કેવડિયા | આદિવાસીની પીડા ન સમજી શકતા હોવ તો તમારૂ શિક્ષણ અને સંસ્કાર ખાડે ગયા સમજો

Wjatsapp
Telegram

કેવડીયા કોલોની, નામ તો સાંભળ્યુ જ હશે!?

પહેલાં નર્મદા બંધ અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જગ વિખ્યાત બની ગયું છે કેવડિયા. આપણે કેવડીયા જઈએ ત્યારે સરદારનુ લોખંડનુ (મેડ ઈન ચાઈના વાળું) સ્ટેચ્યુ, ફ્લાવર ગાર્ડન, કેક્ટ્સ એટલે કે થોરનો બગીચો અને નર્મદા ડેમને જોઈને અભિભૂત થઈ જતા હોય છે અને જેતે સરકારની પ્રશંસા કરતા થાકતા પણ નથી. પણ આજે અસલી કેવડીયાની ખમીર, અને ખમતી જાજેરીમાન વિકાસથી વંચિત આદિવાસી જનતાની વાત કરવી છે.

હું અને કેવડીયા એટલે બાળપણના ગોઠી જેવો સબંધ. જ્યારે પણ ચિંતા કે મનોવ્યથા વ્યક્ત કરવાની હોય! જાત સાથે વાત કરવાની હોય ત્યારે કેવડીયાના પ્રાકૃતિક સૌંદર્યએ મને હમેશાં પોતીકો સમજ્યો છે.

મેં નર્મદા બચાવો આંદોલનને પણ નજીકથી મહેસૂસ કર્યુ છે. શુ ખરેખર આદિવાસી પર અત્યાચાર થાય છે? કે આદિવાસીઓ ખાલી રાજકારણ પ્રેરિત માત્ર દેખાવો કરી રહ્યા છે? શું સરકાર તેમની જમીનો હડપી રહી છે? વિકાશના નામે!? શું સરકાર તેમને ખાલી વચનો જ આપી રહી છે? શું છે આદિવાસીની હક્ક અને સન્માનની લડાઇ?

ખરેખર બિનઆદિવાસી લોકોએ આ પ્રશ્નોને જાણવા ખુબ જ જરૂરી છે. કારણ કે આજે, આદિવાસીના હક્ક અને અધિકારની વાત આવી છે! કાલે તમારી પણ આવશે. આ માત્ર જમીનની લડાઈ નથી, આ લડાઈ છે, આત્મ સન્માન અને પોતીકા ભાવની.

ક્યારેક નસવાડી તાલુકાના નર્મદા કાંઠાના ગામડાઓ અને કવાંટના નર્મદા કાંઠાના ગામડાઓમાં જશો તો ખ્યાલ આવશે કે પ્રકૃતિ અને તેની સંબંધિત જીવન એટલે શું? આપણે શહેરી લોકો 10 મિનિટ નેટ બંદ થઈ જાય તો પણ અકડાઈ જઈએ છે. જ્યારે ત્યા તો લાઇટ વગર, નેટવર્ક વગર, પાણીની સુવિધા વગર, બાથરૂમ વગર, ક્યાંક રોડ-રસ્તા વગર કોઈપણ વસ્તુઓ વગર આદિવાસી પરિવાર ડુંગર પર રહેતુ હોય છે. તે પ્રકૃતિના શોરૂ છે, આ પ્રકૃતિ તેમની માતા-પિતા છે. એમને તેનાથી અલગ ના કરવા જોઈએ.

આપણે આદિવાસીઓને શું આપ્યું વિકાસના નામે?

વિસ્થાપિત ગામોમાં લટાર મારજો જમીની હકિકતથી વાકેફ થઈ જશો. તમે માત્ર વેકેશનમાં મામાના ગામ કે પોતાના માદરે વતન જશો તો બાળપણ જીવિત થઇ જશે, તમે ગળગળા થઈ જશો, તમે બાળપણમાં જીવેલી એ તમામ જગ્યાએ ફરતા ફરતા મોઢૂ મલકાવતા તમારા ઈતિહાસને યાદ કરતા હશો, કેમેરામાં કેદ કરતા હશો કારણ કે આ તમારો ભવ્ય ભૂતકાળ તમે વિસરવા માગતા નથી, કેમકે ત્યા તમારી અસ્મિતા જીવીત છે. તો શું પ્રકૃતિના રક્ષક આદિવાસીઓની કોઈ અસ્મિતા નહી હોય?

વિકાસના લોલીપોપ આપી, સહાયની ખાત્રી આપી આદિવાસીઓને છેતર્યા જ છે. રસ્તા પર ચાની કીટલી, પાપડીનો લોટ, અમેરિકન મકાઈ અને ઠંડા પીણાના નાના વ્યવસાય કે જે તેમણે પોતાની તાકાતથી ઉભા કર્યા હોય છે તેને તોડી પાડ્યા.

મને યાદ છે. હું જરવાણી વોટર ફોલ જોવા જતો હતો ત્યારે અચરજ પમાડતી એક ઘટના જોઈ, અંદરના ગામડાઓમાંથી આવતા લોકોને ચેક પોસ્ટ ઉપર લિટરલી તપાસ કરવામાં આવી રહી હતી, જાણે તેઓ વાઘા બોર્ડર ક્રોસ કરી રહ્યા હોય. નાના નિસ્તેજ મજદુરો, મહિલાઓ, નાના બાળકો ડરના માર્યા ઉભા રહી ગયા. મને નવાઈ લાગી. પોતાનુ ગામ, પોતાનો વિસ્તાર છતાં પોતાનુ કહી શકાય તેવી સ્વતંત્રતા નહીં. અંદરના ગામડાઓની ખરેખર સ્થિતિ દયનીય છે. કેવડીયાની આજુબાજુના લોકો પોતાનું ઘર-જમીન વિસ્તાર હોવા છતાં ડરના છાયામાં જીવે છે. કેમ આવુ બન્યું? કેમ સરકાર આદિવાસીની જમીન હડપ કરે છે? બંધારણીય દ્રષ્ટિએ આદિવાસીની અસ્મિતાનું હનન ના થવુ જોઇએ. યુનેસ્કો પણ આ બાબતે કડક છે અને આદિવાસી અસ્મિતાની તરફદારી કરે છે, તો સરકાર ઉપરવટ જઈને કેમ આવુ કરે છે!?

કારણ ચોખ્ખું છે. વિકાસના નામે વિદેશી હૂંડિયામણના નામે આદિવાસીઓની જમીન હડપ કરી ઉદ્યોગ જગત અને રાજકીય વગ ધરાવતી મોટી હસ્તીઓના રોકાણ કરવા માટે પ્લોટ ઉભા કરવા છે તેમની જમીન હડપીને.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા જશો તો સામાન્યતઃ એક વ્યક્તિ દીઠ 3000 હજારનો ખર્ચો થાય. ત્યાનો આદિવાસી પરિવાર કોઈ દિવસ તે જોવા માટે નથી ગયો. તેને તો બે ટંકની રોજીરોટીની પડી હોય! અને આપણે પણ કહેવાતા સભ્ય સમાજે આદિવાસીઓ પ્રત્યેનું વલણ ઓરમાયું રાખ્યુ છે. આપણી બાજુની સીટમાં આદિવાસી પરિવાર બેઠુ હોય તો પણ આપણા નાકનુ ટેરવુ ચડી જાય છે. કારણકે તેના પ્રશ્નોને પોતાના સમજ્યા જ નથી ક્યારેય. આપણે માત્ર વિકાસની આંધળી દોટમાં કોઈકના ખેતરો, ઝુપડાઓ, કોઈના અસ્તિત્વને નેસ્તનાબુદ કરવા બેઠા છીએ. આજે તમારી વાણી, વિચાર કે લેખનમાં આદિવાસીની પીડાને ન સમજી શકતા હોય તો તમારૂ શિક્ષણ અને સંસ્કાર ગીરવે મુકાઈ ગયા સમજો.

આદિવાસીને એમની અસ્મિતા અને એમની જમીનને સંરક્ષણ આપો. તે જ ખરો વિકાસ કહેવાય!

✍️ પ્રવિણ ખાણીયા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.