જાણો સનાતન (હિન્દૂ) ધર્મની કડવી સચ્ચાઈને સ્પર્શતા કેટલાક સવાલો

Wjatsapp
Telegram

સનાતન ઉર્ફે હિન્દુ ધર્મની કડવી સચ્ચાઈ

હિંદુ કે હિંદુત્વના ઠેકેદાર તરીકે તમે મને પૂછો છો કે – ‘‘તમે માત્ર હિંદુ ધર્મ વિશે જ કેમ લખો છો? ખ્રિસ્તી કે ઇસ્લામ જેવા અન્ય ધર્મ વિશે કેમ લખતા નથી?’’ તો હું એવા ઠેકેદારોને કહીશ કે- ‘‘સૌ પ્રથમ પોતાના ઘરની ગંદકી સાફ કરાય બીજાના ઘરની ગંદગી નહી!’’. વળી કોઈ હિંદુત્વના ઠેકેદાર તો એમેય કહે છે કે- ‘‘સૌપ્રથમ અબ્દુલ અને રોબર્ટ પોત-પોતાના ઘરની ગંદકી સાફ કરશે પછી જ હું મારા ઘરની ગંદકી સાફ કરીશ!!’’

આવો દુરાગ્રહ રાખવાથી મોહમ્મદ અલી જિન્નાહ, શેખ અબ્દુલ્લાહ પૈદા થાય.

અલ્યા એક બાજુ તું એમ કહે છે કે- ‘‘સૌથી જૂનો ધર્મ “સનાતન-હિંદુ ધર્મ છે!’’ તો ગંદગી સાફ કરવાની શરુઆત પણ ત્યાંથી જ થાય કે નહી? રેલ્વે સ્ટેશન ઉપર જે ગાડી પહેલા આવે એ જ ગાડી પહેલી ઉપડે કે છેલ્લી આવે તે ગાડી પહેલા ઉપડે?

હું હિંદુત્વના ઠેકેદારોને ‘‘હિંદુ કે હિંદુત્વ’’ વિશે કેટલાક સવાલો પૂછીશ જેના જવાબ એમની પાસે હોય તો આપે, નહીતર શાંતિથી વિચારજો!!

સવાલ-1:

હિન્દુ ધર્મમાં માંસાહાર સ્વીકાર્ય છે, એટલે માંસાહારની છૂટ છે? કે વર્જ્ય (પ્રતિબંધિત- મનાઈ) છે? હિન્દુ ધર્મમાં માંસાહાર કરનારા લોકો પ્રત્યે માંસાહાર ન કરનારા લોકો કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખે છે કે નહી? હિન્દુ ધર્મમાં પંડિત અટલ બિહારી વાજપાઇ માંસાહાર કરે તો કોઇ વિવાદ નથી થતો અને માવજી નામનો વાલ્મિકી માંસાહાર કરે તો એ નીચ કક્ષાનો? શું માવજી વાલ્મિકી હિંદુ નથી? શું હિન્દુ ધર્મમાં મદિરા કે શરાબ સેવન સ્વીકાર્ય છે કે નહી? કેટલા દેવી-દેવતાઓને શરાબને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે? તે શું છે? સાચું છે? સ્વાધ્યાય પરિવારનાં સંસ્થાપક આઠવલે પાંડુરંગ શાસ્ત્રીએ હિંદુ ખારવા જાતિનાં લોકોને કહેલું કે- ‘‘માછીમારી એ પાપનો નહીં પણ તમારા બાપનો ધંધો છે!’’ શું આ માંસાહારને સમર્થન આપવા બરાબર વિધાન કહેવાય??

સવાલ-2:

શું હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજા માટે મૂર્તિનું કદ કેટલું રાખવું જોઈએ? તેનો કોઇ નિયમ છે? શું “આર્ય સમાજ” એ વેદ આધારિત સનાતન ધર્મ છે? શું સનાતન ધર્મ એ હિન્દુ ધર્મનું જુનું નામ છે? શું આર્ય સમાજમાં મૂર્તિ પૂજા થાય છે? શું આર્ય સમાજ મૂર્તિપૂજાનો વિરોધ કરે છે? હિંદુધર્મમાં ધાર્મિક કાર્યો કરાવનારી સૌથી ઉંચી જાતિનાં બે ભાઇમાંથી એક ભાઇ વેદ આધારિત ઉપાસનાનો પ્રખર હિમાયતી છે, અને તે મૂર્તિપૂજાનો વિરોધ કરે છે. તેનો જ બીજો ભાઇ મૂર્તિપૂજા કરીને કમાણી કરે છે, અને તે મૂર્તિપૂજાનો પ્રખર હિમાયતી છે, આ કારણોસર સામાન્ય લોકો મૂર્તિપૂજા કરવા અને ન કરવા બાબતે ઝગડાઓ કરે છે, પરંતુ પેલા બે ભાઇઓ કદીય ઝગડા કરતા નથી! આવુ કેમ? શું આને જ સનાતન ધર્મ કહેવાય??

સવાલ-3:

હિન્દુ ધર્મમાં કોઈ વ્યક્તિને નવું મકાન ખરીદવું હોય કે મકાન ભાડે રાખવું હોય તો તેનું માત્ર હિન્દુ હોવું પર્યાપ્ત છે કે તેણે પોતાની જ્ઞાતિ પણ જાહેર કરવી જરૂરી છે? શું તેને હિન્દુ હોવા માત્રથી નવું મકાન ખરીદવા માટે કે ભાડે રાખવા માટે તેનો ધર્મ તેને મદદ કરે છે? કે તેની જ્ઞાતિ તેને મદદ કરે છે? જો જ્ઞાતિ મદદ કરે છે! અને હિંદુ હોવાં માત્રનું કઈ કામ ન આવે તો હિંદુધર્મ મોટો કે તેની જ્ઞાતિ મોટી??

સવાલ-4:

હિંદુ ધર્મનો કોઇએક માત્ર ધર્મગ્રંથ ખરો? જેને સર્વે હિંદુઓએ માન્ય ગણ્યો હોય? કે જેમાં ખાન-પાન, રહેઠાણ, ભાષા, વેશભૂષા, મુખ્ય ધાર્મિક સ્થળ, અલગ અલગ પ્રાંતો હોવા છતા લગ્ન સહિતની તમામ ધાર્મિક વિધિઓમાં એકસમાનતા હોય!

સવાલ-5:

હિન્દુ ધર્મમાં ભૂતકાળમાં શિવ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય વચ્ચે લોહીયાળ ઝઘડા થતા હતા? જો ‘‘હા’’ તો કેમ? અને હવે કેમ બંધ થઈ ગયા?? જો ‘‘ના’’ તો રામાયણમાં એક બીજા સામ સામે લડાઇ કરનારા વૈષ્ણવ તિલક વાળાઓ અને શિવનાં ત્રિપૂંડ તિલક વાળાઓ વચ્ચે જ કેમ યુધ્ધ જોવા મળે છે?

સવાલ-6:

શું હિન્દુ ધર્મમાં નરબલિ કે પશુબલી છે? ભૂતકાળમાં હતી તો અત્યારે કેમ નથી?

સવાલ-7:

શું હિન્દુ ધર્મમાં એકપણ એવો વ્યક્તિ ખરો કે જે જ્ઞાતિ વગરનો હોય? શું કોઇ હિંદુ બની શકે ખરો? જો કોઇને હિંદુ બનવું હોય તો એને કંઇ જ્ઞાતિમાં સ્થાન મળશે? શું તે બ્રાહ્મણ બની શકે? શું હિન્દુ ધર્મમાં જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે જીવલેણ દ્વેષ અને વેરવૃતિ છે? શુ હિંદુમાં રહેલી જ્ઞાતિઓ એકબીજાને ખતરનાક રીતે દ્વેષ થી જુએ છે? તેઓમાં એકબીજાને પાડી દેવાની કોઈ ગુપ્ત હરીફાઈ છે? જો હા તો શું આ બાબત હિંદુ ધર્મ શિખડાવે છે? અને તેના માટે હિંદુ ધર્મના ધર્મગુરુઓ જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે પ્રેમ રાખવાનું શીખવે છે?

સવાલ-8:

હિંદુ ધર્મ પછાત, નબળી, નીચી અને નિમ્ન જાતિઓને સામાજિક તિરસ્કાર અને મંદિરોમાં પ્રવેશ વર્જિતથા મહાભયંકર શોષણને કારણે બૃહદ ભારત (બ્રિટિશ ભારત અને તે પહેલાનું ભારત) ના લોકોએ ધર્મ પરિવર્તન કરેલું? મોહમ્મદ અલી જિન્નાહના પૂર્વજ પૂંજાભાઇ વાલજી ભાઇ ઠક્કર (લોહાણા) કોણ હતા? અને શેખ અબ્દુલ્લાહ ના પૂર્વજ બળ મુકુંદ કોલ (બ્રાહ્મણ) કોણ હતા? તેમના વંશજોએ ઇસ્લામ કેમ અપનાવ્યો? જે ધર્મમાં જાતિઓ નીચી હોય તે ધર્મ ઉંચો કંઇ રીતે કહી શકાય?

સવાલ-9:

હિંદુ શબ્દનો અર્થ ભગવદ્ગોમંડલ નામના ગુજરાતી ભાષાના સૌથી મોટા શબ્દ કોષના ભાગ નંબર ૯માં અને પાના નંબર ૧૨૧૬ ઉપર શું આપેલો છે? શું કોઈ ધર્મના બે અર્થ હોય શકે ખરો? દુનિયાનો કોઈ ધર્મ એવો છે કે જેનો એક મતલબ ચોર, ગુલામ થતો હોય અને બીજો મતલબ ધર્મનો અનુયાયી થતો હોય?

સવાલ-10:

જો ભારતમાં ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મીઓ ન આવ્યા હોત તો હિન્દુ અને હિન્દુત્વ આજે કેવા સ્વરૂપે હોત? શું વિદેશી શબ્દ ‘‘હિન્દુ’’ નામનો કોઈ ધર્મ હોત?

સવાલ-11:

હિન્દુ ધર્મમાં વર્ચસ્વની બાબતે, સન્માન ભોગવવાની બાબતે તથા સુવિધા ભોગવવા જેવી બાબતે બાબતે અસમાનતા પ્રવર્તે છે કે નહી? શું ઇસ્લામ ધર્મમાં કોઇપણ વ્યક્તિ ઇમામ અને ખ્રિસ્તી ધર્મમાં ફાધર કે પોપ કોઇપણ વ્યક્તિ બની શકે તેમ હિન્દુ ધર્મમાં કોઇપણ વ્યક્તિ શંકરાચાર્ય કે જ્યોતિર્લિંગ મંદિરોનાં પૂજારી બની શકે ખરો? જો નહી તો શું આ કોઇ એકજાતિની અનામત નથી? આ અનામત કઈ જાતિને નામે છે? તો શું આ પૌરાણિક સામાજીક અને ધાર્મિક અનામતની કોઇ સીમા કે સમય મર્યાદા છે?

સવાલ-12:

શુ હિન્દુ ધર્મમાં સૌ જાતિના લોકોએ ધાર્મિક શાસ્ત્રો લખવામાં ફાળો આપ્યો છે? જો ના તો કેમ? શું કોઈ એક જાતિએ શાસ્ત્રો લખીને કોઈ ધાર્મિક સ્થાપિત હિત ઉભું કરીને સંપૂર્ણ હિન્દૂ સમાજને ગુલામ બનાવવાનું કાવતરું કર્યું હોય એવું બને ખરું??

સવાલ-13:

શીખધર્મની કે બૌદ્ધધર્મની કે જૈનધર્મની ભારતમાં સનાતન ધર્મ કે હિંદુ ધર્મ હોવા છતાં કેમ સ્થાપના કરવી પડી? કોના ત્રાસને કારણે?

સવાલ-14:

શું હિન્દુ ધર્મમાં સાંઇબાબાને કોઈ સ્થાન છે? શંકરાચાર્યએ સાંઈબાબાને હિન્દુ ન હોવાનો આદેશ આપીને, હિન્દુઓએ ત્યાં ન જવાનો હુકમ કેમ કર્યો? તો પણ હિંદુ લોકો ત્યાં જાય છે! તો શું હિંદુ લોકો શંકરાચાર્યનાં આદેશને કંઇ ગણતા જ નથી? કે પછી શંકારચાર્યો સાથે એવું જ વર્તન થઇ રહ્યું છે, જેવું શંકારચાર્યોએ બિનબ્રાહ્મણ લોકો સાથે કર્યું હતું!!

સવાલ-15:

શંકરાચાર્યએ શનિદેવની પૂજા કરવાની એમ કહીને ના પાડી કે- ‘‘શનિ એ ગ્રહ છે, તે દેવ નથી!’’ તો આ બાબતે શનીપુરમાં દર્શન કરવા માટે હિન્દુઓએ જવું કે નહીં?

સવાલ-16:

હિન્દુ ધર્મમાં સતી પ્રથા હતી તે યોગ્ય હતી? જો હા તો એને કેમ બંધ કરવી પડી??

સવાલ-17:

હિંદુ ધર્મ સિવાય અન્ય કયાં ધર્મમાં કન્યાભ્રૃણ હત્યા થાય છે? કન્યાભ્રૃણ હત્યાનું મૂળ કારણ શું છે? તેના મૂળમાં કોણ જવાબદાર છે? તેના મૂળમાં હિંદુ ધર્મની કઈ માન્યતા જવાબદાર છે? એ માન્યતાનો જન્મદાતા કોણ છે?

સવાલ-18:

હિન્દુ ધર્મની ધાર્મિક ભાષા કઈ છે? જેમ ખ્રિસ્તીઓની અને યહૂદીઓની hebrew (હિબ્રૂ) છે અને મુસ્લિમોની અરબી છે, તેમ હિન્દુઓની કઈ ધાર્મિક ભાષા છે? જો તે ભાષા સંસ્કૃત હોય તો એ ભાષા કઈ રીતે મૃત બની ગઈ? તેને મૃત બનાવનારા કોણ છે? તેને કઈ રીતે મૃત બનાવી દીધી? તેને બોલનારાઓએ વિદેશી ભાષા શીખવી જોઈએ કે નહિ?

સવાલ-19:

હિન્દુ ધર્મમાં ગંગા નદીમાં લાશોને વહાવવાનું ક્યાં શાસ્ત્રોમાં લખ્યું છે? લાશો વહેવડાવવાનું કોના કહેવાથી શરૂ થયું? એનાથી ગંગા નદી શુદ્ધ થાય કે ગંદી? આ લાશ વહેવડાવવાથી દુનિયામાં ભારત ઉપર કેમ બધા હસે છે??

સવાલ-20:

હિન્દુ ધર્મમાં કાશીમાં મરણ થવાથી મોક્ષ થાય છે! અથવા સ્વર્ગ મળશે! એ લોકવાયકા સાચી છે? કાશીમાં ગળા ઉપર કરવત મુકાવવાથી મોક્ષ મળશે એ સાચું છે? તો આજે આ મહાન પ્રથા કેમ બંધ થઇ ગઇ?

સવાલ-21:

હિન્દુ ધર્મમાં કેટલા સંપ્રદાયો છે? તેની કુલ સંખ્યા નક્કી છે? કોની પાસે સંપ્રદાયો સ્થાપવાની સત્તા છે? સંપ્રદાયો સ્થાપવાની કોઈ મર્યાદાઓ ખરી?

સવાલ-22:

હિન્દુ ધર્મમાં તમામ મુખ્ય ઇશ્વરો જેવા કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શીવ) એ કંઇ જ્ઞાતિ/જાતિનાં હશે? કારણ કે દરેક હિંદુને પોતાની જાતિની કુળ(જાતિ) અનુસાર દેવ અને દેવી છે, સૂરધનો વગેરે છે, વળી રામ ઇશ્વાકુ વંશ/જાતિનાં હતા, કૃષ્ણ યાદવ વંશનાં હતા, ભગવાન પરશુરામ અને ભગવાન સ્વામીનારાયણ બ્રાહ્મણ જાતિનાં હતા તો પછી દેવોનો રાજા ઇન્દ્ર એ કંઇ જાતિનો હશે? ધનની દૈવી લક્ષ્મી, શિક્ષણની દૈવી સરસ્વતી કંઇ જાતિની હશે? હિંદુઓમાં વિવિધ જાતિઓની પરસ્પર દ્વેષ, તિરસ્કાર વગેરેને જોતા શું એક જાતિનાં ભગવાન બીજી જાતિનાં લોકોને આશીર્વાદ કે વરદાન આપતા હોઈ શકે ખરા?

સવાલ-23:

જ્યારે આપણા વડાપ્રધાન પૂર્વ એશિયાઈ દેશો અને દક્ષિણ એશિયાનાં દેશોમાં જાય છે જેમ કે, જાપાન, વિયેટનામ, મ્યાનમાર, થાઈલેન્ડ, સિંગાપુર, ભૂટાન, શ્રીલંકા, કંબોડિયા વગેરે દેશોમાં જાય છે તો ત્યાં રામ કે હનુમાનને બદલે ભારત સાથે બુધ્ધને જોડીને એમ કેમ કહે છે કે –‘‘અમે અહીં બુધ્ધને લાવ્યા છે!” (તો સ્વદેશમાં રામ તથા હનુમાનને નામે અને વિદેશમાં બુધ્ધ ને નામે રાજનીતિ કેમ કરે છે? એમ કેમ?) શું પી.એમ મોદી સ્વદેશમાં હિન્દુ અને વિદેશમાં પોતાને બૌધ્ધ માને છે?

સવાલ-24:

ગુજરાત સિવાય ભારતના બીજા ૧૦ રાજ્યોમાં બીજેપીની સરકાર છે, છતાંય ત્યાં નવરાત્રીનું વેકેશન કેમ નહી? ગુજરાતમાં જ કેમ વેકેશન? બીજેપી શાસિત બીજા રાજ્યો શું હિન્દુ રાજ્યો નથી? તો ત્યાં નવરાત્રિનું વેકેશન કેમ નહી? શું હિંદુ ધર્મનાં તહેવારો-ઉત્સવોમાં તેમની જાતિ વ્યવસ્થા અનુસાર અસમાનતા છે? હિન્દુત્વનો ઠેકો લેનાર RSS-VHP કેમ ચૂપ છે? શું હિન્દુત્વનો તમામ ઠેકો ગુજરાતે જ લીધો છે?

સવાલ-25:

હિન્દુ ધર્મમાં કુલ કેટલા ઇશ્વરો છે? કુલ કેટલા દેવી-દેવતાઓ છે? તેની સંખ્યા અનુસાર ક્રમસર નામો આપી શકાય એમ છે? આ તમામને મોટા મોટા મંદિરમાં પૂજા કરવાની અને તેનો આર્થિક લાભ લેવાનું ધાર્મિક શાસ્ત્રની દ્રષ્ટિએ કોને અનામત અધિકાર છે?

સવાલ-26:

હિન્દુ ધર્મમાં કુલ કેટલા ઉત્સવો/તહેવારો છે? તેમાં કોઇ વ્યક્તિ કે સંગઠન વધારો કે ઘટાડો કરી શકે ખરો? દરેક સંપ્રદાયોનાં કેટલાક ખાનગી રીતે અલગ-અલગ ઉત્સવો-તહેવારો છે? ઉત્સવો-તહેવારોને સંખ્યાની દ્રષ્ટિએ ઉજવવાનું કંઈ ફિક્સ ખરું? ઉત્સવોની કોઈ ખાસ સંખ્યા ખરી? કે દિવસે ને દિવસે જરુરીયાત અનુસાર ઉત્સવો વધતા કે ઘટતા જાય? જેમ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં તેની સ્થાપના સાથે જે ઉત્સવો અને તહેવારો સ્થાપિત થયેલા છે તેવી રીતે હિન્દુ/સનાતન ધર્મમાં જન્મ-જયંતીઓ/તહેવારો/ઉત્સવો ફિક્સ ખરા કે ગમે ત્યારે ગમે તેવો આલ્યો-માલ્યો-જમાલ્યો જન્મજયંતીઓ/તહેવારો/ઉત્સવોને જોડતો-જોડતો આ સંખ્યા વધારતો જ જાય? અને એટલી જ જાહેર રજાઓ રખાવતો જાય!

સવાલ-27:

વિદેશી વિધર્મીઓ આવ્યા તે પહેલા હિન્દુ ધર્મમાં દરિયો પાર કરવાને પાપ કેમ ગણવામાં આવતું હતું? તેને કારણે કેટલા વર્ષો સુધી ભારતીય લોકો દુનિયાનાં અન્ય સ્થળોએ જઇ ન શક્યા! શું તેનાંથી ભારતને કોઇ નુકસાન થયું? ફાયદો કોને થતો? દરિયો પાર કરવાથી હિંદુ ધર્મમાંથી બહિષ્કૃત થવાની સામાજિક સજાની કયાં હલકટ લોકોએ જોગવાઇ કરેલી? તેને કારણે કેટલા મોહમદ અલી જિન્નાઓ પૈદા થયા? શું આવા રિવાજો વડે ભારત ટૂટ્યું કે બચ્યું?

સવાલ-28:

હિન્દુ ધર્મમાં દેવદાસી પ્રથા શું હતી? આવી સુંદર મજાની દેવદાસી પ્રથા બંધ કેમ કરવી પડી? દેવદાસીને ભગવાનની મૂર્તી સાથે લગ્ન કરાવીને તેની સાથે કોણ વ્યભિચાર આચરતા હતા? દેવદાસીને અનૌરસ સંતાનો થતા તે સંતાનોની જાતિને કેવું નામ આપવામાં આવતું હતું?

સવાલ-29:

શબરીમાલા મંદિરમાં ૮૦૦ વર્ષથી મહિલાઓને પ્રવેશથી વંચિત કેમ રાખવામાં આવતી હતી? સુપ્રીમ કોર્ટે મહિલાઓને પ્રવેશની છૂટ આપી હોવા છતાં મંદિરના સંચાલકો શું કહે છે? શું દેવીઓ અને માતાજીને પૂજનારો હિંદુધર્મ સ્ત્રી-પુરુષમાં ભેદ કરે છે? તો શું દેવીઓ અને માતાજી રજસ્વલા નહી થતી હોય? તો શું દેવીઓ અને માતાજીઓએ સંતાનો નહી જણ્યા હોય? તો શું તે નિ:સંતાન હતી? નિ:સંતાન ને બાળકોની પીડાનો અનુભવ હોય ખરો?

સવાલ-30:

કેરળ રાજ્યનાં પદ્મનાભ મંદિરમાંથી ૩૦૦ કિલો સોનું કોણે ચોરી લીધું? જો કે આ મંદિર કોર્ટની નિગરાનીમાં હોવા છતાં કેમ કરતાં ચોરી થઇ ગઇ? સાંભળવામાં આવ્યું છે કે આ ચોરી પૂજારીઓએ કરી છે? શું હિંદુધર્મમાં મંદિરમાંથી ચોરી કરનાર સામાન્ય વ્યક્તિને અને પૂજારીને એક સમાન સજાની જોગવાઇ છે?

સવાલ-31:

ભારતમાં વ્રતકથાઓમાં કઈ જાતિને કેન્દ્રમાં રાખીને તમામ વ્રતકથાઓ રચવામાં આવી? શું આમાં માત્ર એક જ જાતિને દાન આપવાનો અનામત ધારો કરેલ છે? શું આને અનામત ન કહેવાય? આ વ્રત કથાઓ કોણે લખી છે?

સવાલ-32:

હિંદુ ધર્મનો પ્રખ્યાત સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપકે મૃત્યુ પૂર્વે તમામ ગાદી કોને સોંપી હતી? સ્વાધ્યાય સંપ્રદાયના સ્થાપકે મુત્યુ પૂર્વે સંપ્રદાયનું સંચાલન કોને સોંપ્યું? ગાયત્રી શક્તિ પીઠનાં સ્થાપકે મૃત્યુ પૂર્વે કોને ગાદી સોંપી? સ્વાધ્યાય પરિવારના સ્થાપકે મૃત્યુ પૂર્વે કોને ગાદી સોંપી? આવુ કેમ? શુ હિન્દુ ધર્મનું બંધારણ આવું વંશવાદી છે? શું આ રાજાની ગાદી છે કે માત્ર તેમનાં વંશજોને જ સોંપવાનુ હોય? તેનાં અનુયાયીઓ કે માનસપૂત્રોએ માત્ર તાળીઓજ પાડવાની? શું આને જ મહાન હિંદુ ધર્મ કહેવાય?

સવાલ-33:

રામાયણમાં ૧૪ વર્ષનાં વનવાસ બાદ ગર્ભવતી સીતાને રામ દ્વારા વનવાસના આદેશ આપવા પાછળ જે વ્યક્તિ જવાબદાર છે, તે તેના નામને બદલે તેની ધોબી જાતિને આધારે આજે પણ ઓળખાય છે, તો પછી મહાત્મા ગાંધીની હત્યા કરનારને તેના નામને બદલે તેની જાતિને આધારે કેમ ઓળખવામાં આવતો નથી? શુ હિન્દુ ધર્મમાં ‘‘એકને ખોળ અને બીજાને ગોળ’’ની નીતિ જવાબદાર છે?

સવાલ-34:

હિન્દુ ધર્મમાં ‘‘જમવામાં જગલો અને માર ખાવામાં ભગલો’’ એવી નીતિ કામ કરે છે? અને જો એવી નીતિ ન હોય તો અમદાવાદમાં થયેલ ગોધરા કાંડમાં જેલમાં જનારા લોકોમાં એવી જાતિના લોકો જ કેમ તદ્દન નથી જે હિન્દુ ધર્મની માલ-મલાઈ ખાવામાં પહેલાં હોય છે! અને એવા લોકોના નામ કેમ આવી ગયા છે જે હિન્દુ ધર્મની માલ-મલાઇ ખાતા નથી છતાંય માર ખાવામાં પહેલા નંબરે આવી ગયા?

સવાલ-35:

હિન્દુ ધર્મમાં ગાય એ માતા છે કે પ્રાણી? જો માતા હોય તો 2014માં કેન્દ્રમાં આવનાર સરકાર તેને રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો કેમ આપતી નથી? અને જો પ્રાણી હોય તો સરકાર એને રાષ્ટ્રીય પ્રાણી કેમ જાહેર કરતી નથી? આ 2014ની સરકાર સત્તામાં આવ્યા અગાઉ તો એમ કહેતી હતી કે જો અમે સત્તામાં આવીશું તો ગાયમાતાને રાષ્ટ્રીય માતાનો દરજજો આપીશું! તો પછી એ વાત કેમ આગળ ચાલતી નથી? કે પછી હિંદુ ધર્મમાં ચાવવાના અને દેખાડવાના અલગ અલગ છે?

સવાલ-36:

હિન્દુ ધર્મના વેદોમાં માંસાહારને ભોજન તરીકે લેવાનું સ્વીકાર કરવામાં આવે છે? જો ‘ના’ તો સ્વામી વિવેકાનંદે પોતાના પુસ્તક ‘‘પૂર્વ અને પશ્ચિમ’’ માં પેઇજ નં.44 ઉપર રામાયણ-મહાભારતનાં શ્લોક ટાંકીને રામ-સીતા તથા કૃષ્ણ અને અર્જુન ક્રમશ: માંસાહાર અને મદિરાપાન કરે છે એવું કેમ લખ્યું છે? શું સ્વામી વિવેકાનંદ ખોટા છે? જો ‘હા’ તો તેમના ફોટાઓને હિંદુ નેતાઓ પોતાની ઓફીસ, ઘરમાં, પાસે કેમ રાખે છે?

સવાલ-37:

હિન્દુ ધર્મની 51 શક્તિપીઠમાંથી આજે કેટલી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આવેલ છે? હવે વિધર્મીઓની ધરતી ઉપરની તે શક્તિપીઠોની શું હાલત થતી હશે? શું તેની પવિત્રતા અકબંધ કહી શકાય? કે પછી મોહમદ અલી જિન્નાહનાં પરદાદા પૂંજાભાઇ વાલજીભાઇ ઠક્કરની જેમ અપવિત્ર થઇ ગઇ હશે? શું આ વિદેશી વિધર્મીની ભૂમિમાં રહેલ માતાજીઓની પવિત્રતા ભારતમાં રહેલ માતાજી જેટલી જ પવિત્ર કહી શકાય? વિધર્મીઓનાં દેશમાં તેનું ગૌરવ જળવાતું હશે?કટ્ટરવાદીઓ કેમ તે શક્તિપીઠોને કબજે કરવા જતાં નથી? અને અહીં જ કેમ ઠેકડા મારે છે?

સવાલ-38:

ગૌહત્યા બાબતે જો હિન્દુધર્મ સંવેદનશીલ હોય તો પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા જૂના ભારતીય પ્રદેશો અને શક્તિપીઠોની જગ્યાવાળા દેશમાં ગૌહત્યા થાય છે, તો ગૌહત્યાના વિરોધમાં હિન્દુધર્મએ પરમાણુ યુદ્ધ કરવું જોઇએ? હા કે ના?

સવાલ-39:

ભારતમાં જગતગુરૂ અને હિન્દુધર્મ મહાન છે! તો માનસરોવર અને કૈલાસ પર્વત ચીન પાસે કેમ છે? 12 વર્ષ સુધી હિન્દૂવાદી સરકારે એના માટે શું કર્યું??

સવાલ-40:

જો નેપાળ હિન્દુ રાષ્ટ્ર છે, તો ચીન તરફ કેમ ખેંચાઇ રહ્યું છે?

સવાલ-41:

હિન્દુધર્મમાં અંગ્રેજો આવ્યા તે પહેલા શું દરેક જાતિના લોકોને લડવાનાં, હથિયાર રાખવાનાં, હથિયાર ઉપાડવાનાં અધિકારો હતા? જો ‘‘ના’’ તો શું ભારત વિદેશી હુમલાઓ સામે હારીને ગુલામ બન્યું એમાં હિંદુ ધર્મની આ ધર્મનીતિ જવાબદાર કહેવાય? શું ભારતની ગુલામી માટે હિન્દુ ધર્મના આ કાળા કાયદા જવાબદાર છે? તો આ કાળા કાયદા બનાવનારા હરામખોર કોણ હોઈ શકે?

સવાલ-42:

હિન્દુધર્મના દેવી-દેવતાના ઘણા બધા વાહન પ્રાણીઓ છે તો એ વાહનોમાં પ્રાણી તરીકે ડાયનાસોર, કાંગારુ, શાહમૃગ, ઇમુ, પેગ્વીન, વાલરસ, ચીલ, ડોલ્ફિન કેમ નથી? શું હિન્દુધર્મના દેવી-દેવતા ડાયનાસોર કાળ પછી અસ્તિવમાં આવ્યા છે? આખી પૃથ્વીમાં માત્ર ભારતને જ આટલા બધા પ્રાણીઓની જરૂર કેમ પડી?

સવાલ-43:

શું હિંદુ ધર્મ દેવીઓ કે માતાજીના મંદિરમાં વસ્ત્રો બદલવા વાળો પુરુષ પુજારી વસ્ત્રો બદલે તે ઠીક કહેવાય? માતાજી અને દેવીઓની મૂર્તિઓના વસ્ત્રો બદલવા માટે મહિલા પુજારીઓ કેમ નથી?

સવાલ-44:

શું હિંદુ ધર્મમાં ડાયવોર્સ કે તલાક કે છૂટાછેડાની શાસ્ત્રાર્થ જોગવાઇ છે ખરી? જો ‘‘ના’’ તો પછી હિંદુધર્મનો ઠેકો લઇને ફરનારા એક કથાકારે પોતાની પત્નિને ડાયવોર્સ કે તલાક પેટે ૩ કરોડ આપીને તલાક કેમ લીધા? ડાયવોર્સ કે તલાક એ તો વિદેશી વિધર્મીઓની જીવન પધ્ધતિ છે. તો શું એ કથાકાર જેવા લોકો શુધ્ધ હિંદુ કહેવાય ખરા?

ઉપરનાં મારા 44 સવાલો સનાતન/હિંદુધર્મનો ઠેકો કે ડાંડો લઇને ફરનારા કેટલાક લોકોને પૂછ્યા છે!! એમનામાં તાકત હોય તો જવાબ આપે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

― લી. યુગો યુગોથી સ્વભૂમિનાં ગૃહશત્રૂઓનાં અનેક વિવિધ અત્યાચાર સહન કરનાર એક ભારતીય ધર્મનો અનુયાયી!!

✍️ અભિગમ મૌર્ય

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. Chavda manish says:

    ૧ પોઈન્ટ રહી ગયો…
    હિન્દુ ધર્મને માનનારા દલિતોને… વરઘોડો ન કાઢવા દેવો..

Leave a Reply

Your email address will not be published.