મહિલાદિનથી માનવદિન તરફ

મહિલાદિન આવે એટલે મારી જેમ હજારો લોકો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે. મહિલાઓની તરફદારી કરવા અને લોકો એવું સંભળાવી પણ જાય કે આખું વરસ ક્યાં જાવ છો? તે આવા સ્પેશ્યલ ડે મનાવવા પડે છે મહિલાઓ માટે!
હવે સવાલ એ થાય છે કે, આખું વરસ શુ કામ? અને આ એકાદ ડે પણ શા માટે સ્પેશ્યલ બનાવવો પડે છે? કુદરતે તો મહિલા કે પુરુષ બંનેને માનવ બનાવ્યા છે અને કુદરતની દરેક જીવના જીન્સને આગળ વધારવાની પ્રક્રિયાના ભાગ રૂપે સ્ત્રી અને પુરુષ બંનેમાં કેટલાક શારીરિક તફાવત મુકેલા છે. કુદરત માટે પુરુષ અને મહિલા બંને માનવ તરીકે સમાન છે. જયારે આપણે સમાજની રચના કરી અને કેવા કેવા અમાનવીય નિયમો ઠોકી બેસાડ્યા કે જેના પરિણામ સ્વરૂપ આજે મહિલાઓને થતા અન્યાય વિષે જાગૃતિ ફેલાવવા આવા ડે જરૂરી લાગ્યા હોય? એટલે આવા ડે માટે પણ જવાબદાર આપણે જ છીએ. જો મહિલાઓને પણ આપણે સમાન દરજ્જો આપ્યો હોત તો આવા કોઈ સ્પેશ્યલ ડેની જરૂર ના પડતી.
મહિલાઓને થતા અન્યાયી વ્યવહારોમાંથી કેટલાક વિષે અહીં નોંધ લેવા પ્રયત્ન કરીયે.
સૌથી પેહલા તો જન્મથી જ બંનેમાં તફાવતની દ્રષ્ટિ આપણામાં કેવી ભારોભાર વણેલી છે એ જોઈએ. બાળકનો જન્મ થતા પેહલો સવાલ બાબો કે બેબી? જવાબ : આપડે તો બાબા બેબીમાં કઈ તફાવત નથી રાખતા. ભલેને બેબી આવી. મારા માટે તો લક્ષ્મી જ છે. કેવી રુડી રૂપાળી વાત લાગી ને? પણ આ તમારી ગલત ફેમી છે. આ વાત રુડી રૂપાળી નથી. આમા ભલે બેબીને ખુશીથી સ્વીકારવાની શેખી મરાઈ હોય છતાં હું બાબાની જેમ બેબીને પણ અપનાવું છું. એમ કહીને બેબી ઉપર પહેલા જ દિવસથી ઉપકારનો બોજ મુકી દેવામાં આવે છે. બાબો આવે તો ભલે ને બાબો આવ્યો અમારે તો જે હોય ચાલે, એમ કોઈ કહેશે નહિ કારણ કે બાબો સર્વ સ્વીકૃત છે.
એક નાની કટાક્ષ વાર્તા લખીશ. અહીં સમજાઈ જશે કે કેવા કેવા ભેદ મનમાં ભરેલા છે.
પાડોશી ૧ : ઓહો દીકરાની વહુ ને ડિલિવરી થઇ ગઈ?
(અહીં પણ વહુ દીકરાની સ્ત્રી પોતે જાણે કઈ નથી.)
કેવી છે તબિયત?
બેબી કે બાબો?
પાડોસી ૨: બેબી છે? ચોથી બેબી આવી પણ અમારે તો બાબોને બેબી બધું સરખું. ભગવાન જે આપે એ. બેબી છે તો શુ થયું લક્ષ્મી જ છે અમારા માટે તો.
આ ઉપરના એક વાક્યમાં સમાજનું દોગલાપણું છુપાઈ છુપાઈ ને પણ ડોકિયાં કરે છે. બસ! જોવાની આંખ ઉજાગર કરવાની છે. ચોથી ડિલિવરી સુધી આ ફેમિલી લાબું થયું શા માટે? બાબા માટે. જો પેહલી ડિલિવરીમાં બાબો આવ્યો હોત તો કદાચ એક બસ કહીને, આ ફેમિલી જ વટથી કેહ્તું, આપડે તો નાનું કુટુંબ સુખી કુટુંબ. પણ ચાર ચાર ડિલિવરીથી રાહ જોયા પછી પણ બેબી આવે છે. સમાજ સામે ભલે બે સરખા પણ તમે બાબાની જ રાહ જોતા હતા, એ ઉજાગર થાય જ છે.
આ તફાવત માટેની જવાબદારી સમાજ રચનાની, સમાજની વ્યવસ્થાની છે. સમાજમાં દીકરીઓને અપાયેલા સ્થાનની છે. એને સ્થાન જ એવું અપાયેલું છે કે એ વહાલી હોય તો પણ જાણે પારકી જ હોય. પોતાના કઈ કામની ના હોય. છોકરી એટલે એના માટેના નિયમો અલગ અને છોકરા માટે કોઈ નિયમ જ નહિ. (જોકે કેટલાક જાગૃત લોકોમાં આ તફાવત મિટાવવાની જાગૃતિ આવી રહી છે. તે બિરદાવા યોગ્ય છે જ.) છોકરી તો પરણીને સાસરે જતી રેહવાની તો ઘડપણમાં આપણું કોણ? ધ્યાન રહે આ લગ્ન વ્યવસ્થા પણ માનવ નિર્મિત જ છે.
મહિલાને થતા ઉડીને આંખે વળગે એવા સામાજિક અન્યાયમાં અગ્રેસર અન્યાયમાં જો કોઈ આવતા હોય તો એ છે વિધવા બનેલી સ્ત્રી માટે ના વણલખેલા છતાં સમાજે જડભરતની જેમ સ્વીકારી લીધેલા નિયમો.કોઈ પુરુષની પત્ની હયાત છે કે નહિ, એ સમાજે જાણવાની કદાચ જરૂર નહિ પડતી હોય એટલે વિધુર બનેલા પુરુષ માટે કોઈ જ સિમ્બોલિક પ્રથા નથી. અને મહિલા માટે એક બે નહિ અનેક એવી પ્રથા એવી રૂઢિઓ એવા બેહૂદા નિયમો કે “પડ્યા ઉપર પાટુ” એ કેહવતને જાણે સમાજે સામે ચાલીને સ્ત્રી માટે જ બનાવી મૂકી દીધા છે. કોઈ મહિલા વિધવા થાય તો એનો સહારો તો કુદરતી રીતે જ છીનવાઈ જાય છે અને સાથે સાથે સમાજ એનું રહ્યું સહ્યું સુખ પણ છીનવવામાં કચાસ નથી છોડતો. વિધવા એટલે આજીવન શોકમાં જીવવાની સહજ પામેલી સ્ત્રી. જેનો પતિ ગુજરી ગયો પછી જાણે પતિ સિવાયની તો એની કોઈ જિંદગી જ નહોતી. પતિની સાથે બધું ગયું. રંગવારા મનને ગમે એવા પ્રસંગોચિત્ત કપડાં નહિ પહેરવાના. સજીધજીને નીકળવાનો મહિલાનો સ્વભાવ એ વિધવા બનતા જ છીનવી લેવાનો. તારે તૈયાર થઇને કોને બતાવવું છે? આ જો ને ઘરવારો છે નહિ તો કોના માટે આમ તૈયાર થઇ ને ફરતી હશે…. આવી વાતો પણ સમાજના બેહૂદા રિવાજોની વાદે ચડીને બીજી મહિલાઓ જ વધુ છઁછેડતી હોય છે. વિચારોની ગરીબી અહીં છતી થાય છે. વિધુર પુરુષની રહેણી કરણીમાં ક્યાંય કોઈ જ તફાવત આવતો નથી. જયારે સમાન પરિસ્થિતિમાં મહિલા અને પુરુષને માટેના નિયમો અલગ અલગ છે.
પરણિત સ્ત્રીની નિશાની મંગલ સૂત્ર, ચૂડી. બિંદ અને પરણિત પુરુષ અને અપરણિત પુરુષમાં કોઈ તફાવતજ ના નજરે પડે. મંગળસૂત્ર ચૂડી બિંદી આ બધા શણઘારના સાધનો છે કે પરણેલી સ્ત્રીના પ્રતીક એ સમજતા નથી. પરણેલી સ્ત્રી માટેનું પ્રતીક હોય તો પુરુષ માટે પણ એક મંગળસૂત્ર, બિંદી, બુટ્ટી, રાખવી જ જોઈએ. કેમ એમને આ બધાથી દૂર રાખવામાં આવેલા છે? વિધવા થતાં જ સ્ત્રીએ આ બધું છોડવાનું એને શણઘાર ના કરાય અને પતિની નિશાની કહેવાય બિંદી અને મંગળસૂત્ર ચૂડી બધું છોડી દેવાનું. ચોક્કસ આ નિયમો પુરુષો દ્વારા જ બનાવાયા હોવા જોઈએ એટલે જ એમની જાતને આ બધી નિશાનીઓથી દૂર કરીને સંપૂર્ણ સ્વતંત્ર બનાવી રાખેલી છે અને મહિલાઓને આમ બધી દીધી છે.
કિશોરાવસ્થામાં આવતા જ છોકરાઓ ઉછાંછળા બનતા જાય તો એને સમાજ ઝાયઝ માને અને સમાન ઉમરમાં છોકરીઓ માસિક અવસ્થાથી જ ધીર ગંભીર બનતી જાય અથવા મહેણાં ટોણાં અને હજારો સલાહોથી અને સમાજના ડરથી એનું છોકરમત પણું જુવાન થયા પહેલા જ છીનવી લેવામાં આવે છે. માતૃત્વ માટે શક્તિમાન બનાવતી કુદરતની પ્રક્રિયામાંથી પસાર થતી કિશોરી કઈ સમજે એ પેહલા તો એને ઘરનો ખૂણો બતાવી દેવામાં આવે. એને એ અછૂત(માસિક સમયે) છે એવું સમજાવી દેવામાં આવે. કોની સામે બોલાય, કોની સામે ના બોલાય, ક્યારે બોલાય, કેમનું ચાલવાનું કેવા કપડાં પહેરવાના, આવા અનેકાનેક નિયમો એની સલામતીના આંચળા હેઠળ, એને પગથી માથા સુધી ઢાંકી દેવામાં આવે. અને એ જ પુરુષોથી એને બચતા શીખવાડી દેવાનું કે શીખી લેવું પડે. જે પુરુષો એ જ આ બધા નિયમો બનાવીને મહિલાઓને અબળા બનાવી મૂકી છે.
આમ ફરિયાદો કરવા બેસીશુ તો કોઈ અંત જ નથી આવે એમ, અને ફરિયાદો કરવી એ પણ કોઈ ઉપાય નથી જ. એમાં સુધારો કરવા મને, તમને આખા સમાજને આંખ ખોલીને જોતા શીખવાનું છે કે શુ થઇ રહ્યું છે અને શું સાચેજ એ યોગ્ય છે? દરેક રૂઢિ-રીતરિવાજ પાછળ કોઈ કારણો જે તે સમયને આધીન હોઈ શકે. આપણે એને બિંદાસ કોપી પેસ્ટ કરીને આપણા રોજિંદા વ્યવહારમાં વાણી લઈએ છીએ. અરે એક નાનું બાળક રમાડતા રમાડતા લઈને ઘરની બહાર ફરવા નીકળીશુ, તો પણ સમજાઈ જશે કે એ બાળક જે જે વસ્તુ પેહલી વાર જોતું હશે, એ બધા વિષે અગણિત સવાલો ઉભા કરશે. તમે એક જવાબ આપશો એના અનેક પેટા સવાલો ઉભા કરશે. આ કેમ અને આવુજ કેમ? બસ આજ કરવાનું છે. દરેક રૂઢિ રીત રિવાજ માન્યતાઓ પરંપરાઓને મતલબ અને પરિવર્તનના વાઘા પહેરાવીને અન્યાયી બનાવી દેવામાં આવ્યા છે. બસ સવાલ પોતાની જાતે તો કરતા થઇ એ કે કેમ આમ? આ માન્યતા પાછળનું કારણ શુ? અને એ કેટલું વ્યાજબી છે? એ શોધતા થઇએ જીવન અમૂલ્ય છે. આંખે આખું આપણા પૂર્વજોના ખભા ઉપર નાખીને જીવી જ નાખીશું કે આપણે પણ કંઈક વિચારી ને નવા ચીલા ચાતરી શુ?
મહિલાઓમાં જાગૃતિ નોંધ પાત્ર રીતે આવી રહી છે. એમને થતા અન્યાયો માટે ક્યાંક જવાબદાર પુરુષો હશે ક્યાંક બીજી મહિલાઓ પોતે જ હશે. મહિલાઓના ન્યાય માટે પુરુષો પણ લડી રહ્યા છે અને જાગૃત મહિલાઓ પણ લડી જ રહી છે. ભણેલી ગણેલી મહિલાઓએ પોતે જે કઈ વેઠ્યું છે, સહન કર્યું છે, એમના કારણો શોધીને, આવનારી પેઢીને કંઈક સરળ જીવન વ્યવસ્થા આપવામાં યોગદાન આપવા જે બને એ કરવા આગળ આવતા રેહવું જરૂરી છે. તમે અત્યારે જે જીવી રહ્યા છો એ નિયમો વર્ષો પેહલા બનેલા અને સ્વિકારાયેલા છે. આજે તમે પહેલ કરશો તો એની અસર આવતી પેઢીઓમાં સુખ લઈને આવશે. મહિલાદિન નિમિતે મહિલાજાગૃતિની જ્યોત જગાવીને આજની અને આવતી પેઢીને થતા અન્યાયથી બચાવીએ અને આવા મહિલાદિન નહિ પણ દરેકે દરેક દિન માનવદિન બની જાય એવી સમાનતા તરફ આગળ વધીયે.
જીતુ ડીંગુજા
૯૯૨૪૧૧૦૭૬૧
8th march 2018.
*************************
મહિલાઓ પોતાની પીડા જણાવવા આગળ આવતી નથી. ઘણી મહિલાઓનો સંપર્ક કર્યો, પણ કોઈ લખવા તૈયાર જ નથી. તેમનાં પોતાના વિષે આર્ટીકલ આપવા જ તૈયાર નથી. બોલો શું કરવું? તમે આ પુરુષ સમાજમાં સમાનતા માંગો છો, તો જ્યાં તકો છે એનો પુરેપુરો ઉપયોગ કરો. મહિલાઓના મેગેઝીનમાં લખવાથી ફક્ત મહિલાઓ વાંચશે, એનાથી સમાનતા નહી આવે. મેઈન સ્ટ્રીમમાં આવો, પુરુષોને સમજાવો, તો સમાનતા આવશે. (SharuaatMagazine@gmail.com) બાય દ વે, આપણે આનાથી વિશેષ તો બીજું શું કરી શકીએ? અભિનંદન પાઠવી શકીએ, ખાલી ખાલી……
૮ માર્ચ ૨૦૧૮ – બધી જ મહિલાઓ જે ચુપ છે, કઈં લખતી નથી, બોલતી નથી, ચુપચાપ સહન કરે છે એ બધીને….
વિશ્વ મહિલા દિવસની શુભેચ્છા.