તો પછી શિક્ષક પ્રામાણિક કઈ રીતે?

શિક્ષક હરામ નું નથી ખાતો,મળતું જ નથી ને!
તો પછી શિક્ષક પ્રામાણિક કઈ રીતે?
પ્રામાણિક તો ત્યારે કહેવાય જ્યારે લાંચ મળતી હોય છતાં ના લે. જો શિક્ષક જીવનમાં લાંચ માટે અવકાશ હશે તો તે નિઃસંદેહ હરામનું ખાવાનો જ.
પોલીસ ખાતું તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
મારાં ખ્યાલ મુજબ શિક્ષક નું ધાર્મિક હોવું માનવતા માટે જોખમી છે. જે રીતે ભારત દેશ એક બિનસાંપ્રદાયીક દેશ છે કે જેને પોતાનો કોઈ ધર્મ નથી તેવી જ રીતે શિક્ષક નો પણ ધાર્મિક દ્રષ્ટિકોણ નિષ્પક્ષ હોવો જરૂરી છે.
કોઈ ચોક્કસ ધર્મ પ્રત્યે નો અભિગમ છોડી શિક્ષક સર્વ ધર્મ નો જાણકાર તથા ધર્મ શાસ્ત્રોમાં વર્ણવેલ અમાનવીય બાબતો નો આલોચક હોવો જોઈએ કે જેથી વિદ્યાર્થીઓનાં મન-મસ્તિષ્કમાં પણ કટ્ટરતાનાં બીજ ના રોપાય અને ધર્મ નાં નામે અધર્મ ને પોષવાનું બંધ કરે. સ્કૂલમાં કે કોલેજમાં કોઈ શિક્ષક છે તો તે એનાં ધર્મ માં રહેલા કચરા ને એક સુંદર આવરણ ચઢાવીને વિદ્યાર્થીઓ સમક્ષ અવાર નવાર રજુ કરતો રહે છે. જે શિક્ષક ફક્ત પાઠ્યપુસ્તકો આધારિત જ્ઞાન વહેંચે શું એ ખરેખર શિક્ષિત કહેવાય ખરો!
વિચારવા જેવી બાબત છે કે સામાજિક જીવન માં કટ્ટર ધાર્મિક માણસ એક સમયે તો વિદ્યાર્થી જ હશે ને! તો એવાં કયા પરિબળો હશે કે જેનાથી વ્યક્તિ માં ધાર્મિક કટ્ટરતા ઉદભવે?
પોતાના ઘર કે સમાજ સિવાય પણ એક પરિબળ યુવાનો ને કટ્ટરતા તરફ ધકેલી દે છે અને તે છે અનાયાસે કોઈ ક્ષેત્રમાંથી અમુક વ્યક્તિઓ દ્વારા મળતું વાહિયાત ધાર્મિક જ્ઞાન કે જેનું વિદ્યાર્થીઓ આંધળું અનુકરણ કરતા થઈ જાય છે.
આજે તો સોશિયલ મીડિયા માં પણ આવાં કટ્ટરતા ઉદભવે એવાં લખાણો, ભાષણો, ચિત્રો, વિડીયો વગેરે એ ઉત્પાત મચાવ્યો જ છે. ભણેલા ગણેલા વિદ્યાર્થી મિત્રો પણ આવાં પરિબળો ની ઝપેટમાં આવી જતા હોય છે કોઈ પણ પ્રકારના વ્યક્તિગત સંશોધન વગર.
આપણો માઇનસ પોઇન્ટ ખબર હોવો એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે તો આ બાબત વ્યક્તિગત જીવનમાં ઉપયોગી હોય તો સામાજિક બાબત માં પણ યોગ્ય હશે જ.
આપણાં ધર્મ માં જો કોઈ માઇનસ પોઇન્ટ રૂપી કચરો રહેલો છે તો એ આપણે દૂર કરવાનાં પ્રયત્નો કરવા જોઈએ નહી કે આંખ આડા કાન કરી પોતાની મુર્ખામી નું પ્રદર્શન કરવું.
Charchil Mirana