ફક્ત નેતા નથી વેચાતો, સાથે સાથે સમાજ પણ વેચાય છે

ગુજરાત અને કેન્દ્રમાં 5 વર્ષ કુશાસન ચલાવ્યા બાદ લોકસભા ચૂંટણી જીતવા ભાજપે કોંગ્રેસીઓને સાધવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના એક પછી એક નવા-જુના એમ બધા જ નેતાઓને ભાજપમાં જોડવાનું ચાલુ કર્યું છે.
આ નેતાઓ કોંગ્રેસમાં હતા ત્યારે જીતતા હતા અને બીજેપીમાં જોડાયા પછી પણ જીતે છે. આ બતાવે છે કે પ્રજાને પક્ષ, વિચારધારા કે શાસન (અહીં કુશાસન) સાથે કોઈ લેવાદેવા નથી પણ ફક્ત પોતાના સમાજના નેતા સાથે જ લેવા દેવા છે. જે આપણે માનનીય બાવળીયાજીના કેસમાં જોયું અને માનનીય જવાહરજીના કેસમાં આગળ પણ જોઈશું જ. કોઈએ શરમાવા જેવું નથી ભારતમાં બધે આવું જ ચાલે છે. સમાજને ફક્ત પોતાના સમાજના નેતાથી મતલબ છે, પક્ષ, વિચારધારા કે પોતાના પ્રશ્નોથી કોઈ લેવા દેવા નથી.
એટલે ગુજરાતની પ્રજા જાતિ જોઈને વોટ આપે છે એ તો સ્પષ્ટ છે. પણ, પોતાના દુઃખ, તકલીફો, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ભરતી કૌંભાંડો, ફિક્સ પે-આઉટ સોર્સ-કોન્ટ્રેક્ટ, વિગેરે જેવા સળગતા મુદ્દાઓને પણ જરા સરખું પ્રાથમિકતા આપતી નથી, એ કેટલું ખરાબ કહેવાય? સમાજ પ્રથમ અને દેશ ગયો ….. પોતાની અને પોતાના પરિવારની તકલીફો ગઈ ….
આજે દરેક સમાજના કદાવર નેતાઓ પર ભાજપ-કોંગ્રેસની મીટ મંડાયેલી છે. અને તેમને સાચવવા શક્ય તેટલું બધું કરી રહ્યા છે. આ જ લોકો સમાજના વોટ લઈ આવે છે. અને સમાજની વફાદારી જે તે નેતા સાથે જ છે પાર્ટી કે વિચારધારા સાથે નથી, એ પણ હવે સર્વવિદિત છે. તો કોઈ પાર્ટી સત્તા મળતા, પેલા નેતાને સાચવશે કે તેના સમાજને? તમે જાતે વિચારી જુઓ. અને આ સમાજનો નેતા ફક્ત પોતાના સમાજનું જ કામ કરશે કે આખા મતવિસ્તારનું? એ પણ વિચારી જો જો.
દેશપ્રેમ, રાષ્ટ્રવાદ, હું ગુજરાતી આ બધું ચૂંટણી નજીક આવતા જ હવા થઈ જાય છે અને “મારો સમાજ ડોટ કોમ” એક જ મુદ્દો ચાલે છે.
આ પ્રજા કે જે એક દેશમાં અલગ અલગ દેશ તરીકે વર્તે છે તેનું ભલું પછી કોણ કરે!!
એક દલિત ધારાસભ્ય કે જેને “મવાલી” અને “સ્ટંટબાજ” જેવા શબ્દોથી નવજતા લોકો પણ ચૂંટણી નજીક દેખાતા, આ જ “મવાલી” અને આ જ “સ્ટંટબાજ”ને સાથ આપવાની વાત કરી રહ્યા છે. તો આપણે શું સમજવું? આ લોકો પહેલા ખોટા હતા કે આજે ખોટા છે? આમાં બાબાસાહેબની કે માન્યવર કાંશીરામસાહેબની વિચારધારા ક્યાં આવી? (ચૂંટણી જીત્યા પછી પેલો દલિત ધારાસભ્ય આવા દોગલા લોકો સાથે ખરાબ વર્તન ના કરે તો એ બીજું શું કરે?)
ધારો કે અલ્પેશ ઠાકોર બીજેપીમાં જોડાય તો શું તેના લાખો સમર્થક કોંગ્રેસને વોટ આપે? કે પછી જે બીજેપીએ અત્યાર સુધી અન્યાય જ કર્યો છે તેને વોટ આપશે?
આ જાતિવાદી રાજકારણમાં મરો તે સમાજનો છે જેમની સંખ્યા ચૂંટણી જીતવા પ્રભાવશાલી નથી. જે 2, 3 ટકાથી ઓછી વસ્તી છે. જે સંગઠિત સમાજ નથી. તેમને વોટબેંક પણ ગણવામાં આવતી નથી. ના તેમને લગતા કોઈ મુદ્દા ઉપાડવામાં આવે છે કે ના તેમનો અવાજ સાંભળવામાં આવે છે. જેમ કે, વિચરતી અને વિમુક્ત જાતિ, દેવીપૂજક સમાજ, બૌદ્ધ, જૈન, શીખ જેવા અલ્પ સંખ્યક, વિગેરે…
આજ સવારે ઍઝાઝ પઠાને બીજેપીનું મેમ્બર રજિસ્ટ્રેશન ફોર્મ મોકલ્યું છે. જેમાં જાતિ પ્રમાણે માહિતી ભેગી કરવામાં આવી રહી છે. એમાં ખોટું પણ શું છે? આ દેશની પ્રજા જાતિવાદી છે તો માહિતી પણ જાતિ આધારિત જ ભેગી કરાય ને! આ દેશમાં જ્યાં સુધી તમે હિંદુ છો ત્યાં સુધી જાતિનિર્મૂલન શક્ય નથી.
જાતિનો નેતા જાતિનું ભલું કરશે ત્યાં સુધી સાચા અર્થમાં લોકતંત્ર શક્ય નથી.
જે જૂજ લોકો દિવસ રાત, 24 કલાક, 365 દિવસ અને પુરા 5 વર્ષ પોતાની જાતિ કે પેટા જાતિની વાત કરે છે એ લોકો ધન્યવાદને પાત્ર છે. એ લોકો કશું છુપાવતા નથી અને પોતાના વિચારો સમય સાથે બદલતા નથી. કાયમી રહે છે. આવા લોકોનું વર્તન વિશ્વાસપાત્ર છે.
બસ! જે લોકોની નિષ્ઠા સમાજના નામે વેચાય છે, તેમનાથી આપણે બચવું રહ્યું.
નોંધ : ભાજપ કોળી, પટેલ, આહીર નેતાઓને પોતાનામાં જોડી લઈ સૌરાષ્ટ્ર જીતી શકતી હોય તો ભાજપ સરકાર સૌરાષ્ટ્રનું 5 વર્ષ ધ્યાન શુ લેવા રાખે? મહત્વનું તો ચૂંટણી જીતવી છે અને એ તમે આસાનીથી જીતાડી દો છો. સમાજના નામે…
કૌશિક શરૂઆત
Right