કોરોના તર્ક | શું આ દુનિયામાં ખરેખર ભગવાન છે!?

Wjatsapp
Telegram

કોરોના મહામારીની ધર્મ અને સંપ્રદાયો પર અસર

તર્ક :- ભગવાન હોત તો આ કોરોનાને હટાવી દીધો હોત, અરે ખુદ ભગવાન મંદિર-મસ્જિદ-ચર્ચમાં લૉક થઈ ગયો.

સાંપ્રદાયિક દલીલ : ભગવાન તો છે જ, પણ આ પાપીઓને સબક આપવા માટે કોરોના મોકલ્યો છે.

તર્ક : તો પછી આ કોરોનાથી તો ભગવાનની ભક્તિ કરનારા ભકતો પણ મરી રહ્યા છે. ભગવાને પાપીઓને સજા કરવા પૂરતો કોરોના મોકલ્યો હોય તો એમના ભક્તો ઉપર કોરોનાની અસર ના થવી જોઈ ને ?

દલીલ : ભગવાને આ બધું ભવિષ્ય પહેલા જ લખી દીધું છે એટલે આ બદલી ન શકાય.

તર્ક : તો પછી જીવનમાં તકલીફ આવે ત્યારે કષ્ટ દૂર કરો એમ કરીને એ ભગવાનની પૂજા કરવા મંદિર-મસ્જિદ-ચર્ચમાં શા માટે જવાનું ?

દલીલ : ભગવાન દયાળુ છે. એટલે ક્યારેક પ્રાર્થના સાંભળીને દુઃખ દૂર કરી આપે.

તર્ક : જો ભગવાન દયાળુ હોય તો ભાગ્યમાં દુઃખો લખે જ શા માટે ? અને દયાળુ સ્વભાવના ભગવાન કોઈ ભૂલથી કષ્ટ કે દુઃખ લખી દે તો પછી ક્યારેક જ પ્રાર્થના સાંભળે ? તમે દલીલ કરો કે ભગવાન ભાગ્યવિધાતા બનીને ભવિષ્ય લખે છે તો પછી બધાનું સારું સારું જ લખવા જોઈએ ને ?

દલીલ : ભગવાન કષ્ટ દૂર કરવા શક્તિમાન છે. એ યાદ દેવડાવવા આવા કષ્ટ લખે. જેથી લોકો નાસ્તિક ન બની જાય…સમજ્યા ?

તર્ક : બસ ખાલી આમ… હું ભગવાન છું એવું યાદ દેવડાવા પૂરતું લોકોને કષ્ટ લખી આપે ? એ તો ભગવાન અઠવાડિયે એકાદવાર જાહેરમાં પ્રગટ થઈને પણ બધાને યાદ અપાવી જ શકે છે. તમે એ કાગળ લખો તોય થાકી જાવ તો આટલી કરોડો જનતાનું આખી જિંદગીનું લખવામાં એ કેટલું હેરાન થતા હશે નઈ ?

(હવે લાગ્યું કે તર્ક સામે દલીલમાં ટકી શકશે નહીં એટલે પાટલી બદલે છે. )

દલીલ : આમાં કેવું છે… કે ભગવાન બધું ન કરે… બધી વાતોમાં એ થોડો જવાબદાર છે ? આમાં માણસનું કર્મ પણ થોડુંઘણું જવાબદાર હોય ભાઈ !

તર્ક : માણસનું કર્મ ? થોડુંઘણું જવાબદાર હોય કે પૂરેપૂરું ? જે હોય એ પણ જો કર્મની વાત આવે તો તો પછી ભગવાને ભાગ્યવિધાતા બનીને કષ્ટ-દુઃખ લખવાની જરૂર શું ? અને પાછા એ લખાઈ ગયેલા કષ્ટ અને દુઃખો દૂર કરવા ભગવાનને જ હેરાન થવું પડે ? એવું કેવું ?
કાં આ ભગવાન ભાગ્યવિધાતા છે એ ખોટી વાત અથવા આ કર્મ કરે એવું ફળ મળે એ ખોટી વાત !

દલીલ : તો કરો કર્મ અને ખોળો આ કોરોના મારવાનો ઉપાય ! કેમ ખોળતા નથી ? નાહક ભગવાનની પાછળ પડ્યા છો ! નાસ્તિક સાલા…( વાતાવરણ ગરમી પકડે છે.)

તર્ક : જુઓ આપણે ક્રોધ ન કરવો એમ શાસ્ત્રો કહે છે. ક્રોધ કરવાથી બુદ્ધિનો નાશ થાય.
તમે જ કહો છો કે પાપીઓને સજા આપવા આ કોરોના મોકલ્યો છે. તો દવા પણ ભગવાન ખોળવા જોઈએ ને ? છતાંય ડૉકટર કે જેમને આજના સમયમાં લોકો ભગવાન તરીકે સ્વીકારી રહ્યા છે. એમને માનવજાતને બચાવવા દવા શોધવાનો શરૂ કરી દીધી છે અને
કોરોના હાલ તો સેનિટાઇઝરથી મરે છે.એટલે તમે હાલ સેનિટાઇઝર વસાવી લો ! બાકી, સેનિટાઇઝરનો છંટકાવ બધા ધર્મ સ્થાનોમાં કરીને કોરોનાથી બચી શકાશે.

દલીલ : તમે જાણો છો કે આ સેનિટાઇઝર કેટલું મોંઘું પડે છે ? અને ઉપરથી અમારું બજેટ પણ બગડ્યું છે.

તર્ક : કેસર કરતાં તો મોંઘું નથી હો !
અને તમારું બજેટ કેટલું હશે ?

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

દલીલ : બજેટ તો બે પાંચ હજાર કરોડનું ખરું…પણ એનાથી તમારે શું લેવાદેવા ?

તર્ક : મને નહિ ભગવાનની ભોળા ભાવે ભક્તિ કરનારા ભક્તોને લેવાદેવા છે. કેમ કે ભક્તો આજે ભયંકર આપદામાં છે. ભગવાન કોરોનાની દવા શોધી ન આપે તો વાંધો નહિ, પણ આ મુસીબતમાં સહારો આપે એવી ભક્તોને આશા છે. કેમ કે હવે એમનીય ધીરજ ખૂટી છે અને એ પૂછી રહ્યા છે કે, ભગવાન ક્યાં છે ? ભગવાન છે ખરો ?

લેખક: જયેશ વરિયા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.