જાણો પ્રાથમિક શિક્ષણમાં કેવા-કેવા સુધારા કરવાની જરૂર છે

Wjatsapp
Telegram

પ્રવર્તમાન શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ: યોગ્યતા અને આવશ્યક સુધારા

શિક્ષણરૂપી ઈમારતના પાયામાં પ્રાથમિક શિક્ષણ છે. એ ઈમારતની દીવાલો માધ્યમિક શિક્ષણ છે, ત્યારે પાયાની મજબૂતી અને ટકાઉ માટે અસરકારક મૂલ્યાંકન પદ્ધતિ એટલી જ આવશ્યક બની રહે છે.

સાંપ્રત સમયમાં બદલાતા યુગમાં 21મી સદીનું પ્રાથમિક શિક્ષણ કેવા પ્રકારનું હોવું જોઇએ એ સાથે શિક્ષણની ગુણવત્તા બાબતે સતત ચિંતન, મનોમંથન થતું રહ્યું છે. કહેવાય છે કે શિક્ષણ એ સમાજ પરિવર્તનની ધરી છે અને શિક્ષક પરિવર્તનનો પરિવ્રાજક છે. સમાજ પરિવર્તન માટે શિક્ષણ એ પાયાની ઇંટ બને છે. શિક્ષણનું અભિન્ન અંગ એટલે મૂલ્યાંકન. મૂલ્યાકન શિક્ષણ પદ્ધતિઓ પર નિર્ભર રહે છે. બદલાતી શિક્ષણની પદ્ધતિઓ સાથે મૂલ્યાંકન પદ્ધતિ પણ એટલી જ આવશ્યક છે. મૂલ્યાંકન શિક્ષણનું યોગ્ય પદ્ધતિથી મૂલ્યાંકન ના થાય તો એ શિક્ષણનો અર્થ સરતો નથી.મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે.મૂલ્યાંકન કરવાથી બાળકના પુરા વ્યક્તિત્વનો અને બૌદ્ધિક શક્તિઓનો ખ્યાલ આવતો હોય છે.

ગ્રાઉન્ડ લેન્ડ કહે છે તે મુજબ ‘શૈક્ષણિક ધ્યેયો વિદ્યાર્થીઓ પક્ષે કેટલે અંશે સિદ્ધ થયાં તે જાણવાની પદ્ધતિસરની પ્રક્રિયાને મૂલ્યાંકન તરીકે ઓળખાવી શકાય’

હાલમાં 2014થી પ્રાથમિક શિક્ષણમાં ચાલતી મૂલ્યાંકન પદ્ધતિ તે ‘શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન’ પદ્ધતિ છે. જે RTE ની જોગવાઈ મુજબ રાજ્યમાં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના માધ્યમથી ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક,સામાજિક,બૌદ્ધિક અને શારીરિક એમ સર્વગ્રાહી વિકાસ કરવાનો મુખ્ય હેતુ ધરાવે છે જેમાં રચનાત્મક મૂલ્યાંકન, સત્રાંત મૂલ્યાંકન, સ્વ-અધ્યન કાર્ય, ગ્રેડિંગ પદ્ધતિ, વિષવાર અધ્યયન ઉપલબ્ધિઓ તેમજ પત્રક- A,B,C,D,E,F મુજબ મૌખિક,લેખિત અને ક્રિયાત્મક કસોટીઓ લઈ આ પદ્ધતિએ મૂલ્યાંકન કરવાનું રહે છે.આ મૂલ્યાંકન સરળ અને વ્યવહારું છે.જેમાં બાળકના સર્વાંગી વિકાસની જાણકારી મેળવવા હેતુ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.જેમાં આગળ જતાં વર્ષ 2016-2017થી અધ્યયન ઉપલબ્ધિઓ/ક્ષમતાઓની જગ્યાએ અધ્યયન નિષ્પત્તિઓ ઉમેરવામાં આવી.હવે ક્ષમતા ક્રમાંકને અધ્યયન નિષ્પત્તિ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે.

મૂલ્યાંકન બાબતે સમયાંતરે સુધારા થતા રહેતા હોય છે છતાં તેને અવરોધો નડતા રહે છે.મૂલ્યાંકન પદ્ધતિ બાબતે શિક્ષકોમાં જે સવાલો,સમસ્યાઓ,આંટીઘૂંટીઓ અવરોધો આવે છે તેની અને તે સાથે તેના સુધારાની વાત કરીએ જે સુધારા શિક્ષકો અનુભવે છે:

પ્રાથમિક શિક્ષણની મૂલ્યાંકન પદ્ધતિના અવરોધો અને સુધારાઓ:

પત્રક –A (રચનાત્મક મૂલ્યાંકન) ની જરૂર છે.જે વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે પરંતુ આ રચનાત્મક મૂલ્યાંકન જે તે શિક્ષક સમય દરમિયાન કરતો હોય છે. પરંતુ સમય અભાવે ઘણીવાર રહી જતું હોય છે.જેથી પત્રકમાં પાછળથી ટીકમાર્ક થવાને લીધે બાળકનું જે તે સમયે સાચું મૂલ્યાંકન થતું નથી.ઘણીવાર શિક્ષક આ મૂલ્યાંકનમાં ખોટું કરવા તરફ દોરાય છે.

ગ્રેડિંગ પદ્ધતિમાં જે બાળકોએ જુદા જુદા ધોરણમાં કે વિષયમાં મેળવેલ સિદ્ધિને સાંકેતિક સ્વરૂપે દર્શાવવામાં આવે છે.જેમાં માર્ક મૂકવામાં આવતા નથી જેના કારણે એક માર્ક ઓછો આવવાના કારણે જે બાળકને ‘A’ આવવાના બદલે ‘B’ ગ્રેડ આવે છે તેના પર માનસિક અસર વર્તાય છે.બાળ મનોવિજ્ઞાનને ધ્યાને લેવું જોઈએ એમ જરૂરી લાગે છે.

પ્રાથમિક કક્ષાએથી જે પ્રકારનું મૂલ્યાંકન થાય છે તેનું ઉપરની કક્ષાની મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર હોવાથી જોડાણ ઓછું થતું જોવા મળે છે.જેથી મૂલ્યાંકનની અસરકારકતા તૂટતી જોવા મળે છે.

રચનાત્મક મૂલ્યાંકનમાં જે બાળક નિયમિત આવે છે એની ક્ષમતા સિદ્ધ થતાં ટીક કરી દીધી ત્યાર બાદ એ બાળક કોઈ કારણોસર અનિયમિત થઈ જાય, વાલીસંપર્ક કરવા છતાં તેમાં શિક્ષક સફળ ન થાય. અંતે ઘણા દિવસોએ બાળક શાળામાં આવે છે ત્યારે એ બાળક આગળનું ભણેલું ભૂલી ગયો હોય છે એ સમયે રચનાત્મકમાં ટીક કરેલું ખોટું સાબિત થાય છે.શિક્ષક માટે ફરી એ બાળકને પુનરાવર્તન કરી મુખ્ય ધારામાં લાવવા સમય માંગી લે છે એવું અનુભવાય છે.

ધોરણ 1 થી 8 તમામમાં નાપાસ સિસ્ટમ ફરી દાખલ કરવી જોઈએ તેમ લાગે છે કેમ કે 100 % પાસ કરવાના કારણે ક્ચાસવાળા બાળકો ઉપલા ધોરણમાં ચડે છે.જેના કારણે એ ક્ચાસવાળા બાળકો ઉપલા ધોરણના અભ્યાસક્રમ સાથે તાલ મિલાવી શકતા નથી.અહીં બાળહિતમાં મૂલ્યાંકનમાં ફેરફાર કરવા યોગ્ય લાગે છે.

પ્રજ્ઞા અભિગમનું મૂલ્યાંકન અલગ છે,તેની મેથડ પણ જુદી છે આવા સમયે મોટા ભાગના શિક્ષકોની એ રાય છે કે જૂની પદ્ધતિ બરાબર છે. તેમને એ રીતે ભણાવવા દેવામાં આવે અને એ આધારે મૂલ્યાંકન થાય એવું એ શિક્ષકોનું માનવું છે.

ઘણીવાર આમ પણ કરવું જોઈએ કે જો બાળકને ઉપરના ધોરણમાં આવ્યા છતાં વાંચન લેખન ગણન નથી આવડતું તો, આ જ બાળકોના આગળના વર્ષોના પ્રોગ્રેસ રિપોર્ટ /રચનાત્મક મૂલ્યાંકન/પરિણામ પત્રક અને શક્ય હોય તો પરીક્ષાના પેપરો તપાસવામાં આવે જેથી બાળકના વિકાસનું સત્ય જાણી શકાય અને એનો ઉપાય કરી શકાય.

પ્રાચીન કાળથી આપણી શિક્ષણ પ્રણાલી અને સમાજમાં મૂલ્યાંકન પ્રથા જોવા મળે છે.મૂલ્યાંકન માનવજીવન સાથે તાણાવાણાની જેમ ગૂંથાયેલું છે.સૌ પ્રથમ લેખિત પરીક્ષા ઈ.સ.પૂર્વે 2250માં ચીનમાં શરૂ થઈ હતી. ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં મૌખિક પરીક્ષાનું સ્થાન લેખિત પરીક્ષાઓએ લીધું.

ઈ.સ.1957 માં અમેરિકન મૂલ્યાંકનકાર બેન્ઝામિન એસ. બ્લૂમ ભારત આવ્યા અને તેમણે ભારતમાં બ્લૂમ ટેક્સોનોમી પ્રમાણે પરીક્ષાના જ્ઞાનાત્મક,ભાવનાત્મક અને ક્રિયાત્મક પાસાંઓને ધ્યાનમાં રાખીને લેખિત પરીક્ષા વધુ હેતુલક્ષી બને તે માટેના પ્રયાસોનો જુવાળ ઊભો થયો.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

નોંધ:-આ કોઈ ટીકા નથી પરંતુ શિક્ષણ હિતમાં સુધારાત્મક અને હકારાત્મક ઉદ્દેશથી શિક્ષકોના વિચાર લખેલ છે.

સંદર્ભ સાહિત્ય:

(1) શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન-GCERT
(2) અધ્યયન નિષ્પત્તિઓ-GCERT
(3) પ્રાથમિક શિક્ષણના અવરોધક પ્રશ્નો -ડૉ.અંજનીબહેન મહેતા
(4) શિક્ષણના પ્રવાહો-મોતીભાઈ મ.પટેલ
(5) શિક્ષણના સાંપ્રત પ્રવાહો- મોતીભાઈ મ.પટેલ
(6) શિક્ષણ અને સામાજિક સંદર્ભ-ડૉ.બળવંત જાની

✍️ પ્રવીણસિંહ ખાંટ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.