મને શ્વાસ લેવા દો

બ્રધર જ્યોર્જ ફલોઇડ,
તારા મોત પર અશ્રુભિની અંજલિ અર્પુ છું. હું શ્વેત નથી કે નથી અશ્વેત. હું એક ભારતીય શુદ્ર છું. તારી જેમ ચામડીનો રંગ મને જુદો નથી પાડતો. છતાંય અનવોન્ટેડ છું મારા દેશમાં. મને જુદો પાડે છે દેશમાં ખદબદતો જાતિવાદ. જાતિવાદમાં રખરખતી અનટચેબિલિટી. તને જેમ પળેપળ રંગભેદ કનડે છે. એમ મને રોજેરોજ અનટચેબલ જાતિભેદ કનડે છે. અત્યાચાર એની હદ ઓળંગે ત્યારે, એક અવાજે ઊભું છે અમેરિકા તારી પડખે ને હું એકલો ઊભો છું અહીં અત્યાચારની આગમાં. નથી ગુનેગાર, નથી આતંકવાદી કે નથી હું દેશદ્રોહી. મારું બધું જ છીનવી ગામ બહાર ધકેલી મૂકાયેલો અછૂત ભારતીય છું. વૈદિક શાસ્ત્રોએ સદાકાળ તિરસ્કૃત કરેલો અછૂત ભારતીય. ના બોલી શકું, ના ચાલી શકું, ના સાંભળી શકું. તારા ન્યાય માટે અમેરિકા આખું નીકળે છે, અમેરિકા બોલે છે, અમેરિકા સાંભળે છે. તારું મોત છાપાની હેડ લાઈન બની શકે, બ્રેકિંગ ન્યૂઝ બને છે ટીવીમાં ને અહીં મારા મોતની નોંધ સુધ્ધા નથી લેવાતી. મારી છાતીમાં ગોળી ધરબી દેનારાના હાથ એટલા મજબૂત છે કે એનું કોઈ કંઈ ઉખાડી નથી લેતું. મો વકાસી, જોયા કરે છે ટોળાઓ, મારા અર્ધનગ્ન શરીર પર વિંઝાતી લાઠીઓ ને બળાત્કાર કરી લટકાવી દીધેલ દલિત દીકરીની FIR પણ નથી નોંધાતી સરકારી આદેશ વગર. તને આવી માહિતી નહીં મળે ભારતીય ડાયવર્સિટીમાં, તું સમજી શકે છે મારી હાલત.
બ્રધર જ્યોર્જ ફલોઇડ,
શ્વેત લોકો તારી પડખે ઊભા છે. મારા દેશમાં સવર્ણ લોકો કદી શ્વેત નથી બની શકતા. તારી જેમ હું મુક્ત રહી શકું એવું નથી અહીં. અહીં બધું અલગ-અલગ છે. પોત-પોતાના વાડા છે, વાડામાં વાડા છે, વાડામાં રિવાજ છે. રિવાજના વાડામાં મારો પ્રવેશ નિષેધ છે.
પણ,
એક વાતે બધા એક છે, અનટચેબિલીટી અને અનામત માટે. અનામત લેનારાને પણ મારી અનામત નડે છે. જેણે મારા કાનમાં ધગધગતું સીસું રેડ્યું હતું, એને મારી અનામત નડે છે. જેણે મારી જીભ કાપી લીધી હતી, એને મારી અનામત નડે છે. જેણે મારી કેડે ઝાંખરા બંધાવ્યા હતા, એને મારી અનામત નડે છે.
બ્રધર જ્યોર્જ ફલોઇડ,
તારા મોતની કણસતી પીડા મને થઈ રહી છે. I can’t breathe ઓફિસર, Please હું મરી જઈશ, મને શ્વાસ લેવા દો.
એક એક વાક્ય જો આપડા દેશ ના નાગરિકો સમજી જાય તો પન આપ્દો દેશ બોવ આગળ આવી શેક છે પન અમેરિકા કરતા પન આપડા દેશ મા ખુબજ ખરાબ દશા છે તેમ છતા લોકો સમજતા નથી
દેશ મા કોઈ પન જાતિ નો બાળક હોય જન્મે અને મૃત્યુ પામે ત્યા સુધી લડતો જ આવ્યો છે
દોસ્ત મને એટલી ખબર છે
જે લોકો આવુ કૃત્ય કરે છે (ભેદ ભાવ) એમને એક દીવસ ખુદ ને આ અપમાન સહન કરવા કે પ્રેક્ટિકલ કરવુ જોઇયે ઘણુ બધુ સમજાય જાસે