોઈને એમ લાગે કે અણુયુદ્ધથી પણ મોટો પ્રશ્ન એમનો હોય છે. મને કોઈ સાંભળતું નથીની બૂમો, મારું કોઈ છાપતું નથીની રોકકળ, મંચ પર ચડવા માટે છાતી પીટે, આ બધુ કુંડાળામાં હોવ તોય અરણ્યરુદન સાબિત થાય છે. તેમને કોઈ સાંભળે કે ના સાંભળે, સ્વીકારે કે ના સ્વીકારે, કોઈ વિરોધ કરે તો પણ વાણીસ્વાતંત્ર્યના અધિકાર હેઠળ એમનો વાણી વિલાસ ફૂંકાતો રહે છે. એમને સ્વીકારવાળા ઘણા લોકો સાહિત્ય સમજતા નથી હોતા. એ લોકો એમને એટલે સ્વીકારે છે કે એમના એ ફલાણા/ઢીંકણા હોય છે.
પ્રગટતું પોતાનું સાહિત્ય શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ થઈને જ પ્રગટે છે એવો પોતાના સાહિત્ય પ્રત્યેનો અંધ અભિગમ ધરાવનાર સર્જકો વિવેચનને કે હકારાત્મક ટીકાને સહન કરી શકતા નથી ત્યારે, વિવેચન પણ પોતાની લીટી પરથી ખસી ગયું છે. વિવેચનના તટસ્થ ધોરણો જળવાતા નથી.આજકાલ વિવેચન માત્ર વ્યક્તિને કેન્દ્રમાં રાખીને થાય છે કૃતિને કેન્દ્રમાં રાખીને નહીં. કોઈ પણ કૃતિનો આસ્વાદ પણ આજ રસ્તા પર ચાલે છે. ગમતા સર્જકોનો આસ્વાદ જેને આપણે ગોદી આસ્વાદ, ગોદી વિવેચન કહી શકીએ. આવા આસ્વાદ, વિવેચન નબળા સર્જકોને પ્રચલિત કરી દેતા હોય છે. જે પાછળથી પોતાને સાહિત્યના ખાં સમજી બેસે છે. ધીરેધીરે આ ગલતફેમી તેમને જીવાડવા લાગે છે. આ સર્જકો પછીથી ભાષાનું ભાંગ્યું-તૂટ્યું એમનું બૂઠ્ઠું હથિયાર બધે વીંજતા ફરે છે અને સાહિત્યકાર હોવાનો રોફ જમાવતા જાય છે.
હારતોરાના અભરખાઓમાં ઘણીવાર તો મંચ ઉપર જેટલા સર્જકો બેઠેલા હોય છે એટલા સામે શ્રોતાઓ નથી હોતા, અને મંચ ઉપર બેઠેલા મોટાભાગના સર્જક પોતાને બીજાનાથી શ્રેષ્ઠ સમજે છે તેથી તે અન્યને જટ સ્વીકારી શકતા નથી. મંચ ઉપર એમ બેઠા હોય ‘કાપો તો લોહી ના નીકળે’ ચોક્કસ કહી શકાય સાહિત્યની સરિતાને નાથીને અવળા માર્ગે વળાઈ રહી છે.
આજકાલનું સાહિત્ય ચોક્કસ ભાવકો/વાચકો સુધી સિમિત થઈ ગયું છે. જેમાં લોકસમૂહ કે આમ પ્રજાની વાત ખાસ કંઇ થતી જોવા મળતી નથી. ભાવક અંતરથી નાચી ઊઠે એવું સાહિત્ય કેટલું ? પ્રજાની પીડાઓને વાચા આપે એવું સાહિત્ય કેટલું ? આવા ઘણા સવાલો છે. મોટા ભાગે પ્રજા સાહિત્ય વિમુખ છે, કેમ કે તેમની સમસ્યાઓની વાત, તેઓની સંવેદનાઓની વાત સાહિત્યમાં વણાતી નથી. સાહિત્ય માત્ર મનોરંજનનો જ વિષય નથી પરન્તુ જીવનની કઠોર વાસ્તવિકતાઓ અને સમસ્યાઓના ઉકેલ આલેખતો એક પ્રકાર છે.