ઉલગુલાન | ઊઠ!ઉભો થા! તારા ડુંગર-નદીઓ સાદ કરે-તારી માટી લૂંટાય!

ઉલગુલાન
ઊઠો,
તીર અને તલવારથી આંસુઓ લૂછી નાંખો.
ટોળે વળી, છાતી કૂટવાની બંધ કરો.
શું થાશે એ વિચારવાનું બંધ કરો.
હવે બૂગીયો ઢોલ પીટવો પડશે.
કુરરરર….કુરરરર….,
સૂતા લોકોને જગાડવા પડશે.
સત્યનું ધગધગતું સીસું એમના કાનમાં રેડવું પડશે.
ગુલામીની બેડીઓ તોડવી પડશે.
‘ઉલગુલાન’ કરવું પડશે.
યાદ કરવા પડશે,
માતૃભૂમિના ક્રાંતિવીર, મહાયોદ્ધાઓને,
બિરસા મુંડા, રાણા પુંજા, તંત્યા મામા, હલ્દીબાઈને,
શ્વાસોના હણહણતા ઘોડા પલાણવા પડશે.
કેદ થઈ ગયેલી માતાને છોડાવવી પડશે.
બલિદાન તારી ઓળખ છે,
બલિદાન તારે આપવું પડશે.
તારા હાથોમાં,
તારી કોટોમાં,
તારા માથે,
તારા ખભે,
તારી કેડે,
ધરી લે તારા શૂરવીરનો શણગાર,
હજી કેટલો સહીશ માટીનો સંહાર.
હે ! સાંભળ માટીના મરદ
તારી માટી લૂંટાઈ રહી છે.
ઊઠ,ઊભો થા,
તારા ડુંગર તને સાદ કરે છે.
તારી નદીઓ તને સાદ કરે છે.
દોડ જા એને ભેટી પડ
ઉલગુલાન કર
જા એને આઝાદ કર
✍️ પ્રવીણસિંહ ખાંટ “પ્રસુન્ન રઘુવીર”