એક વ્યક્તિમાં અનેક વ્યક્તિઓ જીવતી હોય છે

એક વ્યક્તિમાં અનેક વ્યક્તિઓ જીવતી હોય છે. એટલે કે, માણસનું વ્યક્તિત્વ કોઈ એક પ્રસંગ પૂરતા એના વર્તન ઉપર નક્કી કરીને જે-તે માણસની સંપૂર્ણ ઇમેજને બાંધી ના શકાય. કોઈ બે વ્યક્તિના ચિત્રને શબ્દોમાં ઉતારીએ એનો અર્થ જે-તે શબ્દો એ ચિત્રનું રેંખાંકીત કરવા પૂરતા જ છે નહિ કે એમાં રહેલા વ્યક્તિઓનું વ્યક્તિત્વ બતાવવા.
કોઈ એક પરિણીત જોડું જયારે મસ્ત રોમેન્ટિક માહોલમાં સાથે બેસીને એક બોટલમાં બે સ્ટ્રો લગાવી સહિયારી ભાગીદારીથી કોલ્ડ ડ્રિન્ક પીતા હોય અને એમના આ વ્હાલને આપણે કેમેરામાં કંડારીએ, પછી મગજમાં ઉપસી આવેલ ચિત્રનું રેખાંકન શબ્દોમાં કરીએ તો ઓબવ્યસલી શબ્દે શબ્દે વ્હાલ ઉભરાતો હોય.
આ જ જોડું બીજી કોઈ ક્રિયા જેમકે ચંપલ કે બુટ પહેરીને ઘરમાં ઘુસી જવા બાબતે કે પોતું માર્યા પછી અંદર ચાલીને મહા મહેનતે સ્વચ્છ કરેલ ભોંયતળિયા ઉપર પગલાં પાડવા બાબતે ઝગડતુ હોય તો એવા ચિત્રમાં સ્વામિત્વ સાથે મીઠી તકરાર કે તીખી નોકજોક પણ ઉતારવી પડે. અહીં માહોલ અને વ્યવહાર બદલાય છે. કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સબંધ દરેક જગ્યાએ સમાન રીતે લેવાનો નથી હોતો.
વિશ્વાસ તૂટવો, દગો થવો, બેવફાઈનો શિકાર બનવું આવા સંજોગોને શબ્દોમાં ઉતારતા વ્હાલ કે મીઠી નોકજોકને ક્યાંય જગ્યા નથી મળતી. અહીં શરૂ થાય છે ધિક્કાર, પસ્તાવો, અણગમો, ભાવનાઓનું અપમાન, છેતરાયાનો એહસાસ.
જયારે તમે કોઈ ચિત્રને શબ્દોમાં ઉતારો છો તો એ ચિત્ર પૂરતું જે-તે ચિત્રમાં રહેલા કેરેક્ટરને રજુ કરો છો. એનો અર્થ એ કે કોઈ એક વ્યવહાર પૂરતું થયેલું રેખાંકન એનું સંપૂર્ણ જીવન ચરિત્ર નથી જ.