કોલેજીયમની સ્વાયત્તતા

Wjatsapp
Telegram

સ્વાયત્તતા

હિદાયત ખાન

૯૮૯૮૬૭૮૩૭૮

Email  : hidayat_hevard@rediffmail.com

તાજેતરમાં સત્તાપક્ષ પર એવા આક્ષેપો લગાવામાં આવી રહ્યા છે કે સરકાર સુપ્રીમ કોર્ટ પર કબજો જમાવવાની કોશિશ કરી રહી છે.મુખ્ય ન્યાયપાલિકાની સ્વતંત્રતા ખતમ કરવાની આજની પરિસ્થિતિને જોઈએ તો ‘ઈમરજન્સી’ ના વખત કરતાં પણ ખરાબ પરિસ્થિતિ નજર સમક્ષ દેખાઈ રહી છે.ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત થોડા મહિના પેહલાં જ સુપ્રીમ કોર્ટના ચાર મુખ્ય સીનીયર જજોએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે આપણી લોકશાહી ખતરામાં છે એ ઘણું બધું કહી જવાની સાથે પરિસ્થિતિ રજુ કરે છે.હાલના વર્તમાન સમયમાં જોવા જઈએ તો સમાજ અને દેશના દરેક સ્તંભ,દરેક ક્ષેત્રમાં સકારત્મક મુલ્યોને હેતુપૂર્વક નષ્ટ કરવાના પ્રયત્નો પુરજોશમાં ચાલી રહ્યા છે.જેને લઈને ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા રાજેન્દ્ર્મલ લોઢાએ પણ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે સરકારે ન્યાયતંત્રની છાતી પર મોટો ઘાવ કર્યો છે.જસ્ટીસ એ.પી.શાહે પણ દુખ વ્યક્ત કર્યું છે કે સરકારે કોલેજીયમના નિર્ણયને લઈને શા માટે એમાં દખલગીરી કરી હશે ?

જયારે જયારે બંધારણીય લોકતંત્રમાં નિરંકુશતા, તાનાશાહી, જાતીય અથવા સાંપ્રદાયિક ફાસીવાદની શક્તિઓ એના પૂર્ણ ઉભરામાં હોય ત્યારે મીડિયા, ન્યાયતંત્ર અને ચુંટણી કમીશન જેવી સ્વાયત્ત સંસ્થાઓ પણ અનિવાર્ય રૂપથી પડતી તરફ અને કમજોર બનવા લાગે છે.અને આ ચેપી રોગને કારણે લોકતંત્રના મજબુત મુળિયા ધીમે ધીમે ઢીલા અને કમજોર થતા જાય છે.

૧૯૫૦માં જયારે સંવિધાન બનાવવામાં આવ્યું ત્યારે નક્કી થયેલું કે સુપ્રીમ કોર્ટના જજોની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા સાથે વિચારવિમર્શ સાથે કરવામાં આવશે.બંને વ્યતીઓના  ના વિચારો અને પસંદગી અલગ-અલગ યા મતભેદ ધરાવતા  હોય તો શું થાય અથવા શું કરવું ? એ બાબતને લઈને ૧૯૮૨માં ભારતે એ સમસ્યાનો સામનો કર્યો ,જે કેસ પછી સુપ્રીમમાં ગયો અને સુપ્રીમ કોર્ટે જ નિર્ણય લીધો અને એવું કેહવામાં આવ્યું કે રાષ્ટ્રપતિના નિર્ણય યા વિમર્શમાં CJI નો નિર્ણય યા વિમર્શ બંધનકર્તા નથી.જેથી રાષ્ટ્રપતિ પર જ દારોમદાર કાયમ રાખી નિર્ણય અને પાવર રાષ્ટ્રપતિ પાસે જ આવી ગયા.આ નિર્ણય બાદ ઘણા સવાલો ઉભા થયા અને ઘણીવાર બનતું હોય છે કે રાષ્ટ્રપતિ આખરે તો કોઈ ને કોઈ પાર્ટીમાંથી જ આવતા હોય છે,ફરી ન્યાયતંત્રની સ્વતંત્રતા પર અસરનો મુદ્દો ઉદભવ્યો,આ બાબતને લઈને અગિયાર વર્ષ પછી ૧૯૯૩માં સુપ્રીમ કોર્ટે એમનો નિર્ણય બદલી નાખ્યો જેને બીજા ન્યાયાધીશોનો કેસ (Second Judges Case) તરીકે ઓળખવામાં આવ્યો.જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે CJI જે નિર્ણય યા વિમર્શ કરશે તે રાષ્ટ્રપતિને બંધનકર્તા રહેશે અને તે નિર્ણયને રાષ્ટ્રપતિએ માનવું પડશે.જે સત્તા રાષ્ટ્રપતિ પાસે હતી એ જ સત્તા હવે CJI પાસે આવી ગઈ.ન્યાયપાલિકા વધારે સ્વતંત્ર થઇ જેમાં રાષ્ટ્રપતિ માત્ર સહી જ કરશે પરંતુ નિર્ણય CJI નો જ માનવો પડશે.બીજી શરત એવી હતી કે CJI એકલા નિર્ણય નહીં લઇ શકે પરંતુ બીજા બે સુપ્રીમ કોર્ટના મુખ્ય  સીનીયર જજો ને કન્સલ્ટ કરીને જ નિર્ણય લઇ શકાશે.જેનો આશય એક વ્યક્તિ પાસે જ નિર્ણયશક્તિ ના રહેતાં પારદર્શિતા વધે.આ જ જજમેન્ટને ૧૯૯૮ માં  થોડો સુધારી CJI ની સાથે બે ની જગ્યાએ ચાર સુપ્રીમ કોર્ટના મુખ્ય સીનીયર જજોને કન્સલ્ટ માટે જોડ્યા અને જેમાં ઓછામાં ઓછા બે જજોએ CJI ની સાથે નિર્ણયમાં સહમતી દર્શાવવી પડશે.જેને ત્રીજા ન્યાયાધીશોનો કેસ (Three Judges Case) તરીકે  ઓળખવામાં આવ્યો.મતલબ હવે પાંચ લોકોમાં જજોની નિયુક્તિ વહેચાઈ.પારદર્શિતા,વિશ્વનીયતા વધુ મજબુત થઇ.આ પાંચ લોકોના સમુહને ‘કોલેજીયમ’ તરીકે ઓળખવામાં આવ્યું.૧૯૯૮ થી લઈને આજસુધી જજોની નિયુક્તિ આ ‘કોલેજીયમ’ જ નક્કી કરતુ આવ્યું છે..

 

સૌ પ્રથમ સમજી લઇએ કે કોલેજીયમ શું છે અને કઈ રીતે કામ કરે છે ?

  • દેશની ન્યાયાલયોમાં જજોની પસંદગી ની વ્યવસ્થાને કોલેજીયમ કહેવામાં આવે છે.
  • સુપ્રીમકોર્ટના ના બે નિર્ણયો પછી આ વ્યવસ્થા બનાવવામાં આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) ના નેતૃત્વમાં બનેલ સીનીયર જજોની સમિતિ જજોના નામ અને નિયુક્તિનો નિર્ણય કરે છે.
  • સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જજોની નિયુક્તિ તથા બદલીઓનો નિર્ણય પણ કોલેજીયમ જ કરે છે.
  • હાઈકોર્ટના કયા જજ પદોન્નત થઇ સુપ્રીમકોર્ટ જશે એ નિર્ણય પણ કોલેજીયમ જ કરે છે.
  • કોલેજીયમ વ્યવસ્થાનો ઉલ્લેખ મૂળ સંવિધાન કે એના કોઈ સંશોધનમાં નથી.

 

કોલેજીયમ કથિત રૂપથી ગુણ-કુશળતાનું મૂલ્યાંકન કરી સીન્યોરીટી પ્રમાણે નિયુક્તિ કરે છે જેને સરકાર લીલી ઝંડી આપે છે.આ સિસ્ટમમાં નવા ફેરફારો અને નવું રૂપ અપનાવવાના આશયથી એનડીએ સરકારે ૨૦૧૪માં NJAC બનાવવની કોશિશ કરી જેને સંવેધાનિક સંસ્થા બનાવી ટોટલ ૬ લોકોને સામેલ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો. જેમાં CJI + સુપ્રીમ કોર્ટના બે સીનીયર જજો + કાયદા મંત્રી + આગળ પડતી બે વ્યક્તિઓ કે જેમને પ્રધાનમંત્રી,વિરોધપક્ષના નેતા અને CJI મળીને નિયુક્ત કરશે.એનો મતલબ એ થયો કે ત્રણ વ્યક્તિઓ રાજકારણીઓ યા રાજનીતિ પ્રેરિત હશે.પરંતુ NJAC ને ૨૦૧૫ માં સુપ્રીમ કોર્ટે એમ કહીને રદ કરી દીધું કે જજોની પસંદગી નો નવો કાયદો ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર અસર કરનારો છે.

 

 

હમણાં ત્રણ મહિના પેહલા સુપ્રીમ કોર્ટના કોલેજીયમે બે નામની ભલામણ કરેલ જેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણુંક આપવી જોઈએ પેહલા જસ્ટીસ કે.એમ.જોસેફ અને બીજા જસ્ટીસ ઇન્દુ મલ્હોત્રા.જે ફાઈલ પેહલા કાનુન મંત્રાલયમાં ક્લીયરન્સ માટે ગઈ અને પછી રાષ્ટ્રપતિ પાસે સહી માટે જવાની હતી,પરંતુ ત્રણ મહિના સુધી કોઈપણ કાર્યવાહી વગર મંત્રાલયમાં જ ફાઈલ પડી રાખી અને જસ્ટીસ ઇન્દુ મલ્હોત્રાની ફાઈલને સરળતાથી ક્લીયરન્સ આપી દીધું પરંતુ જસ્ટીસ જોસેફની ફાઈલને કોલેજીયમને પાછી મોકલી દીધી.એનું ઓફીસીયલ કારણ તો મંત્રાલયે આપ્યું નહિ પરંતુ આ બાબતને લઈને જસ્ટીસ જોસેફ વિશે જાણવું મહત્વનું છે.જેઓ ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ રહી ચુક્યા છે યાદ હોય તો ૨૦૧૬ માં ઉત્તરાખંડમાં એનડીએ સરકારે રાષ્ટ્રપતિ શાસન લાદવાના પ્રયત્નો કર્યા હતા અને આ કેસ ઉત્તરાખંડ હાઈકોર્ટમાં ગયો હતો અને આ નિર્ણયને અસંવૈધાનિક ગણવામાં આવ્યો હતો અને તે નિર્ણય લેનાર  જજ હતા જસ્ટીસ જોસેફ.

 

ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા દિપક મીશ્રા પર આરોપ લગાવવામાં આવ્યા છે કે તેઓ બીજેપીની તરફેણમાં નિર્ણય લે છે. ઘણાબધા સુપ્રીમકોર્ટના સીનીયર વકીલોએ આ વાત કહી છે.જસ્ટીસ લોયાના મૃત્યુના કેસમાં એમને એવો નિર્ણય લીધો કે એમાં તપાસ ન થવી જોઈએ.જેને લઈને કેરેવેન મેગેજીને અને બીજા ઘણાબધા મીડીયાએ સવાલ ઉઠાવ્યા પણ હજી સુધી કોઈ જવાબ નથી મળ્યો.આ બધી બાબતોને લઈને વિરોધપક્ષ સાથે સાત પક્ષોએ મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી પરંતુ ઉપરાષ્ટ્રપતિ વૈકેય્યા નાયડુએ આ મહાભિયોગને રદ કરવામાં આવ્યો. ઉપરાષ્ટ્રપતિ પોતે ભાજપના મેમ્બર છે.હવે જોવાનું રહ્યું કે જસ્ટીસ કે.એમ.જોસેફની ફાઈલ ક્લીયર ન કરવાનું શું કારણ બતાવે છે અને શું નિર્ણય લેવામાં આવે છે ? ૨૧ માર્ચે સુપ્રીમકોર્ટના જજ જસ્ટીસ ચેલામેશ્વરે CJI અને બીજા તમામ સુપ્રીમકોર્ટના જજોને એક પત્ર લખી પૂર્ણ ન્યાયાલયની બેઠકની માંગણી કરી હતી.સુપ્રીમકોર્ટના વરિષ્ઠ જજ તેમજ કોલેજીયમના સદસ્ય જસ્ટીસ ગોગોઈ અને જસ્ટીસ લોકુરે પણ CJI દીપક મિશ્રાને સુપ્રીમકોર્ટના મુદ્દા અને ભવિષ્યને લઈને ન્યાયપાલિકાને ચર્ચા કરવા પત્ર લખેલ,થોડા સમય સુધી જવાબ ન હતો આવ્યો પરંતુ હવે તે બાબતને લઈને આખરે CJI એ બીજી મે ના રોજ કોલેજીયમની મીટીંગ બોલાવી છે.

 

૧૦૦ કરતાં પણ વધારે સુપ્રીમ કોર્ટના વકીલોએ રાષ્ટ્રપતિ અને CJI ને ચિઠ્ઠી લખી છે અને તાત્કાલિક બંને જજોની નિયુક્તિ થાય એવી માંગણી કરેલ છે.ન્યાયતંત્રની આત્મા સમાન ભૂતપૂર્વ અટોર્નીં જનરલ સોલી સોરાબજીએ કહ્યું કે સરકારની પાસે માત્ર તેમનો અભિપ્રાય રાખવાનો અધિકાર છે પરંતુ કોઈ જજની નિયુક્તિ રોકવાનો અધિકાર નથી.નિષ્ણાત ધારાશાસ્ત્રી ફલી નરીમાને કહ્યું કે જો સુપ્રીમ કોર્ટની કોલેજીયમ જેમાં CJI પણ સામેલ હોય છે જે તેઓ નક્કી કરે એ જ જજોની નિમણુંક થવી જ જોઈએ અને કોલેજીયમના શબ્દો અંતિમ છે અને જો સરકારનો એનાથી ઉલટો નિર્ણય છે તો એ સરકારનો બદ ઈરાદો યા બુરી દાનત બતાવે છે.મહાભિયોગના કેસમાં પણ એમણે ઉમેર્યું કે જયારે વિરોધપક્ષ ઉપરાષ્ટ્રપતિના વિરોધમાં અપીલમાં જાય છે તો એ સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે વૈકૈયા નાયડુનો બરતરફીનો નિર્ણય ન્યાયપાત્ર છે કે નહિ?

 

 

સુપ્રીમ કોર્ટના  ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ટી.એસ.ઠાકુરે પણ જણાવ્યું કે જસ્ટીસ જોસેફની નિયુક્તિ રોકવાના નિર્ણયથી ખોટો મેસેજ ગયો છે.ભૂતકાળમાં કે.આર.નારાયણને પણ આ રીતનો એક પ્રસ્તાવ પાછો મોકલેલ અને કહેલ કે તપાસ કરાવો કે કેમ એસ.સી/એસ.ટી જજ નથી યા ઓછા છે ? સરકારનું પણ એવું જ કેહવું છે કે જસ્ટીસ કુરિયન જોસેફ કેરળથી છે અને કેરળના ઓલરેડી બે જજ છે જ. એક જસ્ટીસ ટી.બી.રાધાકૃષ્ણન અને બીજા એન્ટની રોમેનીક. એ બાબતને ધ્યાનમાં જો લેવામાં તો અલાહાબાદ, ઉત્તરપ્રદેશ અને અન્ય કેટલીયે હાઈકોર્ટોમાંથી સુપ્રીમકોર્ટમાં કેટલા જજો છે? આ તર્ક યોગ્ય નથી.કાબેલિયત પણ મહત્વ રાખે છે.વર્તમાન સમયમાં જે બની રહ્યું છે એવું જ ઈમરજન્સી વખતે ઇન્દિરા ગાંધીએ પણ પ્રયત્ન કરેલ જયારે જસ્ટીસ એ.એન.રે ને ચીફ જસ્ટીસ બનાવ્યા હતા જેમની એ વખતે ન્યાયપાલિકાના સાથીઓમાં કોઈ પ્રકારની કદર ન હતી થઈ,જસ્ટીસ હિદાયતુલ્લાહે તો એનાથી પણ આગળ જઈને એવું કડક પગલું લીધું હતું કે એમની શપથવિધિમાં શામેલ જ થયા ન હતા.હવે જોવું એ રહ્યું કે જસ્ટીસ કે.એમ.જોસેફ સુપ્રીમકોર્ટ ના જજ બને છે કે નહીં ? અને બીજી બાજુ જસ્ટીસ ગોગોઈ જસ્ટીસ દીપક મિશ્રા પછી ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બને છે કે નહીં ? આ પ્રશ્નાર્થ માત્ર સરકાર કે CJI દીપક મિશ્રા પર નહીં પણ આપણી ન્યાયવ્યવસ્થા પર છે…સરકાર અને ન્યાયપાલિકાઓના સંબંધો પર છે…

 

CJI – Chief Justice Of  India ( મુખ્ય ન્યાયાધીશ)

NJAC – National Judicial Appointment Commission (રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ મંડળ)

 

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.