હિન્દૂ ધર્મ બચાવવા માટે હિન્દૂ સંગઠનોએ આટલું કામ ફરજીયાત કરવું પડશે

Wjatsapp
Telegram

હિન્દુ સાંસ્કૃતિક સંગઠનો કે હિંદુ ધાર્મિક સંગઠનોએ કરવા જેવા કેટલાક કામોની યાદી હું તેમને આપવા માંગું છું! આ કરોડોની કિંમતની સલાહ હું તેમને મફતમાં આપવા માંગું છું. હિંદુ સંસ્કૃતિક કે હિન્દૂ ધાર્મિક સંગઠનો ― હિન્દુ સંસ્કૃતિ કે હિન્દુ ધર્મ ઉપર ખતરાની વાત કરીને વારંવાર રાડારાડ કરે છે, તો તેમને સાચા ખતરાથી હિન્દુ ધર્મને બચાવવાની કેટલીક કામગીરી આપું છું, જો તેમણે મેં (અભિગમ મૌર્યએ) આપેલા તમામ કામ કરશે તો એ લોકો હિન્દુ સંસ્કૃતિ અને હિંદુ ધર્મને બચાવીને સોળે કળાએ તેને ખીલવી શકશે, બાકી તથાકથિત હિન્દુ સંસ્કૃતિને બચાવવી ખૂબ પીડાદાયક રહેશે, એ નક્કી છે !!

 1. તો જુઓ સૌથી પહેલી વાત છે એ કે હિન્દુ સાંસ્કૃતિક કે હિન્દુ ધાર્મિક સંગઠનના કહેવાતા તમામ સભ્યોએ જાહેરમાં ભિક્ષા માગનાર હિન્દુ ભિક્ષુક બાળકને દત્તક લઇને તેમને શિક્ષણ સાથેનો સંપૂર્ણ ઉછેર કરવો જોઈશે તથા બાળ ભિક્ષુકો માટે સરકાર પાસે ખાસ નવોદય ટાઇપની સ્કુલ અને હોસ્ટેલો બનાવવાનો આગ્રહ કરવો જોઈશે, એક અલગ પ્રકારની નવોદય શાળાકીય સંસ્કાર સંસ્થા ઉભી કરો અને આ બાળકોના સમગ્ર શિક્ષણ માટે કામે લાગી જાઓ પછી જુઓ આ ભિક્ષુક હિન્દુ બાળકો હિન્દુ સંસ્કૃતિ અને હિંદુ ધર્મનો કેવો આભાર માને છે! બીજી બાબત એ પણ કહેવા માગું છું કે કોઈ મા-બાપ પોતાના બાળક પાસે ભિક્ષાવૃત્તિ કરાવે તો તેનો મતલબ એ થશે કે તેઓ બાળકનો જીવન નિર્વાહ નથી કરી શકતા! આમ પણ કેટલાક હિન્દૂ સાધુ સંતો દરેક હિંદુ માતા પિતાઓને 4 થી 8 બાળકો પૈદા કરવાનું કહે છે, જોકે બેજવાબદાર મા-બાપ પાસેથી બાળકોને આચકીને તેનો તમામ પ્રકારે ઉછેર કરવાનો આવો કાયદો આજે આયર્લૅન્ડ નામના દેશમાં છે!!
 2. હિંદુ સંસ્કૃતિ કે હિંદુ ધાર્મિક સંગઠનોએ ભારતના તમામ હિન્દૂ બાળ મજૂરોને પણ દત્તક લેવા જોઈએ અથવા સરકાર પાસેથી તેમના રહેવાની હોસ્ટેલ કે સ્કૂલની સુવિધા ઊભી કરવી. ટૂંકમાં, ઉપરની પહેલી બાબત માં જેમ હિન્દૂ બાળ ભિક્ષુકોની વાત કરી એવું જ બાળકોના ઉછેરની વાત હિન્દૂ બાળ મજૂરો માટે લાગુ કરો પછી જુઓ હિન્દુ સંસ્કૃતિ અને હિંદુ ધાર્મિક સંસ્કારોમાં સોનામાં સુગંધ ભળે છે કે નહિ!!
 3. હિન્દુ સાંસ્કૃતિક અને ધાર્મિક સંગઠનોએ કોઈ પણ હિન્દુ બહેન, દીકરી કે માતા ઉપર દેશમાં ક્યાંય પણ અત્યાચાર કે દુષ્કર્મ થાય તો તેમણે જાતે ફરિયાદી બનીને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. કોઈ પણ હિન્દુ બહેન દીકરી કે માતા હોય તેને કોઈપણ પ્રકારના જાતિ જ્ઞાતિના ભેદભાવ વગર આવા સંગઠનોએ જ ફરિયાદીની ભૂમિકા ભજવવી જોઈએ પછી સામે ગમે તેવો ચમરબંદી નો દીકરો કેમ ન હોય? પછી જુઓ હિન્દુ સંસ્કૃતિ અને હિંદુ ધાર્મિક સંસ્કારોમાં કેવા મહાન ક્રાંતિકારી પરિવર્તન આવશે અને હિંદુ ધર્મ સોળે કલાએ ખીલી ઉઠશે!!
 4. હિન્દુ સાંસ્કૃતિક અને ધાર્મિક સંગઠનોએ બંધારણમાં રહેલ કાયદાઓનું ચુસ્ત પાલન કરવું કે કરાવવું જોઈએ. જેમ તેઓ CAA અને NRC નું સમર્થન કરે છે તેમ શિક્ષણ અને રોજગારી વિષયક SC, ST, OBC આરક્ષણ અને SC-ST એક્ટનું પણ પાલન કરવું તથા કરાવવું જોઈએ કારણ કે એ કાયદો છે અને કાયદો ન હોય તો આવી કોઈ અપેક્ષા રાખવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, પણ બંધારણનું માન-સન્માન ત્યારે જ તમે રાખી શકો જ્યારે તમે કાયદાનું સન્માન અને પાલન કરો, બંધારણમાં એક વખત કાયદો બની ગયો હોય તો પછી એ કાયદાનું પાલન કરવું અને કરાવવું એ તમામ હિન્દુ સાંસ્કૃતિક અને ધાર્મિક સંગઠનનું પરમ કર્તવ્ય બને છે, જો તેવું થશે તો સો ટકા હિન્દુ લોકોમાં એકતા નો જબરજસ્ત સાક્ષાત્કાર થશે! અને આના સારા પરિણામ તરીકે જો હિન્દૂ લોકોમાંથી તમામ પ્રકારના ભેદભાવ, તિરસ્કાર, જાતિદ્વેષ નાશ પામશે તો આવનાર સમયમાં સૌને 100% શિક્ષણ અને ગેરેન્ટેડ નોકરી, રોજગારની વચનબદ્ધતા મળી જશે તો પછી કોઈને કોઈ ખાસ પ્રકારના આરક્ષણની પણ જરૂર નહીં રહે!!
 5. હિન્દુ સાંસ્કૃતિક ધાર્મિક સંગઠનએ કોઈ પણ હિન્દુ વ્યક્તિ કે હિન્દુ વ્યક્તિના સમૂહે અન્ય હિન્દુ વ્યક્તિ કે હિન્દુ વ્યક્તિના સમૂહો સામે તેની જાતિના આધારે પ્રતાંડિત કરે તો હિન્દુ સાંસ્કૃતિક અને ધાર્મિક સંગઠનોએ તાત્કાલિક અસરથી થર્ડ પાર્ટીની ભૂમિકા ભજવીને આરોપી અત્યાચારી વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને કડકમાં કડક નસીયત કરવી અને કરાવવી જોઈએ. આના માટે સામે આરોપી તરીકે કોઇ પણ પ્રકારની જાતિનો વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહનો કેમ ન હોય! જો આ કાર્યવાહીમાં ન્યાયિક સમાનતાથી કામ કરવામાં આવશે તો જેવી રીતે અમેરિકનો, જર્મનો, જાપાનીઓમાં એકતા છે, એવી હિંદુઓમાં આપોઆપ સમાનતા વાળી એકતા આવવા લાગશે, અને તેને કારણે સાચું હિન્દુત્વ ખીલી ઉઠશે!! જેથી હિન્દુત્વમાં પછી કોઈ ઉચ્ચ નહિ હોય અને કોઈ નીચ નહિ હોય!!
 6. હિન્દુ સાંસ્કૃતિક અને ધાર્મિક સંગઠનોએ આત્મહત્યા કરનાર દરેક હિન્દુ મજદૂર કે કિસાનના ઘરે જઈને મજદૂર-કિસાનની આત્મહત્યા કરવાના સાચા કારણો શોધીને તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર જે તે શોષણ કરનાર હેવાન લોકો કે હેવાન સિસ્ટમ ઉપર કાયદેસર પગલાં ભરીને તે મજદૂર-કિસાનને જે નુકસાન થયેલ હોય તે નુકસાનીનું સંગઠનોએ પોતાના સામાજિક સાંસ્કૃતિક ફંડમાંથી અને સરકારશ્રી પાસેથી તાત્કાલિક યુદ્ધના ધોરણે વળતર અપાવવું જોઈએ અને મજદૂર-કિસાન પરિવારને ખુશહાલ કરી દેવો જોઇએ તેના બાળકો અને તેની વિધવા પત્ની અને તેના વૃદ્ધ માતા-પિતા રાજી થાય એ હદે એમની સમસ્યાઓનું નિરાકરણ લાવવું પડે. પછી જુઓ એકપણ હિન્દૂ મજદૂર-કિસાન આત્મહત્યા નહિ કરે અને અન્ન પકવતા જગતાતના આશીર્વાદ હિન્દુ સંસ્કૃતિ ઉપર હમેંશા વરસતા રહેશે, અને હિન્દુત્વ ઝગમગી ઉઠશે.
 7. હિન્દુ સાંસ્કૃતિક અને ધાર્મિક સંગઠનોએ દેશના લોકોની માલિકીની સરકારી જાહેર કંપનીઓને સરકાર દ્વારા વેચાણ કરી દેવાની પ્રવૃત્તિનો આત્મઘાત કરવાની હદ સુધી જઇને વિરોધ કરવો જોઈએ અને દેશમાં તમામ સરકારી પદ ઉપર હિંદુ યુવાઓને તેની લાયકાત અને ઉંમર અનુસાર તાત્કાલિક રોજગાર આપવાની મહેનત કરવી જોઈએ એક પણ હિન્દુ યુવાન બેરોજગાર ન રહેવો જોઇએ અને કોઈને પણ આરક્ષણની જરૂર જ ન પડવી જોઈએ, અને કોઈને આરક્ષણ નડી ગયું એવી તમામ ફરિયાદ પણ બંધ થઈ જશે. પછી જુઓ સ્વામી વિવેકાનન્દ જે હિન્દુત્વની વાતો કરતા હતા તે સાકાર થાય છે કે નહિ??
 8. હિન્દુ સાંસ્કૃતિક અને ધાર્મિક સંગઠનોએ જેવી રીતે હિન્દુ યુવાનો રોજગારી મેળવી આપવાની ગેરેન્ટેડ રોજગાર યોજનાની જેમ તેમના વિવાહ પણ યોગ્ય સમયે થઈ શકે એ માટે બૃહદ હિન્દુ મેરેજ સંસ્થાનું આયોજન કરીને ઇચ્છિત યુવાઓના વિવાહ થાય એની તનતોડ મહેનત કરવી જોઈએ, જો કે આ સમસ્યા રોજગારી સાથે સંકળાયેલ હોય તો જો રાજગાર માં ગેરેન્ટેડ યોજના આવે તો આ સમસ્યા લગભગ ખતમ થઈ જાય અને હિન્દુ સાંસ્કૃતિક કે ધાર્મિક સંગઠનને આમાં કોઈ ખાસ મહેનત કરવા જેવી રહેતી નથી.
 9. હિન્દુ સાંસ્કૃતિક કે ધાર્મિક સંગઠને તમામ ગૌવંશની માત્ર કતલ થાય એ પૂરતું કાગારોળ કરીને નાટક કરવાને બદલે શહેરો તથા ગામડાઓનાં જાહેર રસ્તા મહોલ્લા કે હાઇવે ઉપર રખડતા તમામ ગૌવંશ માટે 1947એ દેશ આઝાદી સમયની સ્થિતિ એ જે ગૌચરની જમીન હતી તેને પુન: સંપાદિત કરીને તે તમામ જગ્યાઓ ઉપર ગૌવંશ માટે આવાસીય હોસ્ટેલ બનાવીને તેમના સંવર્ધન અને સંરક્ષણ માટે રાષ્ટ્રીય યોજના બનાવીને લાખો હિન્દુ યુવા ભાઈ-બહેનોને એના દ્વારા રોજગારી આપી શકાય અને ગૌવંશને આવારા-લાવરિસ બનાવીને રખડાવવાને બદલે ગૌરવ ભર્યું જીવન જીવી શકે એવી આવાસ વસાહત તેમને મળે જેથી જાહેર રોડ રસ્તાઓ ઉપર કોઈ ગૌવંશની ઢીન્કથી કોઈ અબાલ વૃદ્ધ કે મહિલાનું અકાળે મોત ન થાય કે ન તો કોઈ ખેડૂતના ખેતરોમાં ભેલાણ થાય!! જો ગૌવંશ ને રાજકીય પશુ બનાવવાને બદલે તેને ગૌરવ, સુરક્ષા અને સંવર્ધનભર્યું આવાસ મળી જાય તો ગૌવંશનું પણ સન્માન ટકી રહે અને તે સન્માન ટકે તો હિન્દુત્વનું પણ સન્માન ટકશે.
 10. હિન્દુ સાંસ્કૃતિક કે ધાર્મિક સંગઠનોએ ખાસ જોવાનું છે કે દરેક ધાર્મિક સ્થળો ઉપર હાલમાં જે દાન આવે છે, તે દાનમાં સર્વ હિંદુ સમાજના લોકોનો હિસ્સો હોય છે. વેદોમાં કહ્યું છે એમ પરમેશ્વરને લોકોના પૈસાની જરાય જરૂર નથી, માટે આ દાનની રકમને હિન્દુ સમાજમાં સુવિધા વધે, હિંદુ લોકોની સુખાકારી વધે એ માટે એનો યોગ્ય રીતે આયોજન થાય એમ અભાવ ગ્રસ્ત હિન્દૂ વિસ્તારોમાં ચેકડેમો, જળાશયો, વીજળી, હોસ્પિટલ, સ્કૂલો, ઓડિટોરિયમ, બાળકો, મહિલાઓ અને વૃદ્ધજનો માટે સાર્વજનિક બગીચાઓ વગેરેના નિર્માણમાં ખર્ચ કરી નાખવો જોઈએ. મંદિરમાં આવેલા દાનની રકમની જરૂર કોઈને ન પડે એજ સૌથી સારી બાબત હશે કારણ કે હિન્દૂ સાંસ્કૃતિક અને ધાર્મિક સંગઠનની શક્તિ અને પ્રયત્ન વડે સૌ હિન્દૂ યુવાઓને ગેરેન્ટેડ રોજગાર યોજના મળવાને કારણે આત્મનિર્ભર બની ગયા હશે તેથી જાહેર દાનની રકમ ઉપર કોઈને નિર્ભર રહી ને પોતાનું જીવન પાંગળુ અને ઓશિયાળુ બનાવવાની કોઈને જરૂર નહીં રહે.
 11. હિન્દુ સાંસ્કૃતિક ધાર્મિક સંગઠનની જવાબદારી થશે કે કોઈ પણ હિન્દુ યુવક યુવતી પરસ્પર સહમતિથી આંતરજ્ઞાતિય લગ્ન કરે તો તેની અને તેના પરિવાર સાથે કોઈપણ પ્રકારની હિંસક ઘટના ન બને એ માટે હિન્દુ સાંસ્કૃતિક ધાર્મિક સંગઠન ખૂબ જ સતર્ક રહશે અને એ આંતરજ્ઞાતિય લગ્ન કરનાર દંપતિની ખૂબ જ ભારપૂર્વક સુરક્ષાની જવાબદારી લેશે અને તમામ લોકોને યાદ દેવડાવશે કે આઝાદી પહેલાંના કેટલાય વર્ષો પહેલા વિદેશી હુમલાખોરો દ્વારા આ દેશમાંથી મહિલાઓનું અપહરણ કરીને ઠેઠ તુર્કીના મીના બજારમાં તેનો વિક્રય કરતા, એના માટે અહી ઉદાહરણો આપવા યોગ્ય નથી, અને તે મહિલાઓ સાથે કેવા કેવા દુર્વ્યવહાર થતા ત્યારે તમે શું કરતા હતા? ત્યારે કોઈ હિંસક ઘટનાઓ કરી શકતા હતા? તો પછી અત્યારે આપણે સહુ હિન્દુત્વને નાતે સૌ હિન્દૂ હોવાના સંબંધને કારણે હિંદુત્વને મજબૂત કરવાના પ્રયત્નમાં આપણે સદભાવના ફેલાવીને શાંતિથી હિંદુત્વના ઉદ્ધાર માટે આપણે આંતરજ્ઞાતિય લગ્નને શાંતિથી સ્વીકારી લેવા જોઈએ. તો અને તો જ હિન્દુ અને હિન્દુત્વ ટકશે, નહિતર ઇતિહાસના અંધારીયા કૂવામાં હિન્દુત્વ ધરાશાયી થઈ જશે.
 12. હિન્દુ સાંસ્કૃતિક કે ધાર્મિક સંગઠન હિન્દુ સમાજમાં જો કોઈ ગુંડાગર્દી કે દબંગાઇ કરે તો તેને સામૂહિક એકતા બતાવીને તેના ઉપર કાયદાકીય ચૂંગલ કસીને આવા સમયે તે કઈ જાતિ કે જ્ઞાતિનો છે એ જોયા વગર તેને સંપૂર્ણ તાકતથી ડામી દેવામાં આવે.
 13. હિન્દુ સાંસ્કૃતિક સંગઠન કે ધાર્મિક સંગઠનએ મહિલાઓના ગૌરવનું હનન કે અપમાન થાય એવી તમામ , ઉત્સવ, પરંપરા, રિવાજોને તિલાંજલિ આપીને હિન્દુ સમાજમાં વ્યવસાય, વસાહત, વિવાહ, વ્યવહાર, વાણી, વિવેક, વાણિજ્ય અને વ્યક્તિવજૂદ વગેરે બાબતો વિષયક સખતમાં સખત પાલન થાય અને તેનું પ્રતિબિંબ ન્યાયતંત્ર, વિધાયિકા, કારોબારી, વહીવટ સંસ્થાઓમાં અને મીડિયામાં સમાન પ્રતિનિધિતવનું ખૂબ કડકાઇથી પાલન થાય જો આવું કરવામાં આવે તો એનાથી મોટું કોઈ હિન્દુત્વ સંસ્કૃતિનું કાર્ય નથી અને એનાથી મોટુ હિન્દુ ધર્મની સેવાનું કોઈ કાર્ય નથી બાકી માઈકમાં અને ટીવી કે મીડિયામાં પ્રસાર – પ્રચારના માધ્યમો દ્વારા હિન્દુ સંસ્કૃતિ, હિન્દુત્વ કે હિન્દુધર્મના સંરક્ષણ કે બચાવવાની કામગીરીની આડમાં સ્થાપિતહિતવાદ અને એકાધિકાર કે વિશેષાધિકારને જાળવી રાખવાના હવાતિયાંઓના મારવાના બેનર્સ પોસ્ટર લગાડવા, ઘોંઘાટ છાપ બરાડા પાડવા, એ તો માત્ર રાજનીતિ અને સ્થાપિતહિત સાચવવાના યેનકેન કિમીયાઓ છે.
 14. હિન્દુ સાંસ્કૃતિક સંગઠન કે ધાર્મિક સંગઠન જો સાચે હિન્દુ ધર્મને ચાહતા હોય તો એ પોતાના હિન્દુ અનુયાયીઓને પણ પોતાના જીવ કરતાંયે વધુ ચાહવા પડે એને માટે પોતાના અનુયાયીઓ અને તેના પરિવારમાં તેના સભ્યોની પણ તેમણે પોતાના જીવની જેમ ચાહવા જોઈએ. આ માટે હિન્દુ સાંસ્કૃતિક સંગઠન કે ધાર્મિક સંગઠનોએ જોવું કે જાણવું જોઈએ કે દર વર્ષે દારૂ અને તમાકુના સેવનને કારણે લાખો હિન્દૂ પુરુષો મૃત્યુ પામે છે, એને કારણે લાખો હિન્દૂ મહિલાઓ વિધવા બને છે, લાખો હિન્દુ માતા પિતા નિઃસહાય બને છે. કરોડો હિન્દુ બાળકો અનાથ બને છે, માટે હિન્દુ સાંસ્કૃતિક સંગઠન કે ધાર્મિક સંગઠન એ દારૂની ફેકટરી અને તમાકુનું વાવેતર બંધ થાય એ માટે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ ધર્મના રક્ષણ માટે દારૂ અને તમાકુને દેશ નિકાલ કરવાની જાહેર હિત ની અરજી કરવી જોઈએ. દારૂને કારણે લાખો હિન્દુ વાહન ચાલકોના અકસ્માતમાં મોત થાય છે, અને તેને કારણે હિન્દૂ અનુયાયીઓની સંખ્યા ઘટી જાય છે. તેથી હિન્દુ ધર્મના અનુયાયીઓની સંખ્યા અન્ય વિધર્મીઓની સરખામણીએ ઘટશે, તેથી હિન્દૂ ધર્મ નબળો પડે છે, અને હિન્દૂ ધર્મ ઉપર ખતરો વધશે. એટલુંજ નહિ લાખો હિન્દૂ પરિવાર દારૂના ભયંકર દુષણને કારણે આર્થિક રીતે ખુવાર થઈ જાય છે, વળી તમાકુના વ્યસન અને સેવન ને કારણે લાખો યુવાનોની બરબાદી થાય, યુવાઓની જિંદગી કેન્સર જેવા ભયંકર રોગમાં હોમાય જવાને કારણે હિન્દુ ધર્મને યુવાધન ખોવાનો ભયંકર વારો આવે છે. અને હિંદુ ધર્મમાંથી યુવાઓની સંખ્યા રાતોરાત ઘટી જશે તો હિન્દૂ ધર્મ અને સંસ્કૃતિને બચાવવો મુશ્કેલ બનશે તો હિંદુ ધર્મ એ આ આવા અનિષ્ટોથી બચવા હિન્દુ સાંસ્કૃતિક કે ધાર્મિક સંગઠન એ તાત્કાલિક ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત હોવા છતાંયે દારૂનું બેફામ વેચાણ થાય છે તેની વિરુદ્ધમાં જાહેર હિત ની અરજી Public_interest_litigation (PIL) કરવી જોઈએ. જો હિન્દુ સાંસ્કૃતિક સંગઠન કે ધાર્મિક સંગઠન PIL નહિ કરે તો કોણ કરશે? કારણ આ પ્રશ્ન કે કરોડો હિન્દૂ યુવાઓની જિંદગીનો છે, આજે કોઈપણ પરિવારમાં જઇને ત્યાં રહેતી માતા, બહેન, દીકરી ને પૂછો કે હિંદુસ્તાનમાં દારૂ અને તમાકુનું સેવનની છૂટ આપવી જોઈએ કે નહિ તો આ માતાઓ, બહેનો, દીકરીઓ જે કહે એમ કરજો!! માટે હિન્દૂ ધર્મ અને સંસ્કૃતિનું જતન અને રક્ષણ કરવા નીકળેલા હે હિન્દુ સાંસ્કૃતિક સંગઠન કે ધાર્મિક સંગઠનના સંચાલકો સૌ પ્રથમ ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર વેચાણ વિરુદ્ધ PIL દાખલ કરો….PIL દાખલ કરો….PIL દાખલ કરો…..

જો ઉપર્યુક્ત 14 (ચૌદ) મુદ્દાઓનું ખૂબ સખતાઇ પૂર્વક પાલન થાય તો હિન્દુ સંસ્કૃતિ કે હિન્દુ ધર્મના સંગઠનોએ બીજા કોઈ કામ કરવાની જરૂર રહેતી નથી, અને હિન્દુત્વને સદીઓ અને યુગો સુધી કોઈ ખતરો રહેશે નહીં….

…પરંતુ આવું આયોજન થાય તો પછી હિન્દુત્વને નામે કોઈપણ પ્રકારની મહેનત કર્યા વગર હિન્દુ સમાજનું જ શોષણ કરવાનો જેઓ પોતાનો જન્મ સિદ્ધ અધિકાર માને છે તેઓ શુ કરશે??

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

માટે ઉપરના 14 મુદ્દાઓ તેઓ કદીય અમલમાં લાવશે કે લાવવા દેશે નહિ અને હિન્દુત્વ કદીય લાબું ટકશે નહિ….હિન્દુ, હિન્દુત્વ અને હિન્દુસ્તાન ને હમેશા જ્યારે જ્યારે બાહરી તાકતોએ ફટકાર્યો છે, ત્યારે એ સુધર્યો છે, અને ત્યારે જ એમણે સુધારાત્મક કાર્યો કર્યા છે, બાકી અહી તેમને સમજાવનારા અનેક મહામાનવો, મહાત્માઓ, સંતો અને ઉપદેશકો આવ્યા, તેઓ એમને સમજાવી સમજાવીને થાકી ગયા છેવટે તે તમામ મહામાનવો, મહાત્માઓ, સંતો અને ઉપદેશકોએ પોતાના અલગ સંપ્રદાયો સ્થાપી નાખ્યા, અલગ ધર્મો સ્થાપી નાખ્યા, પણ ધાર્મિક અને સામાજિક શોષણ માટેનો પોતાનો એકાધિકારના ભાવ અને સ્થાપિતહિતપણાનો ભાવને પોતાનો જન્મસિદ્ધ અધિકાર માને છે તેઓ કદીય સમજ્યા જ નથી તેઓ તો માત્ર આક્રમણખોરોની ચાબુકો, તલવારો, અત્યાચારો અને ગુલામીઓથી જ સુધર્યા છે, અને એવી રીતે માર ખાઇને જ સુધરવાની અને પોતાનામાં સામાજિક સુધારાઓ લાવવાની એમને હલકી ઐતિહાસિક અને માનસિક ટેવ પડી ગઈ છે.

જય_ભારત!!

જય_ધર્મ!!

આપનો ચિતિંત એક,

– અભિગમ મૌર્ય

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.